બુધવાર, 25 ડિસેમ્બર, 2019

નાગરિકતા સંશોધન વિધેયક : વોટબેંક નહીં પરંતુ રાષ્ટ્રધર્મ અને માનવધર્મ સર્વોપરી છે.


તાજેતરમાં જ સંસદમાં નાગરિકતા સંશોધન વિધેયક પસાર થયું અને સંસદની બહાર તેનાં પર રાજનીતિ શરુ થઇ.આપણાં દેશની કરુણતા એ છે કે સતાપક્ષના દરેક નિર્ણયોને વિરોધપક્ષો માત્ર વોટબેંકનાં ચશ્માથી જ જુએ છે,ચૂંટણીમાં ફાયદા-ગેરફાયદાના ગણિતમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પોતાનો રાષ્ટ્રધર્મ અને મનુષ્યધર્મ પણ ભૂલી ગયા હોય તેવું હવે સ્પષ્ટ દેખાઈ આવે છે.નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ એ માનવતાનો વિરોધ છે,કરુણાનો વિરોધ છે,દયાભાવનો વિરોધ છે અને ‘વસુંધેવ કુટુંબકમ’ની વિભાવનાનો વિરોધ છે.નાગરિકતા સંશોધન વિધેયકનો નિર્ણય તો દેશના ફાયદા-ગેરફાયદાથી પણ ઉપર ઉઠીને મનુષ્યધર્મ બજાવવા માટેનો એક સંવેદના સભર નિર્ણય છે.આ નિર્ણય દ્વારા ખરેખર ભારતે તેનો રાષ્ટ્રધર્મ અને મનુષ્યધર્મ નિભાવ્યો છે.

આપણાં પૂર્વજોએ કહ્યું છે કે ‘સર્વેપી સુખિનઃ સન્તુ’,’હવઈ સબ્બ મંગલમ’ કે ‘સરબત દા ભલા’.અને એટલા માટે જ જયારે આપણાં પાડોશી મુસ્લિમદેશોમાં અલ્પસંખ્યકો પર અમાનુષી અત્યાચારો થતાં હોય,બહેન-દીકરીની ઈજ્જત લુંટાતી હોય ત્યારે રાજકીય લાભ-ગેરલાભ બાજુએ મુકીને માનવતાની રુએ ભારતની ફરજ છે કે આવાં લોકોને આશ્રય આપે અને માનવ ગરિમાનું રક્ષણ કરે. ભારત એ માત્ર કોઈ એક ભૌગોલિક ભૂભાગ નથી.ભારતની ભૂગોળ તો બદલાતી રહી છે. ભારત એક પ્રાચીન સંસ્કૃતિ છે. હિંદુત્વ,હિન્દુસ્તાન આ બધા ભારતના સમાનાર્થી શબ્દો છે.સૌને સાથે લઈને ચાલવું તથા સમગ્ર વિશ્વનું કલ્યાણ એ જ ભારતનો સ્વભાવ છે.

નાગરિકતા સંશોધન વિધેયક દ્વારા નાગરિકતા કાયદો, ૧૯૫૫ માં સુધારો કરવામાં આવ્યો છે.આ વિધેયકને ૧૯ જુલાઈ ૨૦૧૬ના લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું અને ૧૨ ઓગષ્ટ ૨૦૧૬ ના રોજ તેને સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવ્યું હતું.આ સમિતિએ ૭ જાન્યુઆરી ૨૦૧૯ ના દિવસે તેનો રીપોર્ટ સોંપ્યો અને બીજે જ દિવસે એટલે કે, ૮ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ આ વિધેયક લોકસભામાં પાસ થયું પરંતુ તે વખતે રાજ્યસભામાં આ વિધેયક રજુ થયું નહોતું તેથી ફરીથી તેને સંસદના બંને ગૃહમાં રજુ કરવામાં આવ્યું અને બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે.

આ મુદ્દે સંસદમાં ચર્ચાઓ કરવાને બદલે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો દ્વારા દેશનાં મુસ્લિમોને તથા પૂર્વોતર રાજ્યોના લોકોને ગેરમાર્ગે દોરી  દેશમાં અંધાધુંધી ફેલાવી પોતાના રાજકીય રોટલાં શેકવા માટેના હીન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જે નિંદનીય છે.વાસ્તવમાં આ વિધેયક કોઈની પણ નાગરિકતા છીનવી લેવા માટે નથી પરંતુ નાગરિકતા આપવા માટેનું વિધેયક છે.દેશમાં રહેતા કોઈપણ ધર્મ,સમાજ કે પ્રદેશના લોકોની નાગરિકતા છીનવી લેવાની કોઈ જ વાત આ વિધેયકમાં નથી માત્ર ને માત્ર પાડોશી મુસ્લિમ બહુસંખ્યક દેશ અફઘાનિસ્તાન,બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલાં અને ધાર્મિક આધાર પર પીડિત-શોષિત હિંદુ,શીખ,બૌદ્ધ,જૈન,પારસી અને ઈસાઈ ધર્મોના શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી રહે અને તેઓ ભારતમાં સન્માનપૂર્વક સલામત જીવનનિર્વાહ કરી શકે તે માટેના નિયમો સહેલા બનાવ્યા છે.

ભારત અને પાકિસ્તાનનાં ભાગલા વખતે ધર્મના આધાર પર પાકિસ્તાનની રચના થઇ ત્યારથીજ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતાં બિનમુસ્લિમ સમુદાયો પર અત્યાચારો ચાલુ થઇ ગયા હતા.ધાર્મિક આધાર પર હત્યાઓ,જબરદસ્તી ધર્મ પરિવર્તન,મહિલાઓ પર અત્યાચાર આવી ઘટનાઓ આ દેશોમાં સામાન્ય બની ગઈ હતી.૧૯૪૭માં પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યા ૨૩% હતી જે ૨૦૧૧માં ઘટીને માત્ર ૩.૭% થઇ ગઈ છે.હ્યુમન રાઈટ્સ વોચના એશિયા ડીવીઝનના ડીરેક્ટર બ્રેડ એડમ્સના કહેવા મુજબ પાકિસ્તાનમાં દરવર્ષે લગભગ ૧૦૦૦ જેટલી ગરીબ હિંદુ મહિલાઓનાં જબરદસ્તી ધર્મપરિવર્તન થાય છે.UNHRC ના રીપોર્ટ મુજબ પાકિસ્તાનમાં ૪૨૮ મંદિરોમાંથી હવે માત્ર ૨૦ મંદિરોમાં જ પૂજા થાય છે.બાંગ્લાદેશમાં પણ મહિલાઓ પર બળાત્કાર,ધર્મપરિવર્તન,હત્યાઓ જેવાં હજારો કિસ્સાઓ બન્યા છે.અલ્પસંખ્યકોની વસ્તી બાંગ્લાદેશમાં ૨૨% હતી જે ઘટીને માત્ર ૭.૮% થઇ ગઈ છે.અફઘાનિસ્તાનમાં ૧૯૯૨ સુધી અંદાજે ૨ લાખ હિંદુઓ અને શીખ હતા જે હવે ફક્ત ૫૦૦ જેટલાં રહ્યાં છે.બાંગ્લાદેશ,પાકિસ્તાન અને અફઘાનિસ્તાન નો રાજધર્મ મુસ્લિમ છે ત્યાં મુસ્લિમોને ધાર્મિક આધાર પર કોઈ તકલીફ નથી પરંતુ બીનમુસ્લિમો કે જે અલ્પસંખ્યક છે તેઓ પર ધાર્મિક આધાર પર અત્યાચાર ચરમસીમાએ છે.આવી સ્થિતિમાં આ દેશોમાં રહેતા અલ્પસંખ્યકો ક્યાં જાય ? આ લોકોને આશરો આપવાની શું આપણી ફરજ નથી ?

૨ એપ્રિલ ૧૯૫૦ના જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી લીયાકતઅલી ખાન વચ્ચે દિલ્હીમાં કરાર થયો હતો તે મુજબ બંને દેશોના અલ્પસંખ્યકોની સુરક્ષા જળવાય તેમજ સાંપ્રદાયિક સદભાવ અને શાંતિનો માહોલ બની રહે તે માટે બંને દેશોએ પ્રતિબધ્ધતાપૂર્વક કાયદો-વ્યવસ્થા ઉભી કરવી અને તેમનું રક્ષણ કરવું તેવું નક્કી થયું હતું.ભારતે આ કરારનું સંપૂર્ણ પાલન કર્યું તેનાં પરિણામે ૧૯૫૧માં ભારતમાં ૯.૮% મુસ્લિમો હતા જયારે આજે લગભગ ૧૪.૨૩ % વસ્તી મુસ્લિમોની છે.ભારતમાં હિન્દુઓની સંખ્યા ૧૯૯૧માં ૮૪% હતી જે આજે ઘટીને ૭૯% થઇ ગઈ છે.સચ્ચર કમિટીના રીપોર્ટ મુજબ બીજા દેશોની તુલનામાં ભારતના મુસ્લિમો વધુ સુખી અને સમૃદ્ધ છે.ભારતમાં મુસ્લિમો અલ્પસંખ્યક છે પરંતુ ધાર્મિક આધાર પર ક્યાંય કોઈ પ્રકારના અત્યાચારો મુસ્લિમો પર થયા નથી.તેનાંથી એકવાત સ્પષ્ટ છે કે ભારતમાં તમામ અલ્પસંખ્યકો સંપૂર્ણ સલામતી સાથે શાંતિપૂર્વક પોતાનું જીવન જીવે છે.પરંતુ પાકિસ્તાને આ લિયાકત કરારનું પાલન કર્યું નથી પરિણામે ત્યાં રહેતાં બિનમુસ્લિમ અલ્પસંખ્યકોએ અનેક યાતનાઓ-પીડાઓ ભોગવવી પડી છે.આ અલ્પસંખ્યકો પાસે ભારતમાં રહેવા સિવાય કોઈ ચારો નથી,કોઈ વિકલ્પ નથી.હિન્દુસ્તાન જ તેમનું આશ્રયસ્થાન બની શકે તેમ છે અને માનવતાની દ્રષ્ટીએ તે આપણી ફરજ પણ છે,આપણો ધર્મ પણ છે.૨૬ સપ્ટેમ્બર ૧૯૪૭ના દિવસે પ્રાર્થના સભામાં મહાત્મા ગાંધીજીએ જાહેરમાં ઘોષણા કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં રહેતા હિંદુ અને શીખ જો ત્યાં નિવાસ કરવા માંગતા ન હોય તો ગમે ત્યારે ભારત આવી શકે છે.તેમને નોકરી આપવી તથા તેઓ સારી રીતે ભારતમાં જીવનનિર્વાહ કરી શકે તે માટે મદદ કરવી તે ભારત સરકારનું કર્તવ્ય છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે પુ.બાપુનું સપનું પૂરું કર્યું છે અને ફરી એક વખત સાબીત કર્યું છે કે ભારતીય જનતા પાર્ટી માટે વોટબેંક નહીં પરંતુ રાષ્ટ્રધર્મ અને માનવધર્મ સર્વોપરી છે.

શનિવાર, 14 સપ્ટેમ્બર, 2019

કલમ ૩૭૦ની નાબુદી એટલે બ્રિટીશ માનસિકતાની ગુલામીમાંથી મુક્તિની શરૂઆત.


ઇતિહાસમાં કેટલાંક પરિવર્તનો સ્વાભાવિક અને પ્રાકૃતિક હોય છે.જેમકે,અંગ્રેજ શાસનમાંથી ભારતની મુક્તિ.પરંતુ કેટલાંક પરિવર્તનો અસ્વાભાવિક અને અપ્રાકૃતિક હોય છે.જેમકે,ભારતનું વિભાજન અને ત્યારબાદ આઝાદ ભારતમાં કાશ્મીરને કાયદાકીય અલગ દરજ્જો.અંગ્રેજોની ભાગલા પાડો ને રાજ કરોની નીતિનું વિષફળ એટલે પાકિસ્તાન અને કોંગ્રેસની અંગ્રેજ માનસિકતા આધારિત નીતિનું વિષફળ એટલે કાશ્મીરનો વિવાદ.૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે ભારતમાંથી બ્રિટીશ ધ્વજ ઉતારી લેવાયો હતો પરંતુ અંગ્રેજી માનસિકતામાંથી મુક્તિ નહોતી મળી. જવાહરલાલ નહેરુએતો પોતે વિદેશી માનસિકતાથી ગ્રસ્ત છે તેનો સ્વીકાર તેમની આત્મકથામાં પણ કરેલો છે.પાના નંબર ૫૯૬ પર તેમણે લખ્યું છે કે ‘‘ઘણાં વર્ષો વિદેશમાં અભ્યાસ કર્યા બાદ હું પૂર્વ અને પશ્ચિમના મિશ્રણ સમાન બની ગયો છું,બંને જગ્યાએ બહારનો,ઘરેલુ કયાંયનો નહીં’’ ( I have become a queer mixture of the east and west, out of place everywhere, at home nowhere).નેહરુની અંગ્રેજી માનસિકતાનો અંગ્રેજોએ આઝાદી પહેલાં પણ ઘણો મોટો લાભ લીધો હતો અને આઝાદી બાદ પણ તેના લીધે દેશને ઘણું ભોગવવું પડ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા એક જ ઝાટકે કલમ ૩૭૦ અને ૩૫એ ને નાબુદ કરવાનાં ઐતિહાસિક અને બહાદુરીભર્યા નિર્ણયને સમગ્ર દેશ અને દુનિયાનાં ભારતીયોએ સહર્ષ આવકાર્યો અને સરદાર વલ્લભભાઈ પટેલનું ભારતનાં એકીકરણનું સપનું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે સાકાર કર્યું તે વાત સમગ્ર દેશે સ્વીકારી પરંતુ કેટલાંક ડાબેરી માનસિકતા ધરાવતા લેખક મિત્રોએ સરદાર વલ્લભભાઈ પટેલ કાશ્મીર જતું કરવા તૈયાર હતા અને નેહરુએ જ કાશ્મીરને પાકિસ્તાનમાં જતા રોક્યું એવી ગેરસમજ ફેલાવતા હતા તેથી સત્ય અને તથ્ય સાથે કેટલીક સત્ય ઘટનાઓ અહીં મૂકી રહ્યો છું.

કાશ્મીર ભારતમાં ભળ્યું તે પહેલાંની કેટલીક ઘટનાઓ જોઈએ તો સરદાર પટેલનો કાશ્મીર પ્રત્યેનો અભિગમ વધુ સ્પષ્ટ થશે.
સરદાર વલ્લભભાઈ પટેલના સેક્રેટરી વી.શંકરે તેનાં પુસ્તકમાં લખ્યું છે કે શરૂઆતમાં કાશ્મીર અંગેની સરદાર વલ્લભભાઈ પટેલની ઉદાસીનતા તેમની કુટનૈતિક વ્યૂહરચનાનો ભાગ હતો.સરદારના મનમાં પહેલેથી જ સ્પષ્ટતા હતી કે કોઈપણ સંજોગોમાં કાશ્મીર ભારત સાથે જ હોવું જોઈએ.સરદારસાહેબે કુટનીતિ વાપરી પહેલેથી જ પંજાબ હાઇકોર્ટના ન્યાયાધીશ મહેરચંદ મહાજનની કાશ્મીરના વડાપ્રધાન તરીકે નિમણુંક કરતો આદેશ મહારાજા હરીસીંહને મોકલી આપ્યો હતો.
વલ્લભભાઈનો હરિસિંહને પત્ર,૨૧/૦૯/૧૯૪૭ : કાશ્મીરના હિતને લગતી બધી બાબતો અંગે અમારા વચ્ચે થયેલી વાતચીતનો સારાંશ ન્યાયાધીશ મહાજન તમને રૂબરૂમાં જણાવશે.અમારા તરફથી તમને પૂરો ટેકો તથા સહકાર મળશે,તેવું મેં વચન આપ્યું છે. (સરદાર પટેલના પત્ર વ્યવહાર-૦૧,પાના નં.૪૦).

૨૨મી ઓક્ટોબરે પાકિસ્તાનમાંથી ૫૦૦૦ હજાર કબાલીઓ શસ્ત્ર સરંજામ સાથે કાશ્મીરમાં ઘુસ્યા અને જોતજોતામાં મુઝફરાબાદ કબજે કરી બાળી મુક્યું.ચારે તરફ અંધાધૂંધીનો માહોલ હતો.ભારતનાં અનેક વીર બહાદુર જવાનોએ શહીદી વહોરી હતી.૨૪મી ઓક્ટોબરે હુમલાખોરોએ રાહુરાનું વીજમથક કબજે કરી શ્રીનગરનો વીજપુરવઠો બંધ કરી દીધો અને ૨૪મીની રાત્રે હુમલાખોરો બારામુલ્લા નજીક પહોંચી ગયા ત્યાંથી શ્રીનગર માત્ર ૪૦ માઈલના અંતરે જ  છે.જેની ગંભીરતા સમજીને ૨૫ ઓક્ટોબર ૧૯૪૭ની સવારે નેહરુની અધ્યક્ષતામાં પ્રધાનમંડળની સંરક્ષણ સમિતિની બેઠક મળી હતી જેમાં માઉન્ટબેટને જુનાગઢ અને કાશ્મીર બંને બાબતોમાં સંયમ વર્તવાની સલાહ આપી. જેને નેહરુએ ટેકો આપ્યો હતો ત્યારે સરદારે દ્રઢતાપૂર્વક જુનાગઢ અંગેના હુકમમાં ફેરફાર કરવાનો ઇન્કાર કરી કહ્યું હતું કે કાશ્મીરને લશ્કરી સહાય આપવામાં ભારતને રોકી શકે તેવી કોઈ મુશ્કેલી પોતાને જણાતી નથી.ત્યારબાદ નેહરુના અણગમા છતાં કાશ્મીરમાં લશ્કર મોકલ્યું હતું જેથી આપણે કાશ્મીર બચાવી શક્યા.

નેહરુનો અબ્દુલ્લા પ્રેમ : નેહરુએ ૨જી ડિસેમ્બરે મહારાજા હરિસિંહને લેખિત આદેશ આપ્યો ‘’ શેખ અબ્દુલ્લાને કાશ્મીરના વડાપ્રધાન બનાવીને તેમને પોતાનું પ્રધાનમંડળ બનાવવાનું કહેવું જોઈએ.મહાજન પ્રધાન બની શકે અને પ્રધાનમંડળની બેઠક વખતે અધ્યક્ષ પદે બેસી શકે પરંતુ મહાજન વડાપ્રધાન તરીકે ચાલુ રહે તો ગોટાળો થવાની સંભાવના રહે.વચગાળાની સરકારને પૂરી સતા સોંપી, તમારે ફક્ત બંધારણીય વડા રહેવું.’’(સરદાર પટેલના પત્ર વ્યવહાર-૦૪,પાના નં.૩૧૮).
દેશના ગૃહમંત્રી તરીકે અત્યાર સુધી આ બધી બાબતો સરદાર સાહેબ જોતા હતા પરંતુ આ પત્ર દ્વારા કાશ્મીર અંગેની નીતિ બનાવવાનું કામ નેહરુએ પોતાના હાથમાં લઇ લીધું.કાશ્મીર સંભાળવા માટે નેહરુએ ખાતા વગરના પ્રધાન તરીકે ગોપાળસ્વામી આયંગરની નિમણુંક કરી.આયંગર કાશ્મીરના જુના દિવાન હતા પરંતુ તેમની નિમણુંક અંગે પણ સરદાર સાહેબ સાથે અગાઉ પરામર્શ થયો નહોતો.(વી.શંકર,માય રેમીનિસન્સીઝ ઓફ સરદાર પટેલ ૦૧,પાના નં.૧૩૬).કાશ્મીરના પ્રશ્નને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઇ જવા સામે પણ સરદાર સાહેબનો ઉગ્ર વિરોધ હતો પણ માઉન્ટબેટન અને નેહરુએ આ પ્રશ્ન સયુંકત રાષ્ટ્રસંઘને સોંપ્યો.

કાશ્મીર પ્રશ્ન એ નેહરુની અંગ્રેજ માનસિકતા અને શેખ અબ્દુલ્લા પ્રત્યેના રહસ્યમય પ્રેમનું દુષ્પરિણામ છે.સરદાર વલ્લભભાઈ પટેલ,ડો.બાબાસાહેબ આંબેડકર અને ડો.શ્યામાપ્રસાદ મુખરજી કાશ્મીરને ખાસ દરજ્જો મળે તેના સખ્ત વિરોધી હતાં.ડો.આંબેડકરે બંધારણસભાની ડ્રાફ્ટ કમિટીનો રીપોર્ટ જયારે ૨૧ ફેબ્રુઆરી,૧૯૪૮ના દિવસે બંધારણસભાના અધ્યક્ષ ડો.રાજેન્દ્ર પ્રસાદને સોંપ્યો ત્યારે તેમાં કાશ્મીરને ખાસ દરજ્જો આપવાની કે શેખ અબ્દુલ્લાને કાશ્મીરના વડાપ્રધાન બનાવવાનો કોઈ ઉલ્લેખ નહોતો.કાશ્મીરને ખાસ દરજ્જો આપવા માટે નેહરુ અને શેખ અબ્દુલ્લા વચ્ચે ચર્ચા થઇ,નેહરુ તૈયાર હતા પરંતુ તેમણે અબ્દુલ્લાને કહ્યું કે તમે ડો.આંબેડકરને અને સરદારને મનાવી લો.

શેખ અબ્દુલ્લાએ જયારે આ પ્રસ્તાવ ડો.આંબેડકર સમક્ષ મુક્યો ત્યારે ડો.આંબેડકરનો જવાબ ‘’મી.અબ્દુલ્લા,તમે ઈચ્છો છો કે ભારત કાશ્મીરનું રક્ષણ કરે,કાશ્મીરની સીમાઓની સુરક્ષા કરે,કાશ્મીરમાં રોડ-રસ્તા બનાવે.અનાજ પૂરું પાડે અને કાશ્મીરને ભારત સમકક્ષ દરજ્જો મળે પરંતુ તમે નથી ઈચ્છતા કે ભારત અને ભારતના કોઈપણ નાગરિકને કાશ્મીરમાં કોઈ અધિકાર મળે.તમે ઈચ્છોછો કે ભારત સરકારને કાશ્મીરમાં મર્યાદિત સતા મળે.તમારા આ પ્રસ્તાવને માન્ય રાખવો તે દેશ સાથે દગાબાજી ગણાશે અને દેશના લોકોનો વિશ્વાસઘાત થયો ગણાશે.હું ભારતના કાયદામંત્રી તરીકે દેશહિત વિરુદ્ધનું કોઈ પણ કાર્ય કરીશ નહી’’ (પાના નંબર ૪૭૨,ડો.બી.આર.આંબેડકર ફ્રેમીંગ ઓફ ઇન્ડિયન કોન્સ્ટીટ્યુશન).

આમ,એક તરફ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા તો બીજી તરફ અંગ્રેજી રંગે રંગાયેલા નેહરુ.બધાનાં વિરોધ છતાં તુષ્ટિકરણની રાજનીતિ અને શેખ અબ્દુલ્લાને ખુશ રાખવા કાશ્મીરને ખાસ દરજ્જો આપવામાં આવ્યો હતો.આઝાદી બાદ ૧૭ વર્ષ સુધી જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન રહ્યા ત્યાર બાદ તેમના વંશજો.પરંતુ કોઈએ આ અસ્થાયી કલમ હટાવવાની પહેલ ન કરી અને સરદાર પટેલે વી.શંકરને કરેલી વાત સાચી સાબીત થઇ કે,’’જે સરકારમાં પ્રબળ રાષ્ટ્રભાવના હશે અને દેશની એકતા અને અખંડીતતા માટેની કટીબધ્ધતા હશે તે સરકાર આ ‘અસ્થાયી’ કલમ હટાવી દેશનાં એકીકરણનું અધૂરું કાર્ય પૂર્ણ કરશે,પરંતુ એ થશે જરુર તેવી મને શ્રધ્ધા છે.’’

મંગળવાર, 2 જુલાઈ, 2019

ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય - ૧૯૭૫ની કટોકટી અને મીડિયા પર પ્રી-સેન્સરશીપ

૨૫ જુન ૧૯૭૫ની રાત્રીએ ઇન્દિરા ગાંધીએ કટોકટી ઘોષિત કરી આખા દેશને કારાગૃહમાં પરિવર્તિત કરી દીધો હતો.કટોકટીકાળમાં થયેલી ધરપકડો,અમાનુષી અત્યાચારો,આપખુદશાહી વગેરે બાબતો વિશે ઘણું લખાયું છે.આજે આપણે વાત કરવી છે કટોકટી સમય દરમિયાન મીડિયાજગત પર થયેલા અત્યાચારોની,દમનની.

૨૬મી જુન ૧૯૭૫ના દિવસે ઇન્દિરા ગાંધીએ મીડિયા પર નિયંત્રણ મુકવા કેબીનેટની બેઠક બોલાવી હતી.જેમાં ‘પ્રી-સેન્સરશીપ’ લાગુ કરવાના પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી હતી અને ભારત સુરક્ષા અધિનિયમ ૧૯૭૧ની કલમ ૪૮ હેઠળની જોગવાઈનો દુરપયોગ કરી દેશભરમાં પ્રી-સેન્સરશીપ લાગુ કરી દેવામાં આવી.જે મુજબ કોઈપણ સમાચાર,નોંધ કે રીપોર્ટ અધિકૃત અધિકારીની તપાસણી તેમજ પરવાનગી વગર પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.કાયદાનો ભાગ ન હોય તે પ્રકારની કડક ગાઈડલાઈન્સ નક્કી કરવામાં આવી. જેથી મીડિયાજગતને સંપૂર્ણ બાનમાં લઇ શકાય.ઇન્દિરા ગાંધી સ્પષ્ટપણે માનતાં હતાં કે જો અખબારો પર નિયંત્રણ મુકવામાં નહીં આવે તો કટોકટીના નિર્ધારિત પરિણામો મેળવી શકાશે નહીં.જો જનતાને અખબારો દ્વારા વાસ્તવિક સ્થિતિની માહિતી મળતી રહેશે તો દેશમાં પ્રચંડ જનાંદોલન શરુ થશે અને પોતાનું આજીવન સતા પર રહેવાનું સપનું અધૂરું રહી જશે.સરકાર સામે પ્રજા વિરોધનો સુર અખબારોમાં પ્રકાશિત ન થાય તથા સરકાર સામે પ્રજાઆક્રોશ વધે નહીં તેથી સેન્સરશીપને તાત્કાલિક લાગુ કરી દેવામાં આવી.

કટોકટીની ઘોષણા પછી તરત જ રાત્રે દિલ્હીના અખબારોનો વિદ્યુતપ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ઇન્દિરા ગાંધીના પ્રખર આલોચક એવાં અંગ્રેજી દૈનિક ‘મધરલેન્ડ’ના મુખ્ય તંત્રી કે.આર.મલકાનીની રાત્રે જ ધરપકડ કરી લેવામાં આવી હતી.સમગ્ર દેશમાં જે અખબારો સરકાર વિરોધી હતા તે બંધ કરાવી દેવામાં આવ્યા હતા.પોલીસ અને સરકારી અધિકારીઓએ અખબારો અને સમાચાર એજન્સીઓની ઓફીસ પર કબજો જમાવી દીધો હતો.મોટા ભાગના અખબારોની કચેરીઓમાં વગર વોરંટે ઘુસી પોલીસ અધિકારીઓએ સીલ મારી દીધા હતા.વિરોધ કરનારા પ્રકાશકો-તંત્રીઓની મીસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

કટોકટી પૂર્વે દેશમાં ચાર સમાચાર એજન્સીઓ હતી.જેમાં પીટીઆઈ(પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા),યુએનઆઈ(યુનાઇટેડ ન્યુઝ ઓફ ઇન્ડિયા),હિન્દુસ્તાન સમાચાર અને સમાચાર ભારતી નો સમાવેશ થાય છે.પ્રેસ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે આ ચાર એજન્સીઓ પર અધિકાર જમાવવાનું સરકારે નક્કી કર્યું.પરિણામે ૧૩ ડીસેમ્બર ૧૯૭૫ના રોજ મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ ચાર સમાચાર એજન્સીઓનાં જોડાણ માટેનું વિધેયક પસાર કરવામાં આવ્યું.આ જોડાણ થતાં તેને નવું નામ આપવામાં આવ્યું ‘સમાચાર’.આમ,’સમાચાર’નું નિર્માણ થતાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમામ અખબારોનો કંટ્રોલ સરકાર હસ્તક આવી ગયો.

અખબારી સ્વાતંત્ર્ય ઉપર તરાપ મારવા અને તેના પર પોતાનો સંપૂર્ણ કબજો જમાવવાના હેતુથી ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૬ના રોજ ‘આપતીજનક સામગ્રી પ્રકાશન નિષેધ અધિનિયમ ૧૯૭૬’ પારિત કરવામાં આવ્યો હતો.આ અધિનિયમ દ્વારા સરકારે અખબારોની આઝાદી પોતાના હસ્તક લઇ લીધી હતી.આ અધિનિયમની સૌથી ભયંકર વાસ્તવિકતા એ હતી કે તેને સંવિધાનની નવમી અનુસૂચિમાં સામેલ કરવામાં આવ્યો હતો. જેને પરિણામે આ અધિનિયમને કોઈપણ અદાલતમાં પડકારી શકાય નહીં.

ગુજરાતમાં તે સમયે બાબુભાઈ જશભાઈ પટેલની મોરચા સરકાર હતી તેથી ગુજરાત સરકારે સેન્સરશીપને બહાલી આપી નહીં અને માહિતી નિયામકની સેન્સર અધિકારી તરીકે નિમણુંક પણ કરી નહીં. પરિણામે, કેન્દ્ર સરકારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ઓફ ઇન્ડીયાના સ્થાનિક અધિકારીની સેન્સર અધિકારી તરીકે નિમણુંક કરી હતી.ગુજરાત વિધાનસભામાં પણ સેન્સરશીપનો વિરોધ થયો હતો.ગુજરાત વિધાનસભાના ચોમાસુસત્રમાં ધારાસભ્ય અશોકભાઈ ભટ્ટ અને અરવિંદભાઈ મણીયાર દ્વારા વિશેષાધિકાર ભંગની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.ગુજરાતમાં હિતેન્દ્રભાઈ દેસાઈના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરો કોઈપણ ભોગે જનતા સરકાર તોડવા મથી રહ્યા હતા.તડજોડની રાજનીતિ દ્વારા તેમાં તેઓ સફળ રહ્યાં અને અંતે ૧૨મી માર્ચે ગુજરાત વિધાનસભામાં મોરચા સરકાર બહુમતી પુરવાર કરવામાં નિષ્ફળ રહી અને ૧૩મી માર્ચે સાંજે ગુજરાતની મોરચા સરકારે રાજીનામું આપ્યું.તે જ રાત્રીના ગુજરાતમાં ધરપકડોનો દૌર શરુ થયો અને સેન્સરશીપનો કડક અમલ પણ શરુ થયો.

ગુજરાતનાં અનેક અખબારો – સામયિકોએ કટોકટીકાળમાં ઇન્દિરા સરકારના તાબે થવાને બદલે હિંમતભેર લડવાનું નક્કી કર્યું અને સેન્સરશીપ,જડતી,જપ્તી કે ધરપકડોની પરવા કર્યા વિના સરકારના કાળા કાયદા સામે મક્કમતાથી લડી લેવાનું નક્કી કર્યું.’સાધના’,’ભૂમિપુત્ર’,’સંદેશ’,’જનસતા’,’ફૂલછાબ’,’જન્મભૂમી’ વગેરે અખબારોએ અનેક કોર્ટકેસ,ધરપકડો,જપ્તી,દંડ,સજા વગરે જેવી અનેક તકલીફો વેઠીને પણ મક્કમતાથી પોતાનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખ્યું હતું.’સંદેશ’ના એક તંત્રીલેખ પર સેન્સરની કાતર લાગી ત્યારપછી તંત્રીલેખની જગ્યા ખાલી રાખી માત્ર ગાંધીજીનો ફોટો મુક્યો અને ‘સબકો સન્મતિ દે ભગવાન’ તેવું લખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

અખબારો પરની સેન્સરશીપને લીધે લોકો સુધી સાચી વાત પહોંચવાનું બંધ થયું હતું તેથી તે સમયે દેશભરમાં ભૂગર્ભપત્રિકાઓ શરુ થઇ હતી જેમાં સરકારની જોહુકમી,અત્યાચારો,કટોકટી વિરુદ્ધના કાવ્યો,લેખો વગેરે પ્રસિદ્ધ થતાં અને તેના દ્વારા જનાંદોલન પ્રબળ બનાવવાના પ્રયત્નો થતાં રહ્યાં.રાષ્ટ્રસેવા કાજે સમર્પિત એવાં કેટલાંક લોકો પ્રજાજાગૃતિ માટે આ પ્રકારની ભૂગર્ભપત્રિકાઓ ચાલુ કરી હતી.જેમાં તે વખતનાં ગુજરાતના પત્રકારોનું યોગદાન મુખ્ય રહેતું.’જનતા છાપું’,’સત્યાગ્રહ સમાચાર’,’સંઘર્ષ સમાચાર’,’દાંડિયો’,’જનજાગૃતિ’,’નિર્ભય’,’જનતા સમાચાર’ વગેરે જેવી ગુજરાતી પત્રિકાઓ મુખ્ય હતી.

આ ઉપરાંત દેશભરનાં સાચા સમાચારો લોકો સુધી પહોંચે અને સરકારની જોહુકમી સામે વિરોધ પ્રગટ કરી શકાય તે માટે ભૂગર્ભ વાર્તાપત્રો પણ બહાર પાડવામાં આવતા હતા.આજે જે પ્રકારનાં કોમ્યુનીકેશન અને માહિતી એકત્ર કરવા માટે આધુનિક સંશાધનો ઉપલબ્ધ છે તેવી સગવડો ત્યારે નહોતી તેમ છતાં ટપાલ કે તાર દ્વારા છુપી રીતે કોડવર્ડથી જુદાજુદા પ્રદેશો વચ્ચે સમાચારોની આપ લે થતી અને તે સમાચારો વાર્તાપત્રોમાં સ્વહસ્તે લખાતાં,સાઇકલોસ્ટાઇલ મશીનમાં તેની નકલો કાઢવામાં આવતી અને તેને છુપી રીતે જુદાજુદા વિસ્તારોમાં પહોંચાડવામાં આવતી.

આપણાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ કટોકટીકાળમાં છુપાવેશે ભૂગર્ભમાં રહી આ બધી પ્રવૃતીઓ કરતાં હતા.કટોકટીકાળના તેમના અનુભવો સાથેનું એક પુસ્તક પણ તેમણે લખ્યું છે ‘સંઘર્ષમાં ગુજરાત’.આ ઉપરાંત શ્રી વિષ્ણુભાઈ પંડ્યા સહીત અનેક પત્રકારો-આગેવાનોએ પણ તે વખતનાં તેમના સ્વાનુભાવોને પુસ્તક રૂપે પ્રગટ કર્યા છે.જેમાં આ વિષય પર વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
આમ,જેને લોકતંત્રની ચોથી જાગીર કહેવાય છે તેવા મિડીયાજગત પર સેન્સરશીપ લાદી તેનાં અવાજને કચડી ઇન્દિરા ગાંધી દ્વારા લોકતંત્રની સરેઆમ હત્યા કરવામાં આવી હતી.કટોકટીકાળના આ કપરા ૨૧ મહિના આ દેશની લોકશાહીના ઇતિહાસનાં ‘કાળા અધ્યાય’ તરીકે હંમેશા યાદ રહેશે.

રવિવાર, 17 ફેબ્રુઆરી, 2019

આવો આપણે સૌ ‘કેરિયર ઓરીએન્ટેડ’ બનવાને બદલે ‘નેશન ઓરીએન્ટેડ’ બનીએ.


આપણે નાનપણથી વડીલો તરફથી એક વાત સાંભળતા આવીએ છીએ કે બેટા કેરિયર ઓરીએન્ટેડબનો, ફાલતુ વાતોમાં કે કામમાં સમય ના બગાડો,તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે અત્યારથી જ મહેનત કરો.આવું ઘણુબધું આપણે સાંભળતા આવીએ છીએ.આપણાં સમયમાં આવું થોડું ઓછું હતું પરંતુ આજની નવી પેઢીનાં માં-બાપ તો કોમ્પ્યુટરની જેમ નાનપણથી જ બાળકોનું પણ પ્રોગ્રામીંગ ચાલુ કરી દે છે.પણ ક્યારેય આપણે એવું સાંભળ્યું કે માં-બાપ પોતાના બાળકોને કેરિયર ઓરીએન્ટેડ’ બનવાને બદલે એમ કહે કે બેટા નેશન ઓરીએન્ટેડબનો.દેશનાં ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે અત્યારથી જ મહેનત કરો.આવું કહેતા કોઈને સાંભળ્યા છે ? નથી સાંભળ્યા ને ?

વાસ્તવિકતામાં બદલાતાં સમય સાથે આપણે સૌ એટલા બધા ‘Self Centered’ થઇ ગયા છીએ કે હું અને મારું ઘર,મારાં બાળકો,મારી ઓફીસ,મારો ધંધો,મારો બંગલો,મારી ગાડી બસ ફક્ત મારું મારું અને મારું જ આમાં દેશ માટેની તો કોઈ વાત જ આવતી નથી.તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇસ્ટ ચાઈના યુનિવર્સીટી હેઠળ ચીનમાં એક ઇન્સ્ટીટયુટ છે જેનું નામ છે Institute of International and Comparative Education(IICE) તેમાં Nation-Oriented Comparative Education નામનો કોર્ષ ચાલે છે.તે જ રીતે નાની ઉંમરથી જ બાળકો દેશ માટે વિચારતા થાય તે માટે ઇઝરાયેલ જેવા દેશોની શાળાઓમાં જ તે પ્રકારની તાલીમ સાથે દેશભક્તિના સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે.ત્યાંના લોકો સમજે છે કે દેશની સમૃદ્ધિમાં જ આપણી સમૃદ્ધિ છે,દેશનાં વિકાસમાં જ આપણો વિકાસ છે,દેશની પ્રગતિમાં જ આપણી પ્રગતિ છે.તે લોકો સમજે છે અને એટલાં માટે જ તમે જુઓ આપણને આઝાદી મળી ત્યાર પછીના વર્ષોમાં જે દેશો આઝાદી મેળવી ગુલામીમાંથી મુક્ત થયા હોય તેવા દેશો આજે આપણાં કરતાં ક્યાંય આગળ નીકળી ગયા છે. ભારતની સાથે અથવા ત્યારબાદ આઝાદ થયેલા ચીન, દક્ષિણ કોરિયા, ઈન્ડોનેશિયા, વિયેતનામ, જોર્ડન,એસ્ટોનિયા,ઇઝરાયેલ વગેરે દેશોએ જે પ્રગતિ કરી છે તેની સરખામણીમાં ઘણીબધી બાબતોમાં આપણે હજુ ખુબ જ પાછળ છીએ.

આ બધા દેશો શા માટે ઝડપી પ્રગતિ કરી શક્યાં ? તેના કારણોમાં જો ઊંડા ઉતરશું તો ખ્યાલ આવશે કે ત્યાંના લોકો કેરિયર ઓરીએન્ટેડ  નહીં પરંતુ નેશન ઓરીએન્ટેડછે એટલાં માટે આ બધાં દેશો આપણાથી આગળ નીકળી ગયા. નેશન ઓરીએન્ટેડએટલે શું ? તો કંઈ પણ કરતા પહેલાં દેશનો વિચાર કરવો. હું આ કામ કરીશ તો મારા દેશને ફાયદો થશે કે નુકશાન ? મને શું ફાયદો થાય તે જોવાને બદલે દેશનો ફાયદો-ગેરફાયદો વિચારતાં થશું તો દેશની પ્રગતિ ની સાથે આપણી પ્રગતિ પણ નિશ્ચિત છે.આપણી ક્રિકેટ ટીમ ભારતને વિશ્વકપ જીતાડે તો દેશને ફાયદો છે કે નુકશાન ? ફાયદો જ છે ને.દેશની આબરૂ વિશ્વકક્ષાએ ક્રિકેટમાં વધે તે પણ એક દેશ ગૌરવની જ વાત છે.પરંતુ દેશના ફાયદાની સાથે સાથે ટીમનાં પ્લેયર્સને પણ લાભ મળ્યો કે નહીં ?? તેવી જ રીતે દેશનો વૈજ્ઞાનિક કોઈ નવીન શોધ કરે અને તેને વિશ્વકક્ષાએ નામના મળે તો એ પણ દેશ માટેનું જ કામ થયું કે નહિ ? તમે કોઈપણ કાર્યમાં કે કોઈપણ ક્ષેત્રમાં પ્રમાણીકતાથી,ઈમાનદારીથી પ્રગતિ કરો તે દેશની જ પ્રગતિ છે અને દેશની પ્રગતિ થાય એટલે આપોઆપ સૌ દેશવાસીઓની પણ પ્રગતિ થવાની જ છે.

હમણાં ૨૬મી જાન્યુઆરીએ ભારતરત્ન,પદ્મશ્રી અને પદ્મવિભૂષણ જેવાં એવોર્ડ્સ ભારત સરકાર તરફથી જાહેર થયાં. આ નામોની યાદી જોશો તો તમને ખ્યાલ આવશે કે એમાંના તમામ લોકોએ પોત-પોતાનાં ક્ષેત્રમાં દેશહિત માટેનું ઉતમ કાર્ય કર્યું છે.પોતાનું સંપૂર્ણ જીવન કોઈ એક કાર્યમાં,બીજાના ભલા માટે ખપાવી દીધું હોય તેવાં લોકોને સરકારે અવોર્ડ આપ્યા છે.તો આ તમામ લોકોને કેવા છે ? નેશન ઓરીએન્ટેડ’. તેમણે બીજા લોકોને મદદ કરવા માટે પોતાનું સમગ્ર જીવન ખપાવી દીધું તો સાથે સાથે તેમની પણ પ્રગતિ થઇ અને રાષ્ટ્રનિર્માણનું પણ કાર્ય થયું.

આજકાલ વિદેશ જવાની પણ એક ફેશન ચાલી છે.પછી ભલે ત્યાં જઈને પેટ્રોલ પંપમાં નોકરી કરે પણ કમાણી તો ડોલરમાં જ.આવું ગાંડપણ ખાલી યુવાનોને જ છે તેવું નથી માં બાપ પણ ઘેલાં બન્યા છે.આપણો દીકરો ફોરેન ભણે છે એવો માભો સમાજમાં રાખવા માટે પોતે ભલે તૂટીને ત્રણ થઇ જાય,બેંકમાંથી લોન લે પણ વિદેશ તો મોકલવો જ.વિદેશ જવુ એ ખરાબ નથી.જો અનુકુળતા હોય તો વિદેશ જવુ જોઈએ.ત્યાંની સારી બાબતોનું અનુકરણ પણ કરવું જોઈએ પણ કંઈ જોયા જાણ્યાં વગર આપણું બધું ખરાબ અને વિદેશનું બધું સારું એવી માન્યતા ધરાવવી એ અતિ ખરાબ છે.ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસનો અભ્યાસ કરો અને પછી તમે કંઈ નક્કી કરો તો બરાબર પણ સાવ આંધળુકિયા બીજો કરે એટલે કુદી પડવું તે યોગ્ય નથી.

ઈન્ફોસીસના ફાઉન્ડર શ્રી નારાયણ મૂર્તિ ને જેણે વાંચ્યા હોય તેને ખબર હશે કે તેઓ વિદેશમાં ખુબ સારી કંપનીમાં ઊંચા પગારથી નોકરી કરતા હતા અને ત્યાં હજુ વધારે આગળ વધવાની તક પણ તેની પાસે હતી પરંતુ તેમણે વિચાર્યું કે હું આ જ કામ મારા દેશમાં જઈને શા માટે ન કરું ? મારા દેશનાં હજારો યુવાનોને હું રોજગારી આપીશ અને મારા દેશને સોફ્ટવેર ક્ષેત્રે વિશ્વમાં પ્રથમ ક્રમાંકે પહોચાડવા માટે હું ભારતમાં જ કામ કરીશ અને આ ભાવના સાથે તેઓ ભારત પરત આવે છે અને ઈન્ફોસીસની સ્થાપના કરે છે. આજે હજારો યુવાનોને રોજગારી તો આપે જ છે સાથે સાથે દેશને પણ અબજો રૂપિયાનું વિદેશી હુંડીયામણ પણ કમાઈને આપે છે અને કરોડો રૂપિયાનો ટેક્સ દેશને ચૂકવી દેશ પ્રત્યેનું પોતાનું ઋણ પણ અદા કરે છે.

આપણો દેશ આજે વિશ્વમાં સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે.દેશનાં યુવક-યુવતીઓ જો માત્ર ‘કેરિયર ઓરીએન્ટેડ’ બનવાને બદલે ‘નેશન ઓરીએન્ટેડ’ બની પોતાનું કાર્ય કરશે તો આ દેશને ફરીથી વિશ્વગુરુ બનતા કોઈ અટકાવી નહીં શકે.તો આવો આપણે સૌ દેશ માટે જીવીએ,દેશ માટે વિચારીએ અને દેશ માટે કામ કરીએ.ભારત માતા કી જય.વંદે માતરમ