બુધવાર, 30 જુલાઈ, 2008

સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન (SIP);શેર બજાર માં રોકાણ કરવા માટેનો ઉતમ વિકલ્પ
સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન (SIP);શેર બજાર માં રોકાણ કરવા માટેનો ઉતમ વિકલ્પ

#સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન એટલે શું?

સીસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એ રોકાણ કરવા માટેની એક પ્રચલીત પધ્ધતી છે.જે ખાસ કરીને પગારદાર લોકો તથા નિયમિત આવક ધરાવતા લોકો માટે ખુબજ ફળદાયી છે.એકી સાથે,એક જ સમયે મોટું રોકાણ કરવાને બદલે આ પધ્ધતી માં રોકાણકાર પોતાની અનુકુળતા મુજબ નિયમિત રીતે દર મહીને અમુક રુપીયાનું રોકાણ કરી શકે છે.રોકાણકાર ફક્ત રુ ૫૦૦ થી લઈને વધુ માં ગમે તેટલાં રુપીયા દર મહીને રોકી શકે તેવાં અનેક પ્રકારનાં મ્યુ.ફંડ પ્લાન બજાર માં ઉપલબ્ધ છે.સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન એ કોઇ મ્યુ.ફંડ નો પ્રકાર નથી પરંતુ મ્યુ.ફંડ માં રોકાણ કરવાની એક શીસ્તબધ્ધ પધ્ધતી છે.
અત્યારે ભારતમાં ઘણીબધી મ્યુ.ફંડ કંપનીઓ આ પ્રકારનાં પ્લાન ઓફર કરે છે.સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન દ્વારા મ્યુ.ફંડ માં રોકાણ કરવામાં આવે છે,એટલે કે દર મહીને અમુક રુપીયાનાં યુનીટ જે તે ફંડ નાં ખરીદવામાં આવે છે.જ્યારે મ્યુ.ફંડ કંપની આ જે ફંડ ભેગું થાય તેનું શેર બજાર માં તથા બોન્ડ માં રોકાણ કરે છે.આમ સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન દ્વારા આડકતરી રીતે શેર બજારમાં રોકાણ થાય છે.કોઇપણ મ્યુ.ફંડ કંપનીનાં સીસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન માં ફક્ત રોકાણ કરી દેવાથી સારાં વળતરની અપેક્ષા ના રાખી શકાય તેનાં માટે મ્યુ.ફંડ સ્કીમની યોગ્ય પસંદગી કરવી અનીવાર્ય છે.ઘણી વખત યોગ્ય સ્કીમની પસંદગી ના કરી હોવાને લીધે પણ રોકાણ સામે યોગ્ય વળતર મળતું નથી.આથી,એવું કહી શકાય કે મ્યુ.ફંડ કંપની ની યોગ્ય પસંદગી તેમજ તે કંપનીની જુદી જુદી સ્કીમ માંથી યોગ્ય સ્કીમ ની પસંદગી કરવી એ સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાનમાં રોકાણ કરવા તરફ નું પહેલું પગથીયું છે.

#સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાનમાં રોકાણ કરવાનાં ફાયદાઃ

( ૧.) દર મહીને શીસ્તબધ્ધ રીતે રોકાણ થતું હોવાથી એક રીતે જોઇએ તો ફરજીયાત બચત થાય છે અને એ મુજબ જ આખા મહીનાનાં ખર્ચાઓનું આયોજન પણ આપો આપ થઈ જાય છે.

( ૨.) રોકાણનાં કોઇપણ સાધનો કરતાં હંમેશા શેર બજાર માં કરેલાં રોકાણોએ લાંબેગાળે ખુબજ ઉંચુ વળતર આપ્યું છે.સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન દ્વારા આડકતરી રીતે શેર બજારમાં રોકાણ થાય છે પરંતુ શેર બજારા નાં જોખમો સામે રક્ષણ મળે છે.

( ૩.) 'ઘટાડે લેવું અને ઉછાળે વેંચવું' આ શેરબજાર માં સફળ થવા માટેની ગુરુચાવી છે.આ હકીકત દરેક રોકાણકાર જાણતો હોવા છતાં વાસ્તવિક્તામાં આને અનુસરી શકતો નથી,જ્યારે સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાનમાં દર મહીને નાની રકમનું નિયમિત રીતે રોકાણ થાય છે તેથી લાંબાગાળે રોકાણ નાં ખર્ચનું એવરેજીંગ થઈ જાય છે જેને 'રુપી કોસ્ટ એવરેજીંગ' કહેવાય છે.આથી સરવાળે રોકાણની પડ્તર માં ઘટાડો થાય છે અને તેથી જ વળતર વધારે મળે છે.

( ૪.) સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન દ્વારા મ્યુ.ફંડ માં રોકાણ કરી દર મહીને અમુક યુનીટની ખરીદી કરવામાં આવે છે આથી અમુક યુનીટની ખરીદી સાવ નીચા ભાવે થાય છે તો અમુક યુનીટ ની ખરીદી ઉંચા ભાવે થાય છે.આમ,ઉંચા ભાવે એક સામટું રોકાણ કરવા કરતાં સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન દ્વારા વધારે વળતર મેળવી શકાય છે.

( ૫.) મ્યુ.ફંડ નાં ફંડ નું સંચાલન અભ્યાસુ,નિષ્ણાંત અને અનુભવી વ્યાવસાયીકો દ્વારાં કરવામાં આવે છે આથી શેરબજારમાં રહેલાં જોખમોને ટાળી શકાય છે અથવાતો ઓછા કરી શકાય છે અને વધારે વળતરની અપેક્ષા યોગ્ય ઠરે છે.
#ચાર્જીસઃ
દરેક મ્યુ.ફંડ કંપનીનાં ચાર્જ સ્ટ્ર્કચર જુદાં જુદાં હોય છે.મ્યુ.ફંડ કંપનીઓ મુખ્યત્વે બે પ્રકારનાં ચાર્જ લગાડતી હોય છે જે 'એન્ટ્રી લોડ' અને 'એક્ઝીટ લોડ' થી ઓળખાય છે.જ્યારે યુનીટ ની ખરીદી કરીએ અને જ્યારે વેંચાણ કરીએ ત્યારે આ ચાર્જ કાપવામાં આવે છે.'એક્ઝીટ લોડ' માટે મ્યુ.ફંડ કંપનીઓ સમય મર્યાદા રાખે છે જેમકે યુનીટ ખરીદ્યા પછી જો એક વર્ષની અંદર તેને વેંચી નાંખીએ તો 'એક્ઝીટ લોડ' લગાડવામાં આવે છે પરંતુ જો એક વર્ષ પુરું કર્યા પછી જો વેંચીએ તો આ ચાર્જ લગાડવામાં આવતો નથી.દરેક કંપનીની આ સમય મર્યાદા જુદી જુદી હોય છે.આ ઉપરાંતનો એક 'ફંડ મેનેજમેન્ટ' ચાર્જ વસુલ કરવામાં આવે છે,આ ચાર્જ અડધા ટકા થી લઈને દોઢ બે ટકા સુધીનો હોય છે.આ ચાર્જ નાં ટકા કુલ ફંડ ઉપર લગાડવામાં આવે છે.આમ,સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન માં રોકાણ કરતાં પહેલાં જુદી જુદી મ્યુ.ફંડ કંપનીનાં ચાર્જ સ્ટ્ર્કચર ચકાસીને જ રોકાણ કરવું હીતાવહ છે.
#ટેક્ષ ની અસરોઃ
આપણે કોઇ મ્યુ.ફંડ કંપની નાં ઈક્વીટી ફંડ માં સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન વડે રોકાણ કર્યું છે,હવે જો રોકાણ કર્યા પછી નાં એક વર્ષ પછી જો યુનીટનું વેચાણ કરીએ તો તેનાં પર કેપીટલ ગેઈન ટેક્ષ લાગતો નથી પરંતુ જો એક વર્ષ પહેલાં વેચાણ કરીએ તો તેનાં પર ૧૫% કેપીટલ ગેઈન ટેક્ષ લાગુ પડે છે.ધારો કે આ મુજબનાં પ્લાનમાં આપણે બાર મહીના માટે રોકાણ કરીએ છીએ એટલે કે જાન્યુ-૨૦૦૮ થી ડીસે.-૨૦૦૮ સુધી,હવે ફેબ્રુઆરી ૨૦૦૯ માં આપણે અમુક યુનીટનું વેચાણ કરવું છે તો અંહી 'ફીફો-ફ્રસ્ટ ઈન ફસ્ટ આઉટ'પધ્ધતી લાગુ પડે છે એટલે કે જાન્યુ-૨૦૦૮ માં જેટલાં યુનીટની ખરીદી કરી હતી તેટલાં જ યુનીટ ફેબ્રુ-૨૦૦૯ માં વેચીએ તો તેને એક વર્ષ પુરું થઈ ગયું હોવાથી તેનાં પર કેપીટલ ગેઈન ટેક્ષ લાગતો નથી.
આમ,સીસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એ નિયમિત રીતે,શીસ્તબધ્ધ રોકાણ કરવાની એક આદર્શ પધ્ધતી છે જેમાં ઓછાં જોખમે વધારે વળતર મેળવવાની આશા રાખી શકાય છે અને સાથે સાથે ઓછાં રુપીયામાં પણ સારું ઇન્વેસ્ટમેન્ટ પ્લાનીંગ થઈ શકે છે અને આથી જ સીસ્ટેમેટીક ઇન્વેસ્ટ્મેન્ટ પ્લાન એ રોકાણ કરવા માટે નો એક ઉતમ વિકલ્પ છે.
રવિવાર, 20 જુલાઈ, 2008

વૈકલ્પિક ઉર્જાનું ઉજળું ભવિષ્ય


વૈકલ્પિક ઉર્જાનું ઉજળું ભવિષ્ય
વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઇલની કિંમતો મોટે પાયે વધી રહી છે તેવા સમયે મુડીદાર ઉદ્યોગ સાહસીકો તેમના પરંપરાગત ઉદ્યોગોમાંથી કમાયેલી મુડીનો વધારાનો હીસ્સો વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે કાર્યરત કંપનીઓ માં રોકવા લાગ્યા છે.આ ક્ષેત્રની ઘણીબધી કંપનીઓ આધુનીક ટેકનોલોજી,સોફ્ટવેર,લેટેસ્ટ કમ્યુનીકેશન સીસ્ટમ વગેરેનાં ઊપયોગ દ્વારા ખુબજ ઝડ્પથી પ્રગતી કરી રહી છે અને તેથીજ આ કંપનીઓ રોકણકારોને આકર્ષવામાં સફળ રહી છે.નેશનલ વેન્ચર કેપીટ અશોશીયેશન તથા પ્રાઇસ વોટર હાઉસ કુપર્સના તજેતરના સર્વે મુજબ વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે કાર્યરત કંપનીઓ નું ભવિષ્ય ખુબજ ઉજ્જવળ છે.વિશ્વનાં મુડીદાર ઉદ્યોગ સાહસિકોએ વર્ષ ૨૦૦૬ નાં પ્રથમ છ માસ ના ગાળા દરમિયાન સુર્ય,પવન તથા જીઓ થર્મલ ઉર્જા ક્ષેત્રે ૧૪૦ મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.અમેરિકાની ઉર્જા નીતિ માં પણ ભવિષ્યની ઉર્જા જરુરીયાતો માટે વૈકલ્પિક ઉર્જા ના વધુ ને વધુ ઉત્પાદન પર ભાર મુકયો છે.વિશ્વની જાણીતી કંપની જીઇનું પવન ઉર્જા ક્ષેત્રે વૈશ્વિક વેચાણ ૨ બિલિયન ડોલર અને સોલાર પેનલનું વેચાણ ૧૧ બિલિયન ડોલરને આંબ્યુ છે જે વર્ષ ૨૦૦૫ દરમિયાન ૭ બિલિયન ડોલર જેટલું હતું.સુર્યશક્તિ,પવનશક્તિ,જળશક્તિ,અણુંશક્તિ, બાયોફ્યુઅલ,બાયોગેસ વગેરેને વૈક્લ્પિક ઉર્જાનાં મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે.વિશ્વનો મુડીદાર અને બુધ્ધિજીવી વર્ગ આ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે. માઇક્રોસોફ્ટનાં વડા બિલ ગેટ્સ તથા બ્રિટિશ એરલાઇન્સના વડા રિચાર્ડ બ્રેનસને પણ બાયોફ્યુઅલના સશોધન તથા ઉત્પાદનમાં રસ દાખવ્યો છે.અગ્રણી કાર ઉત્પાદકો ટોયોટા અને જનરલ મોટર્સે પણ બાયોફ્યુઅલનાં સંશોધન અને વપરાશ માટે ઉત્સુક્તા બતાવી છે.હાલ માં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી ઓઇલથી ચાલતા ઇન્ટરનલ કમ્બશન (આઇસી)એન્જીન પર આધારીત છે તેથી વૈશ્વિક ધોરણે ઓઇલની કીંમતોમાં થતો વધારો ઓટોમોબાઇલ ક્ષેત્રનાં વિકાસમાં અવરોધ રુપ બની રહે તેવો ભય છે.આ પરિસ્થિતિ નો સામનો કરવા માટે વિશ્વનાં કાર ઉત્પાદકો બાયોફ્યુઅલ તથા એલએનજી(લિક્વીફાઇડ નેચરલ ગેસ)નાં વપરાશને વધારવાની તરફેણ કરે છે અને તેને અનુરુપ એન્જીન વિક્સાવી રહ્યા છે.સોફ્ટ્વેર ક્ષેત્રે વિશ્વમાં પ્રખ્યાત સિલિકોન વેલિમાં પણ નેનો ટેકનોલોજીનાં ઉપયોગથી સોલાર પેનલ/સેલ વગેરે બનાવવા માટેનાં સંશોધનો ચાલી રહ્યા છે.સિલિકોન વેલીમાં નેનો ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતી કંપની નેનોસિસે છત પર લગાવવા માટે સ્પ્રે કોટીંગ નું સંશોધન કર્યું છે જેનાં દ્વારાં સુર્યશક્તિનો સંગ્રહ થઈ શકે છે અને વીજળી નાં બદલાંમાં તેનો ઉપયોગ થઈ શકે છે.
સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વૃધ્ધી પામતાં બે અર્થતંત્રો ભારત અને ચીને પણ વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રેનાં વિકાસ માટે જોરશોરથી પ્રયાસો શરુ કરી દીધા છે તેમ જ વિશ્વનાં મુડીદાર ઉદ્યોગા સાહસિકોને આ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આકર્ષી શક્યા છે.ચીને તાજેતરમાં જ ગુઆંગ ડોગ ક્ષેત્રમાં ૧૦૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા પવન ઉર્જા આધારીત બે મેગા પ્રોજેક્ટ માટે પચાસ વર્ષ સુધીનાં પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યાં છે.ભારતમાં પણ વિદેશી રોકાણકારો પવન ઉર્જા ક્ષેત્રે ખુબજ મોટા રોકાણો કરી રહ્યાં છે.બેસેમર વેન્ચર નામની વિદેશી રોકાણકાર સંસ્થાએ ભારતની પવન ચક્કી બનાવતી કંપની શ્રીરામ ઇપીસી માં રુ.૧૦૦ કરોડનું રોકાણ કર્યું છે.આવી જ રીતે આ ક્ષેત્રની ભારતીય મલ્ટીનેશનલ કંપની સુઝલોનમાં પણ વિદેશી રોકાણકાર સંસ્થા ક્રીસ કેપીટલે રુ.૧૦૦ કરોડ્નું મુડીરોકાણ કર્યું છે.એન આર આઇ બિઝનેશમેન શિવ શંકરને પણ ભારતમાં પવન ઉર્જા ક્ષેત્રે રુ.૬૦૦ કરોડનાં મુડીરોકાણની જાહેરાત કરી છે.ભારત માટે વીજળી એ સૌથી અગત્યનું ઇન્ફ્રાસ્ટ્ર્કચર છે અને પુરતી વીજળી વગર ભારતનો ઔદ્યોગીક વિકાસ શક્ય જ નથી.
તાજેતરમાં જ એક સમારોહમાં ભારતનાં વડા પ્રધાન મનમોહનસિંહે જણાંવ્યું હતું કે 'ભારતે તેની કુલ વીજ ક્ષમતા કે જે હાલમાં ૧.૨ લાખ મેગાવોટ છે તેને આગામી પચીસ વર્ષનાં ગાળામાં વધારીને ૮ લાખ મેગાવોટ સુધી લઈ જવી પડ્શે.તેમજ વીજ ઉત્પાદનમાં વધારો કરવા વૈકલ્પિક ઉર્જા જેમકે જળ,પવન,સુર્ય તથા અણુશક્તિનાં ઉપયોગ પર ધ્યાન કેન્દ્રીત કરવું જરુરી થઈ પડ્યું છે'.આ પરથી સમજી શકાય કે વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે કારોબાર કરતી કંપનીઓ માટે આવતું ભવિષ્ય ખુબજ ઉજળું છે.ભારત સરકાર પેટ્રોલ માં ઇથેનોલનાં મિશ્રણનું પ્રમાણ ૫ ટ્કાથી વધારીને ૧૦૦ ટ્કા કરવાનું વિચારી રહી છે.બાયોફ્યુઅલનું વ્યાપારીક ધોરણે ઉત્પાદન થઈ શકે તે માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર જેટ્રોફાનાં જંગી વાવેતર માટે પ્રયાસો કરી રહી છે.આંધ્ર પ્રદેશમાં એક ખાનગી કંપનીએ બાયોફ્યુઅલ રીફાઇનરી ક્ષેત્રે ઝંપલાવ્યું છે.આ કંપની હજારો હેક્ટર જમીનમાં જેટ્રોફાનું વાવેતર કરાવી તેમાંથી ડીઝલ બનાવશે.રિલયન્સ ઇન્ડસ્ટ્રિઝે પણ જામનગર માં મોટાપાયે જેટ્રોફાનું વાવેતર કર્યાનું જાણવા મળે છે.
ગુજરાત સરકારે પવન ઉર્જાનાં વિકાસ માટે તાજેતરમાં જ એક આવકારવાદાયક પગલું ભર્યું છે.ગુજરાત ઇલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમીશને તાજેતરમાં જ એક આદેશ બહાર પાડીને વિન્ડ એનર્જી પાવર પ્રોજેક્ટ પાસે થી વિજળીને ખરીદ કરવા માટેનાં નવા દરની જાહેરાત કરી છે.અગાઉનાં યુનીટ દીઠ રુ ૨.૬૦ પૈસાને બદલે નવો દર યુનીટ દીઠ રુ ૩.૩૭ પૈસાનો નક્કી કરવામાં આવ્યો છે.જેનાંથી ગુજરાત માં પવન ઉર્જા ઉત્પાદનની પ્રવૃતીને વેગ મળશે.મહારાષ્ટ્ર સરકારે પણ વૈકલ્પિક ઉર્જાનાં ઉત્પાદનને વેગ મળે તે હેતુથી એક ફંડની રચના કરી છે.ભારત સરકારે આ ક્ષેત્રે કાર્યરત એકમો માટે સબસીડી તેમજ ધીરાણ સહાયની યોજના જાહેર કરી છે.
આમ ઉપરનાં મુદ્દાઓ જોતાં એક વાત સ્પષ્ટ છે કે ભારત પણ વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે વિકાસ સાધવાનાં પ્રયનો માં વિશ્વનાં અન્ય દેશો કરતાં પાછળ નથી.આમ પણ,ભારત માં પેટ્રોલ-ડિઝલનાં ભાવ જે પ્રમાણે વધી રહ્યાં છે તથા વિજળીની ખાધ જે પ્રમાણે વર્તાઇ રહી છે તે જોતાં વૈકલ્પિક ઉર્જાનાં વધુ ને વધુ ઉત્પાદન તથા વપરાશ સિવાય બિજો કોઇ વિકલ્પ દુર સુધી દેખાતો નથી.

શનિવાર, 5 જુલાઈ, 2008

શું લાઇફ ઇન્શ્યુરન્સનાં રોકાણકારોને અપાતા વળતરને પણ કાયદેસર ન બનાવી શકાય?

શું લાઇફ ઇન્શ્યુરન્સનાં રોકાણકારોને અપાતા વળતરને પણ કાયદેસર ન બનાવી શકાય?
તાજેતરમાં જ કન્ફેડેરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડ્સ્ટ્રીઝ(સીઆઇઆઇ) દ્વારા આયોજીત મ્યુચલ ફંડ સુમીટ-૨૦૦૮ ખાતે શેરબજારા અને મ્યુચલ ફંડના નીયમનકાર સેબીનાં ચેરમેન શ્રી ભાવે એ તેમનાં સંબોધનમાં મ્યુ.ફંડનાં રોકાણકારોનાં હીતમાં અમુક સુધારાવાદી પગલાઓ ટુંક સમયમાં લેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી જેમકે 'મ્યુ.ફંડ ઉધોગ માટેનાં નિતિ નિયમોની સમીક્ષા કરવા માટે એડવાઇઝરી કમીટીની રચના કરવી,મ્યુચલ ફંડ ટ્ર્સ્ટીઓ માટે વર્કશોપ,શેર બજારની જેમ મ્યુ.ફંડમાં પણ ડિપોઝીટરી પાર્ટીસીપેટરી(ડિપી)નો વિચાર તથા મ્યુ.ફંડમાં રોકાણકારોને ડીસ્ટ્રીબ્યુટર્સ દ્વારા અપાતું વળતર(રીબેટ) કાયદેસર કરવાનો વિચાર.'
ઉપરનાં તમામ પગલાંઓનો જો તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવે તો દેશનાં નાનાં રોકાણકારો માટે ખુબજ આનંદીત થવા જેવી વાત છે.મ્યુ.ફંડ કંપનીઓ તેનાં ફંડનો વ્યાપ વધારવા માટે ડિસ્ટ્રીબ્યુટર્સની નિમણુંક કરે છે. ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા રોકાણકારો પોતાનાં રુપિયાનું મ્યુ.ફ્ડંમાં રોકાણ કરી શકે છે.મ્યુ.ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સને તેનાં મહેનતાણાં રુપે ૧% થી લઈને ૪% સુધીનું કમીશન આપવામાં આવે છે.વધારે ને વધારે લોકો પોતાનાં દ્વારા રોકાણ કરે અને એક સામટું મોટું ફંડ આકર્ષવા માટે તેમજ હરીફાઇમાં ટકી રહેવા માટે મ્યુ.ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ પોતાને મળતા કમીશનમાંથી અમુક ટકા રકમ ડિસ્કાઉન્ટ અથવા તો રિબેટ તરીકે રોકાણકારોને પરત આપે છે. મ્યુ.ફંડ કંપનીઓ ડિસ્ટ્રીબ્યુટર્સને જે કમીશન આપે છે તે કમીશન તે રોકાણકારો જે રોકાણ કરે તેનાં ઉપર જુદાં જુદાં પ્રકારનાં ચાર્જિસ લગાડીને વસુલ કરે છે એટ્લે આમ જોઇએ તો રોકાણકારોને જે ડીસ્કાઉન્ટ પાછું મળે છે તે તેનાં જ પૈસા તેને પાછા મળે છે તેવું જ થયું કહેવાય.હવે જ્યારે મ્યુ.ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા અપાતા આવા વળતરને કાયદેસર બનાવવાની વાત છે ત્યારે રોકાણકારોના હિતમાં વિચારીએ તો આ પગલું આવકારવા યોગ્ય છે કારણ કે આવું થવાથી મ્યુ.ફંડમાં રોકાણ કરવાનો ખર્ચ રોકણકારો માટે ઓછો થશે અને રોકાણકારોને તેણે રોકેલા પૈસાનું પુર પુરું વળતર મળી રહેશે.સેબી દ્વારા આ બાબતનો વિચાર કરવો અ પણે એક હિંમતભર્યું પગલું કહી શકાય.
આજ બાબત આપણે લાઇફ ઇન્શ્યુરન્સનાં રોકાણકારો માટે પણ વિચારી શકીએ ભારતમાં ઇન્શ્યુરન્સ ક્ષેત્રનું નિયમન IRDA(ઇન્શ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટિ) દ્વારા થાય છે.જો સેબીની જેમજ IRDA પણ આવું વિચારે તો ખરેખર દેશનો નાનો રોકાણકાર ધન્ય થઈ જાય. લાઇફ ઇન્શ્યુરન્સની બાબતમાં વાત કરીએ તો મ્યુ.ફંડનાં વેચાણ માટે જેમ મ્યુ.ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સની નીમણુંક કરવામાં આવે છે તેમ લાઇફ ઇન્શ્યુરન્સ વેચવા માટે ઇન્શ્યુરન્સ કંપનીઓ દ્વારા એજન્ટ્ની નીમણુંક કરવામાં આવે છે.આવા એજન્ટ ને પહેલા વર્ષનાં પ્રીમીયમનાં ૧૦% થી લઈને ૩૦% સુધીનું કમીશન આપવામાં આવે છે.તે ઉપરાંત રીન્યુઅલ પ્રીમીયમ ઉપર ૨% થી લઈને ૫% સુધીનું કમીશન આપવામાં આવે છે.એજન્ટને આપવામાં આવતું કમીશન ઇન્શ્યુરન્સ કંપનીઓ વિમો ખરીદનાર વ્યક્તી પાસે થી લેવામાં આવતા પ્રીમીયમમાંથી જુદાં જુદાં ચાર્જીસ દ્વારા વસુલ કરે છે.આવા ચાર્જીસનો દર દરેક ઇન્શ્યુરન્સ કંપની દ્વારા જુદોજુદો રાખવામાં આવતો હોય છે.જે પહેલા પ્રીમીયમનાં ૪૦% થી લઈને ૬૫% સુધીનો હોય છે.એટલે કે કોઇ વ્યક્તી રુ ૧૦૦૦૦ નું પ્રીમીયમ ભરે તો તેનાં પહેલાં પ્રીમીયમમાંથી રુ ૬૫૦૦ તો ચાર્જ તરીકે કપાઇ જાય છે અને ફક્ત ૩૫૦૦ રુપીયા જ તેનાં રોકાણ સ્વરુપે જમા થાય છે.બીજા ત્રીજા વર્ષનાં પ્રીમીયમમાંથી આવા ચાર્જીસ ઓછાં થઈ જાય છે અને અમુક કંપનીઓ નાં કિસ્સામાં અમુક પ્રીમીયમ ભર્યા પછી બાકીનાં પ્રીમીયમ પર ચાર્જીસ સાવ નીલ થઈ જાય છે. પરંતુ ઘણી વખત લાઇફ ઇન્શ્યુરન્સ ખરીદનાર વ્યક્તીને આ હકીકતની ખબર હોતી નથી પછી જ્યારે સ્ટેટ્મેન્ટ તેનાં હાથમાં આવે ત્યારે જ ખ્યાલ આવે છે કે તેણે રોકેલાં રુપીયામાંથી ખરેખર કેટલાં રુપીયા ચાર્જ તરીકે કપાઇ જાય છે અને કેટ્લાં રુપીયા રોકાણ તરીકે જમા થાય છે.
જેવી રીતે મ્યુ.ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ તેનું વેચાણ વધારવા માટે તેમજ હરીફાઇમાં ટ્કવા માટે તેનાં ગ્રાહકોને વળતર એટ્લે કે રીબેટ ઓફર કરે છે તેવી જ રીતે લાઇફ ઇન્શ્યુરન્સ એજન્ટ પણ વધુ ને વધુ પોલીસીઓ મેળવવાની લાલચમાં પોતાને મળતાં કમીશનમાંથી અમુક ટ્કા રકમ ગ્રાહકને રોકડ સ્વરુપે પાછી આપે છે.આ વસ્તુ અત્યારે ગેરકાયદેસર છે પરંતુ ભારતમાં આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે તેમ છતાં અમુક લાઇફ ઇન્શ્યુરન્સ કંપનીઓ આ રીબેટ પ્રથાને પ્રોત્સાહન આપતી નથી.
આપણી ચર્ચાનો મુદ્દો એ છે કે જેમ સેબી ચેરમેન મ્યુ.ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા રોકાણકારોને અપાતા રીબેટને કાયદેસર બનાવવાની વાત કરે છે તેમ શું IRDA પણ લાઈફ ઇન્શ્યુરન્સ એજ્ન્ટ દ્વારા તેનાં ગ્રાહકોને અપાતાં રીબેટ-ડિસ્કાઉન્ટને કાયદેસર બનાવવાનું વિચારી ના શકે? જો આવું કરવામાં આવે તો દેશ નાં નાગરીકોને જીવનવીમો ખુબજ ઓછા ખર્ચે પ્રાપ્ત થઈ શકે અને તેણે ભરેલા પ્રીમીયમમાંથી વધારે રકમનું રોકાણ થાય અને તેણે રોકેલા નાંણા સામે તે વિમાની સાથે સાથે પુરે પુરું વળતર પણ મેળવી શકે પરંતુ આ એક ઘણું ઉંડું મંથન માંગી લે તેવો વિચાર છે.લાઈફ ઇન્શ્યુરન્સ કંપનીઓનું હીત,એજ્ન્ટોનું હીત,દેશનું હીત તેમજ રોકાણકારોનું હીત આમ,બધાંનાં હીતોનો વિચાર કરીને આ બાબતે જો કોઇ યથા યોગ્ય પગલાં લેવામાં આવેતો રોકાણકારોને ઓછાં રુપીયામાં મોટો વિમો તેમજ વધારે રોકાણ એમ બંને લાભ મળે.દેખીતી રીતે આ કામ ઘણું અઘરું છે પરંતુ અશક્ય નથી.