શુક્રવાર, 10 એપ્રિલ, 2020

વિદેશમાં રહી ભારતની આઝાદી માટે અહલેક જગાવનાર સૌરાષ્ટ્રના વીર સપુત ક્રાંતિવીર સરદારસિંહ રાણા.


ગુજરાતના બે સરદારોએ દેશની આઝાદી માટે અતિ મહત્વનું યોગદાન આપ્યું હતું.એક સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા સરદારસિંહ રાણા.સરદાર વલ્લભભાઈ પટેલે ભારતમાં રહી અહિંસાના હથિયારથી અંગ્રેજોને હરાવી દેશનાં એકીકરણનું કાર્ય કર્યું. જ્યારે સરદારસિંહ રાણાએ વિદેશમાં રહી સશસ્ત્ર ક્રાંતિ દ્વારા અંગ્રજોને ડરાવી તેમનું મનોબળ તોડવાનું કાર્ય કર્યું હતું.

સરદારસિંહ રાણાનો જન્મ ૧૦ એપ્રિલ ૧૮૭૦ના રોજ સુરેન્દ્રનગર જીલ્લાના કંથારિયા ગામે થયો હતો.કંથારિયાની સામાન્ય શાળામાં ભણ્યાં બાદ તેઓ રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કુલમાં ભણવા ગયા.જ્યાં ગાંધીજી તેમનાં સહપાઠી હતાં.ગાંધીજી તેમને ‘સદુભા’ કહીને સંબોધન કરતા હતા.સરદારસિંહ નાનપણથી જ ભણવામાં ખુબ હોંશિયાર હતા તેથી લીંબડી ઠાકોર જશવંતસિંહજીએ તેમને અભ્યાસ માટે ઘણી સહાય કરી હતી.રાજકોટમાં માધ્યમિક શિક્ષણ મેળવી તેઓ ઉચ્ચશિક્ષણ અર્થે મુંબઈની એલ્ફીસ્ટન કોલેજમાં અને ત્યારબાદ પુનાની ફર્ગ્યુસન કોલેજમાં ભણ્યાં હતાં.આ દરમિયાન તેઓનો સંપર્ક લોકમાન્ય ટીળક તથા સુરેન્દ્રનાથ બેનરજી સાથે થયો.ત્યારથી જ તેઓ દેશભક્તિના રંગે રંગાયા હતા.સરદારસિંહ રાણાના લગ્ન ભીંગડાના સોનલબા સાથે થયા હતા.તેમનાં બે પુત્રો હતા રણજીતસિંહ અને નટવરસિંહ.


સરદારસિંહને વધુ અભ્યાસ માટે લંડન જવું હતું પરંતુ આર્થિક સગવડતા નહોતી તેથી તેમણે તેમનાં માસીયાઈ ભાઈ અને લાઠીના રાજવી સુરસિંહ તખ્તસિંહ ગોહિલ (કવિ કલાપી)ને વાત કરી.કવિ કલાપી સાથે તેમને ભાઈ કરતા પણ વધારે મિત્રતાના સંબધો હતાં.વિદ્યાર્થીકાળથી જ તેમનાં વચ્ચે ઘનિષ્ઠ પત્ર વ્યવહાર થતો.કવિ કલાપી પોતાનાં મનની દરેક વાત સરદારસિંહને લખીને જણાવતાં.કવિ કલાપી તથા તેમનાં કહેવાથી લીંબડીના ઠાકોર તથા હડાળાના કાઠી દરબાર વાજસુર વાળાની આર્થીક મદદથી તેઓ લંડન પહોંચી ગયા અને બેરિસ્ટરની ડીગ્રી પ્રાપ્ત કરી.

લંડન અભ્યાસ દરમિયાન તેઓ હીરા-ઝવેરાતના ધંધામાં કમીશન એજન્ટ તરીકે કામ કરતા અને પોતાનો અભ્યાસનો ખર્ચ જાતે જ ઉપાડતા.લંડનમાં તેઓ કચ્છના માંડવીના વતની અને ક્રાંતિકારીઓના પ્રેરણાસ્ત્રોત એવા શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવ્યા. ત્યારબાદ મેડમ ભીખાઈજી કામા અને શ્યામજી કૃષ્ણ વર્મા સાથે મળીને તેઓએ લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’ ની સ્થાપના કરી હતી.આ ‘ઇન્ડિયા હાઉસ’ ભારતની સશસ્ત્ર ક્રાંતિકારી ચળવળનું મહત્વનું કેન્દ્ર બની ગયું હતી.

હીરા-ઝવેરાતના તેમનાં કામકાજને લીધે બેરિસ્ટર બન્યાં પછી સરદારસિંહ રાણા લંડનમાં આર્થિક રીતે પણ ઘણાં સમૃદ્ધ બન્યાં હતા.તેથી અત્યાર સુધી બીજાની મદદથી ભણેલાં સરદારસિંહે સમાજનું અને દેશનું ઋણ અદા કરવા પોતાના રૂપિયાથી સ્કોલરશીપ આપવાનું ચાલુ કર્યું હતું.તેમણે ‘મહારાણા પ્રતાપ’ તથા ’શિવાજી મહારાજ’ નામથી બે-બે હજાર રૂપિયાની ત્રણ સ્કોલરશીપ યોજના ચાલુ કરી હતી.આ યોજના હેઠળ ઘણાં ભારતીય છાત્રોએ ત્યાં શિક્ષણ મેળવ્યું હતું.તેમાં વિનાયક દામોદરરાવ સાવરકર(વીર સાવરકર) પણ સામેલ હતા.

શ્યામજી કૃષ્ણ વર્મા,સરદારસિંહ રાણા તથા મેડમ ભીખાઈજી કામાના નેતૃત્વમાં મદનલાલ ઢીંગરા,વીર સાવરકર,સેનાપતિ બાપટ, વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જેવાં ક્રાંતિકારીઓની ગુપ્ત બેઠકો તેમનાં લંડન સ્થિત ‘ઇન્ડિયા હાઉસ’માં થતી.આ બેઠકમાં અંગ્રેજ સરકારને ઢંઢોળવા માટે ભારતના ઘોરવિરોધી એવાં લંડનના કર્ઝન વાયલીને ગોળીએ વીંધવાની યોજના સાવરકરજીએ તૈયાર કરી.આ કામ પાર પાડવાનું બીડું મદનલાલ ઢીંગરાએ ઝડપ્યું અને સરદારસિંહ રાણાએ તેને પિસ્તોલ લાવી આપી હતી.કર્ઝન વાયલીની હત્યા બાદ મદનલાલ ઢીંગરાને ફાંસીએ ચડાવી દેવામાં આવ્યાં,સાવરકરની પણ ધરપકડ થઇ. પરંતુ સરદારસિંહ ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યાં.

તેઓ ફ્રાંસના પેરિસમાં જઈને રહેવા લાગ્યા.આ ઘટના બાદ અંગ્રેજોએ તેમને દેશનિકાલ જાહેર કરી તેમની કંથારિયા ખાતેની જમીન પણ જપ્ત કરી લીધી હતી અને તેમનાં ભારત પ્રવેશ પર અંગ્રેજોએ કાયમી પ્રતીબંધ લગાવી દીધો હતો.તેથી તેમનાં પત્ની સોનબાએ તેમને પત્ર દ્વારા સંદેશો મોકલાવ્યો કે તેમણે ત્યાં બીજાં લગ્ન કરી લેવા જોઈએ જેથી બાકીનું જીવન જીવવામાં સરળતા રહે.ત્યારબાદ સરદારસિંહે જર્મન મહિલા રેસી સાથે લગ્ન પણ કર્યા હતા.

ભારતનો સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ જર્મનીમાં સરદારસિંહ રાણા તથા મેડમ ભીખાઈજી કામાએ ફરકાવ્યો હતો.૧૯૦૭માં જર્મનીના સ્ટુટગાર્ડ શહેરમાં યોજાનાર ઇન્ટરનેશનલ સોશિયલીસ્ટ કોન્ફરન્સમાં ભાગ લેનાર દરેકે પોતાના દેશનો ધ્વજ લઇને હાજર રહેવાનું હતું.ભારતમાં તો અંગ્રેજોનું શાસન હતું તેથી ભારતનો કોઈ ધ્વજ નહોતો.તેથી સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી કામાએ ભારતનો ધ્વજ બનાવ્યો અને સૌ પ્રથમ વખત વિશ્વ ફલક પર ૨૨ ઓગષ્ટ ૧૯૦૭ના રોજ આ કોન્ફરન્સમાં ભારતનો ધ્વજ ફરકાવ્યો અને અંગ્રેજોના દમનકારી શાસન વિષે પ્રવચન આપ્યું હતું.

બનારસ હિંદુ યુનીવર્સીટીની સ્થાપના માટે દાન એકઠું કરવા માટે મદનમોહન માલવિયાજી પેરીસ ગયા ત્યારે સરદારસિંહે ૨૮ લાખ જેટલી મોટી રકમ એકત્રિત કરી આપી હતી.જેમાં ૫ લાખ રૂપિયાનું યોગદાન તેમનું પોતાનું હતું.

અંગ્રેજી,ફ્રેંચ તથા જર્મન ભાષાનાં જાણકાર એવાં સરદારસિંહ રાણા લડાયક મિજાજ અને પ્રગાઢ બુદ્ધિચાતુર્ય ધરાવતાં ક્રાંતિવીર હતાં.ભારતની આઝાદીની ચળવળમાં બોમ્બ અને પિસ્તોલના યુગની શરૂઆત તેમણે કરાવી હતી.સેનાપતિ બાપટ અને ઇન્દુલાલ યાજ્ઞિકને બોમ્બ બનવવાની તાલીમ માટે તેમણે રશિયા મોકલ્યા હતા.

વીર સાવરકરના ઐતિહાસિક પુસ્તક ‘વોર ઓફ ઈન્ડીપેન્ડન્સ – ૧૮૫૭’ને છપાવવાનું તથા તેને ચોરીછુપીથી ભારત પહોચાડવાનું કાર્ય પણ સરદારસિંહે પાર પાડ્યું હતું.લાલા લાજપતરાય સરદારર્સીહના પેરીસ ખાતેના નિવાસસ્થાને પાંચ વર્ષ રોકાયા હતા અને તે દરમિયાન જ લાલા લજપતરાયે ‘અનહેપ્પી ઇન્ડિયા’ નામનું પુસ્તક લખ્યું હતું.રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનની સ્થાપનામાં પણ સરદારસિંહનું અમુલ્ય યોગદાન હતું.

અંગ્રેજોની કેદમાંથી છુટવા વીર સાવરકરે ફ્રાંસના માર્સેલ્સ બંદર નજીક સ્ટીમરમાંથી દરિયામાં છલાંગ લગાવી હતી ત્યારે અંગેજોએ ફરી તેની ફ્રાંસમાંથી ધરપકડ કરી હતી.વીર સાવરકરને છોડાવવા માટે સરદારસિંહ ત્યાંની આંતરરાષ્ટ્રીય અદાલતમાં કેસ લડ્યાં હતાં.

સુભાષચંદ્ર બોઝના જર્મની ખાતેના નિવાસ દરમિયાન તેમનાં જર્મન રેડિયો પરનાં ઐતિહાસિક રેડિયો પ્રવચન તથા સુભાષબાબુની હિટલર સાથેની મુલાકાત ગોઠવવામાં પણ સરદારસિંહ રાણાની મુખ્યભૂમિકા હતી.

૧૯૫૫માં સરદારસિંહ રાણા પેરીસથી ભારત પરત આવ્યાં અને ૨૫મી મેં,૧૯૫૭માં સૌરાષ્ટ્રના વેરાવળ ખાતેના સરકીટ હાઉસમાં હ્રદયરોગના હુમલાથી તેમનું નિધન થયું.સરદારસિંહ રાણાના જીવન વિષે ફોટોગ્રાફ સાથેની વધુ વિગતવાર માહિતી મેળવવા માટે વિઝીટ કરો www.sardarsinhrana.com



2 ટિપ્પણીઓ:

અલકેશ - अलकेश - Alkesh કહ્યું...

વાહ. સરસ માહિતીસભર લેખ.
આભાર.

Unknown કહ્યું...

સરળ અને સ્પષ્ટ માહિતી માટે ખૂબ ખૂબ આભાર🙏