ગુરુવાર, 11 ઑક્ટોબર, 2012

સોનાંમાં રોકાણ કરવા માટેનાં શાનદાર વિકલ્પો

વૈશ્વિક બજારોમાં છવાયેલી અનિશ્ચિતતા,વિક્સિત દેશોની ધીમી અર્થવ્યવસ્થા તેમજ અનેક દેશોમાં શેર બજારની અસ્થિરતા અને આર્થીક નીતિઓ ની અસ્પષ્ટ્તા એ રોકાણકારો ને રોકાણ માટેનાં નવા વિકલ્પો શોધવા માટે મજબુર કરી દીધા છે.રોકાણનાં સૌથી સુરક્ષીત વિકલ્પ તરીકે સોનાંને સૌથી વધારે લોકોએ પસંદ કર્યું છે.ફક્ત લોકોએ જ નહીં પરંતુ અનેક રાષ્ટ્રોએ પણ સોનાંનાં રોકાણ પર વિશ્વાસ બતાવ્યો છે.
છેલ્લાં કેટલાંક સમયથી સોનાંના ભાવોમાં પણ સતત ઉછાળો જોવા મળેલ છે તેમજ મીડીયા,બ્રોકર્સ,આર્થીક વિશ્લેષકો વગેરે લોકો દ્વારાં પણ સોનાંના ભાવો વિશે જુદાં જુદાં પ્રકારની ભવીષ્યવાણીઓ થતી જોવામાં આવે છે.ભારતમાં નાનો રોકાણકાર વર્ગ પણ સોનાંને સૌથી સલામત અને સરળ રોકાણનાં સાધન તરીકે જુએ છે.ત્યારે અંહી આપણે પ્રત્યક્ષ રીતે એટલે કે ફીઝીકલી સોનું ખરીદવાને બદલે બીજી કઈ-કઈ રીતે સોનાંમાં રોકાણ કરી શકાય તેનાં વિકલ્પો જોશું.

ગોલ્ડ ઈટીએફ

જો તમે સોનાંમાં રોકાણ કરવા માંગતા હો તો પ્રત્યક્ષ રીતે સોનાંમાં રોકાણ કરવાને બદલે ગોલ્ડ ઇટીએફ માં રોકાણ કરવું વધારે ફાયદામંદ રહેશે.ગોલ્ડ ઇટીએફ એ 'એક્સચેંજ ટ્રેડેડ ફંડ' છે જે મ્યુચલ ફંડ ની જેમ જ કામ કરે છે.મ્યુચલ ફંડમાં જેમ રુપીયાનાં રોકાણની સામે યુનીટ આપવામાં આવે છે તેમ ગોલ્ડ ઇટીએફ માં પણ રોકાણની સામે યુનીટ આપવામાં આવે છે.જેમાં એક યુનીટની વેલ્યુ એક ગ્રામ સોનાં જેટલી હોય છે.કોઇ કોઇ ફંડ હાઉસ દ્વારાં એક યુનીટની વેલ્યુ અડધાં ગ્રામ સોનાં જેટલી પણ રાખવામાં આવતી હોય છે.જેથી નાનાં રોકાણકારો પણ રોકાણ કરી શકે.
ગોલ્ડ ઇટીએફ મ્યુચલ ફંડની જેમજ ખરીદી તેમજ વેંચી શકાય છે.તેનાં માટે ડિમેટ એકાઉન્ટ હોવું જરુરી છે.મ્યુચલ ફંડ ની જેમજ ગોલ્ડ ઇટીએફ ની પણ નેટ એસેટ વેલ્યુ (NAV) નિયમીત રીતે જાહેર કરવામાં આવે છે.ઇટીએફ ગોલ્ડની ગુણવતા ૯૯.૯ ની હોય છે.પ્રત્યક્ષ રીતે સોનું ખરીદ્યા બાદ તેને સલામત જ્ગ્યાએ સાચવવાની મુશ્કેલી સામાન્ય રીતે દરેક લોકો અનુભવતા હોય છે.જ્યારે ગોલ્ડ ઇટીએફ નો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાં સ્ટૉરેજ અને સુરક્ષા માટેની કોઇ ચિંતા રહેતી નથી.વળી પ્રત્યક્ષ સોનાં કરતાં પણ ગોલ્ડ ઇટીએફ ની તરલતા વધારે છે.જેથી ગમે ત્યારે તેને વેંચી શકાય છે.તેમજ ગોલ્ડ ઇટીએફ દ્વારાં નાની રકમથી પણ તમે સોનાંમાં રોકાણ કરી શકો છો.
પ્રત્યક્ષ સોનાં માં રોકાણ કરતાંગોલ્ડ ઇટીએફ નાં રોકાણને કર બચત મામલે પણ વધારે રાહત મળે છે.લાંબાગાળા ની કર બચત માટે પ્રત્યક્ષ સોનાંમાં ઓછાં માં ઓછાં ત્રણ વર્ષ માટે રોકાણ કરવું જરુરી છે જ્યારે ગોલ્ડ ઇટીએફ માટે આ અવધી ફક્ત એક વર્ષની જ છે.
ભારતમાં કોટક,રીલાયન્સ,યુટીઆઇ,ઍચડીએફસી વગેરે જેવાં ફંડ હાઉસો દ્વારાં ગોલ્ડ એટીએફ ઓફર કરવામાં આવ્યાં છે.ભારતમાં પહેલું ગોલ્ડ ઇટીએફ ૨૦૧૦ ની સાલમાં આવેલું.

ઇ-ગોલ્ડ

નેશનલ સ્પોટ એક્સચેંજ લીમીટેડ(એનએસઇએલ) દ્વારાં ઇલેક્ટ્રોનીક રુપમાં રોકાણકારૉને સોનાં,ચાંદી અને કોપર ખરીદવાની અનુમતી આપવામાં આવેલી છે.જે ઇ-ગોલ્ડ,ઇ-સીલ્વર અને ઈ-કોપર તરીકે ઓળખાય છે.ઇ-ગોલ્ડની સુવિધા દ્વારાં રોકાણકારો ડિમટીરીયલાઇઝ્ડ રુપમાં સોનું ખરીદી શકે છે.તેનાં કામકાજનો સમય સવારે ૧૦ વાગ્યાં થી રાત્રીનાં ૧૧-૩૦ વાગ્યાં સુધીનો હોય છે.રોકાણકાર એક યુનીટનાં લોટમાં સોનાંમાં ખરીદીકરી શકે છે.એક યુનીટ બરાબર એક ગ્રામ સોનું ગણવામાં આવે છે.જેની શુધ્ધતા ૯૯.૫ ની હોય છે.
ઇ-ગોલ્ડમાં રોકાણ કરવા માટે ડિપોઝીટરી પાસે અલગથી ડિમેટ એકાઉન્ટ ખોલાવવું પડે છે.ઇ-ગોલ્ડ માં રોકાણ આજકાલ ફાયદાનો સોદો સાબીત થઈ રહ્યું છે.૨૦૧૧-૨૦૧૨ નાં નાણાંકીય વર્ષમાં ઇ-ગોલ્ડૅ અંદાજે ૨૭ ટકાનું વળતર આપેલું છે.વળી રોકાણકાર જ્યારે ઇચ્છે ત્યારે ઇ-ગોલ્ડનું વેચાણ કરી શકે છે તેમજ કોઈપણ એનએસઈએલ સેન્ટર પરથી રોકડાં રુપીયા મેળવી શકે અથવા તો પ્રત્યક્ષ રીતે સોનાંની ડિલીવરી પણ લઈ શકે છે.હાલમાં ડિમટીરીયલાઈઝ્ડ સેન્ટર મુંબઈ,દીલ્હી અને અમદાવાદમાં છે.ભવીષ્યમાં વધારે સેન્ટર્સ ખોલવામાં આવશે તેવું જાણવા મળેલ છે.
ઇ-ગોલ્ડની વધુ માહીતી માટે તેની વેબસાઈટ ની મુલાકાત લો.www.nationalspotexchange.com 


ગોલ્ડ ફંડ અને ગોલ્ડ એફઓએફ (ફંડ ઓફ ફંડ્સ)

ગોલ્ડ ફંડ પણ મ્યુચલ ફંડની જેમજ કામ કરે છે અને તે જુદાં જુદાં ફંડ હાઉસો દ્વારાં જ ચલાવવામાં આવે છે.ગોલ્ડ ફંડનાં રોકાણકારોને સૌથી મોટો ફાયદો એ છે કે તેણે ગોલ્ડ ઇટીએફ કે ઇ-ગોલ્ડની જેમ આને માટે ડિમેટ એકાઉન્ટ ખોલાવવાની જરુર રહેતી નથી.ગોલ્ડ ફંડની એનએવી માટે સોનાનો ભાવ બેંચમાર્ક છે.
આજ રીતે સોનાંમાં રોકાણ કરવાનો બીજો પણ એક વધુ વિકલ્પ હાજર છે જે ગોલ્ડ એફઓએફ(ફંડ ઓફ ફંડ્સ) તરીકે ઓળખાય છે.આ પણ મ્યુચલ ફંડની જેમજ કામ કરતું ફંડ છે જે ગોલ્ડ ઇટીએફ માં રોકાણ કરે છે.
કોઇપણ ગોલ્ડ ફંડ કે ગોલ્ડ એફઓએફ માં રોકાણ કરતાં પહેલાં તેનાં ફાયદા-ગેરફાયદા,ચાર્જીસ તેમજ ભુતકાળનાં પ્રદર્શન વગેરેનો અભ્યાસ કરીને પછી જ તેમાં રોકાણ કરવું હીતાવહ છે.



સોમવાર, 13 ઑગસ્ટ, 2012

તમારી જોખમ લેવાની ક્ષમતા ચકાસ્યા બાદ જ રોકાણનું સાધન પસંદ કરો

બજારમાં રોકાણ માટે અઢળક વિકલ્પો હાજર છે ત્યારે 
રોકાણકારોને 
ઘણી વખત પોતાના માટે કયો વિકલ્પ ઉત્તમ છે તે સમજાતું નથી 

બજારની અત્યારની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખતા રોકાણકારો બોન્ડ તરફ વળે છે અને શેરમાં વૃદ્ધિનો લાભ લેવાની શક્યતા ગુમાવી બેસે છે .બજારમાં જ્યારે આશાવાદ હોય ત્યારેજ સ્ટોક્સમાં રોકાણ પસંદ કરવામાં આવે છે 

એસેટની ફાળવણીની વાત છે ત્યાં સુધી બજારના હવામાન ઉપરાંત બીજી ઘણી ચીજોનો વિચાર કરવો જરૂરી છે .રોકાણકારોએ પોતાની જોખમ લેવાની ક્ષમતા ચકાસવી જોઈએ અને રોકાણના ઉદ્દેશ વિશે તે સ્પષ્ટ હોવા જોઈએ લાંબા ગાળા માટે રોકાણ કરવામાં આવે ત્યારે કેટલું નુકસાન સહન કરવાની ક્ષમતા છે તેનો અંદાજ મેળવવો જરૂરી છે 

રોકાણનો પોર્ટફોલિયો તૈયાર કરવામાં આવે ત્યારે રોકાણકારની જોખમ લેવાની ક્ષમતા જાણવી જરૂરી છે જેથી વોલેટાઇલ બજાર વખતે લાગણીવશ થઈને કોઈ ખોટા નિર્ણય લેવાય નહીં પોતાની જોખમ લેવાની ક્ષમતાનો વધારે પડતો ઊંચો અંદાજ ધરાવતા રોકાણકારો મોટા ભાગે બજારની પ્રતિકુળ સ્થિતિ વખતે સ્ટોપલોસની તકગુમાવી બેસે છે 

જો તેમણે જોખમની ક્ષમતાનો અંદાજ રાખ્યો હોય તો તેઓ મુશ્કેલ પરિસ્થિતિ ટાળી શકે છે સામાન્ય રીતે વાત કરવામાં આવે તો શેરમાં જોખમ વધારે હોય છે અને તેની સાથે વળતર પણ ઊંચું હોય છે 

ઊંચું જોખમ લઈ શકે તેવા રોકાણકારો લાંબા ગાળે વૃદ્ધિની ક્ષમતાનો લાભ લેવા માટે યોગ્ય સંખ્યામાં શેર રાખવાનુ વિચારી શકે છે જોકે બજાર ઘટતું હોય ત્યારે શેરના ભાવમાં થતો ઘટાડો બોન્ડની યીલ્ડ કરતા વધારે હશે એક વાત ધ્યાનમાં રાખો કે માત્ર વળતર મેળવવાની ઇચ્છા રાખીને રોકાણ કરવું અને તેની સાથે સંકળાયેલા અંગત જોખમને ધ્યાનમાં ન લેવું એ સંપત્તિ સર્જનમાં મોટી ભૂલ છે 

રોકાણકારોએ તેમના સંજોગ અને જોખમની ક્ષમતાના આધારે એસેટની ફાળવણી કરવી જોઈએ જેમની નાણાકીય સ્થિતિ સધ્ધર હોય અને વધારે જોખમ લઈ શકેતેમ હોય તેઓ વધારે ઉપજ આપી શકે તેવા નાણાકીય સાધનોમાં રોકાણ કરી શકે છે જ્યારે જેમની જોખમ લેવાની ક્ષમતા ઓછી હોય તેવા લોકોએ ઓછા જોખમના પ્રોડક્ટમાં રોકાણ કરવું જોઈએ 

બજારનું ચક્ર ટૂંકું થઈ રહ્યું છે તેથી રોકાણકારોએ તેમની જોખમ લેવાની ક્ષમતાની સતત સમીક્ષા કરવી જોઈએ તેઓ પોતાના વિશે જે અંદાજ ધરાવતા હોય તે ખોટોપણ હોઈ શકે છે 

દરેક રોકાણકારની જોખમ લેવાની ક્ષમતા પણ અલગ હોય છે અને વય રોકાણના સમય તથા રોકાણના ઉદ્દેશ પ્રમાણે તેમાં વિવિધતા આવી શકે છે રોકાણકારોએ જોખમનો વધુ સારી રીતે અંદાજ મેળવવા પ્રોફેશનલ સલાહ મેળવવી જોઈએ અને પોતાની પ્રોફાઈલ પ્રમાણે વેલ્થ મેનેજમેન્ટ પ્લાન ઘડવો જોઈએ 

જોખમ અંગે નિયમિત આકારણી ઉપરાંત રોકાણકારોએ પોતાના રોકાણના ઉદ્દેશ અનુસાર પોર્ટફોલિયો તૈયાર થયો છે કે નહીં તે જાણવા માટે પણ પોર્ટફોલિયોની સમયાંતરે સમીક્ષા કરવી જોઈએ બજારમાં હજુ ચિંતાજનક સ્થિતિ છે અને વૈશ્વિક પરિબળોના કારણે પ્રત્યાઘાત આપે છે તેથી રોકાણકારે બજારની અનિશ્ચિતતા અંગે તૈયારી રાખવી જોઈએ 

રોકાણ કરતા પહેલા આટલું ધ્યાનમાં રાખોઃ 

જોખમ લેવાની ક્ષમતાઃ બજારના ચઢાવઉતારથી તમારી ઉંઘ ઉડી જતી હોય તોતમારે ઓછું જોખમ ધરાવતા સાધનોમાં રોકાણ કરવું જોઈએ 

રોકાણનો ગાળોઃ સમયગાળો જેટલો વધારે હશે એટલા પ્રમાણમાં જોખમની ક્ષમતા વધશે 

તરલતાઃ તમને લાગતું હોય કે તમને તાત્કાલિક નાણાંની જરૂર પડશે તો વધુ સારી તરલતા ધરાવતી એસેટમાં રોકાણ કરો 

નાણાકીય પ્રોફાઈલઃ નાણાકીય રિસોર્સ ઓછા હોય તેમ જોખમનું પ્રમાણ પણ ઓછું રાખવું 

બુધવાર, 25 જુલાઈ, 2012

ઈન્કમટેક્ષ રીટર્ન ફાઈલ કરવા માટે TRP ની મદદ તૈયારઃ www.trpscheme.com

ઈન્કમટેક્ષ રીટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે.જો તમે ટેક્સ પેયર હશો તો તમને રીટર્ન ફાઈલ કરવાની ચિંતા થતી હશે.ઈન્કમટેક્ષ રિટર્ન બે રીતે ફાઈલ કરી શકાય છે એક તો મેન્યુઅલી અથવા ઈન્ટરનેટનાં માધ્યમ થી ઓનલાઈન ઈ-રીટર્ન ફાઈલ કરી શકાય છે.પરંતુ જો આ બંને વિકલ્પોમાંથી એક્પણ વિકલ્પ દ્વારાં તમે જાતે રીટર્ન ફાઈલ ના કરી શકતા હો તો ગભરાવાની જરુર નથી.ઈન્કમટેક્ષ વિભાગે આપના માટે TRP(ટેક્સ રીટર્ન પ્રીપેયર)ની વ્યવસ્થા ઉભી કરી છે.જે ઈન્કમટેક્ષ પેયર ને જાતે રીટર્ન ફાઈલ કરતાં ફાવતુ ના હોય તેઓ TRP ની મદદ લઈ શકે છે.તેનાં માટે ઈન્કમટેક્ષ વિભાગની વેબસાઈટ પર આપની પુરી વિગત આપવાથી TRP આપનાં ઘેર અથવા તો આપની ઓફીસ પર રુબરુ આવશે અને આપનું રીટર્ન ફાઈલ કરી આપશે.જો તમે નવા કરદાતા હો તો આપે કોઈપણ પ્રકારની ફી પણ આપવાની જરુર રહેતી નથી.


TRP(ટેક્ષ રીટર્ન પ્રિપેયર્સ)ઃ


ભારતનાં ઈન્કમટેક્ષ વિભાગની યોજના અંતર્ગત TRP એક તાલીમબધ્ધ પ્રોફેશનલ છે.તેઓને ઈન્કમટેક્ષ એક્ટ ૧૯૬૧ અંતર્ગત કરદાતાઓનાં રીટર્ન ફાઈલ કરવા માટે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારાં અધીક્રુત કરવામાં આવેલાં છે.જે કરદાતાઓ ત્રણ કે ત્રણ થી વધારે વર્ષોથી રીટર્ન ફાઈલ કરતાં હોય તેવાં કરદાતાઓ એ રુ.૨૫૦ ફી પેટે TRP ને ચુકવવા નાં રહે છે.નવાં કરદાતાઓ એ આ સેવા માટે બે વર્ષ સુધી કોઈ ફી ચુકવવાની રહેતી નથી.હાલમાં ભારતમાં કુલ ૨૨૦૦ TRP સેવા આપી રહ્યાં છે.ઈન્કમટેક્ષ વિભાગની યોજનાં મુજબ ભારતમાં નવાં ૫૦૦૦ TRP ની નીમણુક આગામી સમયમાં કરવામાં આવશે.જો તમે TRP ની મદદ લેવાં ઈચ્છતા હો તો www.trpscheme.com પર જઈ ને TRP નું લીસ્ટ,ફોન નંબર,એડ્રેસ વગેરે માહીતી મેળવી ને તમે તમારા વીસ્તારનાં TRP ની પસંદગી કરી તેનો સંપર્ક કરી શકો છો.



ઈન્કમટેક્ષ રીટર્ન ફાઈલ કરવા માટેની અંતીમ તારીખઃ

વેપારીઓ,પગારદારો,પેન્શન ધારકો,કંપનીઓ વગેરે કરદાતઓ કે જેમણે તેમનાં એકાઉન્ટનું ઓડીટ કરાવવું ફરજીયાત થતું નથી તેમને માટે રીટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે.જે કંપનીઓ અથવા તો જે કરદાતાઓ એ તેમનાં એકાઉન્ટનું ઓડીટ કરાવવું ફરજીયાત છે તેમનાં માટેની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર છે.

શનિવાર, 14 એપ્રિલ, 2012

ઓનલાઇન જીવન વિમો ખરીદોઃ પૈસા બચાવો અને પરીવારને આર્થીક સુરક્ષા આપો.

ભારતમાં આજે જ્યારે મોંઘવારીએ માઝા મુકી છે.દરેક ચીજ - વસ્તુઓ અને સેવાઓનાં દરોમાં તોતીંગ વધારો થઈ રહ્યો છે ત્યારે તમને એ જાણીને નવાઈ લાગશે અને સાથે આનંદ પણ થશે કે છેલ્લાં ત્રણ વર્ષ માં ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાનનાં પ્રીમીયમનાં દરોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.૨૦૦૯ માં ૩૦ વર્ષની ઉંમરની વ્યક્તિ માટે ૧૫ વર્ષની મુદતનો ૫૦ લાખ રુપીયાનાં ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાન નું પ્રીમીયમ રુ.૧૧,૮૦૦ થતું હતું.જ્યારે આજે એ જ ઉંમરનાં વ્યક્તિ માટે તે મુજબનો જ પ્લાન લેવામાં આવે તો તેનાં પ્રીમીયમનાં દર હવે ઘટીને રુ.૪૩૬૩ થઈ ગયાં છે.


આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ છે ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાનનું ઓનલાઈન વેચાણ.ભારતમાં ઈન્ટરનેટ વપરાશકારોનું પ્રમાણ સતત વધી રહ્યું છે.સાથે સાથે લોકોની જીવન વિમા પ્રત્યેની જાગ્રુતતામાં પણ ખુબ જ વધારો થયો છે.તેથી ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાનનું ઓનલાઈન વેચાણ પણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે.ટર્મ પ્લાનની ઓનલાઈન ખરીદીમાં ગ્રાહક અને વિમા કંપની એમ બંને ને ફાયદો છે.કેમ કે આ
પ્રક્રીયા માં કોઈ વિમા એજન્ટ સામેલ ન હોવાથી વિમા કંપની ખુબ સસ્તા દરે પ્લાન આપી શકે છે.ઓનલાઈન વિમો ખરીદવો સસ્તો પણ છે અને સાથે એટલું જ સરળ પણ છે.ઓનલાઈન વિમો વેંચતી વિમા કંપનીની વેબ સાઈટ પર તે પ્લાન વિશે સંપુર્ણ જાણકારી આપેલી હોય છે.તેથી ગ્રાહક તે વાંચીને તેની અનુકુળતા મુજબનો વિમો અને તેની મુદત નક્કી કરી શકે છે.જો ગ્રાહકનું મેડીકલ ચેકઅપ કરાવવાની જરુર હોય તો પણ જે તે શહેરમાં જ વિમા કંપનીનાં અધીક્રુત ચેકઅપ સેન્ટર પર જઈને ગ્રાહક તેનું ચેકઅપ કરાવી શકે છે અને તેનાં આધાર પર વિમા કંપની વિમા પોલીસી ઈશ્યુ કરે છે.આ પ્રક્રીયામાં વિમા પ્રીમીયમનું પેમેન્ટ પણ ક્રેડીટ કાર્ડ કે ઓનલાઈન બેંક ટ્રાન્સફર દ્વારાંજ કરવામાં આવે છે.ત્યાર બાદ ગ્રાહકનાં ઘર પર કુરીયર દ્વારાં વિમા પોલીસી ડોક્યુમેંન્ટ પહોંચડવામાં આવે છે.હવે સવાલ એ થાય કે કઈ વિમા કંપનીનો ટર્મ પ્લાન વધારે સસ્તો??કારણ કે ભારતમાં તો ૨૪ વિમા કંપની ઓ છે તો શું કરવું???તો તેનાં માટે પણ મુંઝાવાની જરુર નથી કારણ કે દરેક વિમા કંપનીનાં ટર્મ પ્લાનનાં પ્રીમીયમનાં દરો ની સરખામણી કરી આપતી અનેક વેબસાઈટસ આજે ઉપલબ્ધ છે.જેમકે,www.policybazaar.com,www.myinsuranceclub.com,www.policytiger.com વગેરે વેબસાઈટ દ્વારાં તમે જાણી શકો છો કે કઈ વિમા કંપની પ્રીમીયમનાં દરો વધારે સસ્તા છે.
તો હવે શું વિચારો છો? જો તમે ઘરમાં મુખ્ય કમાનાર વ્યક્તિ હો અને તમારી જ આવક પર તમારાં પુરા પરીવારનું ગુજરાન ચાલતું હોય અને જો તમારી પાસે તમારો મોટી રકમનો વિમો ના હોય તો એક સેકન્ડનો પણ વિચાર કર્યાં વગર તમારાં માટે ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાનની ઓનલાઈન ખરીદી હમણાં જ કરૉ અને તમારાં પરીવારને આર્થીક સુરક્ષા ની ખાતરી આપો.

રવિવાર, 18 માર્ચ, 2012

ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાનઃ પરીવારની આર્થીક સુરક્ષાની સંપુર્ણ ખાતરી


ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાન એ શુધ્ધ વિમો છે જેમાં રોકાણનો ભાગ હોતો નથી.આ પ્રકારનાં પ્લાનમાં પોલીસી ચાલુ થાય ત્યારથી નક્કી કરેલી મુદત સુધી એક નિશ્ચીત મોટી રકમનો વિમો વિમેદારને આપવામાં આવે છે.તેની સામે વિમા ધારકે નક્કી કરેલી મુદત સુધી દર વર્ષે નીયમીત પ્રીમીયમ ચુકવવાનું હોય છે.આ પ્રકારનાં પ્લાનમાં સાવ ઓછી રકમનાં પ્રીમીયમ સામે ખુબ મોટી રકમનો વિમો મળે છે.આ નક્કી કરેલી મુદત દરમીયાન જો વિમા ધારકનું કોઈપણ રીતે મૃત્યુ થાય તો તેનાં પરીવારને વિમાની રકમ ચુકવવામાં આવે છે.પરંતુ જો વિમેદારનું આ નક્કી કરેલી મુદત દરમીયાન મૃત્યુ થતું નથી તો મુદત પુરી થયે ભરેલાં પ્રીમીયમની રકમ માંથી પરત કશું મળતું નથી.ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાન ને સરળતાથી સમજવા તેને ભાડાનાં મકાન સાથે સરખાવી શકાય.જ્યાં સુધી ભાડાનાં મકાનમાં રહેતાં હોઈએ ત્યાં સુધી દર મહીને ભાડું ચુકવવું પડે છે.તેની સામે  આપણને રહેવા માટે ઘર મળે છે એટલે કે  આપણાં પરીવારને સુરક્ષા મળે છે.હવે જ્યારે આપણે ભાડાંનું મકાન ખાલી કરીએ ત્યારે ભાડાંની રકમમાંથી પરત કશું મળતું નથી પરંતુ જેટલો સમય રહિએ એટ્લો સમય પરીવારને અને આપણને સુરક્ષા મળે છે.ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાન પણ બીલકુલ આ જ રીતે કામ કરે છે.જેટલો સમય નીયમીત પ્રીમીયમ ભરીએ તેટલો સમય નીશ્ચીત મુદત સુધી વિમાનું સુરક્ષા કવચ આપણાં પરીવારને મળે છે.મુદત દરમીયાન જો આપણું મૃત્યુ થાય તો એક  નિશ્ચીત રકમ આપણાં પરીવારને મળે છે જેથી આપણાં પરીવારે કોઈ પાસે હાથ લાંબો કરવો ના પડે.ટર્મ ઈન્શ્યુરન્સ પ્લાન એ રોકાણ માટેનું સાધન નથી પરંતુ પરીવારને આર્થીક સુરક્ષાની સંપુર્ણ ખાતરી આપતો શુધ્ધ વિમો છે.આજનાં અસલામતી ભર્યા મહોલમાં દરેક કમાનાર વ્યક્તિઓએ પોતાનાં પરીવારની આર્થીક સુરક્ષા માટે મોટી રકમનો ટર્મ ઈન્શ્યુરન્શ પ્લાન ફરજીયાત પણે લેવો જ જોઈએ એવું હું સ્પષ્ટપણે માનુ છું. TERM INSURANCE PLAN = ONLY RISK , NO RETURN.