સટ્ટા ની ઉધઈ દેશ ને ખોખલો બનાવી દે તે પહેલાં જાગો.
'સટ્ટો'એટલે કે 'જુગાર',આમ, તો આદીકાળથી પ્રચલીત છે.મહાભારતનાં સમયમાં પણ 'જુગાર'નું અસ્તિત્વ હતું અને તેનું શું પરીણામ આવ્યું તે વાત થી તો આપણે સૌ પરિચિત જ છીએ.આપણાં પ્રાચીન ગ્રંથો માં,શાસ્ત્રો માં તેમજ દરેક ધર્મોમાં પણ કહેલું છે કે જુગાર એ મનુષ્યનાં અધઃપતન નો માર્ગ છે.તેમ છતાં દુઃખની વાત એ છે કે ભારતમાં હાલમાં જેટલો ફેલાવો 'જુગાર' કે 'સટ્ટા' નો છે તેટલો ફેલાવો ભારતનાં ઈતીહાસમાં આજ સુધી કયારેય નહોતો.આપણે આજે દરેક ક્ષેત્રો માં પ્રગતિ કરી રહ્યાં છીએ તેમ સાથે સાથે આપણે 'જુગાર' કે 'સટ્ટા'ની બાબતે પણ દુનીયામાં નં ૧ બનવા તરફ આગળ વધી રહ્યાં છીએ અને દુઃખ ની વાત તો એ છે કે ભારતની કેન્દ્ર સરકાર પણ ભારતમાં જુગાર ને વધુ ને વધુ પ્રોત્સાહન આપવા માટે ઉત્સુક છે.ભારત સરકારે વધુ ને વધુ ટેક્સ કમાવવાની લાલચે શેરનાં સટ્ટા,અનાજ નાં સટ્ટા,કઠોળ નાં સટ્ટા,તેલ નાં સટ્ટા,સોના-ચાંદી નાં સટ્ટા,કપાસ નાં સટ્ટા,ધાતુ નાં સટ્ટા વગેરે જેવાં સટ્ટાઓ ને કાયદેસરની માન્યતા આપેલ છે.એટલે કે ગંજીપા નો જુગાર રમતાં પકડાવામાં સજા થાય છે પરંતુ તેનાં કરતાં પણ વધારે ખતરનાક અને ખુબ જ મોટાપાયાનો જુગાર તમે એ.સી ચેમ્બરમાં બેઠાં બેઠાં કાયદેસર રીતે રમી શકો છો.હવે,ભવિષ્યમાં ક્રીકેટનાં સટ્ટા ને પણ કાયદેસરની માન્યતા મળે તો નવાઈ નહીં પામતાં અને આમ પણ ક્રીકેટનાં સટ્ટા માં ભારત હાલમાં દુનીયામાં નં ૧ નું સ્થાન ધરાવે છે.ભારતનાં બુકીઓ દુનીયાભર માં (અ)કિર્તી ધરાવે છે.અને હા આ બધી વાતો સરકાર ને,પોલીસ ને અને પ્રજા ને બધા ને ખબર છે છતાં બધાં લોકો હાથમાં બંગડીઓ પહેરીને ખુલ્લેઆમ ચાલતો આ તમાશો જુએ છે અને લાગતાં વળગતાં પોલીસ અધીકારીઓ અને નેતાઓનાં ખીસ્સા ગરમ થઈ જાય છે એટલે તે લોકો ને આ પ્રકારનાં સટ્ટા બંધ કરાવવા ને બદલે તેનાં વિકાસમાં જ રસ છે.
વાસ્તવ માં 'સટ્ટો'એ આજ નાં સમયનું સૌથી ઘાતક સામાજીક દુષણ છે.એક સર્વે મુજબ આજે કોલેજ માં ભણતાં દર વીસ સ્ટુડન્ટસે એક સ્ટુડન્ટ કોઈ ને કોઈ પ્રકારનો 'સટ્ટો' રમે છે અને ભારતનાં દર પચાસ ઘરમાંથી એક ઘરનું કોઈ એક વ્યક્તિ 'સટ્ટા'ની પ્રવ્રુતિ સાથે સંકળાયેલ છે અને હા આમાંથી મહીલાઓ પણ બાકાત નથી.આપણો આખો સમાજ જાણે કે સટ્ટામાં ઓતપ્રોત થઈ ગયો છે એટલે કે 'સટ્ટામય સમાજ'.સાથે સૌથી દુઃખની વાત તો એ છે કે 'સટ્ટો' રમાડ્તાં બુકીઓની અને દલાલો ની સમાજમાં વાહ વાહ થાય છે,બહુમાન થાય છે તેમજ રાજકીય પક્ષો તેમને નેતા બનાવે છે.આનાંથી મોટી કરુણતાં બીજી કઈ હોય શકે? આજે આ 'સ્ટ્ટા'ની ઉધઈ આપણાં દેશ-સમાજ અને પરીવારો ને અંદરથી ખોખલાં કરી રહી છે.સટ્ટા માં ડુબેલાં દેશ-સમાજ કે પરીવારોનું અંતે પતન થાય છે સાથે સાથે તેની વિપરીત અસરો પુરા દેશ તેમજ તમામ દેશવાસીઓએ પણ ભોગવવી પડે છે.જેમકે 'મોંઘવારી',આ આપણને કોમોડીટીનાં સટ્ટાએ આપેલી એક ભેંટ છે.ભારતમાં છેલ્લાં એક વર્ષમાં જીવન જરુરી ખાધ્ય પદાર્થો નાં ભાવમાં ૭૦ થી ૮૦ ટકાનો વધારો થયો છે.જેનું એક અને માત્ર એક જ કારણ કોમોડીટી નો સટ્ટો જ છે.સૌથી પીડાદાયક વાત તો એ છે કે સરકારે ખરે-ખર મોંઘવારી ઘટાડવા માટેનાં પગલાંઓ લેવાં જોઈએ તેને બદલે સરકારનાં જવાબદાર મંત્રીઓ દ્વારાં સટ્ટા ને પ્રોત્સાહન મળે તેવાં નિવેદનો આપવામાં આવે છે.દેશનાં નેતાઓને પોતાનાં ખીસ્સા ભરવામાં જ રસ છે પરંતુ ભયાનક મોંઘવારીને લીધે દેશવાસીઓનાં ખીસ્સા ખાલી થઈ રહ્યાં છે,ભુખમરો-ગરીબી વધી રહી છે તેનો ઉકેલ શોધવામાં કોઈને રસ નથી.આપણે નિર્માલ્ય-માયકાંગલા ની જેમ બસ બધું જોયાં જ રાખીએ છીએ અને સહન જ કર્યે રાખીએ છીએ.દરેક પક્ષ,દરેક સમાજ,દરેક વર્ગ નાં લોકોએ હવે સાથે મળીને તમામ પ્રકારનાં સટ્ટાઓ બંધ કરાવવાની ઝુંબેશ ચાલુ કરવાનો સમય હવે પાકી ગયો છે.આપણે હવે અત્યારે નહીં જાગીએ તો પછી બહું મોડું થઈ ગયું હશે.એક સામુહીક પ્રયાસ દ્વારાં જ આપણે આપણાં દેશ અને સમાજ ને બચાવી શકીશું અને એક સમ્રુધ્ધ અને સંસ્કારી ભારત વર્ષનું નિર્માણ કરી શકીશું.
1 ટિપ્પણી:
આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા ગુજરાતી બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે.મુલાકાત લેશો. http://rupen007.feedcluster.com/
ટિપ્પણી પોસ્ટ કરો