શનિવાર, 4 એપ્રિલ, 2020

‘એક રાષ્ટ્ર – એક ચૂંટણી’ - આઝાદ ભારતની પ્રથમ લોકસભા ચૂંટણીની એક ઝલક.

સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણી ઓક્ટોબર ૧૯૫૧ થી ફેબ્રુઆરી ૧૯૫૨ સુધીમાં કુલ ૫ મહિનાના સમયગાળામાં સંપન્ન થઇ હતી.આ પ્રથમ ચૂંટણીમાં ૪૮૯ લોકસભા બેઠકો હતી.આ ચૂંટણીઓ બાદ ૧૯૫૨માં આઝાદ ભારતની પ્રથમ લોકસભાનું ગઠન થયું હતું.જેમાં ૩૬૪ બેઠકો  સાથે કોંગ્રેસને બહુમતી મળી હતી અને જવાહરલાલ નેહરુને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.આચાર્ય નરેન્દ્ર દેવ,જયપ્રકાશ નારાયણ અને ડો.રામ મનોહર લોહિયાના નેતૃત્વવાળી સોશીયલીસ્ટ પાર્ટીને ૧૨ બેઠકો,આચાર્ય જે.બી.કૃપલાનીના નેતૃત્વવાળી કિસાન મજદૂર પ્રજા પાર્ટીને ૯ બેઠકો, હિંદુ મહાસભાને ૪ બેઠકો, ડો.શ્યામાપ્રસાદ મુખરજીના નેતૃત્વમાં ભારતીય જનસંઘને ૩ બેઠકો, રિવોલ્યુશનરી સોશિયલીસ્ટ પાર્ટીને ૩ તથા શીડ્યુલકાસ્ટ ફેડેરેશનને ૨ બેઠકો મળી હતી.

એક રાષ્ટ્ર એક ચૂંટણી : 

આજે જયારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી વન નેશન-વન ઈલેકશનની વાત કરે છે ત્યારે કોંગ્રેસીઓ તેનો વિરોધ કરે છે.પરંતુ ખુબ ઓછાં સંશાધનો હોવાં છતાં ૧૯૫૨માં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એકીસાથે જ યોજવામાં આવી હતી.આ પ્રથમ સામાન્ય ચૂંટણીઓ લોકસભાની ૪૮૯ અને ૨૬ રાજ્યોની વિધાનસભાઓની કુલ ૩૨૮૩ બેઠકો માટે યોજાઈ હતી.જેમાં ભારતના ૧૭,૩૨,૧૨,૩૪૩ નોંધાયેલા મતદાતાઓ હતા તેમાંથી ૧૦ કરોડ ૫૯ લાખ લોકોએ મતદાન કર્યું હતું.

શ્રી જી.વી.માવલંકર પ્રથમ લોકસભાના અધ્યક્ષ બન્યા હતા.પ્રથમ લોકસભામાં કુલ ૬૭૭ સત્રો થયા, જે મુજબ અંદાજે ૩,૭૮૪ કલાકનું કામકાજ થયું હતું.આ લોકસભાનો કાર્યકાળ ૧૭ એપ્રીલ ૧૯૫૨ થી ૪ એપ્રીલ ૧૯૫૭ સુધીનો રહ્યો હતો.પ્રથમ ચૂંટણી વખતે દેશનો સાક્ષરતાદર માત્ર ૧૫ ટકા હતો.તેથી આ વાતને ધ્યાનમાં રાખીને મતપત્રક પર નામ કે ચૂંટણી ચિન્હ છાપવામાં નહોતું આવ્યું પરંતુ દરેક પાર્ટી માટે અલગ-અલગ મતપેટી રાખવામાં આવી હતી.જેનાં પર જે-તે પાર્ટીનાં ચૂંટણી ચિન્હો લગાવવામાં આવ્યા હતા.જેને જે પાર્ટીને મત આપવો હોય તે પાર્ટીનાં ડબ્બામાં પોતાનું મતપત્રક નાંખે તે મુજબ કુલ ૨ કરોડ ૧૨ લાખ મતપેટીઓ બનાવવામાં આવી હતી.ત્યારે કોંગ્રેસનું ચૂંટણી ચિન્હ બળદની જોડીહતું જયારે ભારતીય જનસંઘનું ચિન્હ દીવડોહતું.પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ સુકુમાર સેન (આઈ.સી.એસ.)ની મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે નિમણુંક કરવામાં આવી હતી.૫૬૦૦૦ કર્મચારીઓ,૨.૮૦ લાખ સ્વયંસેવકો તથા ૨૪ લાખ પોલીસ કર્મચારીઓની મદદથી તેમણે આ એક રાષ્ટ્ર એક ચૂંટણીની કામગીરી પાર પાડી હતી.

કોંગ્રેસ પર ગેરરીતીના આક્ષેપો

દેશની પ્રથમ લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં કામચલાઉ સરકારનું ગઠન થયું હતું. જેમાં સતા કોંગ્રેસને સોંપવામાં આવી હતી અને વડાપ્રધાન તરીકે જવાહરલાલ નેહરુ હતા.ગાંધીજી અને સરદાર પટેલના નિધન બાદ કોંગ્રેસમાં નેહરુની આપખુદશાહીને રોકવા કે ટોકવાવાળું કોઈ રહ્યું નહીં. તે સમયે પણ નેહરુ અને કોંગ્રેસ સામે ચૂંટણીમાં ગેરરીતી કરવાના અનેક આક્ષેપો થયેલાં.પ્રથમ ચૂંટણી વખતે સતા પોતાની પાસે હોવાથી નેહરુએ અધિકારીઓની મિલીભગતથી અનેક ગેરરીતિઓ આચરી હતી.અમુક ગ્રામ્ય તથા પહાડી વિસ્તારોમાં તો મત આપનાર ને એક-એક કંબલ અને પિસ્તોલનું લાયસન્સ આપવામાં આવેલાં.તે વખતે આજના સમય જેવી ટેકનોલોજી નહોતી,મીડિયા પણ ખુબ મર્યાદિત સંશાધનો સાથે કામ કરતુ અને મોટાં ભાગના લોકો અભણ હતા તેથી લોકોમાં પણ જાગૃતતાનો અભાવ હતો તેથી તે સમયની ગેરરીતિઓ બહુ સામે આવી નહોતી. પરંતુ ચૂંટણી પછી લોકસભાના સત્રોમાં વિરોધપક્ષો દ્વારા કોંગ્રેસની ગેરરીતિઓ અંગેના પુરાવાઓ પણ રજુ કરવામાં આવ્યા હતા અને ચૂંટણીના પરિણામોને પડકારવામાં પણ આવ્યાં હતા.
જોકે પોતાની સતાના જોરે નેહરુ યેનકેન પ્રકારે આ બધી વાતોને દબાવી દેવામાં સફળ રહયા હતા.

ટિપ્પણીઓ નથી: