ગુરુવાર, 13 ડિસેમ્બર, 2018

મૂલ્યનિષ્ઠ સમાજવ્યવસ્થા સાથેના સમૃદ્ધ અને સુસંસ્કૃત દેશના નિર્માણ માટે મીડિયાનો સહયોગ અનિવાર્ય છે.


લોકશાહીના ચાર મુખ્ય આધારસ્તંભ હોય છે. સંસદ/ધારાસભા, કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને ચોથો સ્તંભ છે મીડિયા.આ ચારેય સ્તંભ જો મજબૂત હોય તો જ લોકશાહી ટકી રહે. આ ચારેય સ્તંભમાં સૌથી અગત્યનું મીડિયા છે. કારણ કે મીડિયા એ બીજા ત્રણેય પર નજર રાખે છે. બીજા ત્રણેય સ્તંભને મીડિયા સજાગ રાખે છે અને દેશહિતમાં કામ કરવાની ફરજ પાડે છે.અખબારો સાથે ટીવી ચેનલ્સ, વેબસાઇટ અને મોબાઇલ એપનો પણ સમાવેશ મીડિયામાં થાય છે.

આપણા દેશનું સદભાગ્ય રહ્યું છે કે બ્રિટિશરો સામે અવાજ ઉઠાવનારાઓમાં તે સમયે પણ મીડિયા અગ્રેસર હતું. ચાહે તે અમૃત બઝાર પત્રિકા હોય કે કેસરી, પંજાબી હોય કે ગદ્દર, કે પછી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને જન્મભૂમિ-ફૂલછાબ નામના અમૃતલાલ શેઠનાં સમાચારપત્રો, બધાએ ડર્યા વગર બ્રિટિશરો સામે અવાજ ઉઠાવ્યો. પરંતુ જ્યારે આઝાદી બાદ થોડાં વર્ષો પછી દેશમાં કટોકટી લદાઈ અને સમાચારપત્રોને ગળાટૂંપો દેવાયો, સરકાર કહે તે જ સમાચાર છાપવાના તેવો નિયમ આવ્યો ત્યારે, લાલકૃષ્ણ અડવાણીજી કહે છે તેમ, સરકારે ઝૂકવાનું કહેલું પરંતુ અમુક માધ્યમોએ તો રીતસરના દંડવત્ કરી દીધેલા. જોકે એ સમયે ઘણાં સમાચારપત્રો અને સામયિકો એવાં પણ હતા કે જેમણે પોતાની ફરજ સુપેરે નિભાવી અને કટોકટી સામે લડત આપવામાં પોતાનો મહામૂલો ફાળો પણ આપેલો.

જે દેશમાં મીડિયાનું વ્યવસાયીકરણ થવા લાગે અને મિશનમાંથી જયારે તે પ્રૉફેશન બની જાય ત્યારે તે દેશનાં ભવિષ્ય સામે પણ બહુ મોટો પ્રશ્નાર્થ સર્જાય છે. કૉર્પોરેટ કંપનીઓને સીએસઆર દ્વારા પોતાનું સામાજિક દાયિત્વ નિભાવવાની ફરજ પડાતી હોય ત્યારે રાજકીયપક્ષોની સાથે સાથે મીડિયા પણ પોતાની સામાજિક જવાબદારી સુપેરે નિભાવે તે દેશનાં ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત આવશ્યક છે. તંત્રની જ્યાં યોગ્ય હોય ત્યાં ટીકા ચોક્કસ કરવી, રાજકારણીઓ પોતાની જવાબદારી નૈતિક્તાથી ન નિભાવે ત્યારે નિઃસંકોચ તેમને ખુલ્લાં પાડવા,ભ્રષ્ટાચારીઓને કોઈપણ ડર વગર સમાજ સામે ખુલ્લાં પાડી તેને સજા મળે તે માટે સરકાર કે તંત્રને ટપારતા રહેવું તે મીડિયાની પ્રાથમિક ફરજ છે.પરંતુ દરેક બાબતોમાં માત્ર ને માત્ર નેગેટિવિટી જ ફેલાવવી તે ઉદ્દેશ્ય મીડિયાનો ક્યારેય ન હોઈ શકે. ભારત દેશ ખરાબ જ છે, અહીં કોઈ સુધારો થવાનો જ નથી, આવી છાપ ઊભી થાય, આપણું બૌદ્ધિક ધન વિદેશ જતું રહે અને વિદેશમાં પણ આપણી છાપ મીડિયાના કારણે ખરડાય તે શું યોગ્ય છે ? બળાત્કારો હોય કે કૌભાંડો, કે પછી અન્ય અપરાધો, તે વિદેશમાં પણ થતા રહે છે પરંતુ વિદેશોનું મીડિયા એક પ્રમાણભાન રાખીને તેને બતાવે છે. અમેરિકામાં ૧૧ સપ્ટેમ્બરે થયેલા ત્રાસવાદી હુમલાની એક પણ નકારાત્મક તસવીર ત્યાંના મીડિયાએ બતાવી નહોતી.

ભારતના ઋષિતુલ્ય પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. એ. પી. જે. અબ્દુલ કલામે લખેલું, ભારતનું મીડિયા આટલું બધું નેગેટિવ કેમ છે? ભારત દેશ અનેક બાબતમાં આગળ છે તો પણ ભારતનું મીડિયા જ ભારતને હંમેશાં નેગેટિવ કેમ ચિતરે છે? તેમણે લખ્યું છે કે,હું એક વાર ઇઝરાયેલના પ્રવાસ પર હતો.હું તેલ અવીવ પહોંચ્યો તેના આગલા દિવસે ઈઝરાયેલમાં હમાસે ત્રાસવાદી હુમલાઓ કર્યા હતા અને ઘણાં લોકોનાં મૃત્યુ થયાં હતાં.સવારે મેં ઈઝરાયેલનું એક સમાચારપત્ર વાંચ્યું. પરંતુ સમાચારપત્રના પ્રથમ પાને એક યહુદી સદગૃહસ્થની તસવીર સાથેના સમાચાર હતા. તે સદગૃહસ્થે ત્યાંના રણને વનમાં ફેરવી નાખ્યું હતું. આ પ્રેરણાદાયક સમાચાર બધાને સવારમાં વાંચવા મળ્યા.બૉમ્બ ધડાકા,હત્યા વગેરે સમાચારો સમાચારપત્રમાં અંદરના પાને બીજા સમાચારો કરતાં ખુબ જ ઓછા પ્રમાણમાં છપાયા હતા.

મીડિયાનો સમાજ અને ખાસ કરીને યુવાનો પર બહુ મોટો પ્રભાવ હોય છે.આજનો યુવાન નિરાશાવાદી કે અરાજકતાવાદી ન બને અને યુવાનોની શક્તિનો દુરપયોગ ન થાય તે પ્રકારની સમજણ કેળવવામાં મીડિયાનો રોલ પણ ખુબ મહત્વનો છે.જીવન જીવવાની સાચી દિશા મળે તે પ્રકારના અનેક પૉઝિટિવ સમાચારો દેશ અને દુનિયામાં બનતા જ રહે છે.આવા પ્રેરણાદાયી સમાચારો વધુ ને વધુ પ્રસારિત થાય તે જરૂરી છે.

સરકારની સાથે સાથે દેશના નાગરિકોને પણ તેમની ફરજ પ્રત્યે જાગૃત કરવા અત્યંત જરૂરી છે.આપણે ત્યાં મીડિયામાં કોઈ પણ વાત માટે સરકારને દોષ દેવાની ફૅશન થઈ ગઈ છે. પહેલાં રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કંઈ પણ બોલે કે તેમના કાર્યક્રમો યોજાય કે યોજાવાના હોય તો સમાચારપત્રો પ્રથમ પાને ફ્રન્ટ હેડલાઇન બનાવતા હતા. પરંતુ કાળક્રમે મીડિયાએ પ્રથમ પાને નેગેટિવ ન્યૂઝને વધુ મહત્ત્વ આપવાનું શરૂ કરી દીધું. આ નેગેટિવિટીના લીધે દેશનાં નાગરિકોમાં પણ ઉદાસીનતા-નિરાશા ફેલાવા લાગે છે.અમુક અખબારોએ તો મુંબઈમાં ૧૯૯૩માં બૉમ્બ ધડાકા કરવામાં દોષિત પૂરવાર ત્રાસવાદી યાકૂબ મેમણને ફાંસી થઈ ત્યારે મેમણ પ્રત્યે સહાનુભૂતિ થાય તેવું હેડિંગ આપેલું. અત્યારે પણ કમનસીબે મીડિયાનો એક વર્ગ એવો છે જ જે હિઝબુલ મુજાહિદ્દીનના ત્રાસવાદીઓ માટે ‘વર્કર’ શબ્દ વાપરે છે.

સામાજિક સૌહાર્દ જાળવવામાં મદદ કરવાની પોતાની ફરજ પણ મીડિયા ક્યારેક ચૂકી જાય અને સામાજિક કે સાંપ્રદાયિક વૈમનસ્ય વધે તેવા સમાચારો મરીમસાલા ભભરાવીને છાપે તે એક સાચા દેશપ્રેમી માટે બહુ પીડાદાયક છે.આ જ રીતે ભારતીય સંસ્કૃતિની સાચી વાત લોકો સુધી પહોંચે,યુવાનોમાં રાષ્ટ્રગૌરવ વધે,યુવાનોમાં ઉતમ ચારિત્ર્યનું ઘડતર થાય, પ્રમાણિકતા, વફાદારી, સત્ય,અહિંસા,પરિવારપ્રેમ,ભાઈચારો વગેરે જેવા મૂલ્યોનું સિંચન થાય તે પ્રકારની વાતો-સમાચારો વધુ ને વધુ પ્રસિદ્ધ કરવાને બદલે ઘણી વાર કોઈ મીડિયા વિકૃતિવાળા સમાચારોને વધુ મહત્વ આપતું જણાય ત્યારે દુઃખ થાય છે. જો દેશનું મીડિયા દેશહિત અને સમાજહિતને વધુ પ્રાધાન્ય આપશે તો જ આપણે મૂલ્યનિષ્ઠ સમાજ વ્યવસ્થા સાથેના સમૃદ્ધ અને સુસંસ્કૃત દેશ તરીકેનું ગૌરવ જાળવી શકીશું.

કોઈપણ સંજોગોમાં દેશનાં યુવાનોમાં દેશ પ્રત્યે ક્યારેય નફરત પેદા ન થાય,સૌ દેશવાસીઓ દેશહિતને અગ્રતા આપે,જ્ઞાતિ-જાતી ધર્મના વાડાઓમાંથી લોકો બહાર નીકળી રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે પ્રમાણિકતાપૂર્વક દેશની ઉન્નતી અને વિકાસ માટે વિચારતાં થાય તે રીતનું વાતાવરણ ઉભું થાય તે માટે મીડિયા વધુ ને વધુ સહયોગી બને અને સૌ મીડિયાકર્મીઓ સંપૂર્ણ હકારાત્મકતા સાથે રાષ્ટ્રના પુનરુત્થાનમાં સહયોગ આપી પોતાનો દેશપ્રેમ વધુ ને વધુ વ્યક્ત કરતા રહે તે જ અભ્યર્થના.ભારત માતા કી જય – વંદેમાતરમ.

1 ટિપ્પણી:

Unknown કહ્યું...

Merkur 15c Safety Razor - Barber Pole - Deccasino
Merkur 15C poormansguidetocasinogambling Safety Razor worrione - aprcasino Merkur - 15C for Barber Pole is the casino-roll.com perfect introduction https://deccasino.com/review/merit-casino/ to the Merkur Safety Razor.