બુધવાર, 4 માર્ચ, 2026

રાષ્ટ્રોદયમાં જનસંઘ અને ભાજપનું યોગદાન: વૈચારિક સંઘર્ષથી ‘વિકસિત ભારત’ના સંકલ્પ સુધી

 ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત આઝાદ તો થયું, પરંતુ વૈચારિક રીતે હજુ પણ ગુલામીની સાંકળોમાં જકડાયેલું હતું. તત્કાલીન શાસન વ્યવસ્થા પશ્ચિમી મોડેલને અનુસરી રહી હતી. આવા સમયે, ભારતની મૂળભૂત સાંસ્કૃતિક ઓળખને રાજનીતિના કેન્દ્રમાં લાવવા માટે ૨૧ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ 'ભારતીય જનસંઘ'ની સ્થાપના કરી. આ માત્ર એક રાજકીય પક્ષ નહોતો, પણ ભારતને 'ભારતીયતા'ના આધારે બેઠું કરવાનું એક આંદોલન હતું.

કોઈપણ રાષ્ટ્રનો ઉદય ત્યારે જ શક્ય બને છે જ્યારે તેની રાજકીય વિચારધારા તેના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલી હોય. ભારતના આધુનિક ઈતિહાસમાં ભારતીય જનસંઘ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની યાત્રા એ માત્ર સત્તાના સંઘર્ષની વાત નથી, પરંતુ 'ભારત માતા'ને વિશ્વગુરુના સિંહાસન પર બિરાજમાન કરવાના પવિત્ર સંકલ્પની ગાથા છે. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ વાવેલું બીજ આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક ઘટાદાર વટવૃક્ષ બનીને સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો પરિચય કરાવી રહ્યું છે.

ભારતીય લોકશાહીના ઈતિહાસમાં ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીની યાત્રા એ માત્ર રાજકીય ઉતાર-ચઢાવની વાર્તા નથી, પરંતુ તે ભારતની ગુમાવેલી સામાજિક અને સાંસ્કૃતિક ઓળખને પુનઃસ્થાપિત કરવાનું એક અભિયાન છે. 'રાષ્ટ્ર પ્રથમ' ના મંત્ર સાથે શરૂ થયેલી આ સફર આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા સુધી પહોંચી છે.

 

૧. જનસંઘની સ્થાપના: વૈચારિક પાયો અને સંઘર્ષ

૧૯૫૧માં જ્યારે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી, ત્યારે દેશમાં પશ્ચિમી વિચારધારાનો પ્રભાવ હતો. આવા સમયે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય સંસ્કૃતિ અને મર્યાદાઓને અનુરૂપ રાજનીતિ કરવા માટે 'ભારતીય જનસંઘ'ની સ્થાપના કરી. જનસંઘે દેશને 'એકાત્મ માનવવાદ' અને 'સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ' જેવી મૌલિક ભારતીય વિચારધારા આપી.

કાશ્મીરનો પ્રશ્ન અને બલિદાન: જનસંઘનો પ્રથમ મોટો સંઘર્ષ કાશ્મીરની એકતા માટે હતો. "એક દેશમાં બે નિશાન, બે વિધાન અને બે પ્રધાન નહીં ચાલે" - આ સૂત્ર સાથે ડૉ. મુખર્જીએ જેલવાસ ભોગવ્યો અને શહાદત વહોરી. આ બલિદાન જ ભાજપની 'રાષ્ટ્ર પ્રથમ'ની નીતિનો પાયો બન્યું.

એકાત્મ માનવવાદ: પંડિત દીનદયાલ ઉપાધ્યાયે ૧૯૬૫માં 'એકાત્મ માનવવાદ'નો સિદ્ધાંત આપ્યો. તેમણે સમજાવ્યું કે ભારતનો વિકાસ પશ્ચિમી મૂડીવાદ કે સામ્યવાદથી નહીં, પરંતુ માનવીના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસના સંતુલનથી જ શક્ય છે.

 

ભાજપની સ્થાપના અને લોકશાહીનું રક્ષણ

૧૯૭૫ની કટોકટીમાં લોકશાહી બચાવવા જનસંઘના નેતાઓએ જેલવાસ ભોગવ્યો અને બાદમાં જનતા પાર્ટીમાં વિલીનીકરણ કર્યું. પરંતુ ૧૯૮૦માં જ્યારે વૈચારિક મતભેદો સર્જાયા, ત્યારે ૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ મુંબઈના દરિયા કિનારે ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો.એ વખતે પ્રથમ સંબોધનમાં અટલ બિહારી વાજપેયીજીનું ઐતિહાસિક વિધાન હતું ‘અંધેરા છટેગા, સુરજ નિકલેગા, કમાલ ખીલેગા’

  • રામ જન્મભૂમિ આંદોલન: ૮૦ના દાયકાના અંતમાં લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાએ ભારતના સુષુપ્ત રાષ્ટ્રવાદને જગાડ્યો. આ આંદોલને ભાજપને જન-જનની પાર્ટી બનાવી દીધી.

વાજપેયી યુગ: પરમાણુ શક્તિ અને સુશાસન

૧૯૯૮ થી ૨૦૦૪ સુધીનો અટલજીનો કાર્યકાળ ભારત માટે ગૌરવશાળી રહ્યો.

  • પોખરણ-૨: વિશ્વના દબાણ છતાં ભારતે પરમાણુ પરીક્ષણ કરી પોતાની સાર્વભૌમત્વતા સાબિત કરી.
  • સંપર્ક ક્રાંતિ: વડાપ્રધાન ગ્રામ સડક યોજના અને સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના દ્વારા ભારતના ગામડાં અને શહેરોને જોડવાની મહાયોજના અમલમાં મૂકી.

નરેન્દ્ર મોદી કાળ: પરિવર્તનનું સુવર્ણ પ્રકરણ

૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી પ્રચંડ બહુમતીએ ભારતમાં 'સુધારા, પ્રદર્શન અને પરિવર્તન' (Reform, Perform, Transform) ના યુગનો પ્રારંભ કર્યો. મોદીજીના શાસનમાં ભારતની છબી 'લાચાર દેશ'માંથી 'નિર્ણાયક દેશ' તરીકે બદલાઈ.

રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતા

કલમ ૩૭૦ની નાબૂદી એ માત્ર કાયદાકીય ફેરફાર નહોતો, પરંતુ જનસંઘના સ્થાપકને આપેલી સાચી શ્રદ્ધાંજલિ હતી. સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક દ્વારા ભારતે સ્પષ્ટ કર્યું કે અમે ઘરમાં ઘૂસીને પણ મારી શકીએ છીએ. આજે સરહદો સુરક્ષિત છે અને આંતરિક સુરક્ષા મજબૂત બની છે.

સાંસ્કૃતિક અભ્યુદય

સદીઓ જૂના સંઘર્ષ બાદ અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું ભવ્ય મંદિર, કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ લોક અને સોમનાથનો કાયાકલ્પ—આ બધું જ ભારતના 'સાંસ્કૃતિક પુનરુત્થાન'ના પ્રતિક છે. યોગને વિશ્વ સ્તરે માન્યતા અપાવી ભારતને 'વિશ્વગુરુ'ના પથ પર અગ્રેસર કર્યું છે.

આર્થિક સધ્ધરતા અને ડિજિટલ ઇન્ડિયા

ભારત આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં ત્રીજા સ્થાને પહોંચવા જઈ રહ્યું છે.UPI ક્રાંતિને લીધે આજે વિશ્વના ૪૦% ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થાય છે.સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબુત બનાવી આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બન્યું છે, જે યુવાનોને રોજગાર શોધનારને બદલે રોજગાર આપનાર બનાવી રહ્યું છે.

છેવાડાના માનવીનો વિકાસ (અંત્યોદય)

 

·       ૮૦ કરોડ લોકોને મફત અનાજ (PMGKAY).

  • ૧૨ કરોડ પરિવારોને શૌચાલય અને સ્વચ્છતા અભિયાન.
  • ૫૦ કરોડ લોકોને આયુષ્માન કાર્ડ દ્વારા મફત સારવાર.
  • હર ઘર જલ યોજના દ્વારા પીવાના શુદ્ધ પાણીની સુવિધા.

 

વિશ્વમિત્ર તરીકે ભારત

આજે રશિયા-યુક્રેન યુદ્ધ હોય કે ગ્લોબલ વોર્મિંગ હોય કે કપરો કોરોના કાળ હોય, દરેક વખતે વિશ્વ ભારત તરફ ઉકેલ માટે જુએ છે. G20ના સફળ આયોજને સાબિત કર્યું કે ભારત વૈશ્વિક એજન્ડા સેટ કરવાની ક્ષમતા ધરાવે છે. કોરોના કાળમાં પણ વિશ્વના ૮૦ જેટલા દેશોમાં કોરોનાની રસી પહોંચાડી 'વસુધૈવ કુટુંબકમ'ની વિભાવનાને ચરિતાર્થ કરી બતાવી.દરેક મુસીબતોમાં ભારત આજે સમગ્ર વિશ્વનો સાથ આપી રહ્યું છે.

જનસંઘથી શરૂ થયેલી આ યાત્રા આજે 'વિકસિત ભારત ૨૦૪૭'ના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. ભાજપના શાસનમાં ભારત પોતાની પ્રાચીન ઓળખ અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય સાધી રહ્યું છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત માત્ર પ્રગતિ નથી કરી રહ્યું, પરંતુ પોતાની ખોવાયેલી ગરિમા પુનઃ પ્રાપ્ત કરી રહ્યું છે. આગામી પચીસ વર્ષનો 'અમૃતકાળ' એ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.રાષ્ટ્રોદયમાં જનસંઘ અને ભાજપનું યોગદાન અદ્વિતીય રહેશે.

ટિપ્પણીઓ નથી: