શુક્રવાર, 3 ઑક્ટોબર, 2008

બેંક માં જમા રાખેલા તમારાં રુપીયા કેટલાં સલામત છે?


અમેરીકાની વિશાળકાય નાંણાંકીય સંસ્થાઓ પતાનાં મહેલની જેમ પડવા લાગી છે તેમાં ઘણીબધી બેંકો તેમજ વ્યક્તિગત રોકાણકારોનાં કરોડો-અબજો રુપીયા ફસાઇ ગયા છે આવા સંજોગોમાં આપણને બધાંને એક સામાન્ય પ્રશ્ન મનમાં ઉદભવે કે બેંકમાં જમા રાખેલાં આપણાં રુપીયા કેટલાં સલામત છે?
તાજેતરમાં જ ભારત માં થયેલાં એક સર્વે દ્વારાં એવી વિગતો બહાર આવી છે કે ૮૫% ભારતીયો પોતાની બચતો રોકડ સ્વરુપે રાખે છે એટલે કે કાં તો બેંક માં જમા કરાવે છે યા તો પોતાનાં ઘરે રાખે છે.તે ઉપરાંત બેંક માં બચત જમા કરાવનાર લોકોમાંથી ૮૭% લોકો એવું માને છે કે તેમણે બેંક માં જમા કરાવેલા રુપીયા ૧૦૦% સલામત છે અને ફીકસ્ડ ડીપોઝીટ તો સૌથી સલામત છે એવી માન્યતા પ્રવર્તે છે.
તો હવે ફરીથી એ જ સવાલ કે શું બેંકમાં જમા રાખેલાં આપણાં રુપીયા ખરેખર સલામત છે?તો એનો જવાબ છે 'ના'
ભારત માં જો કોઇ બેંક ઉઠી જાય એટલે કે નાદારી નોંધાવે તો તેની સામે તેનાં થાપણદારો ને ફક્ત એક લાખ રુપીયા ની રકમ સુધીનું જ વિમા કવચ આપવામાં આવે છે.આજનાં સમય માં આટલું રક્ષણ અપુરતું ગણાય તેમજ ૨૦૦૯ થી ભારતનાં બેંકીંગ ક્ષેત્રે ઘણાંબધાં પરીવર્તનો અપેક્ષીત છે,વિદેશી બેંકો પણ ભારત માં તેની કામગીરી ફેલાવશે તેવાં સંજોગો માં થાપણદારોની થાપણોનું રક્ષણ કરવાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવી એ સરકાર માટે ખુબજ અનીવાર્ય છે નહીં તો લોકોનો બેંકીંગ સેવા પરનો વિશ્વાસ ઉઠી જશે.


#ડીપોઝીટ ઇન્શ્યુરન્સ અને ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન(DICGC)નું કાર્ય શું છે?
ભારત માં જો કોઇ બેંક નાદારી નોંધાવે તો થાપણદારોને એક લાખ સુધીની રકમ વિમાનાં વળતર રુપે DICGC દ્વારાં આપવામાં આવે છે.એટલે કે જો કોઇ એક બેંક માં તમારાં રુ.૭૦,૦૦૦ ફીકસ્ડ ડીપોઝીટ માં,રુ.૨૫,૦૦૦ બચત ખાતામાં તેમજ રુ.૨૦,૦૦૦ ચાલુ ખાતા માં જમા હોય અને જો તે બેંક ડુબી જાય તો તમને કુલ રુ.૧,૦૦,૦૦૦ નું વળતર DICGC દ્વારાં મળે એનો મતલબ કે તમને રુ.૧૫,૦૦૦ નું નુક્શાન થાય.ભારતની તમામ કોમર્શીયલ બેંકો તેમજ વિદેશી બેંકોનાં થાપણદારો ને પણ DICGC દ્વારાં એક લાખ સુધીનું વિમા કવચ આપવામાં આવે છે.


#શું DICGC દ્વારાં ફક્ત થાપણ ની મુદલ રકમ પર જ વિમા સુરક્ષા પુરી પાડવામાં આવે છે કે તેનાં પર મળેલાં વ્યાજ ની રકમ પર પણ વિમો આપવામાં આવે છે?
DICGC દ્વારાં થાપણ તેમજ તેનાં પર મળતાં વ્યાજનો પણ વિમાની રકમમાં સમાવેશ કરવામાં આવે છે.બેંક જે તારીખ થી ફડચા માં જાય તે તારીખ સુધીનું વ્યાજ ગણવામાં આવે છે.પરંતુ આ કુલ રકમમાં વધુ ને વધુ એક લાખ સુધીનું જ વળતર મળી શકે તે ઉપરાંત ની રકમનો સમાવેશ વિમા કવચ માં થતો નથી.


#DICGC વિમાનાં દાવા ની રકમ ક્યારે ચુકવે છે?
બેંક તરફ થી દાવાની રકમ અને નામની યાદી જે તારીખે DICGC ને મળે તે તારીખથી બે મહીનાં સુધીમાં દાવાની પતાવટ થઈ જવી જોઇએ પરંતુ તેમાં વધારાની એક શરત ઉમેરવામાં આવી છે જે મુજબ ફડચામાં ગયેલી બેંકે તેનાં તમામ પ્રકારનાં કામકાજ પુર્ણતઃ બંધ કરી દીધેલાં હોવા જોઇએ ત્યાર પછી જ DICGC દાવાની પતાવટ કરી શકે.આ કારણે દાવાની પતાવટમાં વર્ષો નીકળી જતાં હોય છે.આવી રીતે રુ.૪૦૦ કરોડ જેટલી રકમ નાં દાવાઓની પતાવટ હજી સુધી પડ્તર છે.નેશનલ કન્ઝ્યુમર કમીશન દ્વારાં આ નિયમમાં ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવી છે જો આ ભલામણ સ્વીકારાશે તો વળતરનાં દાવાઓનો ઝડપી નિકાલ થશે.


# તો હવે,તમારી થાપણો વધારે સુરક્ષીત કેવી રીતે બનાવશો?
રોકાણનો એક સોનેરી સિધ્ધાંત છે કે 'બધાં ઇંડા એક જ ટોપલાંમાં ના રાખવા જોઇએ' તે મુજબ,
,તમારી મુડીને જુદી જુદી જગ્યાએ વહેંચી દો, દા.ત. એક લાખ સુધીની રકમ બચત ખતામાં રાખો એ સિવાય ધંધાનાં નામનાં ખાતામાં પણ એક લાખ સુધીની રકમ જમા કરાવો જેથી દરેક એકાઉન્ટ ને એક-એક લાખ નાં વિમાનું કવચ મળે છે જેથી તમામ રકમ સુરક્ષીત રહે છે.
,એ સિવાય તમારાં નામનું ચાલુ ખાતુ હોય તો અમુક રકમ તેમાં રાખવી બાકીની રકમ માટે સંયુક્ત ખાતું ખોલાવી શકાય.સંયુક્ત ખાતાને પણ અલગ થી એક લાખનાં વિમાનું કવચ મળે છે.

૩,એક જ બેંક માં બધી થાપણો મુકવાને બદલે જુદી-જુદી બેંકોમાં થાપણ રાખવી સારી અને દરેક ખાતામાં એક લાખથી વધારે રકમ ન રાખવી આવું કરવાથી દરેક થાપણને પુરેપુરું રક્ષણ મળી રહે છે.
,તેમજ પરિવાર નાં અન્ય સભ્યોનાં નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેંમાં એક એક લાખ સુધીની થાપણો મુકી શકાય જેથી તમામ રકમને વિમા સુરક્ષા મળી રહે.
આમ, હવેનાં બદલાતાં સમયમાં તેમજ અનિશ્ચિત આર્થિક વાતાવરણમાં આપણે વધારે સતર્ક થવું અનિવાર્ય થઈ ગયું છે તેમજ બેંકો માં રુપિયા જમા કરાવતાં પહેલાં પણ વ્યવસ્થિત આયોજન કરવું જરુરી થઈ ગયું છે.

શનિવાર, 6 સપ્ટેમ્બર, 2008

નોન રેસીડેન્ટ ઇન્ડિયન(NRI) તથા પર્સન ઓફ ઇન્ડિયન ઓરીજીન(PIO) માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN CARD)નું મહત્વ તથા મેળવવાની રીત


જો તમે બીન નીવાસી ભરતીય(NRI) કે ભારતીય મુળ ધરાવતાં વ્યક્તિ(PIO) હો તો તમે કયારેક ને કયારેક નીચેના સવાલોનો સામનો જરુર કર્યો હશે.
-શું મારે Pan card ની જરુર છે?-શું હું પરમેનન્ટ એકાઉન્ટ નંબર વગર ભારતીય શેર બજાર માં રોકાણ કરી શકું?-શું હું ભારતમાં મીલ્કતોની ખરીદી અને વેંચાણ Pan card વગર કરી શકું?-Pan card કેવી રીતે મેળવી શકાય?-તેનાં માટે અરજી કયાં કરવાની?-શું ઓન લાઇન અરજી કરી શકાય?-શું હું ભારતમાં આવ્યાં વગર Pan card મેળવી શકું?
તમારા આ બધાં સવાલો નાં જવાબ આપવા માટેનો આ એક નમ્ર પ્રયાસ છે.
#NRI/PIO માટે Pan card ની જરુરીયાત


૧).શેર માં રોકાણ અથવા તો લેં-વહેંચ કરવા માટેઃ૧ જાન્યુઆરી ૨૦૦૭ થી દરેક NRI તથા PIO કે જે ભારતીય શેરબજાર માં રોકાણ કરવાં ઇચ્છતા હોય તો તેઓ માટે PAN CARD હોવું ફરજીયાત છે તેમજ વિદેશી રોકાણકારોએ પણ ભારતીય શેરબજારમાં રોકાણ કરવા માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર લેવો ફરજીયાત છે.
(૨).ડિમેટ એકાઉન્ટ ખોલાવવા માટેઃભારતમાં કોઈપણ ડીપોઝીટરી માં ડિમેટ એકાઉન્ટ ખોલાવવા માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર(PAN) હોવો ફરજીયાત છે.
(૩).ઇન્કમ ટેક્ષ રીટર્ન ભરવા માટેઃજો તમે ભારતમાં ઇન્કમ ટેક્ષ રીટર્ન ભરવા માંગતા હો તો PAN ફરજીયાત છે તેમજ ભારતમાં કરેલાં ટ્રાન્ઝેક્શન પર લાગેલો TDS-(Tax Deducted At Source) પરત મળવવા માટે પણ PAN જરુરી છે.


(૪).મીલ્કતનાં વહેવારો માટેઃકલમનં-૧૧૪સી મુજબ NRI તથા PIO માટે મીલ્કતની લેં-વહેંચ કરવા માટે PAN ફરજીયાત નથી પરંતુ PAN CARD હોવું હિતાવહ છે.


#PAN CARD મેળવવા માટેની પધ્ધતીઃ
પરમેનન્ટ એકાઉન્ટ નંબર અને Pan card ઇશ્યુ કરવા માટે ભારતનાં ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા બે એજન્સીઓ ની નિમણુંક કરવામાં આવી છે.
(૧).યુનીટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ઇન્વેસ્ટર સર્વીસીસ લીમીટેડ(UTIISL)
(૨).નેશનલ સીક્યુરીટીઝ ડિપોઝીટરી લીમીટૅડ (NSDL)
ઉપરની કોઇપણ એજન્સીમાં અરજી કરવાથી Pan card મળવી શકાય છે.તેનાં માટે એપ્લીકેશન ફોર્મ નં ૪૯એ માં વીગતો ભરી અરજી કરવાની હોય છે.


#PAN CARD એપ્લીકેશન ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ
(૧).એપ્લીકેશન ફોર્મ માં ભારતમાં રહેતી કોઇ વ્યક્તીની 'Representative Assessee'તરીકે વિગતો આપવી ફરજીયાત નથી.
(૨).એપ્લીકેશન ફોર્મ માં ઇ મેઇલ એડ્રેસ આપવું જરુરી છે.
(૩).એપ્લીકેશન ફોર્મ માં ભારતનું સરનામું આપવું ફરજીયાત નથી.વિદેશનું સરનામું આપી શકાય છે.
(૪).જો વિદેશનું સરનામું આપતાં હોઇએ તો 'સ્ટેટ' અને 'પીન કોડ'ની કોલમ માં અનુક્રમે '૯૯' અને '૯૯૯૯૯૯' લખવું જરુરી છે.
(૫).જો વિદેશનું સરનામું આપતાં હોઇએ તો સરનામાંમાં છેલ્લે ઝીપ/પીન કોડ નંબર જે તે દેશનાં નામ સાથે લખવાં જરુરી છે.


#PAN CARD એપ્લીકેશન માટે જરુરી વીગતોઃ
(૧).એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
(૨)ઓળખાણ નો પુરાવો(Proof of Identity)
(3).રહેઠાણ નો પુરવો (Proof of Address)
(૪).ડીમાન્ડ ડ્રાફ્ટ (એપ્લીકેશન ફી + કુરીયર ચાર્જીસ)


#NRI માટે ઓળખાણનો પુરાવો(Proof of Identity)
(૧).પાસપોર્ટ ની નકલ
#ભારતીય મુળની વ્યક્તી(PIO) માટે ઓળખાણનો પુરાવોઃનીચેનાંમાં થી કોઇપણ એક
(૧).પાસપોર્ટ ની નકલ
(૨).બીજાં કોઈપણ રાષ્ટ્રનું આઇ.ડી.કાર્ડ,ઇન્ડીયન એમ્બેસી દ્વારા માન્ય થયેલું.
(૩).ભારત સરકાર દ્વારાં ઇશ્યુ થયેલું PIO CARD.
#ભારતીય મુળની વ્યક્તી(PIO) માટે રહેઠાણનો પુરાવોઃનીચેનાંમાં થી કોઇપણ એક
૧).પાસપોર્ટ ની નકલ
(૨).બીજાં કોઈપણ રાષ્ટ્રનું આઇ.ડી.કાર્ડ,ઇન્ડીયન એમ્બેસી દ્વારા માન્ય થયેલું.
(૩).ભારત સરકાર દ્વારાં ઇશ્યુ થયેલું PIO CARD.
(૪).NRI બેંક એકાઉન્ટ સ્ટૅટમેંટ


#NRI માટે રહેઠાણનો પુરાવોઃનીચેનાં માંથી કોઇપણ એક
(૧)પાસપોર્ટની નકલ
(૨)જે દેશમાં રહેતાં હોઇએ ત્યાંનાં બેંક સ્ટેટમેંટની નકલ
(૩)NRE બેંક એકાઉન્ટ સ્ટૅટમેંટની નકલ


#PAN CARD મેળવવા માટેનાં ખર્ચની વિગતઃ
Pan card મેળવવા માટેની ફી રુ ૬૦ + સર્વીસ ટેક્ષ છે.જ્યારે NRI/PIO તરીકે અરજી કરતાં હોઇએ ત્યારે વધારાનાં રુ ૬૫૦ કુરીયર ચાર્જીસ તરીકે આપવાનાં થાય છે.એટલે કુલ રુ ૭૧૭ નો ડી.ડી. 'NSDL-PAN' નાં નામ થી કઢાવવાનો રહે છે.
#સમય મર્યાદાઃ
સામાન્ય રીતે અરજી કર્યાનાં બે મહીનાની અંદર Pan card વિદેશનાં સરનામાં પર પહોંચતું કરવામાં આવે છે.


#ઓન લાઇન એપ્લીકેશન પ્રોસેસઃ
NSDL દ્વારાં ૧૦૩ દેશોની યાદી બહાર પાડવામાં આવી છે.આ દેશોમાંથી કોઇપણ દેશમાં વસતાં NRI/PIO ઓનલાઇન અરજી કરી શકે છે.આ દેશો ની યાદી NSDL ની વેબ સાઇટ પર ઉપલબ્ધ છે.આ પધ્ધતી હેઠળ ૧૫ દીવસની અંદર બધાં જરુરી પુરાવાઓ NSDL ને પહોંચાડવાનાં હોય છે.ઓનલાઇન એપ્લીકેશન સબમીટ કરવાથી ૧૫ આંકડાનો એક્નોલેજમેંન્ટ નંબર આપવામાં આવે છે.આ નંબર નોંધી રાખવો જરુરી છે અને તેની પ્રીન્ટ કાઢી લેવી.ત્યાર પછી એક્નોલેજમેંન્ટ ની કોપી પર પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી તેનાં પર સહી કરવાની હોય છે અને સાથે ડી.ડી.જોડવાનો,ડી.ડી.ની પાછળ 'એપ્લીકેશન ફોર પાન-૧૫ આંકડાનો એક્નોલેજમેંટ નંબર'લખવો જરુરી છે.ત્યાર પછી આ બંને વસ્તુઓ તથા બધાં પુરાવાઓ નીચેનાં એડ્રેસ પર મોકલવાનાં રહે છે.
INCOM TAX PAN SERVICES,NATIONAL SECURITIES DEPOSITORY LTD.
1ST FLOOR,TIMES TOWER,KAMALA MILLS COMPOUND,SENAPATI BAPAT MARG,LOWER PAREL (W),MUMBAI-400013,MAHARASHTRA-INDIA.
વધુ જાણકારી માટે નીચેનાં ઈ મેઇલ પર સંપર્ક કરો.
NSDL:tininfo@nsdl.co.in
UTIISL:utiisl-gsd@mail.utiisl.co.in
ઓનલાઇન એપ્લીકેશન માટે નીચેની લીંક પર ક્લીક કરો.
https://tin.tin.nsdl.com/pan/index.html

શનિવાર, 30 ઑગસ્ટ, 2008

નોન રેસીડેન્ટ એક્સ્ટર્નલ (NRE) એકાઉન્ટ અને નોન રેસીડેન્ટ ઓર્ડીનરી(NRO) એકાઉન્ટ વિશે પાયાની માહીતીઃ


નોન રેસીડેન્ટ એક્સ્ટર્નલ (NRE) એકાઉન્ટ અને નોન રેસીડેન્ટ ઓર્ડીનરી(NRO) એકાઉન્ટ વિશે પાયાની માહીતીઃ


બીન નિવાસી ભારતીયો જ્યારે ભારતમાં તેમનું બેંક એકાઉન્ટ ખોલાવવાનું વિચારે છે ત્યારે સામાન્ય રીતે તેઓ ગડમથલમાં હોય છે કે ક્યા પ્રકારનું બેંક એકાઉન્ટ ખોલાવવું? NRE એકાઉન્ટ કે NRO એકાઉન્ટ?આજે આ લેખ દ્વારા આપણે NRE અને NRO એકાઉન્ટની ખાસીયતો અને તફાવતો વિશે સમજશું.
#NRE - Non Resident External Account.


-NRE એકાઉન્ટમાં મુડી ભંડોળ નું ચલણ ભારતીય રુપીયો છે.
-NRE એકાઉન્ટ જુદાં જુદાં પ્રકારનાં હોય છે.-બચત ખાતું,ચાલું ખાતું કે બાંધી મુદત ની થાપણનું ખાતું હોય શકે.
-NRE એકાઉન્ટ ફ્ક્ત બીન નિવાસી ભારતીયો જ ખોલાવી શકે છે.
-NRE એકાઉન્ટમાં જમા રાખેલ મુડી ખુબ આસાનીથી કોઈપણ દેશમાં મોકલાવી શકાય છે.
-વિદેશમાંથી કમાયેલી મુડી NRE એકાઉન્ટમાં જમા કરાવી શકાય છે તેમજ બીજાં NRE એકાઉન્ટમાંથી મુડી તબદીલ થઈ શકે છે.
-NRE એકાઉન્ટમાંથી NRO એકાઉન્ટમાં મુડી તબદીલ કરી શકાય છે.
-NRE એકાઉન્ટ સંયુક્ત રીતે ખોલાવી શકાય છે પરંતુ તેમાનાં બંને વ્યક્તીઓ બીન નિવાસી ભારતીય હોવા જરુરી છે.
-NRE એકાઉન્ટ માં રાખેલી મુડી પર નાં વ્યાજની આવક બીલકુલ ટેક્ષ ફ્રી હોય છે.
-NRE એકાઉન્ટ માં નોમીનેશન થઈ શકે છે.
-બીન નિવાસી ભારતીય જ્યારે કાયમી ધોરણે ભારતીય નીવાસી થઈ જાય ત્યારે NRE એકાઉન્ટ સામાન્ય બેંક એકાઉન્ટમાં તબદીલ થઈ શકે છે.


#NRO - Non Resident Ordinary Account
-NRO એકાઉન્ટમાં મુડી ભંડોળ નું ચલણ ભારતીય રુપીયો છે.


-NRO એકાઉન્ટ જુદાં જુદાં પ્રકારનાં હોય છે.-બચત ખાતું,ચાલું ખાતું કે બાંધી મુદત ની થાપણનું ખાતું હોય શકે.


-NRO એકાઉન્ટ ફ્ક્ત બીન નિવાસી ભારતીયો જ ખોલાવી શકે છે.


-ભારતીય નાગરીક જ્યારે બીન નિવાસી ભારતીય થઈ જાય ત્યારે તેનું બેંક એકાઉન્ટ NRO એકાઉન્ટ તરીકે તબદીલ થઈ શકે છે.
-NRO એકાઉન્ટમાં જમા રાખેલી મુડી વિદેશ મોકલી શકાતી નથી તેનો ઉપયોગ ફ્ક્ત ભારતમાં જ થઈ શકે છે.
-NRO એકાઉન્ટમાં ફ્ક્ત ભારતમાંથી જ મેળવેલી મુડી જ જમા થઈ શકે છે,વિદેશમાંથી કમાયેલી મુડી તેમાં જમા થઈ શકતી નથી.
-NRO એકાઉન્ટમાંથી NRE એકાઉન્ટમાં મુડી તબદીલ થઈ શકે નહીં.


-NRO એકાઉન્ટ સંયુક્ત રીતે પણ ખોલાવી શકાય છે.તેમજ બીજી વ્યક્તી બીન નિવાસી ભારતીય અથવાતો ભારતીય નીવાસી હોય તો પણ સંયુક્ત રીતે NRO અકાઉન્ટ ખોલાવી શકાય છે.
-NRO એકાઉન્ટમાં રાખેલી મુડી પરનાં વ્યાજની આવક કર પાત્ર છે.
-NRO એકાઉન્ટમાં નોમીનેશન થઈ શકે છે.
-બીન નિવાસી ભારતીય જ્યારે કાયમી ધોરણે ભારતીય નીવાસી થઈ જાય ત્યારે NRO એકાઉન્ટ સામાન્ય બેંક એકાઉન્ટ તરીકે તબદીલ થઈ જાય છે.

બુધવાર, 13 ઑગસ્ટ, 2008

બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ માટે આજથી જ રોકાણ કરો.


બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ માટે આજથી જ રોકાણ કરો.
પોતાના બાળકનું ઉજળું ભવિષ્ય એ દરેક મા-બાપ નું અગ્રીમ ધ્યેય હોય છે.જ્યારે બાળકો માટે કંઈપણ ખર્ચ કરવાની વાત આવે ત્યારે મા-બાપ પોતે પોતાનાં માટેનાં ખર્ચમાં કાપ મુકીને,ગમે તેવું ચલાવીને પણ બાળકોને સર્વોતમ આપવાની કોશીષ કરતાં હોય છે.દરેક મા-બાપ પોતાનાં બાળકોનાં ભરણ-પોષણ તથા ભણતર બાબતે જરાપણ નબળું ચલાવી લેવાનાં મુડમાં હોતા નથી.પરંતુ હવે આજનાં સમયમાં ભણતરનાં ખર્ચાઓ ખુબ વધી ગયાં હોવાથી સામાન્ય વર્ગનાં લોકો માટે તો પોતાનાં બાળકોને સારી સ્કુલ-કોલેજોમાં ભણાંવવું અશક્ય થઈ ગયું છે તેમજ મધ્યમ વર્ગનાં લોકો માટે પણ આ ખર્ચાઓ ઉપાડવા અસહ્ય થઈ ગયા છે.જે મા-બાપ પોતાનાં બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ માટે અત્યારથી જો નિયમીત રીતે રોકાણ કે બચત નહીં કરે તો તેઓ માટે તેમનાં બાળકોને સારી શૈક્ષણીક સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસ કરાવવાનાં સપનાંઓ માત્ર સપનાં જ બની રહેશે.વિશ્વનાં બીજા દેશોમાં જેમ યુવાનો ભણવાની સાથે કામ કરીને પોતાનાં ભણતરનાં ખર્ચાઓ પોતેજ ઉપાડતાં હોય છે તેનાંથી વિરુધ્ધ ભારતમાં હજુપણ બાળકોને ભણાવવાની જવાબદારી મા-બાપનાં ખભા પર જ રહે છે.
વર્તમાન સમયમાં સારી શૈક્ષણીક સંસ્થાઓમાં એમ.બી.એ. કરવાનો કુલ ખર્ચ ૧૧ લાખ જેટલો થાય છે.હવે જો સરેરાશ ૮% લેખે ફુગાવાનો દર ધારીએ તો આજથી ૧૫ વર્ષ પછી તે ખર્ચ ૩૫ લાખ જેટલો થઈ જશે.જો કોઈ મા-બાપ અત્યારથી દર મહીને જો ૮૫૦૦ રુપિયાની બચત ૧૫ વર્ષ સુધી કરશે તો તે વખતે આટલાં રુપિયા ભેગાં થઈ શકશે.
પરંતુ દુઃખની વાત એ છે કે આપણાં વ્યક્તિગત નાંણાંકીય આયોજનો માં કે કુટુંબની બચતોમાં બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ માટે કોઈ અલગથી જોગવાઈ રાખવામાં આવતી નથી.બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ માટે નીચે મુજબનાં બે સિધ્ધાંતો મુજબ આયોજન કરી શકાય.
(૧).અત્યારથી નિયમિત રીતે રોકાણ કરવું.
(૨).કોઈપણ આકસ્મિક ઘટનાં સામે નાંણાંકીય સુરક્ષા મેળવવી.
હાલ,માર્કેટમાં બાળકો માટે ઘણાંબધાં પ્રકારનાં ઇન્શ્યુરન્સ પ્લાન ઉપલબ્ધ છે જેનાં દ્વારાં બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ માટે આયોજન કરી શકાય છે.જેમાં મુખ્યત્વે બે પ્રકાર છે ૧,યુનીટ લીંક ઇન્શ્યુરન્સ પ્લાન(યુલીપ),૨,મનીબેક પ્લાન.

યુલીપ પ્લાન પ્રમાણમાં ખુબજ સરળ તથા સુગમ છે જેમાં પોલીસી ની ટર્મ તેમજ વિમાની રકમ આપણી જરુરીયાત મુજબ રાખી શકાય છે તેમજ જ્યારે જરુર પડે ત્યારે ઉપાડ પણ કરી શકાય છે.જ્યારે મનીબેક પ્લાનમાં અમુક નિયત સમયે જ તેમાંથી તબક્કાવાર રુપિયા પરત મળે છે.સામાન્ય રીતે ચીલ્ડ્ર્ન પ્લાન ની ટર્મ ૧૫ વર્ષની હોય છે.અને ૦ થી ૧૫ વર્ષનાં બાળકો માટે આ પોલીસી લઈ શકાય છે.સામાન્ય રીતે દસમું ધોરણ,બારમું ધોરણ,ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન વખતે વધારે રુપિયાની જરુરિયાત પડ્તી હોય છે તો આ માટે યુલીપ પ્લાનમાંથી જરુરીયાત મુજબ તબક્કાવાર ઉપાડ કરી શકાય છે,આ ઉપરાંત જો બાળકનાં પિતાનું મ્રુત્યુ થાય તો તવાં સંજોગો માં તેનાં કુટુંબીજનોને વિમાની રકમ મળે છે જેનાંથી ભવિષ્યની જવાબદારીઓ ઉપાડી શકાય છે.અને પોલીસી ત્યાં પુરી થઈ જાય છે.અમુક વિમા કંપનીઓની એવી પોલીસીઓ પણ ઉપલબ્ધ છે કે જેમાં જો પિતાનું મ્રુત્યું થાય તો તાત્કાલીક ધોરણે તેનાં કુટુંબીઓ ને વિમાની રકમ તો મળે જ છે તે ઉપરાંત પોલીસી ત્યાં પુરી થતી નથી ,પોલીસી ચાલુ રહે છે અને બાકી રહેતાં પ્રીમીયમ વિમા કંપની પોતે તેનાં વતી ભરે છે તેથી પોલીસી ની મુદત પુરી થયે એક મોટી રકમ પરત મળે છે એટલે જે હેતુ થી પોલીસી લેવામાં આવી હોય તે હેતુ કોઈપણ સંજોગો માં પણ સિધ્ધ થઈને જ રહે છે.

આમ,પોતાની જરુરીયાત મુજબ નિયમિત રીતે આજથી જ રોકાણ ચાલુ કરી બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ સામે સુરક્ષા મેળવી શકાય છે.

મંગળવાર, 5 ઑગસ્ટ, 2008

IPO નાં રિફન્ડની સમસ્યાનાં ઉકેલ માટે સેબીની નવી માર્ગદર્શીકા જાહેર


IPO નાં રિફન્ડની સમસ્યાનાં ઉકેલ માટે સેબીની નવી માર્ગદર્શીકા જાહેર.
IPO નાં રિફન્ડ માટે હવેથી રોકાણકારોએ રાહ નહીં જોવી પડે.

અત્યાર સુધી પબ્લીક ઇશ્યુમાં રોકાણકારોએ ભરેલા નાંણાં નાં રિફન્ડ માટે એક એક મહીના સુધી રાહ જોવી પડ્તી હતી અમુક કિસ્સાઓમાં તો બે-ત્રણ મહીનાઓ સુધી પણ રિફન્ડ આવેલા નથી તો આવી પરિસ્થિતિમાં રોકાણકારોનાં નાણાં સાવ ફાજલ રીતે રોકાયેલાં ના રહે અને રોકાણકારોને તેનું રિફન્ડ ત્વરીત મળી જાય એવી કાંઇક વ્યવસ્થા ગોઠવવા માટે સેબી સમક્ષ ઘણાં સમયથી માંગણી હતી તે અનુસંધાને તાજેતરમાં જ સેબીએ પબ્લીક ઇશ્યુમાં અરજી કરતી વખતે નાણાં બેંકમાં જ જમા રહે અને એલોટમેન્ટ પછી જ જેટલું એલોટ્મેન્ટ થાય એ પ્રમાણે જ અરજદાર નાં બેંક એકાઉન્ટમાંથી નાણાં ડેબીટ થાય એવી વ્યસ્થા અમલમાં મુકવા માટે પરીપત્ર જાહેર કર્યો છે.શરુઆતમાં પ્રાયોગીક ધોરણે આ પ્રોજેક્ટ શરુ થશે અને અરજી કરતી વખતે ચેક ભરવાની અને એકાઉન્ટ માંથી બધી રકમ ડેબીટ થાય તેવી અત્યારની વ્યવસ્થા ચાલુ રહેશે અને તે સાથે નવી વ્યવસ્થા પણ અમલી બનશે.આ નવી વ્યવસ્થાને એપ્લીકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એકાઉન્ટ કહેવાશે અને જે બેંકો આ સવલત તેનાં ગ્રાહકોને આપવા માંગતી હશે તેણે સેબીની મંજુરી લેવી પડ્શે.જે બેંકો આ બ્લોક્ડ એકાઉન્ટવાળી અરજી માટે આગળ આવશે તેમની નિર્ધારીત શાખાઓમાં થતી અરજીઓને નવી સવલતનો લાભ મળશે.આમ,બેંકમાં જેનું ખાતું હશે તેને જ બેંકો આવી સવલત આપશે.હાલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા જેવી બેંકોએ આ માટે સહમતી દર્શાવી છે.
આ નવી વ્યવસ્થા મુજબ ભારતીય વ્યક્તીગત રોકાણકારો માત્ર કટ ઓફ ભાવે જ અરજી કરી શકશે અને બુક બીલ્ડીંગવાળા ઇશ્યુને જ આ સવલત મળશે.રીઝર્વ કેટેગરી હેઠળની અરજીને હાલ આ લાભ નહીં મળે અને આ વ્યવશ્થા મુજબ અરજી કર્યા બાદ તેમાં ફેરફાર થઈ શકશે નહીં.અલોટમેન્ટ નક્કી થયા બાદ જેનું જેટલું અલોટમેન્ટ થશે અટલાં પ્રમાણમાંજ તેનાં બેંક અકાઉન્ટમાંથી નાણાં ઉધારવામાં આવશે અને બાકીનાં નાણાં છુટા કરાશે,ત્યાં સુધી સંપુર્ણ અરજીનાં નાણાં બ્લોક રહેશે.હાલ,સેબી નવી અને જુની બંને પધ્ધતી ચાલુ રાખશે નવી યોજનાને સંપુર્ણ સફળતા મળે તે પછી જુની પધ્ધતી રદ કરવામાં આવશે અને પબ્લીક ઇશ્યુનાં બધાં વહેવાર નવી પધ્ધતી મુજબ જ થશે.
આ યોજના ક્યારથી લાગુ થશે તે માટેની તારીખ હજુ સેબીએ જાહેર કરેલ નથી.પરંતુ જો આ યોજનાનો જો તત્કાલીક ધોરણે અમલ થાય તો નાનાં રોકાણકારોનાં પબ્લીક ઇશ્યુમાં નાંણાં અટવાતાં અટકી જશે.આમ,નાનાં રોકાણકારો માટે આ એક આનંદનાં સમાચાર છે.ભુતકાળમાં પબ્લીક ઇશ્યુઓમાં થયેલાં ખરાબ અનુભવોને લીધે રોકાણકારો નું પબ્લીક ઇશ્યુઓમાં નાણાં રોકવા માટેનું આકર્ષણ ઘટતું હતું તેને હવે ફરીથી વેગ મળશે.

બુધવાર, 30 જુલાઈ, 2008

સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન (SIP);શેર બજાર માં રોકાણ કરવા માટેનો ઉતમ વિકલ્પ




સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન (SIP);શેર બજાર માં રોકાણ કરવા માટેનો ઉતમ વિકલ્પ

#સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન એટલે શું?

સીસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એ રોકાણ કરવા માટેની એક પ્રચલીત પધ્ધતી છે.જે ખાસ કરીને પગારદાર લોકો તથા નિયમિત આવક ધરાવતા લોકો માટે ખુબજ ફળદાયી છે.એકી સાથે,એક જ સમયે મોટું રોકાણ કરવાને બદલે આ પધ્ધતી માં રોકાણકાર પોતાની અનુકુળતા મુજબ નિયમિત રીતે દર મહીને અમુક રુપીયાનું રોકાણ કરી શકે છે.રોકાણકાર ફક્ત રુ ૫૦૦ થી લઈને વધુ માં ગમે તેટલાં રુપીયા દર મહીને રોકી શકે તેવાં અનેક પ્રકારનાં મ્યુ.ફંડ પ્લાન બજાર માં ઉપલબ્ધ છે.સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન એ કોઇ મ્યુ.ફંડ નો પ્રકાર નથી પરંતુ મ્યુ.ફંડ માં રોકાણ કરવાની એક શીસ્તબધ્ધ પધ્ધતી છે.
અત્યારે ભારતમાં ઘણીબધી મ્યુ.ફંડ કંપનીઓ આ પ્રકારનાં પ્લાન ઓફર કરે છે.સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન દ્વારા મ્યુ.ફંડ માં રોકાણ કરવામાં આવે છે,એટલે કે દર મહીને અમુક રુપીયાનાં યુનીટ જે તે ફંડ નાં ખરીદવામાં આવે છે.જ્યારે મ્યુ.ફંડ કંપની આ જે ફંડ ભેગું થાય તેનું શેર બજાર માં તથા બોન્ડ માં રોકાણ કરે છે.આમ સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન દ્વારા આડકતરી રીતે શેર બજારમાં રોકાણ થાય છે.કોઇપણ મ્યુ.ફંડ કંપનીનાં સીસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન માં ફક્ત રોકાણ કરી દેવાથી સારાં વળતરની અપેક્ષા ના રાખી શકાય તેનાં માટે મ્યુ.ફંડ સ્કીમની યોગ્ય પસંદગી કરવી અનીવાર્ય છે.ઘણી વખત યોગ્ય સ્કીમની પસંદગી ના કરી હોવાને લીધે પણ રોકાણ સામે યોગ્ય વળતર મળતું નથી.આથી,એવું કહી શકાય કે મ્યુ.ફંડ કંપની ની યોગ્ય પસંદગી તેમજ તે કંપનીની જુદી જુદી સ્કીમ માંથી યોગ્ય સ્કીમ ની પસંદગી કરવી એ સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાનમાં રોકાણ કરવા તરફ નું પહેલું પગથીયું છે.

#સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાનમાં રોકાણ કરવાનાં ફાયદાઃ

( ૧.) દર મહીને શીસ્તબધ્ધ રીતે રોકાણ થતું હોવાથી એક રીતે જોઇએ તો ફરજીયાત બચત થાય છે અને એ મુજબ જ આખા મહીનાનાં ખર્ચાઓનું આયોજન પણ આપો આપ થઈ જાય છે.

( ૨.) રોકાણનાં કોઇપણ સાધનો કરતાં હંમેશા શેર બજાર માં કરેલાં રોકાણોએ લાંબેગાળે ખુબજ ઉંચુ વળતર આપ્યું છે.સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન દ્વારા આડકતરી રીતે શેર બજારમાં રોકાણ થાય છે પરંતુ શેર બજારા નાં જોખમો સામે રક્ષણ મળે છે.

( ૩.) 'ઘટાડે લેવું અને ઉછાળે વેંચવું' આ શેરબજાર માં સફળ થવા માટેની ગુરુચાવી છે.આ હકીકત દરેક રોકાણકાર જાણતો હોવા છતાં વાસ્તવિક્તામાં આને અનુસરી શકતો નથી,જ્યારે સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાનમાં દર મહીને નાની રકમનું નિયમિત રીતે રોકાણ થાય છે તેથી લાંબાગાળે રોકાણ નાં ખર્ચનું એવરેજીંગ થઈ જાય છે જેને 'રુપી કોસ્ટ એવરેજીંગ' કહેવાય છે.આથી સરવાળે રોકાણની પડ્તર માં ઘટાડો થાય છે અને તેથી જ વળતર વધારે મળે છે.

( ૪.) સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન દ્વારા મ્યુ.ફંડ માં રોકાણ કરી દર મહીને અમુક યુનીટની ખરીદી કરવામાં આવે છે આથી અમુક યુનીટની ખરીદી સાવ નીચા ભાવે થાય છે તો અમુક યુનીટ ની ખરીદી ઉંચા ભાવે થાય છે.આમ,ઉંચા ભાવે એક સામટું રોકાણ કરવા કરતાં સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન દ્વારા વધારે વળતર મેળવી શકાય છે.

( ૫.) મ્યુ.ફંડ નાં ફંડ નું સંચાલન અભ્યાસુ,નિષ્ણાંત અને અનુભવી વ્યાવસાયીકો દ્વારાં કરવામાં આવે છે આથી શેરબજારમાં રહેલાં જોખમોને ટાળી શકાય છે અથવાતો ઓછા કરી શકાય છે અને વધારે વળતરની અપેક્ષા યોગ્ય ઠરે છે.
#ચાર્જીસઃ
દરેક મ્યુ.ફંડ કંપનીનાં ચાર્જ સ્ટ્ર્કચર જુદાં જુદાં હોય છે.મ્યુ.ફંડ કંપનીઓ મુખ્યત્વે બે પ્રકારનાં ચાર્જ લગાડતી હોય છે જે 'એન્ટ્રી લોડ' અને 'એક્ઝીટ લોડ' થી ઓળખાય છે.જ્યારે યુનીટ ની ખરીદી કરીએ અને જ્યારે વેંચાણ કરીએ ત્યારે આ ચાર્જ કાપવામાં આવે છે.'એક્ઝીટ લોડ' માટે મ્યુ.ફંડ કંપનીઓ સમય મર્યાદા રાખે છે જેમકે યુનીટ ખરીદ્યા પછી જો એક વર્ષની અંદર તેને વેંચી નાંખીએ તો 'એક્ઝીટ લોડ' લગાડવામાં આવે છે પરંતુ જો એક વર્ષ પુરું કર્યા પછી જો વેંચીએ તો આ ચાર્જ લગાડવામાં આવતો નથી.દરેક કંપનીની આ સમય મર્યાદા જુદી જુદી હોય છે.આ ઉપરાંતનો એક 'ફંડ મેનેજમેન્ટ' ચાર્જ વસુલ કરવામાં આવે છે,આ ચાર્જ અડધા ટકા થી લઈને દોઢ બે ટકા સુધીનો હોય છે.આ ચાર્જ નાં ટકા કુલ ફંડ ઉપર લગાડવામાં આવે છે.આમ,સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન માં રોકાણ કરતાં પહેલાં જુદી જુદી મ્યુ.ફંડ કંપનીનાં ચાર્જ સ્ટ્ર્કચર ચકાસીને જ રોકાણ કરવું હીતાવહ છે.
#ટેક્ષ ની અસરોઃ
આપણે કોઇ મ્યુ.ફંડ કંપની નાં ઈક્વીટી ફંડ માં સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન વડે રોકાણ કર્યું છે,હવે જો રોકાણ કર્યા પછી નાં એક વર્ષ પછી જો યુનીટનું વેચાણ કરીએ તો તેનાં પર કેપીટલ ગેઈન ટેક્ષ લાગતો નથી પરંતુ જો એક વર્ષ પહેલાં વેચાણ કરીએ તો તેનાં પર ૧૫% કેપીટલ ગેઈન ટેક્ષ લાગુ પડે છે.ધારો કે આ મુજબનાં પ્લાનમાં આપણે બાર મહીના માટે રોકાણ કરીએ છીએ એટલે કે જાન્યુ-૨૦૦૮ થી ડીસે.-૨૦૦૮ સુધી,હવે ફેબ્રુઆરી ૨૦૦૯ માં આપણે અમુક યુનીટનું વેચાણ કરવું છે તો અંહી 'ફીફો-ફ્રસ્ટ ઈન ફસ્ટ આઉટ'પધ્ધતી લાગુ પડે છે એટલે કે જાન્યુ-૨૦૦૮ માં જેટલાં યુનીટની ખરીદી કરી હતી તેટલાં જ યુનીટ ફેબ્રુ-૨૦૦૯ માં વેચીએ તો તેને એક વર્ષ પુરું થઈ ગયું હોવાથી તેનાં પર કેપીટલ ગેઈન ટેક્ષ લાગતો નથી.
આમ,સીસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એ નિયમિત રીતે,શીસ્તબધ્ધ રોકાણ કરવાની એક આદર્શ પધ્ધતી છે જેમાં ઓછાં જોખમે વધારે વળતર મેળવવાની આશા રાખી શકાય છે અને સાથે સાથે ઓછાં રુપીયામાં પણ સારું ઇન્વેસ્ટમેન્ટ પ્લાનીંગ થઈ શકે છે અને આથી જ સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન એ રોકાણ કરવા માટે નો એક ઉતમ વિકલ્પ છે.




રવિવાર, 20 જુલાઈ, 2008

વૈકલ્પિક ઉર્જાનું ઉજળું ભવિષ્ય


વૈકલ્પિક ઉર્જાનું ઉજળું ભવિષ્ય
વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઇલની કિંમતો મોટે પાયે વધી રહી છે તેવા સમયે મુડીદાર ઉદ્યોગ સાહસીકો તેમના પરંપરાગત ઉદ્યોગોમાંથી કમાયેલી મુડીનો વધારાનો હીસ્સો વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે કાર્યરત કંપનીઓ માં રોકવા લાગ્યા છે.આ ક્ષેત્રની ઘણીબધી કંપનીઓ આધુનીક ટેકનોલોજી,સોફ્ટવેર,લેટેસ્ટ કમ્યુનીકેશન સીસ્ટમ વગેરેનાં ઊપયોગ દ્વારા ખુબજ ઝડ્પથી પ્રગતી કરી રહી છે અને તેથીજ આ કંપનીઓ રોકણકારોને આકર્ષવામાં સફળ રહી છે.નેશનલ વેન્ચર કેપીટ અશોશીયેશન તથા પ્રાઇસ વોટર હાઉસ કુપર્સના તજેતરના સર્વે મુજબ વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે કાર્યરત કંપનીઓ નું ભવિષ્ય ખુબજ ઉજ્જવળ છે.વિશ્વનાં મુડીદાર ઉદ્યોગ સાહસિકોએ વર્ષ ૨૦૦૬ નાં પ્રથમ છ માસ ના ગાળા દરમિયાન સુર્ય,પવન તથા જીઓ થર્મલ ઉર્જા ક્ષેત્રે ૧૪૦ મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.અમેરિકાની ઉર્જા નીતિ માં પણ ભવિષ્યની ઉર્જા જરુરીયાતો માટે વૈકલ્પિક ઉર્જા ના વધુ ને વધુ ઉત્પાદન પર ભાર મુકયો છે.વિશ્વની જાણીતી કંપની જીઇનું પવન ઉર્જા ક્ષેત્રે વૈશ્વિક વેચાણ ૨ બિલિયન ડોલર અને સોલાર પેનલનું વેચાણ ૧૧ બિલિયન ડોલરને આંબ્યુ છે જે વર્ષ ૨૦૦૫ દરમિયાન ૭ બિલિયન ડોલર જેટલું હતું.સુર્યશક્તિ,પવનશક્તિ,જળશક્તિ,અણુંશક્તિ, બાયોફ્યુઅલ,બાયોગેસ વગેરેને વૈક્લ્પિક ઉર્જાનાં મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે.વિશ્વનો મુડીદાર અને બુધ્ધિજીવી વર્ગ આ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે. માઇક્રોસોફ્ટનાં વડા બિલ ગેટ્સ તથા બ્રિટિશ એરલાઇન્સના વડા રિચાર્ડ બ્રેનસને પણ બાયોફ્યુઅલના સશોધન તથા ઉત્પાદનમાં રસ દાખવ્યો છે.અગ્રણી કાર ઉત્પાદકો ટોયોટા અને જનરલ મોટર્સે પણ બાયોફ્યુઅલનાં સંશોધન અને વપરાશ માટે ઉત્સુક્તા બતાવી છે.હાલ માં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી ઓઇલથી ચાલતા ઇન્ટરનલ કમ્બશન (આઇસી)એન્જીન પર આધારીત છે તેથી વૈશ્વિક ધોરણે ઓઇલની કીંમતોમાં થતો વધારો ઓટોમોબાઇલ ક્ષેત્રનાં વિકાસમાં અવરોધ રુપ બની રહે તેવો ભય છે.આ પરિસ્થિતિ નો સામનો કરવા માટે વિશ્વનાં કાર ઉત્પાદકો બાયોફ્યુઅલ તથા એલએનજી(લિક્વીફાઇડ નેચરલ ગેસ)નાં વપરાશને વધારવાની તરફેણ કરે છે અને તેને અનુરુપ એન્જીન વિક્સાવી રહ્યા છે.સોફ્ટ્વેર ક્ષેત્રે વિશ્વમાં પ્રખ્યાત સિલિકોન વેલિમાં પણ નેનો ટેકનોલોજીનાં ઉપયોગથી સોલાર પેનલ/સેલ વગેરે બનાવવા માટેનાં સંશોધનો ચાલી રહ્યા છે.સિલિકોન વેલીમાં નેનો ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતી કંપની નેનોસિસે છત પર લગાવવા માટે સ્પ્રે કોટીંગ નું સંશોધન કર્યું છે જેનાં દ્વારાં સુર્યશક્તિનો સંગ્રહ થઈ શકે છે અને વીજળી નાં બદલાંમાં તેનો ઉપયોગ થઈ શકે છે.
સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વૃધ્ધી પામતાં બે અર્થતંત્રો ભારત અને ચીને પણ વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રેનાં વિકાસ માટે જોરશોરથી પ્રયાસો શરુ કરી દીધા છે તેમ જ વિશ્વનાં મુડીદાર ઉદ્યોગા સાહસિકોને આ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આકર્ષી શક્યા છે.ચીને તાજેતરમાં જ ગુઆંગ ડોગ ક્ષેત્રમાં ૧૦૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા પવન ઉર્જા આધારીત બે મેગા પ્રોજેક્ટ માટે પચાસ વર્ષ સુધીનાં પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યાં છે.ભારતમાં પણ વિદેશી રોકાણકારો પવન ઉર્જા ક્ષેત્રે ખુબજ મોટા રોકાણો કરી રહ્યાં છે.બેસેમર વેન્ચર નામની વિદેશી રોકાણકાર સંસ્થાએ ભારતની પવન ચક્કી બનાવતી કંપની શ્રીરામ ઇપીસી માં રુ.૧૦૦ કરોડનું રોકાણ કર્યું છે.આવી જ રીતે આ ક્ષેત્રની ભારતીય મલ્ટીનેશનલ કંપની સુઝલોનમાં પણ વિદેશી રોકાણકાર સંસ્થા ક્રીસ કેપીટલે રુ.૧૦૦ કરોડ્નું મુડીરોકાણ કર્યું છે.એન આર આઇ બિઝનેશમેન શિવ શંકરને પણ ભારતમાં પવન ઉર્જા ક્ષેત્રે રુ.૬૦૦ કરોડનાં મુડીરોકાણની જાહેરાત કરી છે.ભારત માટે વીજળી એ સૌથી અગત્યનું ઇન્ફ્રાસ્ટ્ર્કચર છે અને પુરતી વીજળી વગર ભારતનો ઔદ્યોગીક વિકાસ શક્ય જ નથી.
તાજેતરમાં જ એક સમારોહમાં ભારતનાં વડા પ્રધાન મનમોહનસિંહે જણાંવ્યું હતું કે 'ભારતે તેની કુલ વીજ ક્ષમતા કે જે હાલમાં ૧.૨ લાખ મેગાવોટ છે તેને આગામી પચીસ વર્ષનાં ગાળામાં વધારીને ૮ લાખ મેગાવોટ સુધી લઈ જવી પડ્શે.તેમજ વીજ ઉત્પાદનમાં વધારો કરવા વૈકલ્પિક ઉર્જા જેમકે જળ,પવન,સુર્ય તથા અણુશક્તિનાં ઉપયોગ પર ધ્યાન કેન્દ્રીત કરવું જરુરી થઈ પડ્યું છે'.આ પરથી સમજી શકાય કે વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે કારોબાર કરતી કંપનીઓ માટે આવતું ભવિષ્ય ખુબજ ઉજળું છે.ભારત સરકાર પેટ્રોલ માં ઇથેનોલનાં મિશ્રણનું પ્રમાણ ૫ ટ્કાથી વધારીને ૧૦૦ ટ્કા કરવાનું વિચારી રહી છે.બાયોફ્યુઅલનું વ્યાપારીક ધોરણે ઉત્પાદન થઈ શકે તે માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર જેટ્રોફાનાં જંગી વાવેતર માટે પ્રયાસો કરી રહી છે.આંધ્ર પ્રદેશમાં એક ખાનગી કંપનીએ બાયોફ્યુઅલ રીફાઇનરી ક્ષેત્રે ઝંપલાવ્યું છે.આ કંપની હજારો હેક્ટર જમીનમાં જેટ્રોફાનું વાવેતર કરાવી તેમાંથી ડીઝલ બનાવશે.રિલયન્સ ઇન્ડસ્ટ્રિઝે પણ જામનગર માં મોટાપાયે જેટ્રોફાનું વાવેતર કર્યાનું જાણવા મળે છે.
ગુજરાત સરકારે પવન ઉર્જાનાં વિકાસ માટે તાજેતરમાં જ એક આવકારવાદાયક પગલું ભર્યું છે.ગુજરાત ઇલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમીશને તાજેતરમાં જ એક આદેશ બહાર પાડીને વિન્ડ એનર્જી પાવર પ્રોજેક્ટ પાસે થી વિજળીને ખરીદ કરવા માટેનાં નવા દરની જાહેરાત કરી છે.અગાઉનાં યુનીટ દીઠ રુ ૨.૬૦ પૈસાને બદલે નવો દર યુનીટ દીઠ રુ ૩.૩૭ પૈસાનો નક્કી કરવામાં આવ્યો છે.જેનાંથી ગુજરાત માં પવન ઉર્જા ઉત્પાદનની પ્રવૃતીને વેગ મળશે.મહારાષ્ટ્ર સરકારે પણ વૈકલ્પિક ઉર્જાનાં ઉત્પાદનને વેગ મળે તે હેતુથી એક ફંડની રચના કરી છે.ભારત સરકારે આ ક્ષેત્રે કાર્યરત એકમો માટે સબસીડી તેમજ ધીરાણ સહાયની યોજના જાહેર કરી છે.
આમ ઉપરનાં મુદ્દાઓ જોતાં એક વાત સ્પષ્ટ છે કે ભારત પણ વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે વિકાસ સાધવાનાં પ્રયનો માં વિશ્વનાં અન્ય દેશો કરતાં પાછળ નથી.આમ પણ,ભારત માં પેટ્રોલ-ડિઝલનાં ભાવ જે પ્રમાણે વધી રહ્યાં છે તથા વિજળીની ખાધ જે પ્રમાણે વર્તાઇ રહી છે તે જોતાં વૈકલ્પિક ઉર્જાનાં વધુ ને વધુ ઉત્પાદન તથા વપરાશ સિવાય બિજો કોઇ વિકલ્પ દુર સુધી દેખાતો નથી.

શનિવાર, 5 જુલાઈ, 2008

શું લાઇફ ઇન્શ્યુરન્સનાં રોકાણકારોને અપાતા વળતરને પણ કાયદેસર ન બનાવી શકાય?

શું લાઇફ ઇન્શ્યુરન્સનાં રોકાણકારોને અપાતા વળતરને પણ કાયદેસર ન બનાવી શકાય?
તાજેતરમાં જ કન્ફેડેરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડ્સ્ટ્રીઝ(સીઆઇઆઇ) દ્વારા આયોજીત મ્યુચલ ફંડ સુમીટ-૨૦૦૮ ખાતે શેરબજારા અને મ્યુચલ ફંડના નીયમનકાર સેબીનાં ચેરમેન શ્રી ભાવે એ તેમનાં સંબોધનમાં મ્યુ.ફંડનાં રોકાણકારોનાં હીતમાં અમુક સુધારાવાદી પગલાઓ ટુંક સમયમાં લેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી જેમકે 'મ્યુ.ફંડ ઉધોગ માટેનાં નિતિ નિયમોની સમીક્ષા કરવા માટે એડવાઇઝરી કમીટીની રચના કરવી,મ્યુચલ ફંડ ટ્ર્સ્ટીઓ માટે વર્કશોપ,શેર બજારની જેમ મ્યુ.ફંડમાં પણ ડિપોઝીટરી પાર્ટીસીપેટરી(ડિપી)નો વિચાર તથા મ્યુ.ફંડમાં રોકાણકારોને ડીસ્ટ્રીબ્યુટર્સ દ્વારા અપાતું વળતર(રીબેટ) કાયદેસર કરવાનો વિચાર.'
ઉપરનાં તમામ પગલાંઓનો જો તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવે તો દેશનાં નાનાં રોકાણકારો માટે ખુબજ આનંદીત થવા જેવી વાત છે.મ્યુ.ફંડ કંપનીઓ તેનાં ફંડનો વ્યાપ વધારવા માટે ડિસ્ટ્રીબ્યુટર્સની નિમણુંક કરે છે. ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા રોકાણકારો પોતાનાં રુપિયાનું મ્યુ.ફ્ડંમાં રોકાણ કરી શકે છે.મ્યુ.ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સને તેનાં મહેનતાણાં રુપે ૧% થી લઈને ૪% સુધીનું કમીશન આપવામાં આવે છે.વધારે ને વધારે લોકો પોતાનાં દ્વારા રોકાણ કરે અને એક સામટું મોટું ફંડ આકર્ષવા માટે તેમજ હરીફાઇમાં ટકી રહેવા માટે મ્યુ.ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ પોતાને મળતા કમીશનમાંથી અમુક ટકા રકમ ડિસ્કાઉન્ટ અથવા તો રિબેટ તરીકે રોકાણકારોને પરત આપે છે. મ્યુ.ફંડ કંપનીઓ ડિસ્ટ્રીબ્યુટર્સને જે કમીશન આપે છે તે કમીશન તે રોકાણકારો જે રોકાણ કરે તેનાં ઉપર જુદાં જુદાં પ્રકારનાં ચાર્જિસ લગાડીને વસુલ કરે છે એટ્લે આમ જોઇએ તો રોકાણકારોને જે ડીસ્કાઉન્ટ પાછું મળે છે તે તેનાં જ પૈસા તેને પાછા મળે છે તેવું જ થયું કહેવાય.હવે જ્યારે મ્યુ.ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા અપાતા આવા વળતરને કાયદેસર બનાવવાની વાત છે ત્યારે રોકાણકારોના હિતમાં વિચારીએ તો આ પગલું આવકારવા યોગ્ય છે કારણ કે આવું થવાથી મ્યુ.ફંડમાં રોકાણ કરવાનો ખર્ચ રોકણકારો માટે ઓછો થશે અને રોકાણકારોને તેણે રોકેલા પૈસાનું પુર પુરું વળતર મળી રહેશે.સેબી દ્વારા આ બાબતનો વિચાર કરવો અ પણે એક હિંમતભર્યું પગલું કહી શકાય.
આજ બાબત આપણે લાઇફ ઇન્શ્યુરન્સનાં રોકાણકારો માટે પણ વિચારી શકીએ ભારતમાં ઇન્શ્યુરન્સ ક્ષેત્રનું નિયમન IRDA(ઇન્શ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટિ) દ્વારા થાય છે.જો સેબીની જેમજ IRDA પણ આવું વિચારે તો ખરેખર દેશનો નાનો રોકાણકાર ધન્ય થઈ જાય. લાઇફ ઇન્શ્યુરન્સની બાબતમાં વાત કરીએ તો મ્યુ.ફંડનાં વેચાણ માટે જેમ મ્યુ.ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સની નીમણુંક કરવામાં આવે છે તેમ લાઇફ ઇન્શ્યુરન્સ વેચવા માટે ઇન્શ્યુરન્સ કંપનીઓ દ્વારા એજન્ટ્ની નીમણુંક કરવામાં આવે છે.આવા એજન્ટ ને પહેલા વર્ષનાં પ્રીમીયમનાં ૧૦% થી લઈને ૩૦% સુધીનું કમીશન આપવામાં આવે છે.તે ઉપરાંત રીન્યુઅલ પ્રીમીયમ ઉપર ૨% થી લઈને ૫% સુધીનું કમીશન આપવામાં આવે છે.એજન્ટને આપવામાં આવતું કમીશન ઇન્શ્યુરન્સ કંપનીઓ વિમો ખરીદનાર વ્યક્તી પાસે થી લેવામાં આવતા પ્રીમીયમમાંથી જુદાં જુદાં ચાર્જીસ દ્વારા વસુલ કરે છે.આવા ચાર્જીસનો દર દરેક ઇન્શ્યુરન્સ કંપની દ્વારા જુદોજુદો રાખવામાં આવતો હોય છે.જે પહેલા પ્રીમીયમનાં ૪૦% થી લઈને ૬૫% સુધીનો હોય છે.એટલે કે કોઇ વ્યક્તી રુ ૧૦૦૦૦ નું પ્રીમીયમ ભરે તો તેનાં પહેલાં પ્રીમીયમમાંથી રુ ૬૫૦૦ તો ચાર્જ તરીકે કપાઇ જાય છે અને ફક્ત ૩૫૦૦ રુપીયા જ તેનાં રોકાણ સ્વરુપે જમા થાય છે.બીજા ત્રીજા વર્ષનાં પ્રીમીયમમાંથી આવા ચાર્જીસ ઓછાં થઈ જાય છે અને અમુક કંપનીઓ નાં કિસ્સામાં અમુક પ્રીમીયમ ભર્યા પછી બાકીનાં પ્રીમીયમ પર ચાર્જીસ સાવ નીલ થઈ જાય છે. પરંતુ ઘણી વખત લાઇફ ઇન્શ્યુરન્સ ખરીદનાર વ્યક્તીને આ હકીકતની ખબર હોતી નથી પછી જ્યારે સ્ટેટ્મેન્ટ તેનાં હાથમાં આવે ત્યારે જ ખ્યાલ આવે છે કે તેણે રોકેલાં રુપીયામાંથી ખરેખર કેટલાં રુપીયા ચાર્જ તરીકે કપાઇ જાય છે અને કેટ્લાં રુપીયા રોકાણ તરીકે જમા થાય છે.
જેવી રીતે મ્યુ.ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ તેનું વેચાણ વધારવા માટે તેમજ હરીફાઇમાં ટ્કવા માટે તેનાં ગ્રાહકોને વળતર એટ્લે કે રીબેટ ઓફર કરે છે તેવી જ રીતે લાઇફ ઇન્શ્યુરન્સ એજન્ટ પણ વધુ ને વધુ પોલીસીઓ મેળવવાની લાલચમાં પોતાને મળતાં કમીશનમાંથી અમુક ટ્કા રકમ ગ્રાહકને રોકડ સ્વરુપે પાછી આપે છે.આ વસ્તુ અત્યારે ગેરકાયદેસર છે પરંતુ ભારતમાં આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે તેમ છતાં અમુક લાઇફ ઇન્શ્યુરન્સ કંપનીઓ આ રીબેટ પ્રથાને પ્રોત્સાહન આપતી નથી.
આપણી ચર્ચાનો મુદ્દો એ છે કે જેમ સેબી ચેરમેન મ્યુ.ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા રોકાણકારોને અપાતા રીબેટને કાયદેસર બનાવવાની વાત કરે છે તેમ શું IRDA પણ લાઈફ ઇન્શ્યુરન્સ એજ્ન્ટ દ્વારા તેનાં ગ્રાહકોને અપાતાં રીબેટ-ડિસ્કાઉન્ટને કાયદેસર બનાવવાનું વિચારી ના શકે? જો આવું કરવામાં આવે તો દેશ નાં નાગરીકોને જીવનવીમો ખુબજ ઓછા ખર્ચે પ્રાપ્ત થઈ શકે અને તેણે ભરેલા પ્રીમીયમમાંથી વધારે રકમનું રોકાણ થાય અને તેણે રોકેલા નાંણા સામે તે વિમાની સાથે સાથે પુરે પુરું વળતર પણ મેળવી શકે પરંતુ આ એક ઘણું ઉંડું મંથન માંગી લે તેવો વિચાર છે.લાઈફ ઇન્શ્યુરન્સ કંપનીઓનું હીત,એજ્ન્ટોનું હીત,દેશનું હીત તેમજ રોકાણકારોનું હીત આમ,બધાંનાં હીતોનો વિચાર કરીને આ બાબતે જો કોઇ યથા યોગ્ય પગલાં લેવામાં આવેતો રોકાણકારોને ઓછાં રુપીયામાં મોટો વિમો તેમજ વધારે રોકાણ એમ બંને લાભ મળે.દેખીતી રીતે આ કામ ઘણું અઘરું છે પરંતુ અશક્ય નથી.

બુધવાર, 28 મે, 2008

ઇન્શ્યુરન્સ પોલીસીનું ટ્રેડીંગઃફાયદો કે નુકશાન

ઇન્શ્યુરન્સ પોલીસીનું ટ્રેડીંગઃફાયદો કે નુકશાન
જે લોકોની ઇન્શ્યુરન્સ પોલીસી પ્રીમીયમ ન ભરવાને કારણે બંધ થઈ ગઈ છે(લેપ્સ પોલીસી)તેવાં લોકો ને આનંદીત કરી દે તેવો એક ચુકાદો થોડાં સમય પહેલાં મુંબઈ હાઈકોર્ટે જાહેર કર્યો છે.હાઈકોર્ટે તેનાં ચુકાદામાં ઈન્શ્યુરન્સ પોલીસીનાં ટ્રેડીંગ એટલે કે લેં-વહેંચ ની તરફેણમાં ચુકાદો આપતાં જણાંવ્યું છે કે ઈન્શ્યુરન્સ પોલીસીનું ટ્રેડીંગ કાયદેસર છે.ઈન્શ્યુરન્સનાં નીયમ પ્રમાણે બંધ થયેલી પોલીસીનાં પોલીસી હોલ્ડરને ઈન્શ્યુરન્સ કંપની સરેન્ડર વેલ્યુ(અમુક ચાર્જ કાપીને બાકીની રકમ)જેટલી રકમ પરત કરી દે છે અને પોલીસી ત્યાં પુરી થઈ જાય છે પરંતુ તે જ પોલીસી નાં ટ્રેડીંગ દ્વારા પોલીસી હોલ્ડર સરેન્ડર વેલ્યુ કરતાં વધારે રકમ મેળવી શકે છે.આમ,પોલીસી ટ્રેડીંગ એ ટુંકાગાળા માં પૈસા મેળવવાનું રોકાણનું એક નવું સાધન બની શકે છે.
પરંપરાગત રીતે જોઈએ તો ઈન્શ્યુરન્સ અને ઈન્વેસ્ટ્મેન્ટ એ બે જુદાં જુદાં હેતુઓ સિધ્ધ કરવા માટેનાં સાધનો છે.ઈન્સ્યુરન્સ એ બીજાં મુડી રોકાણનાં સાધનોની સરખામણીમાં રુપીયા સામે ઓછું વળતર આપે છે પરંતુ તેનો મુખ્ય ધ્યેય સલામતીનો છે.તેથી ઉલ્ટું ઈન્વેસ્ટ્મેન્ટ નો મુખ્ય ધ્યેય રોકાણ સામે વધુમાં વધુ વળતર મળે તેવો છે.યુનીટ લીંક ઈન્શ્યુરન્સ(માર્કેટ સાથે સંલગ્ન)પોલીસીઑની શરુઆત થતાં ઈન્સ્યુરન્સ હવે મુડી રોકાણનું અગત્યનું સાધન બની ગયું છે અને વધારે ને વધારે લોકો આવી પોલીસીઓ દ્વારાં રોકાણ અને સલામતી બંને મેળવે છે.આવું થતાં ઈન્સ્યુરન્સ પોલીસીઓ નાં ટ્રેડીંગને વધારે વેગ મળશે તેવું માનવામાં આવે છે.પરંતુ પોલીસીઑ નાં ટ્રેડીંગ વિશે આ ક્ષેત્ર નાં લોકોનાં મિશ્ર પ્રત્યાઘાતો આવેલ છે.અમુક લોકોનું એવું માનવું છે કે આવું થવાથી બીજાંની જીંદગી પર દાવ લગાવવાનું શરુ થઈ જશે.જ્યારે અમુક લોકો ઈન્સ્યુરન્સનાં ટ્રેડીંગ ને આવકારે છે.
પરંતુ રસપ્રદ વાત એ છે કે પોલીસી ટ્રેડીંગએ ભારતીય કાયદા પ્રમાણે પ્રતીબંધીત નથી.૨૦૦૩ માં એલઆઈસી ઍ નક્કી કર્યું કે પોલીસી હોલ્ડર એવી કોઈપણ વ્યક્તી કે સંસ્થાને તેની પોલીસી અસાઈન(બીજાં ને હક્ક આપી દેવો)નાં કરી શકે કે જેનો ઈન્સ્યુરેબલ ઈન્ટરેસ્ટ તેનાંમાં નાં હોય પરંતુ આઈ આર ડી એ(ઈન્સ્યુરન્સ રેગ્યુલટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી)એલ આઈ સી નાં આ નિર્ણય ને ગેરવ્યાજ્બી ઠરાવ્યો અને એલ આઈ સી એ ફરીથી પોલીસી હોલ્ડર ને તેની પોલીસી બેંક,નાણાંકીય સંસ્થા કે પરીવારનાં સભ્યો ઉપરાંત મીત્રો નાં નામે અસાઈન કરવા માટે સહમતી આપી અને પ્રાઈવેટ ઈન્સ્યુરન્સ કંપનીઓએ પણ આ સિલસિલો ચાલું રાખ્યો છે પરંતુ આજસુધી ભારતમાં પોલીસી નું ટ્રેડીંગ બહુ પ્રચલીત નથી.
મુંબઈની ઈન્સ્યુરન્સ પોલીસી નાં ટ્રેડીંગ ક્ષેત્રે કામ કરતી કંપની ઈન્સ્યુરન્સ પોલીસીપ્લસ સર્વીસીસ નામની કંપનીએ એલ આઈ સી વિરુદ્ધ કોર્ટ માં કેસ દાખલ કર્યો ત્યારે ભારતમાં ફરીથી પોલીસી ટ્રેડીંગનો મુદ્દો ચર્ચામાં આવ્યો.એલ આઈ સી એ આ કંપનીને પોલીસી ટ્રેડીંગ એ ભારતનાં સામાજીક વાતાવરણને પ્રતીકુળ છે તેવું કારણ આપીને પોલીસીનાં અસાઈનમેન્ટ રજીસ્ટર કરવાની નાં પાડી દીધી(પોલીસી અસાઈન કરવા માટે તેનું જે તે ઈન્સ્યુરન્સ કંપની પાસે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.)અને આગળ જણાંવ્યું કે આઈ પી પી એસ આ પોલીસીઓ માં કોઈપણ પ્રકારનો ઈન્સ્યુરેબલ ઈન્ટરેસ્ટ ધરાવતી નથી અને તે ફ્ક્ત પોલીસીઓનું ટ્રેડીંગ કરી તેમાંથી ફક્ત પૈસા કમાવવાનાં હેતુથી જ કામ કરે છે.વધારે દલીલ કરતા એલ આઈ સી એ જણાવ્યું હતું કે જ્યારે પોલીસી હોલ્ડર તેની પોલીસી વહેંચે છે ઍટ્લે કે અસાઈન કરે છે ત્યારે તે પોલીસીનાં તમામ હક્કો પોલીસી ખરીદનારને ટ્રાન્સ્ફર થઈ જાય છે તેથીજ પોલીસીનાં મળવાપાત્ર બધાં લાભ પોલીસી ખરીદનારને મળે છે.પોલીસીની મુદત પુરી થતાં પાકતી મુદતે મળતી રકમ પણ પોલીસી ખરીદનારને મળે છે અથવાતો પોલીસી જેની પાસ થી ખરીદેલી છે તેનું એટ્લે કે જેનાં જીવનનો વિમો ઉતારેલ છે તેનું મ્રુત્યું થઈ જાય તો પણ તે મ્રુત્યુનાં દાવાની રકમ પોલીસી હોલ્ડરને બદલે પોલીસી ખરીદનારને મળે છે અને,આમ થવાથી વિમાનાં સિધ્ધાંત 'ઈન્સ્યુરેબલ ઈન્ટરેસ્ટ'નો ભંગ થાય છે.
અંતે આ કેસમાં ઈન્સ્યુરન્સ પોલીસીપ્લ્સ સર્વીસીસ નો વીજય થાય છે અને મુંબઈ હાઈકોર્ટે ઈન્સ્યુરન્સ પોલીસીનાં મુક્ત વ્યાપાર ની તરફેણમાં ચુકાદો આપતાં જણાંવ્યું હતું કે "કાયદાકીય રીતે આ પ્રતીબંધીત નથી અને વિશ્વનાં બીજાં વિક્સીત દેશો અમેરીકા અને યુ.કે.જેવા દેશો માં તો ઈન્સ્યુરન્સ પોલીસી પરનું ટ્રેડીંગ ખુબજ પ્રચલિત છે.ઈન્સ્યુરન્સ એક્ટ ૧૯૩૮ મુજબ ઈન્સ્યુરન્સ પોલીસી એ તબદીલ થઈ શકે તેવી મિલ્કત છે અને પોલીસી હોલ્ડર તે મિલ્કતનો સંપુર્ણ માલીક છે અને માલિક હોવાનાં નાતે તે પોલીસીનાં તમામ હક્કો તેનાં છે.તે તેનાં પરીવારનાં ઉચીત ફાયદા માટે તે મિલ્કત(પોલીસી)નો ગમે તે રીતે ઉપયોગ કરી શકે છે"
પોલીસી હોલ્ડર,એજન્ટ અને પોલીસી ખરીદનાર બધાંને ફાયદોઃ જ્યારે પોલીસી હોલ્ડર પ્રીમીયમ ભરવા માટે સક્ષમ નથી હોતો ત્યારે તેની પાસે બે વિકલ્પો બચે છે.ઍક તો વિમા કંપની દ્વારા તે પોલીસીની જે સરેન્ડર વેલ્યુ આપવામાં આવે તે સ્વીકારી લેવી ને પોલીસી ત્યાં સમાપ્ત કરવી અથવા તો પોલીસી માં જે રકમ બચી હોય તેમાંથી પ્રીમીયમ તરીકે પૈસા ક્પાય,વિમો ચલુ રહે અને પછી પોલીસી બંધ થઈ જાય છે.અને તેમાં પણ જો પોલીસી ને ત્રણ વર્ષ પુરાં ન થયાં હોય તો તેને સરેન્ડર વેલ્યુ પણ મળવા પાત્ર નથી.આવાં કીસ્સામાં પોલીસી હોલ્ડરે તેણે ભરેલાં પ્રીમીયમની રકમ પણ ભુલી જવી પડે છે.પરંતુ મુંબઈ હાઈકોર્ટ નાં ચુકાદાએ આવા પોલીસી ધારકોને રાહતનો શ્વાસ આપ્યો છે.ઈન્સ્યુરન્સ પોલીસી નાં ટ્રેડીંગથી પોલીસી હોલ્ડરને ફાયદો થાય છે કારણકે તેને સરેન્ડર વેલ્યુ કરતાં વધારે રુપીયા મળે છે જ્યારે પોલીસી ખરીદનાર પણ ખુશ થાય છે કેમ કે તેને ટુંકાગાળામાં વધારે વળતર મળવાની આશા છે અને એજન્ટ પણ ખુશ રહે છે કેમેકે પોલીસી ચાલુ રહેવાથી તેને રીન્યુઅલ કમીશન મળતું રહે છે.આમ, ઈન્સ્યુરન્સ પોલીસીનું ટ્રેડીંગ એ પોલીસી હોલ્ડર,એજન્ટ અને પોલીસી ખરીદનાર એમ બધાં માટે ફાયદારુપ છે.