ગુરુવાર, 24 ઑક્ટોબર, 2013

ઘસાતો રુપીયો,મંદીનો માહોલઃNRI માટે ભારતમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય.રોકાણ માટે બેસ્ટઃપ્રોપર્ટી,બેંક ડીપોઝીટ અને શેર.

ભારતનું અર્થતંત્ર હાલ મંદીનાં દૌરમાંથી પસાર થઈ રહ્યું છે.ભારતીય રુપિયો ડોલર સામે ખાસ્સો ઘસાઈ ગયો છે.આ સમાચાર આમ તો ભારતીયો માટે દુઃખ નાં સમાચાર છે પરંતુ વિદેશમાં રહેતા લાખો ભારતીયો અને તેમનાં ભારતમાં રહેતાં સગા-વ્હાલાંઓ માટે આ સમાચાર આનંદદાયક કહી શકાય કારણ કે વિદેશમાં કમાયેલાં ડોલરને જ્યારે તેઓ ભારતીય રુપિયામાં રુપાંતર કરશે ત્યારે ઘસાયેલા રુપિયાને લીધે તેઓને પહેલાંની સરખામણીએ ખુબ વધારે રુપીયા મળશે.૧૯૯૪-૯૫ આસપાસ એક ડોલરનાં ૪૫ રુપિયા મળતા હતાં તે હાલમાં ૬૦-૬૨ રુપિયા એ પહોંચી ગયો છે.વર્લ્ડ બેંકનાં રીપોર્ટ મુજબ આ વર્ષે NRI લોકો વધુ ને વધુ ડોલર ભારતમાં ઠાલવશે. તેનાં અંદાજ પ્રમાણે ૭૧ બીલીયન ડોલર ભારતમાં ઠલવાશે તેમજ ગેરકાયદેસર રીતે આવશે તે અલગ.

જો તમે પણ NRI હો અને ભારતમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો આ સમય તમારાં માટે શુભ છે.કારણ કે ભારત હાલ મંદીનાં માહોલમાં છે અને આવનારી ૨૦૧૪ લોકસભાની ચુંટણી બાદનાં સતા પરીવર્તનને લીધે ભારતનાં અર્થતંત્રમાં ૨૦૧૪ નાં અંતથી જોરદાર તેજીનો પવન ફુંકાવાનો છે.આવા સંજોગોમાં NRI માટે ભારતમાં રોકાણ કરવા માટે રીયલ એસ્ટેટ,બેંક ડીપોઝીટ અને શેર માર્કેટ શ્રેષ્ઠ રોકાણ સાધનો સાબીત થઈ શકે તેમ છે.

રીયલ એસ્ટૅટમાં રોકાણ

હાલ છેલ્લાં ત્રણ વર્ષથી ભારતનાં પ્રોપર્ટી માર્કેટ માં મંદીનો માહોલ છે.આગઝરતી તેજી બાદનો આ સમય પ્રોપર્ટી માર્કેટ માટે કરેક્શનનો સમય છે એવું કહી શકાય.મિલ્કતોનાં ભાવ આસમાને આંબીને હવે ફરીથી ધરતી તરફ આવતાં જાય છે.ભારતનાં રીયલ એસ્ટેટ્માં રોકાણ કરવા માટેનો આ સમય શ્રેષ્ઠ કહી શકાય કારણ કે દરેક શહેરમાં આજે મિલ્કતો તેનાં ખુબ વ્યાજબી ભાવે મળતી થઈ છે.મિલ્કતની ખરીદી કરતાં પહેલાં સ્થળની યોગ્ય પસંદગી,તેની બજાર કીંમત તેમજ તેની કાયદેસરતા બાબતે અભ્યાસ કરવો ખુબ જ જરુરી છે.રિયલ એસ્ટેટનાં રોકાણોમાં તરલતા ખુબ જ ઓછી હોય છે તેમજ ઉંચા વળતર માટે લાંબા સમય માટે રાહ જોવી પડતી હોય છે.દસ વર્ષનાં સમયગાળામાં સામાન્ય સંજોગો માં રીયલ એસ્ટેટ નું રોકાણ અંદાજે વાર્ષીક ૧૨ થી ૧૫ ટકાનું વળતર આપે છે.આ બધી બાબતો ને ધ્યાનમાં રાખી ને ભારતમાં રીયલ એસ્ટેટમાં રોકાણ કરી શકાય.

બેંક ડીપોઝીટમાં રોકાણ

ભારતમાં વધતાં ફુગાવાને કાબુમાં રાખવાનાં સરકારનાં પ્રયત્નોનાં ભાગરુપે બેંક ડીપોઝીટનાં દરો હાલ તેનાં સૌથી ઉંચા લેવલ પર છે.NRI લોકો આવી ડીપોઝીટમાં લાંબાગાળાનું રોકાણ કરીને ઉંચા ગેરેંટેડ વ્યાજનો ફાયદો લઈ શકે છે.NRE અને NRO ડીપોઝીટમાં જુદાં જુદાં સમયગાળા માટે અંદાજે ૮.૫% થી ૯.૫% ટકા સુધીનાં વ્યાજ દરો જુદી જુદી બેંકો દ્વારાં ઓફર કરવામાં આવે છે.FCNR ડીપોઝીટમાં પણ રોકાણ કરી શકાય જેમાં ડોલરમાં ૩ થી ૪ ટકા અને ઓસ્ટ્રેલીયન ડોલરમાં ૬ થી ૭ ટકાનો વ્યાજ દર આપવામાં આવે છે.

શેર માર્કેટ્માં રોકાણ

NRI લોકો શેરમાં રોકાણ કરી ને ભારતીય કંપનીઓની વૃધ્ધીમાં ભાગીદાર બની શકે છે.શેરમાં રોકાણ એ જોખમી રોકાણોની સુચીમાં આવે છે તેમ છતાં જે લોકો જોખમ ઉઠાવીને પણ લાંબાગાળે ખુબ જ મોટો નફો કમાવવા ઈચ્છતા હોય તેવા લોકો માટે શેરમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે.હાલ છેલ્લાં ત્રણ - ચાર વર્ષથી ભારતીય શેર બજાર પણ મંદીમાં ઘેરાયેલું છે પરંતુ લાંબાગાળે ભારતીય શેર બજાર ચોક્કસપણે ઉંચુ વળતર આપી શકવાની ક્ષમતા ધરાવે છે.

ભારતીય શેરબજારમાં NRI લોકો સીધું જ રોકાણ કરી શકે છે.શેર બજારમાં રોકાણ કરવા માટે તમારાં NRE કે NRO એકાઉન્ટ ને પોર્ટફોલીયો ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ(PIS) એકાઉન્ટ તરીકે તબદીલ કરાવવું પડે છે.તમારાં આ એકાઉન્ટનાં દરેક ટ્રન્ઝેકશનનો રીપોર્ટ RBI ને મોકલવામાં આવે છે કારણ કે RBI નાં નિયમ મુજબ NRI નું રોકાણ કોઈ એક ભરતીય કંપનીમાં તે કંપનીનાં કુલ પેઈડ અપ કેપીટલ નાં ૧૦% કરતાં વધારે થવું ના જોઈએ.

શેરમાં રોકાણ કરવા માટે સેબી માન્ય બ્રોકર પાસે ડીમેટ એકાઉન્ટ અને ટ્રેડીંગ એકાઉન્ટ ખોલાવવું પડે છે અને તેને તમારાં PIS એકાઉન્ટ સાથે જોડવામાં આવે છે.ભારતીય શેર બજારમાં NRI ને ફક્ત ડિલેવરી બેઈઝ્ડ રોકાણ કરવાની જ છુટ આપવામાં આવેલી છે.તેઓ રોજે રોજ શેર ની લેં- વેંચ કરી શક્તા નથી.IPO માં NRI  ને રોકાણ કરવાની છુટ છે તેનાં માટે તેઓ ને PIS એકાઉન્ટની પણ જરુર નથી તેઓ તેનાં NRE કે NRO એકાઉન્ટ દ્વારાં પણ IPO માં રોકાણ કરી શકે છે.આ ઉપરાંત ફોરેન સ્ટોક એક્સ્ચેંજમાં લીસ્ટૅડ ભારતીય કંપનીઓની અમેરીકન ડિપોઝીટરી રીસીપ્ટ(ADR) અને ગ્લોબલ ડિપોઝીટરી રીસીપ્ટ્સ(GDR)માં પણ NRI તેનાં નાણાંનું રોકાણ કરી શકે છે.

સોમવાર, 18 માર્ચ, 2013

ભારતની આર્થીક પ્રગતીનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે.

વિશ્વ કક્ષાની રેટીંગ એજન્સીઓ એ ચેતવણી આપી છે કે જો ભારત સરકાર નિતીલક્ષી નિર્ણયોમાં સક્રીયતા નહીં લાવે તો ભારતનાં ક્રેડીટ રેટીંગ ને જંક નો દરજ્જો આપી દેશે.આપણાં આર્થીક નિષ્ણાંત વડા પ્રધાનશ્રી એ આ બાબતનો પ્રતીભાવ આપતા જણાંવ્યુ હતું કે ''જો ભારતને જંક નો દરજ્જો મળશે તો અનેક પેન્શન ફંડૉ અને વિદેશી રોકાણકારો શેર બજારમાંથી અબજો રુપીયા પાછા ખેંચી લેશે તેનાં કારણે રુપીયો ડોલર સામે ૫૫ રુ.થી ઘટીને ૬૦ રુ. થઈ જશે,આયાત મોંઘી થશે અને દેશમાં ફુગાવો વધીને ૧૫% સુધી પહોંચી જશે.''મનમોહનસીંઘનાં આ બયાનમાં ખુશ થવા જેવું ફક્ત એક જ છે કે અંતે તેમણે વાસ્તવિક્તાનો સ્વીકાર તો  કર્યો.પરંતુ દુઃખની વાત એ છે કે ભારતની જનતા એ બે-બે વખત વિશ્વાસ મુકી ને કોંગ્રેસને ભારતનું સુકાન સોંપ્યું અને જે સરકારનાં વડાપ્રધાન અને નાણાંમંત્રી બંને આર્થીક બાબતો નાં નિષ્ણાંત હોવા છતાં છેલ્લાં નવ વર્ષથી દેશ ની આર્થીક પ્રગતી નો ગ્રાફ સતત નીચે જ જઈ રહ્યો છે.ભારતનો આર્થીક વૃધ્ધી દર ઘટીને ૫% થઈ ગયો જે છેલ્લાં દશકાનો સૌથી ઓછો આર્થીક વિકાસ દર છે.તેને લીધે ભારતમાં આર્થીક તકો અને રોજગારીમાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો છે.સાથે સાથે ફુગાવો પણ કુદકે ને ભુસકે વધી રહ્યો છે.તાજેતરમાં જ ભારત સરકારનાં જ એક વિભાગ નેશનલ સ્ટેટેસ્ટીકલ કમીશનનાં આંકડાઓ મુજબ ભારતમાં રીટેલ ફુગાવાનો દર વધીને ૧૦.૮૦ ટકા એ પહોંચ્યો છે અને ખાધ ફુગાવાનો દર વધીને ૧૩.૩૬ ટકા એ પહોંચ્યો છે.જેને પરીણામે મોંઘવારીએ માઝા મુકી છે.સામાન્ય અને મધ્યમ વર્ગ માટે જીવન ગુજારવું ખુબજ મુશ્કેલ થઈ ગયું છે.ગરીબ વધારે ગરીબ બનતો જાય છે.પ્લાનીંગ કમીશનનાં આંકડાઓ મુજબ ૨૦૦૨-૩ માં દેશમાં ૨૭% લોકો ગરીબી રેખા નીચે જીવતાં હતાં.જ્યારે ૨૦૧૦-૧૧ માં ૬૦% લોકો ગરીબી રેખા નીચે જીવન ગુજારે છે.દેશનાં દરેક વર્ગનાં લોકો માં સરકાર પ્રત્યે ઘોર નિરાશા વ્યાપી ગઈ છે ત્યારે છેલ્લાં છ-એક મહીનાં થી સરકાર સફાળી નીંદરમાંથી જાગી હોય તેમ અચાનક સક્રીય સુધારાવાદી વલણ અપનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે.મલ્ટી બ્રાન્ડ રીટેલ,રેલ્વે ભાડાં નો વધારો,પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં વધારો,એલ.પી.જી.ગેસ કનેક્શન અને સિલીંડરમાં કાપ,જનરલ એન્ટી એવોઇડન્સ ટેક્સનાં મુદ્દે વિદેશી રોકાણકારોનાં ભયને દુર કરવાનો પ્રયાસ,સબસીડીમાં ઘટાડો વગેરે.આ તમામ પગલાંઓ દેશની રાજકોષીય ખાધને ઘટાડવાની કવાયત રુપે લેવામાં આવી રહ્યાં છે.કારણ કે આપણાં નાણાં પ્રધાન સાહેબ તેમનાં વિદેશ પ્રવાસો માં રોકાણકારોને આ વર્ષે દેશમાં રાજકોષીય ખાધ ઘટાડીને આ વર્ષે જી.ડી.પી.નાં ૫.૩% અને આવતાં વર્ષે જી.ડી.પી.નાં ૪.૮% કરવાની ખાતરી આપી રહ્યાં છે.પરંતુ એવું લાગી રહ્યું છે કે આ તમામ પગલાંઓ અંતે દેશમાં ફરીથી મોંઘવારીને જ વેગ આપશે.રાજકોષીય ખાધ અને ચાલુ ખાતાની ખાધ ઘટાડવા માટે સરકાર પોતાનાં પ્રધાનો નાં ખર્ચાઓ પર કાપ મુકી શકે,કૌભાંડૉ માં ખવાઈ ગયેલાં નાણાં પરત લાવવાં કડક પગલાંઓ લઈ શકે,વિદેશોમાં પડેલું કાળું ધન પરત લાવી શકે,ટેક્સ ચોરી સદંતર બંધ કરાવી શકાય,ગેરકાયદેસર ખનીજ કામ બંધ કરાવી શકાય,ભ્રષ્ટાચાર નાબુદ કરાવી દેશનું ધન બચાવી શકાય,આમ,આ પ્રકારનાં અનેક પગલાંઓ દ્વારાં પણ ખાધ ને કાબુમાં લાવી શકાય.આમ જોઈએ તો ભારત માટે રાજકોષીય ખાધ અને ચાલુખાતાની ખાધ નો પ્રશ્ન ઘણો જુનો છે.નાણાંમંત્રી તરીકે ની અગાઉની ટર્મમાં પણ શ્રી ચિદમ્બરમ સાહેબ આ બાબતે ખાસ કંઈ કશુ સુધારી શક્યાં નહોતા.હાલ ચુંટણી નાં દિવસો નજીક આવી રહ્યાં છે ત્યારે સરકાર થોડૂં સુધારાવાદી વલણ અપનાવે એ સ્વાભાવિક છે. પરંતુ જનતા ને હવે આ સરકાર પાસે થી કોઈ આશા રહી ના હોય તેવું સ્પષ્ટ દેખાય છે.   

ગુરુવાર, 31 જાન્યુઆરી, 2013

જીંદગીની સેક્ન્ડ ઈનીંગ માટેનું નાંણાંકીય આયોજન

નીવૄતિ પછી આપણી જીંદગીની સેકન્ડ ઈનીંગ ચાલુ થાય છે.આખી જીંદગીની રુપીયા કમાવવા પાછળની ભાગદોડ બાદ જીંદગીને નિરાંતે- મનભરીને માણવાનો સમય એટલે નીવૄતિ.યાત્રાએ જવાનું,પૌત્ર-પૌત્રી સાથે રમવાનું,વળી,ક્યારેક કોઈ મનગમતું જુનું પીકચર જોઈ લેવાનું,ટાઉનહોલમાં સંગીતનો કાર્યક્રમ માણવાનો,ઝુલે હિંચકતા-હિંચકતા પત્ની સાથે ભુતકાળનાં સંભારણાઓ વાગોળવા,દાન-ધર્મ-સેવાનાં કાર્યો કરવાનાં.આમ,જોઈએ તો જીંદગીને સાચી રીતે જાણવાનો અને માણવાનો સમય એટલે જ નીવૄતિ.પરંતુ આ બધાની સાથે સાથે નીવૃત થયાં પછી રોકાણોનું યોગ્ય નાણાંકીય આયોજન કરવું પણ અત્યંત જરુરી છે.કેમે કે સેકન્ડ ઈનીંગ પણ લાંબી હોય છે અને આ સેકન્ડ ઈનીંગ પણ શાનદાર અને મોભાદાર રહે તેમજ જીવન પર્યંત કયારેય નાણાંકીય મુંઝવણ ન અનુભવવી પડે તે માટે નીવૃતિ પછી નાં રોકાણોનું યોગ્ય નાણાંકીય આયોજન કરવું ખુબ જરુરી છે.નીવૃતિ પછીનું નાણાંકીય આયોજન કેવું હોવું જોઈએ તે માટે થોડી અગત્યની ટીપ્સ અંહી આપવાનો ઍક નમ્ર પ્રયાસ છે.


# આપણાં કુલ રોકાણોમાંથી ૫૦ થી ૬૦ ટકા સુધીની રકમનું રોકાણ ફક્ત સલામત રોકાણ સાધનોમાં જ કરવું જોઈએ.જેમ કે,બેંક એફ ડી,પોસ્ટલ સ્કીમ,ડેટ ફંડ વગેરે.

# આપણાં કુલ રોકાણૉમાંથી ૨૦ ટકા રકમનું રોકાણ એવાં સાધનોમાં કરવું જોઈએ કે જ્યારે પણ જરુર પડે ત્યારે તાત્કાલીક અને આસાનીથી તેને ઉપાડી શકીએ.

# ૬ થી ૧૨ મહીનાનાં આપણાં કુલ માસીક ખર્ચ જેટલી રકમ સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં રીઝર્વ ફંડ તરીકે રાખવી જોઈએ જેથી આકસ્મિક સંજોગોમાં કોઈ પાસે હાથ લાંબો કરવાની ફરજ ના પડે.

# ૨૦ થી ૩૦ ટકા જેટલી રકમનું રોકાણ શેર બજાર અને મ્યુચલ ફંડમાં કરી શકાય જેથી રોકાણૉ પર વધારે વળતર મેળવી,વધતા ફુગાવા સામે રક્ષણ મેળવી શકાય.

# કોઈ એક જ રોકાણ સાધનમાં બધું રોકાણ કરવાને બદલે જુદાં જુદાં પ્રકારનાં રોકાણ સાધનોમાં થોડું થોડું રોકાણ કરવું જોઈએ જેથી જોખમને ઓછું કરી શકાય.

# બચતનાં થોડાં હિસ્સાનું રોકાણ સોનું તેમજ જમીન જેવી પ્રત્યક્ષ મિલ્કતમાં પણ કરવું જોઈએ.

# જે વિમા પોલીસી ચાલુ હોય તેનાં પ્રીમીયમ નિયમીત રીતે ભરતાં રહેવાં હિતાવહ છે.

# પ્રીમીયમ ઉંચું હોય તો પણ પતિ અને પત્નિ બંનેનો મેડીકલ ઈન્શ્યોરન્સ લઈ લેવો જોઈએ.

# બેંક ખાતાઓની પાસબુકમાં નિયમિત રીતે એન્ટ્રીકરાવવી જેથી તમારાં ફંડ વિશેની તાજી જાણકારી રાખી શકાય.

# બેંક ખાતા તેમજ અન્ય તમામ રોકાણોમાં નોમીનેશનની વિગતો યોગ્ય રીતે ભરેલી છે કે નહીં તે ચકાસી લેવું જોઈએ.


# આપણાં તમામ રોકાણો વિશે આપણાં પરીવારનાં તમામ જવાબદાર સભ્યોને જાણકારી આપતી રહેવી જોઈએ જેથી આપણાં મ્રુત્યુ  પછી તેઓ અંધારામાં ના રહે.

# આપણાં રોકાણોને લગતાં તમામ ડોક્યુમેંન્ટસ જેમ કે,વિમા પોલીસી,એફ ડી ની રશીદ,મિલ્કતનાં દસ્તાવેજ વગેરે એક સલામત જગ્યાએ સાચવીને રાખવા જોઈએ તેમજ તેની જાણ પરીવારનાં જવાબદાર સભ્યોને પણ કરવી જોઈએ.

# તમામ રોકાણો અને મિલ્કતોની સુયોગ્ય વહેંચણી થાય અને પરીવારમાં ભવિષ્યમાં કોઈપણ વિવાદ ના થાય તે માટે યોગ્ય રીતે વસીયતનામું તૈયાર કરી લેવું જોઈએ.

બોનસ લાઈનઃ ઉજાલે અપની યાદો કે હમારે સાથ રહેતે હૈ
                ના જાને કીસ ગલી મેં જીંદગી કી શામ હો જાયે