મંગળવાર, 31 માર્ચ, 2020

એક વિચક્ષણ રાજનેતા,પ્રખર દેશભક્ત,શિક્ષણવિદ અને હિન્દુહિત રક્ષક - ડો.શ્યામાપ્રસાદ મુખરજી

માત્ર ૫૨ વર્ષના અલ્પકાલીન આયુષ્યમાં જાહેરજીવનની મહતમ ઉંચાઈઓ પર પહોંચી,પોતાના પવિત્ર જીવન,મૂલ્યનિષ્ઠ રાજનીતિ,ઉત્કૃષ્ટ રાષ્ટ્રપ્રેમ અને વિચક્ષણ બુદ્ધિક્ષમતા દ્વારા ભારતીય ઇતિહાસમાં જેમણે અમરત્વ પ્રાપ્ત કર્યું છે એવાં ડો.શ્યામાપ્રસાદ મુખરજીનો જન્મ ૬ જુલાઈ ૧૯૦૧ના કલકતામાં થયો હતો.’બંગાળ ટાઈગર’ના નામે સુવિખ્યાત મહાન શિક્ષણશાસ્ત્રી સર આશુતોષ મુખરજીના પુત્ર ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ તેમના જાહેર જીવનનો પ્રારંભ એક શિક્ષણવિદ તથા વકીલના રૂપમાં કર્યો હતો.

કલકતા યુનીવર્સીટીમાં સર્વોચ્ચ સ્થાન સાથે ઉતીર્ણ થયા બાદ તેઓએ કાયદાનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ બેરિસ્ટર બનવા માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા.બ્રિટનમાં જઈ તેમણે ત્યાંની યુનીવર્સીટીઓ અને તેની કાર્યપ્રણાલીઓનો પણ અભ્યાસ કર્યો.ઇંગ્લેન્ડથી પરત આવીને માત્ર ૨૩ વર્ષની ઉંમરમાં તેઓ કલકતા યુનીવર્સીટીના સીન્ડીકેટ સભ્ય પદે ચૂંટાયા હતા.માત્ર ૩૩ વર્ષની ઉંમરમાં તેઓ કલકતા યુનીવર્સીટીના ઉપકુલપતિ બની ગયા અને ૧૯૩૪ થી ૧૯૩૮ સુધી કલકતા યુનીવર્સીટીના ઉપકુલપતિ તરીકે તેમણે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.

એન.સી.ચેટરજી(પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટરજીના પિતા),આસુતોષ લાહિડી,જસ્ટીસ મન્મથનાથ મુખરજી તથા ભારત સેવાશ્રમ સંઘના સંસ્થાપક સ્વામી પ્રણવાનંદ મહારાજની પ્રેરણાથી ડો.શ્યામાપ્રસાદ મુખરજી સક્રિય રાજનીતિમાં જોડાયા.પરંતુ તે સમય બંગાળની રાજનીતિનો બહુ કઠીન સમય હતો.કોંગ્રેસ બંગાળમાં બહુ મજબુત હતી પરંતુ મુસ્લિમલીગના દબાવમાં આવી કોંગ્રેસ હિંદુ અધિકારો બાબતે કંઈ બોલવા પણ તૈયાર નહોતી.

૧૯૩૯માં અખીલ ભારતીય હિંદુ મહાસભાના નેતા વિનાયક દામોદર સાવરકર(વીર સાવરકર) બંગાળ આવ્યા હતા.તે સમયે ડો.મુખરજી ફજલુલ હકના નેતૃત્વમાં ચાલી રહેલી ‘કૃષક પ્રજા પાર્ટી’ના સમર્થક હતા.ત્યારબાદ બંગાળમાં મુસ્લિમલીગ અને કૃષક પ્રજા પાર્ટીની ગઠબંધન સરકાર રચાઈ હતી.ગઠબંધન સરકાર બન્યા બાદ બંગાળમાં મુસ્લિમોના હિત માટેના અને હિંદુઓ વિરુદ્ધના એક પછી એક કડક કાયદાઓ અમલમાં લાવવાનો દૌર શરુ થયો હતો.આ બધાંથી વ્યથિત થઇ હિંદુહિતની રક્ષા માટે ડો.મુખરજી હિંદુ મહાસભામાં જોડાયા અને બંગાળની સક્રિય રાજનીતિમાં પ્રવેશ કર્યો.હિંદુ મહાસભામાં જોડાયા બાદ પ્રથમ વર્ષમાં જ તેઓએ સમગ્ર બંગાળનો પ્રવાસ કર્યો અને હિન્દુઓને તેમનાં મતભેદો ભૂલી એક થવા આહ્વાન કર્યું.તેમનાં ઉર્જાવાન નેતૃત્વને કારણે બંગાળની હિંદુ મહાસભામાં નવા પ્રાણ ફૂંકાયા અને પાર્ટી એકજુથ બની.

૧૯૪૦માં ડો.મુખરજીને હિંદુ મહાસભાના રાષ્ટ્રીય કાર્યવાહક અધ્યક્ષ બનાવામાં આવ્યા હતા.તે દરમિયાન તેઓએ દેશવ્યાપી પ્રવાસ દ્વારા જન-જન સુધી પહોંચવાનું શરુ કર્યું.આ પ્રક્રિયામાં તેઓ ખુબ ઝડપથી રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરી આવ્યા હતા.તેઓ સમગ્ર દેશનાં હિંદુઓ માટે પ્રેરણા અને આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા.પોતાની સંગઠનાત્મક કુશળતા,ઉદેશ્ય પ્રત્યેની પ્રતિબધ્ધતા તથા વકૃત્વશક્તિને લીધે તેઓ ભારતમાં ખુબ લોકપ્રિય બની ગયા હતા.૧૯૪૦ના વર્ષમાં તેઓએ લાહોરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે ‘‘ભારત ઉપર ઘેરાયેલાં અસમાનતા અને ગુલામીના વાદળો વચ્ચે હું આ સંગઠનને આશાના એક કિરણ તરીકે જોઈ રહ્યો છું.’’


ડો.મુખરજીએ બંગાળની મુસ્લિમલીગ સરકારની ભયાનક નીતિઓ વિરુદ્ધની લડાઈને આગળ વધારતા તેમનાં વાંધાજનક વિધેયકોનો વિધાનસભા સદનમાં અને સદનની બહાર જોરદાર વિરોધ કર્યો અને સફળતા મેળવી.
ડો.મુખરજીએ બંગાળમાં તેમની રાજનૈતિક કુનેહથી કૃષક પ્રજા પાર્ટી કે જે મુસ્લિમલીગની સહયોગી પાર્ટી હતી તેને મુસ્લિમલીગથી અલગ કરી અને હિંદુ મહાસભા અને કોંગ્રેસના ગઠબંધનમાં ફ્જલુલહકના નેતૃત્વમાં નવી સરકાર બનાવી અને તેઓએ તે સરકારના કેબીનેટમંત્રી તરીકે સમગ્ર બંગાળમાં ખુબ લોકચાહના મેળવી હતી.
૧૯૪૨માં બંગાળના મદીનાપુરમાં ભયાનક વાવાઝોડું-તોફાન આવ્યું હતું તે સમયે આફતગ્રસ્ત લોકોને બ્રિટીશ સરકારે તો કંઈ મદદ ના કરી પરંતુ ડો.મુખરજી તથા તેમનાં મંત્રીમંડળને પણ મદદરૂપ થતાં અટકાવ્યા હતા.તેનાંથી વ્યથિત થઇ ડો.મુખરજીએ ૧૬,નવેમ્બર ૧૯૪૨ના રોજ બંગાળના ગવર્નરને પોતાનું રાજીનામું આપ્યું અને તેઓ પૂરપીડીતોની વચ્ચે સેવાકાર્યમાં લાગી ગયા.
આ દરમિયાન અંગ્રજોએ ધર્મના આધારે ભારતના ભાગલા કરવાના ક્રિપ્સ પ્રસ્તાવને પુનઃ અમલમાં લાવવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ કરી દીધો હતો.મુસ્લિમ લીગે પણ આ પ્રસ્તાવને આધારે મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાની માંગ તેજ કરી હતી.કોંગ્રેસ પાર્ટીની પણ આ મામલે મુકસંમતિ હતી.મુસ્લિમલીગ સંપૂર્ણ પંજાબ અને બંગાળ પાકિસ્તાનમાં ભેળવવા માંગતી હતી.તેનાં માટે મુસ્લિમલીગે બંગાળમાંથી હિન્દુઓને બહાર ધકેલવાના બદઈરાદાથી હિંદુ બહુમતીવાળા વિસ્તારોમાં દંગા,મારપીટ અને લુંટફાટ ચાલુ કરાવી દીધી હતી.તે વખતે ડો.મુખરજી દ્વારા રચિત હિન્દુસ્તાન નેશનલ ગાર્ડ નામના સંગઠનના સ્વયંસેવકો અને જાગૃત હિંદુઓએ ડો.મુખરજીના નેતૃત્વમાં મુસ્લિમલીગના આતતાયીઓનો મજબુત સામનો કર્યો અને બંગાળને હિન્દુમુક્ત બનવવાની મુસ્લિમલીગની યોજનાને અસફળ બનાવી.ડો.મુખરજીએ મુસ્લિમલીગની કુટનીતિની ગંભીરતા સમજીને તાત્કાલિક નિર્ણય લીધો કે બંગાળના હિંદુ બહુમતી ધરવતા પશ્ચિમ ભાગને મુસ્લિમ બહુમતી ધરાવતા પૂર્વીય ભાગથી અલગ કરી દેવામાં આવે. તે જ રીતે પંજાબમાં પણ કર્યું.કારણ કે તેમનું દ્રઢપણે માનવું હતું કે વિભાજન બાદ જો આ બંને પ્રદેશ પૂર્ણરૂપે પાકિસ્તાનમાં ગયા તો ભવિષ્યમાં ત્યાંના હિન્દુઓનું અસ્તિત્વ સંપૂર્ણ ખતમ થઇ જશે.ડો.મુખરજીના પ્રયાસોથી આ મુદ્દો જનઆંદોલન બની ગયો અને બ્રિટીશ સરકારે બંગાળ અને પંજાબનું આ પ્રમાણે વિભાજન કરવું પડ્યું.જો તે વખતે ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ પૂરી તાકાત અને નિષ્ઠાથી સંઘર્ષ ના કર્યો હોત તો આજનું પશ્ચિમ બંગાળ અને પંજાબ ભારતના નકશામાં ના હોત.

2 ટિપ્પણીઓ:

Rajkotkhabar કહ્યું...

Khubaj Sarah..

YADUNANDANI કહ્યું...

ખૂબ સુંદર માહિતી સભર લેખ બદલ ધન્યવાદ.