આઝાદ હિન્દ સરકારની ૭૫મી વર્ષગાંઠ નિમિતે ૨૧,ઓક્ટોબર ૨૦૧૮ના
રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાલકિલ્લા પર તિરંગો લહેરાવી ‘આઝાદ હિન્દ
સરકાર’ના સ્મરણાંજલી કાર્યક્રમની ઉજવણી કરી હતી.ઘણાં ઓછાં લોકોને ખ્યાલ હશે કે
આઝાદી પહેલાં હિન્દુસ્તાનની પ્રથમ કામચલાઉ સરકારનું ગઠન ૨૧,ઓક્ટોબર,૧૯૪૩ના રોજ
સિંગાપુર ખાતે કરવામાં આવેલું હતું. જેનાં પ્રથમ વડાપ્રધાન તરીકે શ્રી સુભાષચન્દ્ર
બોઝે શપથ લીધા હતાં. જર્મની, જાપાન, ફિલીપાઈન્સ, કોરિયા, ચીન, ઇટાલી, માન્ચુકો તથા
આયર્લેન્ડ જેવાં દેશોએ આઝાદ હિન્દ સરકારને માન્યતા પણ આપી દીધી હતી.આઝાદ હિન્દ
સરકારે પોતાની એક બેંક પણ ઉભી કરી હતી.જેનું નામ હતું આઝાદ હિન્દ બેંક.તેનાં
દ્વારા ૧૦ રૂપિયા થી લઇને એક લાખ રૂપિયા સુધીની ચલણી નોટ પણ બનાવવામાં આવી
હતી.આઝાદ હિન્દ સરકારે પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પડી હતી.
આઝાદ હિન્દ સરકારની પોતાની આર્મી પણ હતી જેનું નામ હતું
આઈ.એન.એ.(ઇન્ડીયન નેશનલ આર્મી) જેમાં ૮૫,૦૦૦થી વધુ સૈનિકો હતાં.આ ફૌજ બનાવવામાં
જાપાને ખુબ સહયોગ કર્યો હતો.જાપાને બંદી બનાવેલા લોકો તેમજ બર્મા,મલાયામાં રહેતા
ભારતીય સ્વયંસેવકો તથા ભારત બહાર રહેતા રાષ્ટ્રપ્રેમી લોકો આ ફૌજમાં જોડાયા હતા.આ
સૈન્યની મહિલા પાંખ પણ હતી જેનાં કેપ્ટન લક્ષ્મી સ્વામીનાથન હતાં.ઇન્ડીયન નેશનલ
આર્મીએ બર્માની સીમા પર અંગ્રેજો સામે જોરદાર લડાઈ લડી હતી.અંદાજે ૨૬૦૦૦ જેટલાં
સૈનિકોએ દેશની આઝાદી માટે શહીદ થયાં હતાં.
સૌ પ્રથમ આઝાદ હિન્દ ફૌજે ભારતના આંદામાન અને નિકોબાર
ટાપુઓને બ્રિટીશ ગુલામીમાંથી મુક્ત કર્યા અને ૩૦ ડીસેમ્બર,૧૯૪૩ના રોજ ત્યાં તિરંગો
ધ્વજ લહેરાવ્યો હતો.ત્યારબાદ આઝાદ હિન્દ ફૌજે મણીપુર પર હુમલો કરી મણીપુરને
બ્રિટીશ શાસનમાંથી આઝાદી અપાવી અને ૧૪ એપ્રિલ ૧૯૪૪ના રોજ આઈ.એન.એ.ના કર્નલ
સૌકતઅલીએ મણીપુરના મૈરાંગમાં તિરંગો ફરકાવ્યો હતો.આ સફળતા બાદ આઝાદ હિન્દ સૈન્યનો
જુસ્સો આસમાને હતો અને ‘ચલો દિલ્હી’ના નારા સાથે ફૌજ આગેકુચ કરી રહી હતી.ત્યારે
નાગાલેન્ડના કોહિમા ખાતેની લડાઈમાં અંગ્રેજો સામે હાર થઇ અને સાડા ત્રણ મહિના બાદ
ફરી મણીપુર પર બ્રિટીશરોએ કબજો કર્યો હતો.
નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજાશ્રી ચંદ્રકુમાર બોઝે તેમના
એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,જો મૈરાંગની લડાઈમાં કેટલાંક કોંગ્રેસી નેતાઓએ
બ્રિટીશ સરકારને સાથ આપ્યો ન હોત તો આઝાદ હિન્દ ફૌજ દિલ્હી સુધી પહોંચી ગઈ હોત.
સિંગાપુર સરકારનાં વિભાગ ‘નેશનલ આર્કાઇવઝ ઓફ સિંગાપુર’
દ્વારા તેમની વેબસાઈટ પર ‘હિસ્ટોરિકલ જર્ની ઓફ ઇન્ડીયન નેશનલ આર્મી’ નામથી એક
વિભાગ બનાવ્યો છે.જેમાં તે સમયના ફોટોગ્રાફ્સ,ટાઇમલાઈન તેમજ અન્ય તમામ માહિતીઓ પણ
ઉપલબ્ધ છે. https://www.nas.gov.sg/archivesonline/online_exhibit/indian_national_army/index.htm
નેતાજી સુભાષચન્દ્ર બોઝ – ‘તુમ મુજે ખૂન દો,મેં તુમ્હે
આઝાદી દુંગા’
સુભાષચન્દ્ર બોઝનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના
કટક શહેરમાં થયો હતો.તેઓ બાળપણથી જ વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા.૧૯૧૮માં તેઓએ
પ્રથમ શ્રેણી સાથે દર્શનશાસ્ત્રમાં બી.એ.પૂર્ણ કર્યું હતું.તેમના પિતાની ઈચ્છા મુજબ
તેઓ ૧૯૨૦માં આઈ.સી.એસ.ની પરીક્ષામાં ચોથા નંબર સાથે ઉતીર્ણ થયાં હતાં.પરંતુ
અંગ્રેજોને આધીન રહી કામ કરવું તેઓને મંજુર નહોતું.૨૨ એપ્રિલ ૧૯૨૧ના રોજ તેમણે આ
પદ પરથી રાજીનામું આપી દીધું હતું.૧૯૩૦ના દશકાના અંત સુધીમાં તેઓ ભારતીય રાષ્ટ્રીય
કોંગ્રેસના મુખ્ય નેતા બની ગયા હતા.
સુભાષચન્દ્ર બોઝ દેશના એ મહાનાયકોમાંના એક છે જેમણે દેશ
માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું.તેમનાં સંઘર્ષ તથા અપ્રતિમ
દેશપ્રેમના કારણે જ મહત્મા ગાંધીએ તેમને ‘દેશભક્તોથી પણ ચડિયાતા દેશભક્ત’ના
વિશેષણથી નવાજ્યા હતા.
૧૯૩૦ થી ૧૯૪૧ દરમિયાન તેમની આઝાદીની ચળવળોને કારણે ૧૧ વખત
તેઓને જેલની સજા થઇ.સૌ પ્રથમ ૧૬,જુલાઈ ૧૯૨૧ના તેઓને ૬ મહિનાના કારાવાસની સજા થઇ
હતી.૧૯૪૧માં એક કેસના સંદર્ભમાં તેમણે કલકતાની અદાલતમાં રજુ થવાનું હતું ત્યારે
તેઓ અંગ્રેજોની નજરમાંથી છટકી જર્મની જતાં રહ્યા હતા.જર્મનીમાં તેમણે હિટલર સાથે
પણ મુલાકાત કરી હતી.બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં સુભાષચન્દ્ર બોઝે
સોવિયતસંઘ,જર્મની,જાપાન સહીત ઘણાં દેશોની મુલાકાત કરી હતી.તેમની આ યાત્રાઓનો હેતુ
આ બધા દેશો સાથેનું ગઠબંધન વધુ મજબુત કરવાનો હતો.
દેશને આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા આ વીર યોધ્ધાનું
૧૮,ઓગષ્ટ ૧૯૪૫ના રોજ તાઇવાન ખાતે એક વિમાન દુર્ઘટનામાં તેમનું રહસ્યમય સંજોગોમાં
મૃત્યુ થયું હતું.
4 ટિપ્પણીઓ:
Jay hind
Jay Bharat
ખૂબ સરસ.👍👍
ભારતમાતા કી જય......
વાહ ખરેખર ખૂબ સરસ માહિતી ટુંકામાં પીરસી દીધી છે..વંદે માતરમ્...ભારત માતા કી જય
ટિપ્પણી પોસ્ટ કરો