મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2015

સ્માર્ટ સીટી મીશન : ભારતનાં શહેરોને વિશ્વ નાં શ્રેષ્ઠ શહેરો સમકક્ષ લઇ જવા માટેનું ક્રાંતિકારી અભિયાન

સ્માર્ટ સીટી મીશન : ભારતનાં શહેરોને વિશ્વ નાં શ્રેષ્ઠ શહેરો સમકક્ષ લઇ જવા માટેનું ક્રાંતિકારી અભિયાન

શ્રેષ્ઠ સુવિધાયુક્ત શહેરોનાં નિર્માણ માટે મોદી સરકાર દ્વારા કુલ એક લાખ કરોડની ફાળવણી

હમણાં જ થોડાં દિવસો પૂર્વે આપણે ભારતનો ૬૯મો આઝાદી દિન ઉજવ્યો.મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આઝાદી મેળવ્યાનાં આટલાં વર્ષો પછી પણ જયારે આપણે ભારતનાં શહેરો,શહેરોની માળખાકીય સુવિધાઓ,લોકોની જીવનશૈલી વગેરેની તુલના વિદેશનાં શહેરો સાથે કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે હજુ દુનિયાથી ખુબ જ પાછળ છીએ અથવા તો એમ કહી શકાય કે આપણે શહેરોની સુંદરતા,સગવડતા તથા માળખાકીય સવલતોની બાબતોમાં ખુબ જ પછાત છીએ.આપણાં શહેરો હજુ પણ ગંદકીથી ખદબદતા જોવા મળે છે.લોકો હાડમારી ભર્યું,અત્યંત દુવીધાપૂર્ણ જીવન વિતાવે છે.શહેરોની હવામાં પ્રદુષણ,રસ્તાઓમાં ટ્રાફિકજામ,ઘોંઘાટ,શુદ્ધ પીવાનાં પાણીનો અભાવ,આધુનિક સગવડતાઓનો અભાવ,નાગરિકોની અસલામતી વેગેરે જેવી બાબતો જોતાં ખ્યાલ આવે કે ભારતનો નાગરિક પારાવાર મુશ્કેલીઓ સાથે પોતાનું જીવન ગુજરી રહ્યો છે.શહેરોની આવી હાલત હોય તો પછી ગામડાંઓની તો વાત જ શું કરવી?આઝાદી પછીનાં આટલાં વર્ષો સુધી ભારતનાં અત્યાર સુધીનાં શાસકો વોટબેંકની છીંછરી રાજનીતિ દ્વારા ફક્ત પોતાની સતા કેમ ટકી રહે તેમાંજ વ્યસ્ત રહ્યાં.પરિણામે ભારતનાં શહેરો અને ગામડાંઓમાં વસ્તી વધારો થયો પણ તેમની સુખાકારી,સગવડતાઓ કે જરૂરી આધુનિક માળખાકીય સુવિધાઓમાં વધારો ના થયો.એથી ઉલ્ટું ભારત પછી આઝાદ થયેલા જાપાન,સિંગાપોર,ઇઝરાયેલ વગેરે જેવા દેશોએ વિકાસની હરણફાળ ભરી અને ખુબ જ ટૂંકાગાળામાં આ દેશો વિશ્વનાં વિકસિત દેશો સાથે તાલ મીલાવતા થઇ ગયાં.

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં ભારતની જનતાએ ખુબ જ ઉંચી અપેક્ષાઓ સાથે નરેન્દ્રભાઈ મોદી ની સુશાસન અને વિકાસની રાજનીતિને સ્વીકારી અને ભારતનું સુકાન તેમને સોપ્યું.ચૂંટણી ઢંઢેરામાં નરેન્દ્રભાઈએ ભારતમાં ૧૦૦ સ્માર્ટ સીટી નાં નિર્માણની વાતો કરેલી.સામાન્ય રીતે ચૂંટણી જીત્યા પછી નેતાઓ તેમણે પ્રજાને આપેલાં વચનો ભૂલી જતાં હોય છે પરંતુ મોદી સરકારનાં એક વર્ષ વીત્યાં પછી એવું સ્પષ્ટ દેખાય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈનાં નેતૃત્વ હેઠળની આ ભાજપ સરકાર ચૂંટણી પહેલાં આપેલાં દરેક વચનોની પૂર્તિ માટે કટિબદ્ધ છે.જે સૌ ભારતવાસીઓ માટે આનંદની વાત છે.વડાપ્રધાને તાજેતરમાં જ ભારતનાં 'સ્માર્ટ સીટી મિશન'ની જાહેરાત કરી અને તેના પહેલાં ચરણની કામગીરીનો આરંભ પણ થઇ ગયો.'સ્માર્ટ સીટી મીશન' એ નરેન્દ્રભાઈ નો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે.'સ્માર્ટ સીટી મિશન'એ ભારતનાં શહેરોને વિશ્વનાં શ્રેષ્ઠ શહેરો સમકક્ષ લઇ જવા માટેનું એક ક્રાંતિકારી અભિયાન છે.તાજેતરમાં જ સ્માર્ટ સીટી માટે ભારતભરમાંથી પસંદગી પામેલા ૯૮ શહેરોની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી.આ શહેરોની પસંદગી પણ સ્માર્ટ સીટી ચેલેન્જ કોમ્પીટીશન દ્વારા કરવામાં આવી જે દર્શાવે છે કે સરકાર 'સ્માર્ટ સીટી મિશન'ની અસરકારક અને ઝડપી અમલવારી માટે અત્યંત ગંભીર છે.પહેલાં તબક્કામાં દેશભરમાંથી એવા શહેરો જ પસંદગી પામ્યા છે કે જે શહેરો સ્માર્ટ સીટી બનવા તરફ ઝડપથી આગળ વધી શકે તેવી તમામ પાયાની સુવિધાઓ અને અનુકુળતાઓ ધરાવતા હોય.'સ્માર્ટ સીટી મીશન'ની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન નો અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે સરકાર 'સ્માર્ટ સીટી મીશન'ની સફળતા માટે ખુબ જ તૈયારી સાથે તમામ પાસાંઓનો ખ્યાલ રાખી કાળજીપૂર્વક આગળ વધી રહી છે.સ્માર્ટ સીટી મીશન માં પસંદ થયેલા દરેક શહેરોને કેન્દ્ર સરકાર દ્વારા દરવર્ષે ૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણી તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ ૧૦૦ કરોડની ફાળવણી પાંચ વર્ષ સુધી દર વર્ષે કરવામાં આવશે.સ્માર્ટ સીટી મીશન માટે કુલ ૪૮૦૦૦ કરોડ ની ફાળવણી કેન્દ્ર સરકારે કરી છે.

'સ્માર્ટ સીટી મીશન'
કોઇપણ દેશ માટે તેનાં શહેરો એ દેશનાં અર્થતંત્રનાં ગ્રોથ એન્જીન સમાન હોય છે.એક અંદાજ પ્રમાણે ભારતની કુલ વસ્તીનાં ૩૧ ટકા વસ્તી શહેરોમાં વસે છે અને તે ભારતનાં કુલ ઘરેલું ઉત્પાદનમાં ૬૩ ટકા હિસ્સો ધરાવે છે.દિવસે ને દિવસે શહેરીકરણ વધતું જાય છે.ભારતમાં દર કલાકે અંદાજે ૬૦ થી ૭૦ પરિવારો ધંધા-રોજગાર અર્થે શહેરમાં સ્થળાંતર થાય છે.૨૦૩૦ની સાલ સુધીમાં ભારતની કુલ વસ્તીનાં ૪૦ ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે અને ભારતનાં કુલ ઘરેલું ઉત્પાદનમાં તેનો હિસ્સો અંદાજે ૭૫ ટકા જેટલો હશે.વધતાં જતાં શહેરીકરણને ધ્યાનમાં રાખીને શહેરોનાં સમાજ જીવનને ગુણવતાયુક્ત આધુનિક જીવનશૈલી ધરાવતું બનાવવું હોય તો તેનાં માટે શહેરોનો ભૌતિક,સામાજીક અને આર્થીક ,આમ,તમામ સ્તરે એક સરખો વિકાસ થવો જરૂરી છે.ભારત સરકારનું 'સ્માર્ટ સીટી મીશન' આ દિશામાં એક મહત્વપૂર્ણ શરૂઆત છે.

સ્માર્ટ સીટી એટલે શું ?
સ્માર્ટ સીટી એટલે શું તેનો કોઈ નિશ્ચિત વ્યાખ્યાયિત જવાબ આપવો મુશ્કેલ છે કારણકે દરેક વ્યક્તિ તેની વ્યાખ્યા જુદી-જુદી રીતે કરી શકે છે.સામાન્ય રીતે જોઈએ તો સ્માર્ટ સીટી એટલે એક એવું શહેર કે જ્યાં જીવન એકદમ સરળ અને સુવિધાપૂર્ણ હોય,જ્યાં લોકો ઉચ્ચ ગુણવતાયુક્ત જીવન જીવી શકે.જ્યાં રોડ-રસ્તા એકદમ સ્વચ્છ અને સુઘડ હોય.આધુનિક માળખાકીય સવલતો હોય.પ્રદુષણ મુક્ત - પર્યાવરણલક્ષી - ઇકો ફ્રેન્ડલી શહેર એટલે સ્માર્ટ સીટી.

સ્માર્ટ સીટી ની સુવિધાઓ
૧,પીવાનાં શુદ્ધ પાણીની નિયમિત સગવડતા
૨,નિરંતર વીજળી
૩,શહેરની સ્વચ્છતા માટે આધુનિક સગવડતાઓ સાથેનું ટીમવર્ક
૪,ઘન કચરાનાં નિકાલ માટેની આધુનિક સગવડતાઓ
૫,સુવિધાયુક્ત પબ્લિક ટ્રાન્સપોર્ટ
૬,ગરીબો માટે તેમને પોષાય તેવા હવા ઉજાસવાળા સુંદર-સ્વચ્છ આવાસો
૭,ફાસ્ટ ઈન્ટરનેટ કનેક્ટિવિટી અને સંપૂર્ણ ડીજીટલાઈઝેશન
૮,પ્રદુષણ મુક્ત વાતાવરણ,ગ્રીન-ઇકો ફ્રેન્ડલી શહેર
૯,ઈ- ગવર્નન્સ દ્વારા નાગરિકોની સહભાગિતા
૧૦,નાગરિકોની સલામતી અને સુરક્ષા માટેની આધુનિક વ્યવસ્થા
૧૧,આધુનિક માળખાકીય સુવિધાઓ સાથેનું ગુણવતાયુક્ત શિક્ષણ
૧૨,આધુનિક માળખાકીય સુવિધાઓ સાથેની સુલભ હોસ્પિટલ્સ
૧૩,પાર્કિંગ માટેની આધુનિક સુવિધાઓ દ્વારા ટ્રાફિક સમસ્યા મુક્ત શહેર
૧૪,દરેક વિસ્તારમાં ગાર્ડન,જોગીંગ પાર્ક,રમતનું મેદાન તેમજ સીનીયર સીટીઝન માટે સીટીંગ એરિયા
૧૫,વોક-ટુ-વર્ક - સાઇકલિંગ માટે અલાયદા ટ્રેક ની સગવડ

ઉપર દર્શાવેલી સુવિધાઓ ફક્ત મુખ્ય સુવિધાઓ છે આ ઉપરાંત અનેક વિશ્વ કક્ષાની સ્માર્ટ સુવિધાઓનો સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

LEED ગ્રીન બિલ્ડીંગ રેન્કિંગમાં ભારત ત્રીજા ક્રમેં
ભારત સરકાર દ્વારા સ્માર્ટ સીટી મીશન દ્વારા ઇકો ફ્રેન્ડલી-ગ્રીનસીટીનાં નિર્માણ માટેની ઝુંબેશ શરુ થઇ છે ત્યારે આનંદનાં સમાચાર એ છે કે LEED ગ્રીન બિલ્ડીંગ રેન્કિંગમાં અમેરિકા સિવાયનાં દેશોમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમેં આવ્યું છે.LEED એ યુ.એસ.ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલની ગ્લોબલ ગ્રીન બિલ્ડીંગ રેટિંગ સીસ્ટમ છે જે દરરોજ દુનિયાની ૧.૮૫ મિલિયન સ્કવેર ફીટ બાંધકામ જગ્યાને સર્ટિફાઈડ કરે છે.તાજેતરમાં જ તેનાં દ્વારા અમેરિકા સિવાયનાં દેશોનાં ગ્રીન બિલ્ડીંગ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા હતાં જેમાં ૪૮૧૪ પ્રોજેક્ટ્સ સાથે કેનેડા પ્રથમ ક્રમ પર,૨૦૨૨ પ્રોજેક્ટ્સ સાથે ચીન બીજા નંબરે તેમજ ૧૮૮૩ સર્ટિફાઈડ પ્રોજેક્ટ્સ સાથે ભારત ત્રીજા નંબરે આવ્યું હતું.જે દર્શાવે છે કે ભારતમાં પ્રાઇવેટ ડેવલોપર્સ પણ ઇકો ફ્રેન્ડલી-ગ્રીન પ્રોજેક્ટ્સ તરફ વળી રહ્યાં છે.આમ,સરકાર અને પ્રાઇવેટ ડેવલોપર્સ બન્ને સાથે મળીને ગ્રીન અને ક્લીન ભારત નાં નિર્માણ તરફ આગળ વધી રહ્યાં છે.

મીશન AMRUT (અટલ મીશન ફોર રીજુવીનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન)
શહેરી વિકાસની આ યોજના દ્વારા આવનારાં દિવસોમાં ભારતનાં નાનાં શહેરો પણ આધુનિક માળખાકીય સુવિધાઓ મેળવશે અને નાનાં શહેરોનાં લોકો પણ ગુણવતાયુક્ત જીવનશૈલી પ્રાપ્ત કરશે.આ યોજના હેઠળ એક લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતાં ૫૦૦ નાનાં શહેરોની પસંદગી કરવામાં આવશે અને આ ૫૦૦ નાનાં શહેરોનું નવીનીકરણ કરવામાં આવશે.આગળ જતાં આવતાં વર્ષોમાં આ શહેરો પણ સ્માર્ટ સીટી બનવાં તરફ આગળ વધશે.કેન્દ્ર સરકાર દ્વારા મીશન AMRUT માટે ૫૦૦૦૦ કરોડની જંગી ફાળવણી કરવામાં આવી છે.આવનારાં દિવસોમાં ભારતનાં નાનાં શહેરો પણ વૈશ્વિક કક્ષાની સુખ-સુવિધાઓ ધરાવતાં થશે.


ટિપ્પણીઓ નથી: