બુધવાર, 19 સપ્ટેમ્બર, 2018

હું મારા દેશ માટે શું કરી શકું ?


અમેરીકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્હોન એફ.કેનેડીનું એક વિશ્વ પ્રસિદ્ધ વાક્ય છે. "એ ન પૂછો કે દેશે તમારા માટે શું કર્યું ? પરંતુ એ કહો કે તમે દેશ માટે શું કરી શકો છો ?" ૧૫મી ઓગષ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ અચાનક આપણાંમાં રાષ્ટ્રપ્રેમનો ઉભરો આવે છે.ફેસબુક અને વોટ્સએપમાં દેશપ્રેમની પોસ્ટ્સની વણઝાર જોવા મળે છે.ધ્વજવંદનમાં જઈએ કે ન જઈએ પણ તેનાં ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપણે રાષ્ટ્રપ્રેમી હોવાનો સંતોષ માની લઈએ છીએ અને ફરી પાછા રોજબરોજ ની ઘટમાળમાં પરોવાઈ જઈએ.થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા કે લોકોને બત્તાવવાને બહાને પણ આપણે વર્ષમાં બે વખત તો દેશને યાદ કરીએ છીએ.વાસ્તવમાં આપણે સૌ એવું જ માનીએ છીએ કે, હું તો પરમ દેશભક્ત છું જ,હું મારા દેશને વફાદાર છું,હવે અત્યારે દેશની આઝાદી માટેનો કોઈ પ્રશ્ન નથી કે, મારે દેશ માટે શહીદ થવું પડે કે લડવા જવું પડે.હું શાંતિથી કમાવ છું અને પરિવારનું ગુજરાન ચલાવું છું.બીજું તો હું દેશ માટે શું કરી શકું ?

પહેલી નજરે સૌ કોઈને આ તર્ક સાચો પણ લાગે કે હું દેશ માટે શું કરી શકું? પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે દેશ માટે મરવાની કે સરહદ પર લડવા જવાની જરૂર નથી પરંતુ આપણામાં જો દેશને ઉપયોગી થવાની પ્રબળ ઇચ્છાશક્તિ હોય, તો જ્યાં પણ હોઈએ ત્યાં રોજબરોજના જીવનમાં પણ થોડી સતર્કતા રાખી નાનાં-નાનાં કાર્યો દ્વારા પણ આપણે દેશનાં વિકાસમાં સહયોગી બની શકીએ છીએ.દેશનાં સર્વાંગી વિકાસ,પ્રગતિ,સુખ-સુવિધા અને જનતાની સુખાકારી માટેની જેટલી જવાબદારી સરકારની અને તંત્રની છે તેટલી જ જવાબદારી દેશનાં નાગરિકોની પણ છે.કોઈપણ ઘટનામાં દોષનો ટોપલો સરકાર અને તંત્ર પર ઢોળી દેવાની આપણને આદત પડી ગઈ છે.ગંદકી છે તો સરકાર જવાબદાર,ટ્રાફિકની સમસ્યા તો સરકાર જવાબદાર,પાણીની તંગી તો સરકાર જવાબદાર,ભ્રષ્ટાચાર થાય તો સરકાર જવાબદાર, આમ દરેક વાતમાં સરકાર પર દોષારોપણ કરી આપણે આપણી જવાબદારીમાંથી છટકવાનો સહેલો રસ્તો શોધી લીધો છે.

તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલમાં જે ભાવ વધારો થયો છે તેનાંથી આપણને સૌને પીડા થાય તે સ્વાભાવિક છે.હકીકતમાં તેની પાછળ વૈશ્વિક કારણો જવાબદાર છે,સરકાર તેનાંથી બનતું બધું કરી રહી છે અને કરવું પણ જોઈએ, પરંતુ આપણે આ બાબતે સરકારને ગાળો આપવા સિવાય બીજું શું કર્યું ? શું આપણે અઠવાડિયામાં એક દિવસ વાહનો વાપરવાનું બંધ કરી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ શરુ કર્યો ? શું આપણે બિનજરૂરી વાહનોનો ઉપયોગ ટાળ્યો ? શું આપણે શક્ય હોય ત્યાં સાઇકલનો વિકલ્પ અપનાવ્યો ?તો જવાબ છે,ના. આજે વિશ્વનાં અનેક શહેરોમાં લોકો સ્વેચ્છાએ ‘વન ડે – નો કાર’ના નિયમને અપનાવી રહ્યાં છે.સાઇકલનો ઉપયોગ વધારી રહ્યાં છે.તેનાં અનેક ફાયદાઓ છે.પૈસાની બચત થાય છે.તંદુરસ્તી માટે પણ સારું છે.પ્રદૂષણ ઘટે છે.દેશનું વિદેશી હુંડીયામણ બચે છે.આયાત ઓછી થવાથી દેશનું અર્થતંત્ર પણ મજબુત બને છે.આ રીતે પણ આપણે દેશને ઉપયોગી થઇ શકીએ છીએ.

દરેક બાબતોમાં સરકાર અને તંત્રને ગાળો આપવાને બદલે આપણે દેશ માટે શું કરી શકીએ ? તેનો વિચાર કરી, બીજાને સલાહ આપવાને બદલે આપણે જ આપણાં રોજિંદા જીવનમાં નાની નાની બાબતોમાં થોડી કાળજી રાખીને પણ દેશને ઉપયોગી થઇ શકીએ છીએ.

જેમકે,જ્યાં ત્યાં કચરો ના ફેકવો,ઘર-શેરી-મહોલ્લા,બસ-ટ્રેન તથા જાહેર જગ્યાઓએ ગંદકી ના થવા દેવી તે પણ દેશ ઉપયોગી કાર્ય જ છે.ટ્રાફિકના નિયમોનું સ્વેચ્છાએ પાલન કરવું, લાંચ લેવી નહીં અને ક્યારેય લાંચ આપવી નહીં, જ્ઞાતિવાદ-જાતિવાદને બદલે રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવું,સરકારી તંત્રના કામમાં અડચણરૂપ ના બનવું,જાહેર સંશાધનોને નુકશાન ના પહોંચાડવું,ટેક્સચોરી ના કરવી,સરકારી યોજનાઓનો ખોટી રીતે લાભ ના લેવો,કામચોરી ના કરવી તે પણ દેશસેવા જ છે.

કોઈ ગરીબના આંસુ લુંછવા,જરૂરિયાતમંદ વિદ્યાર્થીને મદદ કરવી,માંદગીમાં પીડાતા લાચાર ગરીબોને સહાય કરવી,દીકરીઓને ભણતર આપવું,સ્ત્રીઓ પ્રત્યે આદર અને સન્માનની લાગણી રાખવી તે પણ દેશસેવા જ છે.પશુ-પક્ષી,નદી,પર્વત અને જંગલોનું રક્ષણ કરવું,પ્રદુષણ અટકાવવું,પ્લાસ્ટીકના કચરાનો યોગ્ય નિકાલ કરવો,દેશહિત માટે કામ કરનારા લોકોને સહયોગ આપવો તે પણ દેશસેવા જ છે.

ઉદ્યોગપતિઓ-વેપારીઓ પણ વ્યાજબી નફા સાથે,કોઈપણના શોષણ વગર રોજગારીની તકો ઉભી કરતા જાય અને સમૃદ્ધિ વહેંચતા જાય અને પ્રમાણિકતાથી વેપાર કરે, કામદારો પણ વફાદારીથી કાર્ય કરે, પ્રાધ્યાપકો - શિક્ષકો મન દઈને ભણાવે,અધિકારીઓ પ્રમાણિકતા સાથે જનસેવા એજ પ્રભુસેવા તેમ માની ફરજ બજાવતા રહે,નેતાઓ -રાજકારણીઓ સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે જનકલ્યાણકારી કાર્યો કરતા રહે,સુરક્ષાકર્મીઓ દેશ પ્રથમની ભાવના સાથે વફાદારીથી ફરજ બજાવે,ન્યાયતંત્ર સાથે જોડાયેલા લોકો પણ બંધારણને વફાદાર રહી નિષ્પક્ષભાવે કાર્ય કરે  તે પણ દેશસેવા જ છે.

આજે પણ દેશમાં એવાં હજારો નાગરિકો છે જે પોત-પોતાના કાર્યક્ષેત્રમાં સંપૂર્ણ પ્રમાણિકતા,નિષ્ઠા અને દેશને વફાદાર રહી પોતાની ફરજ બજાવે છે.અને આવા લોકોને લીધે જ આપણો દેશ ટકી શક્યો છે,આગળ વધ્યો છે અને હજુ આગળ વધતો રહેશે.

દેશ માટે કઈંક કરવાની ભાવના દરેક દેશવાસીઓમાં પડેલી હોય જ છે. પરંતુ ક્યારેક કોઈ પરિસ્થિતિને કારણે,સમયના અભાવને કારણે,ક્યારેક યોગ્ય વૈચારિક વાતાવરણના અભાવના કારણે તેના પર ધૂળ જામી જાય છે.પરંતુ જયારે દેશ પ્રત્યે પૂર્ણ સમર્પિત એવા કોઈ વ્યક્તિત્વના પ્રગાઢ દેશપ્રેમની ચિનગારીનો સ્પર્શ થાય ત્યારે આ દેશપ્રેમ ફરીથી જાગૃત થઇ જાય છે.ગાંધીજી,સરદાર વલ્લભભાઈ પટેલ,સુભાષચંદ્ર બોઝ, લાલબહાદુર શાસ્ત્રી,ડો.હેડગેવાર,ડો.શ્યામાપ્રસાદ મુખરજી,પંડિત દીનદયાળ ઉપાધ્યાય,અટલબિહારી બાજપાયી વગેરે જેવા દેશને સમર્પિત લોકનેતાઓના દેશપ્રેમની ચીનગારીના સ્પર્શે હજારો લોકોમાં દેશપ્રેમની આગને પ્રજ્જવલિત કરી દીધી હતી.આવા વિરાટ વ્યક્તિઓના જીવન-કવનમાંથી પ્રેરણા લઇ આપણે પણ આપણી દેશભક્તિની ચિનગારીને ફરીથી પ્રજ્વલિત કરી રાષ્ટ્ર્સેવાના યજ્ઞમાં આહુતિ આપી રાષ્ટ્રનિર્માણના કાર્યમાં સહભાગી બનીએ તે જ અભ્યર્થના..ભારત માતા કી જય – વન્દેમાતરમ

ટિપ્પણીઓ નથી: