મંગળવાર, 14 ઑગસ્ટ, 2018

સ્વરાજથી સુરાજ્ય તરફની યાત્રામાં સહભાગી બની રાષ્ટ્રોત્સવની ઉજવણી કરીએ.

આજે દેશ માટે મરવાની નહીં પરંતુ દેશમાટે જીવવાની જરૂર છે.
સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે ‘‘ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે દેશના યુવાનોએ ઇતિહાસનું અવલોકન કરી, ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ના થાય તેના માટે સજાગ રહી દેશહિતમાં જીવન જીવવું જોઈએ’’. સેંકડો વીર યુવાનો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનો બાદ આપણે હજારો વર્ષોની ગુલામીમાંથી ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે મુક્ત થયા.આજના આ દિવસે આપણે સૌએ વિચારવું રહ્યું કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ ? આપણે ક્યાંક ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન તો નથી કરી રહ્યા ને ? આપણને સૌને ખ્યાલ છે કે આંતરિક એકતા અને રાષ્ટ્રપ્રેમના અભાવે વર્ષો સુધી આપણો દેશ ગુલામ રહ્યો. ‘ભાગલા પાડો ને રાજ કરો’ની નીતિ અપનાવી વર્ષો સુધી જુદી-જુદી વિદેશી પ્રજાઓએ આ દેશ પર શાસન કર્યું અને થઇ શકે તેટલું શોષણ પણ કર્યું.આઝાદી બાદ હવે દેશમાં લોકશાહી છે પરંતુ આપણા દેશની સૌથી મોટી કમનસીબી અને નબળાઈ એ છે કે સમગ્ર રાષ્ટ્ર કે પૂરા સમાજના હિતમાં પણ આપણે સૌ એકમત નથી.વર્ષો સુધી દેશમાં કોંગ્રેસનું શાસન રહ્યું.આપણી કમનસીબી કે આઝાદી પહેલાંની કોંગ્રેસ આઝાદી બાદ માત્ર એક પરિવારની પાર્ટી બની ગઈ અને દેશ જાણે પોતાની જાગીર હોય તે રીતે પેઢી દર પેઢી ઉતરોતર સતા ફક્ત એકજ પરિવાર પુરતી સીમિત બનાવી લોકશાહીને છુપી રાજાશાહીમાં પરિવર્તિત કરી દીધી. યેનકેન પ્રકારે પોતાના પરિવાર પાસે સતા કાયમી કઈ રીતે ટકી રહે તે જ મુખ્ય લક્ષ્ય બની ગયું. સતામોહમાં કોંગ્રેસ દેશવિરોધી તત્વોને સાથ આપતા પણ અચકાઈ નહિ. તેના હૃદયમાં રાષ્ટ્રપ્રેમ કે માનવતા જેવું કશું બચ્યું જ નહિ. ભ્રષ્ટાચારમાં ડૂબેલી કોંગ્રેસ માટે સેવા નહિ પરંતુ સતા જ સર્વોપરી બની ગઈ. પરિણામે દેશના ગરીબોના,ખેડૂતોના,પીડિતોના,વંચિતોના,દલિતોના કે મધ્યમ વર્ગના જે સપનાઓ હતા તે ચકનાચૂર થઇ ગયા અને કોંગ્રેસના આ કાલખંડમાં આઝાદી વખતે કંડારેલી સ્વરાજથી સુરાજ્યની કલ્પના અધુરી રહી ગઈ.દેશને સ્વરાજ તો પ્રાપ્ત થયું પરંતુ આઝાદીના લડવૈયાઓનાં સપનાનું ભારત પ્રાપ્ત ના થઇ શક્યું.
આઝાદ ભારતને સમર્થ ભારત – સક્ષમ ભારત અને સમૃદ્ધ ભારત બનાવવા માટે આપણે આજે દેશ માટે મરવાની નહીં પરંતુ દેશમાટે જીવવાની જરૂર છે.એક તરફ રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી જ્ઞાતિ-જાતી કે ધર્મ-સંપ્રદાયોનો સહેજપણ ભેદભાવ રાખ્યા વગર તમામ સમાજ-વર્ગોના સર્વાંગી ઉત્કર્ષ માટે તથા ભારતને પુનઃ વિશ્વગુરુ બનાવવા માટે રાત-દિવસ સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણીકતાથી કામ કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ અને વિરોધપક્ષો માત્રને માત્ર મોદીને હરાવવા માટે એક થઇ મહેનત કરી રહ્યા છે ત્યારે એક સાચા દેશભક્ત અને ભારતીય તરીકે આપણે નક્કી કરવાનું છે કે આપણે દેશને કઈ દિશામાં લઇ જવો છે ? શું આપણે દેશને ફરી એક વખત ગુલામીની ગર્તામાં ધકેલવો છે ? એક તરફ  દુનિયાનાં બીજા દેશોના યુવાનો નવીનતમ શોધો કરી પોતાના દેશનું ગૌરવ વધારી રહ્યા છે તો બીજી તરફ અમુક લોકો આપણને હજુ જ્ઞાતિવાદ-જાતીવાદના ઝઘડાઓમાં વ્યસ્ત રાખવા માંગે છે.બીજા દેશના યુવાનો ઈન્ટરનેટ અને ટેકનોલોજીના માધ્યમથી વિશ્વને જોડી રહ્યા છે.વિશ્વ સાથે વ્યાપાર કરી પોતાના દેશની આર્થિક પ્રગતિમાં યોગદાન આપી રહ્યા છે તો હજુ અમુક સતાલાલચુ લોકો પોતાની સતા ભૂખ સંતોષવા માટે દેશમાં ધર્મ અને સંપ્રદાયના નામે ભાગલાઓ પડાવી અંદરો અંદર લડાઈ કરાવી દેશને ફરીથી અધોગતિ તરફ ધકેલવાના હીન પ્રયાસો કરી રહ્યા છે. એક તરફ છેલ્લાં ચાર વર્ષમાં ભારતમાં અને ભારતીયોના જુસ્સામાં આવેલાં હકારાત્મક બદલાવને લઈને અમેરિકા સહીત વિશ્વના તમામ દેશો ભારત તરફ સન્માનની દ્રષ્ટિથી જોતા થયા છે.ભારત સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપવા સક્ષમ બની રહ્યું છે ત્યારે દેશની જ કેટલીક રાજકીય પાર્ટીઓ વિઘટનકારી તત્વો સાથે મળી દેશમાં અફવાઓ ફેલાવી અંધાધૂંધીનો માહોલ બનાવી દેશની વૈશ્વિક છબી બગડવાના દુષ્કૃત્યો કરી રહ્યા છે.
આજે જયારે આપણે ૨૧મી સદીમાં જીવી રહ્યા છીએ ત્યારે કયો ભારતીય એવો હશે કે જે ભારતને બદલવા નહીં માંગતો હોય ? કયો ભારતીય એવો હશે જે દેશના વિકાસમાં ભાગીદાર બનવા નહીં ઈચ્છતો હોય ? વિકાસ,પ્રગતિ અને પરિવર્તનની ઈચ્છા દરેક દેશવાસીઓની હોય જ પરંતુ સૌ પ્રથમ તેના માટે જાગૃત બની દેશ માટે કયું નેતૃત્વ લાભદાયી છે ? કયું નેતૃત્વ પ્રમાણિક છે ? કયું નેતૃત્વ દેશ માટે સમર્પિત ભાવથી નિસ્વાર્થભાવે કાર્ય કરી રહ્યું છે ? તે ઓળખી લેવાની જરૂર છે.આવા પ્રમાણિક, નિસ્વાર્થ, સમર્પિત, સક્ષમ, વિચક્ષણ અને પ્રચંડ હકારાત્મક ઉર્જા સાથે કાર્યરત નેતૃત્વને સાથ આપવો,સમર્થન આપવું તે પણ એક પ્રકારે દેશ પ્રત્યેનું આપણું એક યોગદાન જ છે.  
સૌ દેશવાસીઓના મનની અંદર દેશની પ્રગતી માટેની એક આશા છે,એક ઉંમંગ છે,એક ઈચ્છા છે,એક સંકલ્પ છે.તો આવો આજના સ્વાતંત્ર્યદિને આપણે સૌ દેશવાસીઓ કઠોર પરિશ્રમ કરવા મંડી પડીએ.આપણે જ્યાં પણ હોઈએ,જે ક્ષેત્રમાં હોઈએ, દરેક ક્ષણે દેશનો વિચાર કરીએ,આપણાં દરેક કાર્યમાં  રાષ્ટ્રપ્રથમનો ભાવ જોડીએ,રાષ્ટ્રને તોડવાવાળી ટોળીઓને ઓળખીએ.આ સમય આરામ લેવાનો નથી.આપણા કાર્ય અને સાચી સમજણ પર જ ભારતના ભવિષ્યનો આધાર છે.આજના શુભ દિવસે આપણે દેશને જ્ઞાતિવાદ-જાતીવાદથી આઝાદી અપાવીએ,ભ્રષ્ટાચાર,ગરીબી અને વંશવાદથી આઝાદી અપાવીએ,તુષ્ટિકરણની રાજનીતિથી આઝાદી અપાવીએ અને દેશનાં સર્વાંગી વિકાસ માટે મન,કર્મ અને વચનથી હકારાત્મકતા સાથે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાઈ ને દેશની સ્વરાજથી સુરાજ્ય તરફની યાત્રામાં સહભાગી બની રાષ્ટ્રોત્સવની સાચી ઉજવણી કરીએ.
‘તેરી ગઠરીમેં લાગા ચોર,મુસાફિર જાગ જરા’

ટિપ્પણીઓ નથી: