આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે.પ્રધાનમંત્રીશ્રી
નરેન્દ્રભાઈ મોદીએ આજે સરદારસાહેબના વિરાટ વ્યક્તિત્વને છાજે તેવી તેમની વિશ્વની
સૌથી ઉંચી પ્રતિમાનું લોકાપર્ણ સરદાર સરોવર ડેમ ખાતે કરી આ મહામાનવને સર્વશ્રેષ્ઠ
શ્રદ્ધાંજલી પાઠવી છે.સરદાર પટેલ પ્રખર રાષ્ટ્રપ્રેમી,કુશળ સંગઠક અને કૌટિલ્ય જેવી
રાજકીય સમજ ધરાવતા રાજપુરુષ હતા.તેઓ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન
હતા.અત્યંત સાદગીભર્યું જીવન જીવતા સરદારસાહેબ ‘વાતો ઓછી અને કામ વધુ’ના
સિધ્ધાંતનું અક્ષરસઃ પાલન કરતા.તેઓ વર્ણભેદ,વર્ગભેદ,જ્ઞાતિવાદ કે પ્રાંતવાદના
વિરોધી અને રાષ્ટ્રીય એકતાના પ્રખર હિમાયતી હતા.
વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા ધરાવતા સરદાર પટેલ અખંડ ભારતનાં શિલ્પી તરીકે
પણ ઓળખાય છે.જો સરદાર ન હોત તો આજે ભારત નાના નાના ટુકડાઓમાં વહેંચાય ગયો
હોત.ભારતનાં જ અમુક વિસ્તારોમાં જવા માટે આપણે વિઝા લેવા પડે તેવી પરિસ્થિતિ
સર્જાઈ હોત.
૧૫ ઓગષ્ટ ૧૯૪૭માં આપણે અંગ્રેજોની ગુલામીમાંથી તો મુક્ત થયા પરંતુ
આપણી સામે બહુ વિકટ સમસ્યા હતી દેશી રજવાડાંઓની.ભારતમાં કુલ ૫૬૫ જેટલાં રાજા-રજવાડાંઓ
હતા.જેમનું પોતાનું સ્વતંત્ર અસ્તીત્વ હતું.તેમના વિસ્તારોમાં તેમની સરકાર,તેમનું
સૈન્ય અને તેમની જ હકુમત ચાલતી હતી.આ દેશી રિયાસતોના વિલીનીકરણ માટે ૫ જુલાઈ
૧૯૪૭ના રોજ સરદાર પટેલનાં નેતૃત્વમાં સ્વતંત્ર વિભાગની રચના કરવામાં આવી હતી.૧૧
ઓગષ્ટ ૧૯૪૭ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં સરદાર પટેલે તેમના ભાષણમાં રજવાડાંઓને
ભારતમાં જોડાઈ જવા એલાન કર્યું હતું.ત્યારબાદ જુનાગઢ,હૈદરાબાદ અને કાશ્મીર આ ત્રણ
એવાં રાજ્યો હતા કે જે ભારત સંઘમાં જોડાવા માંગતા નહોતા એ સિવાયના ૫૬૨ રજવાડાંઓ
વિલીનીકરણના ખતપત્ર પર સહી કરી સ્વેચ્છાએ ભારતમાં જોડાઈ ગયા હતા.
આજે એક વાર જમીનનો ટુકડા માટે પણ ભાઈ-ભાઈ વચ્ચે ઝઘડાઓ થાય છે.આજે અમુક
લોકો પોતાના સમાજને સરકાર હજુ વધુ શું આપે તે માટે આંદોલનો દ્વારા દેશની શાંતિ અને
એકતા તોડવાના કૃત્યો કરી રહ્યા છે ત્યારે આ ૫૬૨ રજવાડાંઓએ સરદાર સાહેબના એક
અહવાનથી અખંડ ભારતની રચના માટે પોતાના રાજ્યો અને આજની તારીખે જેની અબજો અને ખર્વો
રૂપિયાની કિંમત થાય તેવી મિલકતો,જમીન-જાયદાદ દેશને અર્પણ કરી દીધી હતી.
આપણાં માટે ગૌરવની વાત છે કે સમગ્ર ભારતનાં કુલ ૫૬૨ રજવાડાઓમાંથી અખંડ
ભારતમાં ભળવાનો સૌ પ્રથમ સ્વૈચ્છિક નિર્ણય લેનાર ભાવનગરના મહારાજા
કૃષ્ણકુમારસિંહજી હતા.દેશને સ્વતંત્રતા મળી ગઈ, પાકિસ્તાન જુદું પડી ગયું, પણ દેશી રાજ્યોનો પ્રશ્ન
હજી ઉકેલાયો નહોતો. કેટલાયે રાજવીઓ સ્વતંત્ર બની સત્તા ટકાવી રાખવાનાં સપનાં સેવી
રહ્યા હતા. કાયદે આઝમ ઝીણા અને તેમના સાથીદારો પાકિસ્તાનમાં જોડાય જવા રાજવીઓને
લલચાવી રહ્યા હતા. તે વખતે ગુજરાતમાં પણ કુલ ૩૫૦ રજવાડાઓ હતા જેમાંથી ૨૨૦ જેટલાં
નાના-મોટા રજવાડાઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં હતા. કૃષ્ણકુમારસિંહજીને સ્વતંત્ર
રાજ્યનાં હિમાયતી રાજવીઓનાં જૂથોમાં જોડાવાનો આગ્રહ થતો હતો.પરંતુ તેઓ પ્રજાને
જવાબદાર શાશન વ્યવસ્થા આપવા માંગતા હતા.તેમણે દિલ્હી જઈ ગાંધીજીને રૂબરૂ મળી
પોતાનો નિર્ણય જણાવવાનું નક્કી કર્યું.દિલ્હી પહોંચી મહારાજાએ ગાંધીજીને
નમ્રતાપૂર્વક જણાવ્યું કે મારું રાજ્ય હું આપનાં ચરણોમાં સોંપી દઉં છું. મારું
સાલિયાણું, ખાનગી મિલકતો વગેરે અંગે આપ જે નિર્ણય કરશો તે જ
હું સ્વીકારીશ. આપની આજ્ઞા પ્રમાણે જ બધું કરીશ.મહારાજાની આવી ઉદાર અને ઉમદા
રજૂઆતથી ગાંધીજી ખૂબ રાજી થયા. છતાં પૂછ્યું, 'આપનાં રાણીસાહેબ
અને ભાઈઓને પૂછ્યું છે ?' મહારાજાનો જવાબ હતો કે મારા
નિર્ણયમાં તેમનો અભિપ્રાય પણ આવી જ જાય છે.
ત્યારબાદ ભારતનાં બીજાં બધા રજવાડાંઓએ પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના
પગલે ચાલી પોતાનું રાજ્ય,જમીન-જાયદાદ બધું ભારતમાતાનાં ચરણોમાં સમર્પિત કરી દીધું.
આજનું અખંડ ભારત એ સરદાર પટેલની પ્રખર
રાષ્ટ્ર્નીષ્ઠા,પ્રમાણિકતા,દૂરદર્શિતા અને ૫૬૨ રજવાડાંઓના રાષ્ટ્રપ્રેમ,ત્યાગ અને
રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને આભારી છે.આજે સરદાર પટેલ જયંતીએ આપણે પણ આપણા દેશની
એકતા અને અખંડીતતા કાયમી જળવાય રહે તે માટે કટિબદ્ધ બનીએ.સૌ એક બની રાષ્ટ્રને તોડવાવાળી તાકાતોને ઓળખી તેનો દેશ
નિકાલ કરીએ અને સમર્પણભાવથી દેશહિતનાં કર્યો કરતા રહીએ તે જ અભ્યર્થના.જય સરદાર - ભારત
માતા કી જય – વંદે માતરમ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો