ગુરુવાર, 13 સપ્ટેમ્બર, 2018

ના જ્ઞાતિવાદ - ના જાતિવાદ, સબસે બડા હે રાષ્ટ્રવાદ




આજે આપણે ૨૧મી સદીના ૧૮માં વર્ષમાં છીએ.૨૧મી સદીમાં ભારતે ઘણાંબધાં ક્ષેત્રોમાં ખુબ સારી પ્રગતિ કરી છે.પરમાણું ટેકનોલોજીની વાત હોય,સ્વદેશી મિસાઈલ ટેકનોલોજી વાત હોય, મંગલયાન, ચંદ્રયાન અને હવે સમાનવ ગગનયાનની તૈયારી હોય કે સોફ્ટવેર ટેકનોલોજીની વાત હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટની વાત હોય,રમતગમત ક્ષેત્રની વાત હોય કે પછી દેશના આર્થિક વિકાસની વાત હોય તમામ ક્ષેત્રે આપણો દેશ ખુબ સારી પ્રગતિ કરી રહ્યો છે.પરંતુ આ બધાં સારા સમાચારો વચ્ચે અત્યંત ખરાબ સમાચાર કે કડવી વાસ્તવિકતા એ છે કે ૨૧મી સદીમાં પણ ભારતમાં જ્ઞાતિવાદ અને જાતિવાદ નાબુદ થવાને બદલે વધુ વકરતો જાય છે.

૧૯૪૭માં ભારત આઝાદ થયું તે સમયગાળાની આસપાસ અથવા તો ત્યારબાદ આઝાદી મેળવી હોય તેવા વિશ્વનાં અન્ય દેશોનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે છે કે જે દેશોમાં જ્ઞાતિવાદ-જાતિવાદ,સંપ્રદાયોના ઝગડાઓને લીધે આંતરવિગ્રહો થયા હોય તેવા દેશો અધોગતિની ગર્તામાં ધકેલાય ગયા છે.પરંતુ જે દેશના નાગરિકોએ રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે દેશની પ્રગતિ અને દેશના સન્માનને પુનઃ પ્રાપ્ત કરવાના લક્ષ્યાંક સાથે એકસંપ થઇ મહેનત કરી છે તેવા દેશોએ આજે અપ્રતિમ પ્રગતીનાં શિખરો સર કર્યા છે અને સુખ-સમૃદ્ધિની સાથે દ્વેષમુક્ત સમાજની પણ રચના કરી છે.
ભારતની સાથે અથવા ત્યારબાદ આઝાદ થયેલા ચીન, દક્ષિણ કોરિયા, ઈન્ડોનેશિયા, વિયેતનામ, જોર્ડન,એસ્ટોનિયા,ઇઝરાયેલ વગેરે દેશોએ જે પ્રગતિ કરી છે તેની સરખામણીમાં ઘણીબધી બાબતોમાં આપણે હજુ પાછળ છીએ.તેનું મુખ્ય કારણ છે, જ્ઞાતિવાદનું ઝેર અને રાષ્ટ્રભાવનાનો અભાવ.

આજે આપણે એક થવાને બદલે દિવસે ને દિવસે વધુ ને વધુ વહેંચાઇ રહ્યા છીએ.દરેક જ્ઞાતિના લોકો પોતાનું સંખ્યાબળ બીજી જ્ઞાતિ કરતા વધુ છે તેવું બત્તાવવા મથી રહ્યા છે.આશ્ચર્યની વાત તો એ છે કે દરેક જ્ઞાતિઓ વચ્ચે સૌથી વધુ પછાત કે વધુ ગરીબ કઈ જ્ઞાતિ તેવું બત્તાવવાની હરીફાઈ જામી છે.આપણી કરુણતા છે કે આપણે ત્યાં અભણ તો ઠીક પણ ભણેલા પણ જ્ઞાતિવાદનેછોડી શકતા નથી.દેશના અમુક રાજકીય પક્ષો આનો ફાયદો લઇ પોતાનાં રાજકીય મનસુબા પાર પાડવા માટે જ્ઞાતિના નામે આંદોલનો કરાવી દેશ કે રાજ્યને વિષમ પરિસ્થિતિમાં ધકેલી પિશાચીપિશાચી આનંદ લેતા હોય છે.’જ્ઞાતિવાદનો ગ્રાફ વધે તેમ દેશની પ્રગતિનો ગ્રાફ ઘટે’ આવું સાવ સામાન્ય ગણિત પણ જયારે લોકો સમજી ના શકે અને સમાજના કહેવાતા બુદ્ધિજીવીઓ જયારે જ્ઞાતિવાદને પોષે, ત્યારે તેની સમજણ પર દયા આવે છે.દેશના ભણેલાં ગણેલાં યુવાનો પણ જ્ઞાતિવાદનું ઝેર ઓકે ત્યારે ખુબ દુઃખ સાથે કહેવું પડે છે કે, શું આવી ૨૧મી સદીની કલ્પના આપણે કરી હતી ? જે દેશનો યુવાન દેશની પ્રગતિ અને વિકાસ માટે મહેનત કરવાને બદલે જયારે જ્ઞાતિ આંદોલનોમાં પત્થર લઇ બસના કાચ ફોડતો નજરે ચડે ત્યારે સમજવું કે તે સમાજ-તે જ્ઞાતિ અધોગતિને માર્ગે છે.

તમામ જ્ઞાતિઓના અગ્રણીઓ તથા રાજકારણીઓ પણ જ્ઞાતિવાદના નામે સમાજને  ઉશ્કેરવાનું છોડી સમાજના દુષણો દુર થાય તેવા પ્રયત્નો કરે અને સમાજના યુવાનો જ્ઞાતિવાદની સંકુચિતતામાંથી બહાર આવી દેશ માટે વિચારતા થાય ત્યારે જ આ દેશમાં ખરે-ખર સોનાનો સુરજ ઉગશે.જ્ઞાતિવાદ એ દેશની પ્રગતિમાં બાધારૂપ સૌથી મોટું દુષણ છે.દેશની પ્રગતિમાં જ આપણી પ્રગતિ છે.જ્ઞાતિ – જાતિ,ધર્મ – સંપ્રદાયોના વાડામાંથી બહાર આવી આપણે ‘નવા ભારત’ ના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનીએ.આજ થી જ,

આપણી જ્ઞાતિ – ભારતીય , આપણી જાતી – ભારતીય અને આપણો ધર્મ પણ – ભારતીય,

આ મંત્રને અપનાવી આપણે સૌ જ્ઞાતિ-જાતિ અને ધર્મના ભેદભાવો છોડી રાષ્ટ્રનિર્માણમાં સહયોગી બનીએ એ જ પ્રાર્થના. ભારત માતા કી જય – વંદેમાતરમ્

ટિપ્પણીઓ નથી: