ગુરુવાર, 9 ડિસેમ્બર, 2010

ભ્રષ્ટાચાર નો ભોરીંગ ભારતનો ભરડો લઈ રહ્યો છે.



દેશપ્રેમ જાગે તો ભ્રષ્ટાચાર ભાગે : 'ઈન્ડિયા ફર્સ્ટ'
'ભ્રષ્ટાચાર અને ભારત' આ બંને શબ્દ જાણે એક્બીજાનાં પર્યાય બની ગયા હોય તેવું લાગે છે.ભારતનાં રાજકારણીઓમાં જાણે વધુ ને વધુ મોટાં કૌભાંડો રચવાની રીતસરની હરીફાઈ જામી હોય તેમ રોજે રોજ વધુ મોટાં ને મોટાં કૌભાંડો બહાર આવતાં જાય છે.ભારતમાં ભ્રષ્ટાચાર એ ફક્ત રાજકારણીઓ પુરતો જ સીમિત નથી પરંતુ ભ્રષ્ટાચાર વાસ્તવમાં ભારતનાં ઘરે ઘરમાં ઘુસી ગયો છે.
પટ્ટાવાળો,ક્લાર્ક,તલાટીમંત્રી,મામલતદાર,પોલીસ,કલેક્ટર,ન્યાયમુર્તી,વકીલ,શીક્ષક,નેતાઓ,
ઈન્કમટેક્ષ - સેલ્સટેક્ષ અધીકારીઓ,બેંક સ્ટાફ વગેરે વગેરે આ લીસ્ટ બહુ લાંબુ થાય તેવું છે.ભ્રષ્ટાચારીઓની યાદીમાં કોઈ બાકાત નથી.પટ્ટાવાળા થી લઈ ને પ્રાઈમ મીનીસ્ટર સુધીનાં તમામ ભ્રષ્ટાચારી છે.ફરક ફક્ત એટલો જ છે કે ચોરી કરવી ગુનો નથી પણ પકડાવું એ ગુનો છે.એક સમય એવો હતો કે લાંચ લેવી - કટકી કરવી એ બહુ હિન ક્રુત્ય ગણાતું હતું.
લાંચીયા અધીકારીઑનો પરીવાર પણ તેનાં પર થુંકતો હતો.તેને બદલે આજે લાંચ લેવી અને લાંચ આપવી એ જાણે શિષ્ટાચાર બની ગયો હોય તેવો મહોલ સર્જાયો છે.લાંચીયા અધીકારીઓ અને ભ્રષ્ટ રાજકારણીઓ તમામ કાયદાઓનું ઉલ્લંઘન કરી દેશ અને દેશની પ્રજાને સરેઆમ લુંટે છે અને રુપીયાની ચકાચૌંદ રોશની માં અંજાઈ ને આપણો સમાજ આવાં લોકોની કદમપોશી અને વાહ વાહ કરે છે.જ્યારે નખ-શિખ પવિત્ર,સિધ્ધાંતવાદી - દેશપ્રેમી એવાં (ગણ્યાં ગાંઠ્યાં)અધીકારીઓ અને નેતાઓ નો કોઈ ભાવ પુછતું નથી.સ્વતંત્ર ભારતની આ તે કેવી કરુણતા???
આપણાં દેશને આપણે 'માં' નો દરજ્જો આપ્યો છે અને આ ભારતમાતાનું જ્યારે ચિરહરણ થતું હોય ત્યારે આપણે નિર્માલ્ય થઈ તમાશો જોતાં રહીયે આ તે કેવો દેશપ્રેમ????આપણો દેશપ્રેમ ફક્ત ૨૬ મી જાન્યુઆરી અને ૧૫ મી ઓગષ્ટ પુરતો જ સીમિત થઈ ગયો છે.દેશપ્રેમ ની મોટી મોટી દંભી વાતો કરવામાં અને દેશપ્રેમ નાં ભાષણો કરવામાં આપણે હોંશીયાર છીએ.હકીકતમાં આપણે દેશપ્રેમી નહીં પરંતુ ખીસ્સા પ્રેમી નાગરીકો છીએ.આપણૂં ખીસ્સુ ભરાતું હોય તો આપણે દેશને વેંચવા માટે હરપળ તૈયાર છીએ.આઝાદીનાં સાંઈઠ - સાંઈઠ વર્ષો પછી પણ ભારતની ૩૮ ટકા વસ્તી ગરીબી રેખાની નીચે જીવન ગુજારતી હોય અને ગરીબ હજુ વધારે ગરીબ અને ધનવાન વધુ ધનવાન થતો હોય આ પરિશ્થિતીનાં નીર્માણમાં પણ આપણાં ભ્રષ્ટાચારી નેતાઓ જ જવાબદાર છે કે જેઓ ને દેશનાં વિકાસમાં નહીં પણ ફક્ત સ્વવિકાસમાં જ રસ છે.હકીકત માં આપણે ચીન,જાપાન,જર્મની,ઈઝરાયેલ, વગેરે જેવાં દેશોનાં સામાન્ય નાગરીકો પાસેથી દેશપ્રેમનું શીક્ષણ લેવાની જરુર છે.
ભારતનાં તમામ નાગરીકો એ આત્મમંથન કરવાનો સમય પાકી ગયો છે.જો આ ભ્રષ્ટાચાર ની નદીઓ આમ ને આમ વહેતી રહેશે તો એક દિવસ આપણે ફરીથી ગુલામીની બેડીઓ માં જકડાઈ જશું અને ભ્રષ્ટાચારી શાસકો - નેતાઓ - અમલદારો - આ દેશનાં ભાગલાં પાડી દેશ ને ફરી પતનનાં માર્ગે લઈ જશે અને ગરીબ વધુ ને વધુ ગરીબ બનતો જશે અને અંતે ભારતમાં ફરીથી ગુલામી પ્રથા અમલમાં આવશે.દોસ્તો સમય આવી ગયો છે દેશપ્રેમ જગાવવાનો અને ભારતભરમાં ભ્રષ્ટાચાર વિરોધી ઝંઝાવાતી અભીયાન ચલાવવાનો.સ્વાતંત્ર્ય સેનાનીઓ એ પોતાનાં પ્રાણો ની આહુતી આપીને આપણને અંગ્રેજોની ગુલામી માંથી મુક્તિ અપાવી અને હવે જો આપણે સાચા અર્થમાં સમ્રુધ્ધ,સામર્થ્યવાન,ચારિત્ર્યવાન,સ્વર્ણિમ ભારતનું નિર્માણ કરવું હોય તો ભ્રષ્ટાચારીઓ ને દેશવટો આપવો જ પડશે..જયહિંદ જય ભારત. 

સોમવાર, 27 સપ્ટેમ્બર, 2010

શેરબજાર લાલઘુમ ,તેજીની મોસમ,રોકાણકારોએ શું કરવું?તેજી FII પ્રેરીત

આજકાલ દરેક વસ્તુ માં તેજીની મોસમ ચાલી રહી છે.સોનાં-ચાંદીમાં તેજી,કપાસમાં તેજી,ડુંગળીમાં તેજી,જમીનમાં તેજી,વ્યાજનાં દરમાં તેજી અને શેરબજારમાં પણ તેજી.

આપણે અહીંયા શેરબજારની તેજીની વાત કરવી છે.ભારતનું શેરબજાર ૨૦૧૦ ની શરુઆતથી જ ધીમી પણ મક્કમ ગતી એ આગળ વધી રહ્યું છે.૧ એપ્રીલ ૨૦૧૦ નાં રોજ સેન્સેક્સ ૧૭૫૫૫ નાં આંક પર હતો ત્યાંથી તે સપ્ટેમ્બર ૨૨ નાં રોજ ૨૦,૦૦૦ નો આંક કુદાવી ગયો.આમ,તો આપણાં સૌ માટે આ ખુશીની જ વાત છે પરંતુ આપણી મનોદશા પણ જબરી છે.શેરબજારમાં મંદી હોય તોય મુંઝવણ અને તેજી હોય તોયે મુંઝવણ.સેન્સેક્સ ૨૦,૦૦૦ વટાવી ગયો હવે શું કરવું?નવું રોકાણ કરવું કે નાં કરવું?શેરમાં નફો બુક કરવો કે નાં કરવો?વગેરે વગેરે જેવાં પ્રશ્નો થી તેજીમાં પણ આપણે મુંઝાયા કરીએ છીએ.તો હવે સવાલ એ છે કે આવી પરિસ્થિતિમાં રોકાણકારોએ શું કરવું?સૌ પ્રથમ તો એ સમજીએ કે હાલની આ જે તેજી છે તે FII પ્રેરીત તેજી છે અને નવાં આવનારાં પબ્લીક ઈશ્યુ સારી રીતે છલકાઈ જાય તેવું વાતાવરણ બનાવવાં માટેની ગોઠવણ થઈ રહી છે.આવતાં દિવસોમાં ભારતનાં શેરબજારમાં ૩૦,૦૦૦ કરોડનાં પબ્લીક ઈશ્યુ આવી રહ્યાં છે.વળી,રસપ્રદ બાબત એ છે કે ૨૦૧૦-૧૧ માં પબ્લીક ઈશ્યુ લાવનારી કંપનીઓ માં મોટાભાગની કંપનીઓ પીઈ ફંડૅડ કંપનીઓ છે.એટલે કે ફોરેનનાં જુદાં જુદાં ફંડ દ્વારાં પ્રાઈવેટ ઈક્વીટી ફંડીગ થયેલું છે.આ પીઈ ફંડીગ કંપનીઓએ ખુબ ઓછી કિંમતમાં અનલીસ્ટૅડ કંપનીઓનાં શેર ખરીદી તેમાં શેર હોલ્ડીંગ મેળવેલું હોય છે.તેનો બે થી ચાર વર્ષનો એક્ઝીટ પીરીયડ હોય છે.આવી અનલીસ્ટૅડ કંપનીઓ તેનો પબ્લીક ઈશ્યુ બહાર પાડી,તેનાં શેરનું ઉંચા પ્રીમીયમથી લીસ્ટીંગ કરાવશે અને પીઈ ફંડીંગ કંપનીઓ તેનાં હિસ્સાનાં શેરમાં ખુબ ઉંચુ પ્રીમીયમ મેળવી તગડો નફો ઘર ભેગો કરશે.મોટાંભાગની આવી પીઈ ફંડીગ કંપનીઓ ફોરેનની છે અથવા તો FII પ્રેરીત છે.છેલ્લાં એક મહીનામાં ભારતનાં શેરબજારમાં FII એ ૬૦,૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે અને શેરબજારને તેજીની દિશા આપી છે.
  
તો આવાં વાતાવરણમાં રોકાણકારોએ શું કરવુ?
તેનાં માટેનાં થોડાં સુચનો છે.
,તમારાં જુનાં રોકાણોમાં નફો બુક કરી લેવો.


,નવાં રોકાણોમાં કુલ રકમમાંથી ૫૦% રકમ શેરબજારમાં અને ૫૦% રકમ બેંક FD,PPF,બોન્ડ વગેરે સલામત સાધનોમાં રોકવી જોઈએ.


૩,નવૂ રોકાણ જો ટૂંકાગાળા માટે કરવામાં આવતું હોય એટ્લે કે ૨ થી ૩ વર્ષ માટે,તો તેવું નવું રોકાણ શેરબજારમાં કરવું હીતાવહ નથી.


,ટુંકાગાળાનું રોકાણ સલામત રોકાણ સાધનોમાં જ કરવું જોઈએ.


,નવું રોકાણ જો લાંબાગાળા માટેનું હોય એટ્લે કે ૫ થી ૭ વર્ષ માટે તો શેરબજારમાં રોકાણ કરી શકાય.લાંબાગાળે ૨૫ થી     ૩૦ ટકા વળતર મેળવી શકાય.


૬,મ્યુચલ ફંડ કે યુલીપ પોલીસીનાં ઈક્વીટી ફંડમાં તમે કરેલાં રોકાણોમાં હાલનાં તબક્કે નફો બુક કરવો અને તેને ડૅટ ફંડમાં સ્વીચ કરી લેવું જોઈએ.

શુક્રવાર, 13 ઑગસ્ટ, 2010

ઈન્શ્યુરન્સ પોલીસીને લગતી તમારી ફરીયાદો નો હવે થશે ઝડપી નિકાલ

જો વીમા કંપનીઓ તમારી ફરીયાદને દાદ ના આપતી હોય તો હવે તમે સીધા જ 'ઈરડા' નો સંપર્ક સાધી શક્શો.
ભારતીય વીમા નિયમનકાર 'ઈરડા' - 'ઈન્શ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી' એ તાજેતરમાં જ વીમાપોલીસીઑ ને લગતી ફરીયાદો નાં ઝડપી નિવારણ માટે એક રુપરેખા ઘડી કાઢી છે.અત્યાર સુધીની પરિસ્થિતી મુજબ ગ્રાહકોને વીમા પોલીસીઓ માં રહેલી નાની એવી ભુલ સુધારવા માટે તેમજ ફરીયાદ નાં નિરાકરણ માટે મહીનાઓ સુધી વીમા કંપનીઓની ઓફીસમાં ચક્કર લગાવવા પડતા હતા.અને વીમા કંપનીઓ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવતો હતો.વીમા પોલીસીઓનાં ગ્રાહકો માટે હવે આનંદનાં સમાચાર એ છે કે જો હવે તમારી વારંવાર ફરીયાદ ને અંતે પણ વીમા કંપની દ્વારા તેનું યોગ્ય નિરાકરણ ના આવતું  હોય તો હવે તમે ટોલ ફ્રી નંબર પર ફોન દ્વારા તેમજ ઈ-મેઈલ દ્વારા સીધો જ'ઈરડા'નો સંપર્ક સાધી શકો છો.
ટોલ ફ્રી નંબર ૧૫૫૨૫૫ ઈ-મેઈલઃ complaints@irda.gov.in
ફરીયાદ નિવારણ માટે ની રુપરેખાઃ
 'ઈરડા' એ વીમા ને લગતી ફરીયાદો નાં ઝડપી નિકાલ માટે વીમા કંપનીઓ માટે એક રુપરેખાઘડી કાઢેલ છે.જે મુજબ ગ્રાહકો ને જો તેની વીમા પોલીસી બાબતે કોઈપણ ફરીયાદ હોય તો તેણે સૌથી પહેલા તે ફરીયાદ જે તે વીમા કંપની ને કરવાની રહેશે પરંતુ જો વીમા કંપની દ્વારાં તેનો યોગ્ય નિકાલ કરવામાં ના આવે તો ગ્રાહક 'ઈરડા' નો સીધો જ સંપર્ક સાધી શકે છે.નવી માર્ગદર્શીકા મુજબ દરેક વીમ કંપની એ 'ગ્રીવાન્સ સેલ'ની રચના કરવાની રહેશે જેનાં મુખ્ય અધીકારી તરીકે તે કંપની નાં સીઈઓ અથવા તો કંપની નાં કોઈ કાયદાકીય અધીકારી રહેશે.તેમજ ગ્રાહકો વીમા કંપની ની વેબસાઈટ ઉપર પણ ઓનલાઈન ફરીયાદ નોંધાવી શકે,ફોન દ્વારા પણ ફરીયાદ નોંધાવી શકે અથવા તો ટપાલ દ્વારા પણ ફરીયાદ નોંધાવી શકે તે પ્રકારની વ્યવસ્થા દરેક વીમા કંપનીઍ કરવાની રહેશે.વીમા કંપનીઓ એ આ નવી વ્યવસ્થા ની જાણકારી દરેક નવા તેમજ જુના તમામ ગ્રાહકો ને આપવાની રહેશે જેથી ગ્રાહકો ને ખ્યાલ રહે કે ફરીયાદ બાબતે સૌથી પહેલાં કોનો સંપર્ક કરવો.ફરીયાદોનાં ઝડપી નીકાલ માટે 'ઈરડા' એ  ગ્રાહકો ને પડતી અમુક સામાન્ય તકલીફોનું લીસ્ટ બનાવ્યું છે તેમજ આ તકલીફો નાં ઝડપી નિવારણ માટે વીમા કંપનીઓ માટે અમુક સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે. એ મુજબ એટલાં જ દિવસ માં વીમા કંપનીઓએ ફરજીયાત પણે તેનો ઉકેલ લાવવો પડશે.ઉદાહરણ તરીકે, જો વીમા કંપની દ્વારાં ગ્રાહકને ખોટું સમજાવીને વીમા પોલીસી વેંચવામાં આવેલી હોય તો તે બાબત ની ગ્રાહકની ફરીયાદનો નિકાલ વીમા કંપનીઓ એ ૧૦ દિવસની અંદર જ કરવાનો રહેશે.તેમજ મ્રુત્યું નાં ક્લેઈમની ચુકવણી ગ્રાહક દ્વારાં તમામ દસ્તાવેજો રજુ કર્યાં પછીનાં વધુ માં વધુ ૩૦ દિવસની અંદર કરવાની રહેશે.પાકતી મુદતનો ક્લેઈમ ૧૫ દિવસની અંદર ચુકવવાનો રહેશે.પોલીસી બોન્ડ ૧૦ દિવસ ની અંદર ગ્રાહક ને મળી જવું જોઈએ.આ મુજબનું આખું લીસ્ટ www.irdaindia.org/grievance/clssifications_final.xls પર જોવાં મળશે. 
ઉપર મુજબનાં નિશ્ચીત સમયગાળા દરમીયાન જો ગ્રાહકને નિયમ મુજબની જે મળવી જોઈએ તેવી સેવાઓ વીમા કંપનીઓ દ્વારાં ગ્રાહક ને ના આપવામાં આવે તો ગ્રાહકે સૌ પ્રથમ ફરીયાદ જે તે વીમા કંપની નાં ગ્રીવાન્સ સેલ માં કરવાની રહેશે અને વીમા કંપની એ તેનો જવાબ ગ્રાહક ને વધુ માં વધુ ૧૪ દિવસ સુધી માં ગ્રાહક ને આપવાનો રહેશે.વીમા કંપની નાં જવાબથી જો તમે પુરે પુરા સંતુષ્ઠ ના હો તો જવાબ મળ્યાં નાં આઠ અઠવાડીયા સુધીમાં જો વીમા કંપની ને ફરીથી રજુઆત નહીં કરો તો વીમાકંપની એવું માની લેશે કે તમને ચુકાદો મંજુર છે.ગ્રાહકો દ્વારાં વીમા કંપની ને કરવામાં આવેલી તમામ ફરીયાદો ની જાણકારી હવેથી 'ઈરડા' દ્વારાં રાખવામાં આવશે.વીમા કંપની દ્વારાં જો તમારી ફરીયાદનું યોગ્ય નિરાકરણ લાવવામાં ના આવે તો તમે સીધાં જ 'ઈરડા'નો સંપર્ક કરી શકો છો.તેમાં તમારે વીમા કંપની સાથે અગાઉ થયેલાં તમામ પત્ર વ્યવહાર તેમજ ફરીયાદ નંબર સાથે ની વીગતો જોડવાની રહેશે.આટ્લું કર્યાં પછી પણ જો તમારી ફરીયાદનું યોગ્ય નિરાકરણ નથી આવ્યું તેવું લાગતું હોય તો તમે 'ઈન્શ્યુરન્સ ઓમ્બડઝ્મેન'નો સંપર્ક કરી શકો છો.દરેક રાજ્યમાં એક ઓમ્બડ્ઝ્મેન ની નીમણુંક કરવામાં આવી છે.જો તમારી પોલીસી રુ.૨૦ લાખ થી અંદર હોય તો જ તમેઓમ્બડ્ઝ્મેન ને ફરીયાદ કરી શકો છો.ઓમ્બડ્ઝ્મેને વધુ માં વધુ  ૩ મહીનાની અંદર તમારી ફરીયાદનું ફરજીયાત નિરાકરણ લાવવું પડશે.આમ,છતાં પણ હજુ તમને જો એવું લાગતું હોય કે તમને અન્યાય થયો છે તો તમે આ કેસ કન્ઝયુમર ફોરમ અથવા તો કોર્ટ માં લઈ જઈ શકો છે. 

મંગળવાર, 20 જુલાઈ, 2010

શેર બજારમાં સર્કિટ એટલે શું ? અપર સર્કીટ - લોઅર સર્કીટ અને તેનાં નિયમો.

શેર બજારમાં કામ કરતાં તમામ લોકો અવાર નવાર અપરસર્કિટ તથા લોઅરસર્કિટ વિશે વાતો કરતાં હોય છે.આજે આપણે આ બંને પ્રકારની સર્કિટ વિશે વિગતવાર જાણકારી મેળવશુ.
સર્કિટ એટલે શું ?


સર્કિટ એ રોકાણકારો નાં હિત ને ધ્યાનમાં રાખીને શેર બજાર નાં નિયંત્રક સેબી દ્વારા કરવામાં આવેલી એક એવી વ્યવસ્થા છે જેના હેઠળ કોઇપણ સૂચકઆંક (ઇન્ડેક્સ) કે શેરનાં ભાવમાં કોઇ એક વર્કિંગ સેશનમાં થતો અનિયંત્રિત એકતરફી વધારો કે ઘટાડા ને રોકી શકાય છે. જેમ કે કોઇ શેરમાં 5 ટકાની સર્કિટ હોય અને ગઈકાલે તે શેર 100 રૂપિયા નાં ભાવ પર બંધ થયો હતો, તો આજે તેમાં 95થી 105 રૂપિયાનાં ભાવ વચ્ચે જ સોદા કરી શકાય છે.

સર્કિટ કેવી રીતે નક્કી થાય ?
સર્કિટ નક્કી કરવા માટે કોઇ પણ શેરની કિંમતોમાં ઉતાર-ચઢાવ, સરેરાશ દૈનિક કારોબાર અને શેરની મજબૂતીના ઇતિહાસની મદદ લેવામાં આવે છે. સર્કિટમાં ચાર સ્તર હોય છે - 2, 5, 10 અને 20 ટકા. જુદા જુદા શેરોના ઇતિહાસની મદદથી શેરો માટે સર્કિટ નક્કી કરવામાં આવે છે.




સર્કીટ નાં પ્રકારો

સર્કિટ બે પ્રકારની હોય છે. અપર સર્કિટ અને લોઅર સર્કિટ. અપર સર્કિટ લાગ્યા બાદ શેર માત્ર વેચી શકાય છે, ખરીદી શકાતા નથી. એવી જ રીતે લોઅર સર્કિટ લાગ્યા બાદ તેને માત્ર ખરીદી શકાય છે, વેચી શકાતા નથી.

સેન્સેક્સ અને નિફ્ટીમાં સર્કિટ લાગવાનાં નિયમો

વાયદા કારોબારમાં સમાવેશ થતા શેરો ઉપરાંત અન્ય તમામ શેરો પર સર્કિટ લાગે છે. વાયદા કારોબારવાળા શેરોમાં એક દિવસમાં કેટલોય ઉછાળો કે ઘટાડો આવી શકે છે. તેમનો કારોબાર બંધ થતો નથી.

સૂચકાંકો(ઇન્ડેક્સ)માં બંને પ્રકારની સર્કિટ 3 તબક્કામાં લાગે છે. પ્રથમ તબક્કામાં 10, બીજામાં 15 અને ત્રીજા તબક્કામાં 20 ટકા સર્કિટ લાગે છે. એક વાર જ્યારે કોઇ એક ઇન્ડેક્સ (સેન્સેક્સ કે નિફ્ટી)માં સર્કિટ લાગે છે. તો બીજા ઇન્ડેક્સમાં કારોબાર આપોઆપ અટકી જાય છે. સર્કિટ લાગવાની સાથે એક જ સમયે હાજર અને વાયદા બજાર બંનેમાં એક સાથે કારોબાર બંધ થઇ જાય છે.

જો બજારમાં 1 વાગ્યા પહેલા 10 ટકા ઘટાડો આવે છે, તો એક કલાક માટે કારોબાર અટકી જાય છે. જો ઘટાડો 1 વાગે અથવા ત્યાર બાદ પણ 2.30 વાગ્યા પહેલા નોંઘાય છે તો કારોબાર અડધા કલાક માટે રોકવામાં આવે છે. જો 10 ટકાનો ઘટાડો 2.30 વાગે કે ત્યાર પછી નોંધાય છે, તો કારોબાર બંધ થતો નથી. એટલે કે કારોબાર 3.30 વાગ્યા સુધી ચાલતો રહે છે.

જો માર્કેટમાં 1 વાગ્યા પહેલા 15 ટકાનો ઘટાડો નોંધાય છે, તો કારોબાર બે કલાક માટે બંધ રહે છે. આ ઘટાડો 1 વાગ્યા બાદ પણ 2 વાગ્યા પહેલા થાય તો કારોબાર 1 કલાક માટે રોકાઇ જાય છે. 15 ટકાનો ઘટાડો 2 વાગે અથવા તે પછી થાય તો કારોબાર સમગ્ર દિવસ માટે બંદ કરી દેવામાં આવે છે. જો માર્કેટ 20 ટકા ઘટે છે તો ત્યાર પછી આખો દિવસ બજાર બંધ રહે છે.



શુક્રવાર, 1 જાન્યુઆરી, 2010

સટ્ટામય સમાજઃશેર નો સટ્ટૉ,અનાજ નો સટ્ટો,કઠોળનો સટ્ટો,તેલ નો સટ્ટો,ક્રીકેટ નો સટ્ટો,સોના-ચાંદી નો સટ્ટો,જ્યાં જુઓ ત્યાં સટ્ટો જ સટ્ટો.

સટ્ટા ની ઉધઈ દેશ ને ખોખલો બનાવી દે તે પહેલાં જાગો.
'સટ્ટો'એટલે કે 'જુગાર',આમ, તો આદીકાળથી પ્રચલીત છે.મહાભારતનાં સમયમાં પણ 'જુગાર'નું અસ્તિત્વ હતું અને તેનું શું પરીણામ આવ્યું તે વાત થી તો આપણે સૌ પરિચિત જ છીએ.આપણાં પ્રાચીન ગ્રંથો માં,શાસ્ત્રો માં તેમજ દરેક ધર્મોમાં પણ કહેલું છે કે જુગાર એ મનુષ્યનાં અધઃપતન નો માર્ગ છે.તેમ છતાં દુઃખની વાત એ છે કે ભારતમાં હાલમાં જેટલો ફેલાવો 'જુગાર' કે 'સટ્ટા' નો છે તેટલો ફેલાવો ભારતનાં ઈતીહાસમાં આજ સુધી કયારેય નહોતો.આપણે આજે દરેક ક્ષેત્રો માં પ્રગતિ કરી રહ્યાં છીએ તેમ સાથે સાથે આપણે 'જુગાર' કે 'સટ્ટા'ની બાબતે પણ દુનીયામાં નં ૧ બનવા તરફ આગળ વધી રહ્યાં છીએ અને દુઃખ ની વાત તો એ છે કે ભારતની કેન્દ્ર સરકાર પણ ભારતમાં જુગાર ને વધુ ને વધુ પ્રોત્સાહન આપવા માટે ઉત્સુક છે.ભારત સરકારે વધુ ને વધુ ટેક્સ કમાવવાની લાલચે શેરનાં સટ્ટા,અનાજ નાં સટ્ટા,કઠોળ નાં સટ્ટા,તેલ નાં સટ્ટા,સોના-ચાંદી નાં સટ્ટા,કપાસ નાં સટ્ટા,ધાતુ નાં સટ્ટા વગેરે જેવાં સટ્ટાઓ ને કાયદેસરની માન્યતા આપેલ છે.એટલે કે ગંજીપા નો જુગાર રમતાં પકડાવામાં સજા થાય છે પરંતુ તેનાં કરતાં પણ વધારે ખતરનાક અને ખુબ જ મોટાપાયાનો જુગાર તમે એ.સી ચેમ્બરમાં બેઠાં બેઠાં કાયદેસર રીતે રમી શકો છો.હવે,ભવિષ્યમાં ક્રીકેટનાં સટ્ટા ને પણ કાયદેસરની માન્યતા મળે તો નવાઈ નહીં પામતાં અને આમ પણ ક્રીકેટનાં સટ્ટા માં ભારત હાલમાં દુનીયામાં નં ૧ નું સ્થાન ધરાવે છે.ભારતનાં બુકીઓ દુનીયાભર માં (અ)કિર્તી ધરાવે છે.અને હા આ બધી વાતો સરકાર ને,પોલીસ ને અને પ્રજા ને બધા ને ખબર છે છતાં બધાં લોકો હાથમાં બંગડીઓ પહેરીને ખુલ્લેઆમ ચાલતો આ તમાશો જુએ છે અને લાગતાં વળગતાં પોલીસ અધીકારીઓ અને નેતાઓનાં ખીસ્સા ગરમ થઈ જાય છે એટલે તે લોકો ને આ પ્રકારનાં સટ્ટા બંધ કરાવવા ને બદલે તેનાં વિકાસમાં જ રસ છે.
વાસ્તવ માં 'સટ્ટો'એ આજ નાં સમયનું સૌથી ઘાતક સામાજીક દુષણ છે.એક સર્વે મુજબ આજે કોલેજ માં ભણતાં દર વીસ સ્ટુડન્ટસે એક સ્ટુડન્ટ કોઈ ને કોઈ પ્રકારનો 'સટ્ટો' રમે છે અને ભારતનાં દર પચાસ ઘરમાંથી એક ઘરનું કોઈ એક વ્યક્તિ 'સટ્ટા'ની પ્રવ્રુતિ સાથે સંકળાયેલ છે અને હા આમાંથી મહીલાઓ પણ બાકાત નથી.આપણો આખો સમાજ જાણે કે સટ્ટામાં ઓતપ્રોત થઈ ગયો છે એટલે કે 'સટ્ટામય સમાજ'.સાથે સૌથી દુઃખની વાત તો એ છે કે 'સટ્ટો' રમાડ્તાં બુકીઓની અને દલાલો ની સમાજમાં વાહ વાહ થાય છે,બહુમાન થાય છે તેમજ રાજકીય પક્ષો તેમને નેતા બનાવે છે.આનાંથી મોટી કરુણતાં બીજી કઈ હોય શકે? આજે આ 'સ્ટ્ટા'ની ઉધઈ આપણાં દેશ-સમાજ અને પરીવારો ને અંદરથી ખોખલાં કરી રહી છે.સટ્ટા માં ડુબેલાં દેશ-સમાજ કે પરીવારોનું અંતે પતન થાય છે સાથે સાથે તેની વિપરીત અસરો પુરા દેશ તેમજ તમામ દેશવાસીઓએ પણ ભોગવવી પડે છે.જેમકે 'મોંઘવારી',આ આપણને કોમોડીટીનાં સટ્ટાએ આપેલી એક ભેંટ છે.ભારતમાં છેલ્લાં એક વર્ષમાં જીવન જરુરી ખાધ્ય પદાર્થો નાં ભાવમાં ૭૦ થી ૮૦ ટકાનો વધારો થયો છે.જેનું એક અને માત્ર એક જ કારણ કોમોડીટી નો સટ્ટો જ છે.સૌથી પીડાદાયક વાત તો એ છે કે સરકારે ખરે-ખર મોંઘવારી ઘટાડવા માટેનાં પગલાંઓ લેવાં જોઈએ તેને બદલે સરકારનાં જવાબદાર મંત્રીઓ દ્વારાં સટ્ટા ને પ્રોત્સાહન મળે તેવાં નિવેદનો આપવામાં આવે છે.દેશનાં નેતાઓને પોતાનાં ખીસ્સા ભરવામાં જ રસ છે પરંતુ ભયાનક મોંઘવારીને લીધે દેશવાસીઓનાં ખીસ્સા ખાલી થઈ રહ્યાં છે,ભુખમરો-ગરીબી વધી રહી છે તેનો ઉકેલ શોધવામાં કોઈને રસ નથી.આપણે નિર્માલ્ય-માયકાંગલા ની જેમ બસ બધું જોયાં જ રાખીએ છીએ અને સહન જ કર્યે રાખીએ છીએ.દરેક પક્ષ,દરેક સમાજ,દરેક વર્ગ નાં લોકોએ હવે સાથે મળીને તમામ પ્રકારનાં સટ્ટાઓ બંધ કરાવવાની ઝુંબેશ ચાલુ કરવાનો સમય હવે પાકી ગયો છે.આપણે હવે અત્યારે નહીં જાગીએ તો પછી બહું મોડું થઈ ગયું હશે.એક સામુહીક પ્રયાસ દ્વારાં જ આપણે આપણાં દેશ અને સમાજ ને બચાવી શકીશું અને એક સમ્રુધ્ધ અને સંસ્કારી ભારત વર્ષનું નિર્માણ કરી શકીશું.