મંગળવાર, 20 જુલાઈ, 2010

શેર બજારમાં સર્કિટ એટલે શું ? અપર સર્કીટ - લોઅર સર્કીટ અને તેનાં નિયમો.

શેર બજારમાં કામ કરતાં તમામ લોકો અવાર નવાર અપરસર્કિટ તથા લોઅરસર્કિટ વિશે વાતો કરતાં હોય છે.આજે આપણે આ બંને પ્રકારની સર્કિટ વિશે વિગતવાર જાણકારી મેળવશુ.
સર્કિટ એટલે શું ?


સર્કિટ એ રોકાણકારો નાં હિત ને ધ્યાનમાં રાખીને શેર બજાર નાં નિયંત્રક સેબી દ્વારા કરવામાં આવેલી એક એવી વ્યવસ્થા છે જેના હેઠળ કોઇપણ સૂચકઆંક (ઇન્ડેક્સ) કે શેરનાં ભાવમાં કોઇ એક વર્કિંગ સેશનમાં થતો અનિયંત્રિત એકતરફી વધારો કે ઘટાડા ને રોકી શકાય છે. જેમ કે કોઇ શેરમાં 5 ટકાની સર્કિટ હોય અને ગઈકાલે તે શેર 100 રૂપિયા નાં ભાવ પર બંધ થયો હતો, તો આજે તેમાં 95થી 105 રૂપિયાનાં ભાવ વચ્ચે જ સોદા કરી શકાય છે.

સર્કિટ કેવી રીતે નક્કી થાય ?
સર્કિટ નક્કી કરવા માટે કોઇ પણ શેરની કિંમતોમાં ઉતાર-ચઢાવ, સરેરાશ દૈનિક કારોબાર અને શેરની મજબૂતીના ઇતિહાસની મદદ લેવામાં આવે છે. સર્કિટમાં ચાર સ્તર હોય છે - 2, 5, 10 અને 20 ટકા. જુદા જુદા શેરોના ઇતિહાસની મદદથી શેરો માટે સર્કિટ નક્કી કરવામાં આવે છે.




સર્કીટ નાં પ્રકારો

સર્કિટ બે પ્રકારની હોય છે. અપર સર્કિટ અને લોઅર સર્કિટ. અપર સર્કિટ લાગ્યા બાદ શેર માત્ર વેચી શકાય છે, ખરીદી શકાતા નથી. એવી જ રીતે લોઅર સર્કિટ લાગ્યા બાદ તેને માત્ર ખરીદી શકાય છે, વેચી શકાતા નથી.

સેન્સેક્સ અને નિફ્ટીમાં સર્કિટ લાગવાનાં નિયમો

વાયદા કારોબારમાં સમાવેશ થતા શેરો ઉપરાંત અન્ય તમામ શેરો પર સર્કિટ લાગે છે. વાયદા કારોબારવાળા શેરોમાં એક દિવસમાં કેટલોય ઉછાળો કે ઘટાડો આવી શકે છે. તેમનો કારોબાર બંધ થતો નથી.

સૂચકાંકો(ઇન્ડેક્સ)માં બંને પ્રકારની સર્કિટ 3 તબક્કામાં લાગે છે. પ્રથમ તબક્કામાં 10, બીજામાં 15 અને ત્રીજા તબક્કામાં 20 ટકા સર્કિટ લાગે છે. એક વાર જ્યારે કોઇ એક ઇન્ડેક્સ (સેન્સેક્સ કે નિફ્ટી)માં સર્કિટ લાગે છે. તો બીજા ઇન્ડેક્સમાં કારોબાર આપોઆપ અટકી જાય છે. સર્કિટ લાગવાની સાથે એક જ સમયે હાજર અને વાયદા બજાર બંનેમાં એક સાથે કારોબાર બંધ થઇ જાય છે.

જો બજારમાં 1 વાગ્યા પહેલા 10 ટકા ઘટાડો આવે છે, તો એક કલાક માટે કારોબાર અટકી જાય છે. જો ઘટાડો 1 વાગે અથવા ત્યાર બાદ પણ 2.30 વાગ્યા પહેલા નોંઘાય છે તો કારોબાર અડધા કલાક માટે રોકવામાં આવે છે. જો 10 ટકાનો ઘટાડો 2.30 વાગે કે ત્યાર પછી નોંધાય છે, તો કારોબાર બંધ થતો નથી. એટલે કે કારોબાર 3.30 વાગ્યા સુધી ચાલતો રહે છે.

જો માર્કેટમાં 1 વાગ્યા પહેલા 15 ટકાનો ઘટાડો નોંધાય છે, તો કારોબાર બે કલાક માટે બંધ રહે છે. આ ઘટાડો 1 વાગ્યા બાદ પણ 2 વાગ્યા પહેલા થાય તો કારોબાર 1 કલાક માટે રોકાઇ જાય છે. 15 ટકાનો ઘટાડો 2 વાગે અથવા તે પછી થાય તો કારોબાર સમગ્ર દિવસ માટે બંદ કરી દેવામાં આવે છે. જો માર્કેટ 20 ટકા ઘટે છે તો ત્યાર પછી આખો દિવસ બજાર બંધ રહે છે.



ટિપ્પણીઓ નથી: