મંગળવાર, 24 માર્ચ, 2009

વધતી મોંઘવારી અને ઘટતો ફુગાવો!!!

વધતી મોંઘવારી અને ઘટતો ફુગાવો!!!
હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ દ્વારાં મપાતો ફુગાવો બિલકુલ અવાસ્તવિક
ભારતનાં અર્થતંત્રમાં અત્યારે વિચિત્ર ઘટનાં ચાલી રહી છે.હાલની કેન્દ્ર સરકાર યેન કેન પ્રકારે ફુગાવાનાં દરને નીચો બતાવવાની કોશીષ માં લાગેલી છે.ફુગાવો એટલે મોંઘવારીનો દર.ફુગાવાનાં દરને નીચો બતાવી કેન્દ્ર સરકાર ભારતમાં મોંઘવારી ઘટી રહી છે તેવું બતાવવા મથી રહી છે.પરંતુ એથી ઉલ્ટું કન્ઝયુમર પ્રાઈઝ ઈન્ડેક્ષ અને ફુડ પ્રાઈઝ ઈન્ડેક્ષ માં અવિરત વધારો થઈ રહ્યો છે.એ બતાવે છે કે ભારતમાં આમ આદમીને લાગુ પડતી મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે.
ફુડ પ્રાઈઝ ઈન્ડેક્ષ કે જે ઓગષ્ટ ૨૦૦૮ માં ૬.૩% પર હતો તે ફેબ્રુઆરી ૨૦૦૯ માં ૧૩.૨૫% પર પહોંચી ગયો છે.કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્ષ કે જે સાચા અર્થ માં મોંઘવારી નો નિર્દેશ કરે છે તે મે ૨૦૦૪ માં ૪૨૮ પોંઈન્ટ થી વધીને માર્ચ ૨૦૦૮ માં ૫૨૮ પોંઈન્ટ સુધી પહોંચી ગયેલ છે.૨૦૦૪ નાં ભાવોની સરખામણીમાં અનાજનાં ભાવોમાં ૧૨૫% નો વધારો તેમજ વિવિધ પ્રકારની દાળો નાં ભાવો માં ૨૦૦% નો વધારો થયો છે.વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઈલનાં ભાવોમાં આવેલાં ઘટાડા છતાં પણ ૨૦૦૪ ની સરખામણી એ પેટ્રોલ-ડિઝલ નાં ભાવો ૫૦% કરતાં પણ વધારે છે.કેન્દ્ર સરકાર ફુગાવો ઘટાડ્યાનાં ઓઠાં હેઠળ કારમી મોંઘવારીની વાસ્તવિક્તા છુપાવી રહી છે અને ભારતની ભોળી પ્રજાને ભરમાવી રહી છે.એક્સપોર્ટ ક્ષેત્રે ફેબ્રુઆરી ૨૦૦૯ માં ૧૨% થી વધારે ઘટાડો થયો છે જેને લીધે પાંચ લાખ લોકોએ તેનાં રોજગાર ગુમાવ્યા છે અને હજુ આ ક્ષેત્રે દસ લાખ લોકો વધુ બેકાર થશે.RBI દ્વારાં વારંવાર પ્રાઈમ રેઈટ માં ઘટાડો કરવાં છતાં હજુ લોન પરનાં વ્યાજનાં દરો તે પ્રમાણમાં ઘટ્યાં નથી કે નથી હોમલોનની માંગમાં વધારો થયો.સીધાં કરવેરાની આવકમાં ૧૮% નો ઘટાડો લોકોની ખરીદ શક્તિ ઘટી રહી છે તેનો નિર્દેશ કરે છે.ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંક પણ અત્યાર સુધીનો સૌથી વધુ ઘટાડો બતાવે છે.કોંગ્રેસ સરકારે સુત્ર આપ્યું હતું કે તેઓ ૧૦ મીલીયન લોકોને નવી રોજગારી આપશે તેને બદલે અત્યાર સુધીમાં ભારતમાં ૧૫ મીલીયન લોકો તેમની રોજગારી ગુમાવી ચુક્યા છે.આમ,મોંઘવારી ને બેકારીને લીધે ભારતનાં આમ આદમીની કમર તુટતી જાય છે ત્યારે કેન્દ્ર સરકાર ફુગાવો ઘટ્યાં નાં બણગાં ફુંકે છે પરંતુ જનતા હવે વધુ વખત મુર્ખ નહીં બને તે હકીકત છે.

ગુરુવાર, 12 માર્ચ, 2009

દાન કરો-ટેક્ષ બચાવો ઃ સેકશન ૮૦ જી

દાન કરો-ટેક્ષ બચાવો ઃ સેકશન ૮૦ જી

શું તમે સેવાકીય પ્રવૃતીઓમાં રસ ધરાવો છો?શું તમે સેવાકીય પ્રવૃતીઓ માટે પૈસા દાન કરવા ઈચ્છો છો?જો જવાબ હા છે તો તમે પૈસા દાન કરવાની સાથે સાથે તમારી આવક પર લાગતો ટેક્ષ પણ બચાવી શકો છો.જાહેર જનતા માટે સેવાકીય હેતુથી કાર્ય કરતી સંસ્થાઓમાં કરાતું દાન ઈન્કમ ટેક્ષ નાં કાયદા અન્વયે સેક્શન ૮૦ જી હેઠળ ઈન્કમ ટેક્ષમાંથી બાદ મેળવી શકાય છે.સેવાકીય સંસ્થાઓ તથા સેવાકીય ફંડ ને કરાતું દાન ૫૦% અથવા તો ૧૦૦% સુધી ઈન્કમ ટેક્ષ માંથી બાદ મેળવી શકાય છે.જેનો આધાર તમે કયા પ્રકારની સંસ્થાને દાન આપ્યું છે તેનાં પર છે.ચેક અથવા તો રોકડ સ્વરુપે અપાયેલું દાન બાદ મળવા પાત્ર છે.

દાન ની પહોંચનું મહત્વઃ દાન આપતી વખતે સંસ્થા પાસેથી સ્ટેમ્પ લગાવેલી પહોંચ(પાવતી)મેળવવી જરુરી છે.આ પહોંચ જ તમે દાન કર્યાનો આધાર છે.આ પહોંચમાં જે તે સંસ્થા સેક્શન ૮૦ જી હેઠળ માન્ય છે તેવું લખાણ હોવું જરુરી છે.દાન ની પહોંચમાં નીચેની વિગતો નો સમાવેશ થવો જરુરી છે.
૧,ટ્ર્સ્ટ કે સંસ્થાનું નામ અને અડ્રેસ
૨,દાન આપનારનું નામ
૩,કેટલી રકમ દાનમાં આપેલી છે તે શબ્દોમાં તેમજ આંકડામાં લખેલું હોવું જરુરી છે.
૪,ટ્ર્સ્ટ કે સંસ્થા ને ઈન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારાં સેક્શન ૮૦ જી હેઠળ ફાળવાયેલો રજીસ્ટ્રેશન નંબર તેમાં લખેલો હોવો જોઈએ.
૫,રજીસ્ટ્રેશન ની અવધી પણ તેમાં લખેલી હોવી જોઈએ.

દાન બાદ મળવાની મર્યાદાઃ આ પ્રકારનું દાન તમારી એડજસ્ટેડ ગ્રોસ ટોટલ ઈન્કમનાં ૧૦% સુધીનું બાદ મળે છે એટલે કે તમે જો એડજસ્ટેડ ગ્રોસ ટોટલ ઈન્કમનાં ૧૦% કરતાં વધારે રકમ દાનમાં આપેલી હોય તો પણ ૧૦% સુધીની રકમ જ બાદ મળે છે અને તે તમે કરેલાં દાન ની કુલ રકમ પર ગણાય છે.

એડજસ્ટેડ ગ્રોસ ટોટલ ઈન્કમઃ ગ્રોસ ટોટલ ઈન્કમ માંથી લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ બાદ કરવાનો તેમજ ૮૦ સી અને ૮૦ યુ માં બાદ મળતી રકમ બાદ કરવાની તેમજ જે આવક પર ટેક્ષ લાગતો નથી(દા.ત.ખેતીની આવક)તે પણ બાદ કરવાની તેમજ એન.આર.આઈ ની સેકશન ૧૧૫ મુજબ અમુક આવક બાદ કરવાથી એડજસ્ટેડ ગ્રોસ ટોટલ ઈન્કમ મળશે.

દાનની લાયકાતઃ કોઈપણ વ્યક્તિ કે હીન્દુ અવિભક્ત કુટુંબ(HUF) તેમજ NRI દ્વારાં કરવામાં આવેલું દાન સેક્શન ૮૦ જી મુજબ બાદ મળવા પાત્ર છે.

મંગળવાર, 3 માર્ચ, 2009

રોકાણ એવું કરો જે પાકતી મુદતે પણ ટેક્ષ ફ્રી હોય

રોકાણ એવું કરો જે પાકતી મુદતે પણ ટેક્ષ ફ્રી હોય
માર્ચ મહીનો એટલે ટેક્ષ પ્લાનીંગનો મહીનો.મોટાભાગનાં લોકો તેમની આવક પર ઈન્કમ ટેક્ષ કેવી રીતે ઓછો ભરવાનો આવે તેનું પ્લાનીંગ નાણાંકીય વર્ષને અંતે એટલે કે માર્ચ મહીનામાં જ કરતાં હોય છે.આવાં લોકો ઉતાવળે રોકાણ કરી હાલ પુરતાં તો તેને આવકમાંથી બાદ મેળવી ટેક્ષ બચાવી લેતાં હોય છે.પરંતુ એ વખતે તેઓ એ વિચારવાનું ભુલી જાય છે કે પાકતી મુદતે મળતી રકમ ટેક્ષ ફ્રી છે કે નહીં?રોકાણનાં સાધનો પસંદ કરતી વખતે એ સમજવું ખુબ જ જરુરી છે કે પાકતી મુદતે મળતી રકમ પર ટેક્ષ ભરવાનો થશે કે નહીં?એક આદર્શ રોકાણ એને જ કહી શકાય કે જે રોકાણ વખતે તો ટેક્ષ બચાવે જ તેમજ પાકતી મુદતે મળતી રકમ પણ ટેક્ષ રહીત હોય.હાલ માર્કેટમાં ટેક્ષ બચતનાં જુદાં જુદાં અનેક રોકાણ સાધનો ઉપલબ્ધ છે જેમાં અમુક સાધનો માં પાકતી મુદતે મળતી રકમ ટેક્ષ ને પાત્ર હોય છે જ્યારે અમુક રોકાણ સાધનોમાં પાકતી મુદતે મળતી રકમ ટેક્ષ રહીત હોય છે.
વ્યાજની આવકઃ હાલનાં ઈન્કમ ટેક્ષ એક્ટ મુજબ વ્યાજની આવક ટેક્ષ પાત્ર છે.પબ્લીક પ્રોવીડંડ ફંડ,નેશનલ સેવીંગ સર્ટીફીકેટ,બેંક FD વગેરેમાં કરાતાં રોકાણ સામે જે વ્યાજની આવક મળે છે તે પાકતી મુદતે ટેક્ષ ને પાત્ર છે.તેથી આવાં સાધનોમાં રોકાણ કરતી વખતે આ વાત ધ્યાનમાં રાખવી ખુબજ જરુરી બને છે.
ELSS ફંડ(ઈક્વીટી લીંક્ડ સેવીંગ સ્કીમ)ઃ વ્યાજની આવક ટેક્ષને પાત્ર છે જ્યારે ડીવીડંડની આવક ટેક્ષ ફ્રી છે.ELSS ફંડમાં ડીવીડંડની આવકનો વિકલ્પ છે જેથી ઈન્કમ ટેક્ષનાં સંદર્ભમાં જોઈએ તો ELSS ફંડમાં મળતું ડીવીડંડ ટેક્ષ ફ્રી છે.આ ડીવીડંડ રોકાણકાર બે રીતે મેળવી શકે છે.એક તો મળતાં ડીવીડંડનો ઉપાડ કરી રોકાણ પર વળતર મેળવી શકે છે અને બીજું આ ડીવીડંડ નું તે જ ફંડમાં રીઈન્વેસ્ટમેન્ટ પણ કરી શકે છે.જેથી લાંબાગાળે તે તેની મુદલ રકમમાં વધારો કરતાં જાય છે.અને પાકતી મુદતે ટેક્ષ પણ બચાવી શકાય છે.
ઈન્શ્યુરન્સ(વિમો)ઃ કોઈપણ ઈન્શ્યુરન્સ પ્લાનમાં થતું રોકાણ ટેક્ષ ફ્રી હોય છે.તેમજ પાકતી મુદતે મળતી રકમ પણ સંપુર્ણ ટેક્ષ રહીત મળે છે.આ ઉપરાંત પોલીસીની મુદત દરમીયાન અધવચ્ચે પણ જો વિમેદારનું મોત થાય તો પણ તેનાં વારસદારોને મળતી રકમ પણ ટેક્ષ ફ્રી હોય છે.આમ,ઈન્શ્યુરન્સ એ ટેક્ષ પ્લાનીંગ માટે ખુબ જ અગત્યનું તેમજ લોકપ્રીય સાધન છે.
પેન્શન પ્લાનઃ પેન્શન પ્લાનમાં કરાતાં રોકાણ ટેક્ષમાંથી બાદ મળે છે.તેમજ પેન્શન ચાલુ કરવાની ઉંમરે(વેસ્ટીંગ એઈજ)જે ફંડ ભેગું થયું હોય તેમાંથી ફક્ત ૩૩% રકમનો જ ઉપાડ થઈ શકે છે જે ટેક્ષ ફ્રી છે પરંતુ ત્યાર બાદ પેન્શન રુપે મળતી આવક પર જે તે ઈન્કમ ટેક્ષનાં સ્લેબ મુજબ ટેક્ષ ભરવાનૉ રહે છે.આમ,પેન્શન પ્લાન એ સંપુર્ણ ટેક્ષ ફ્રી રોકાણ સાધન ના કહી શકાય.

બેંક FD--------------વ્યાજની રકમ ટેક્ષ પાત્ર છે.
ELSS ફંડ:------------ડીવીડંડ અને પાકતી મુદતે મળતી રકમ ટેક્ષ ફ્રી છે.
ઈન્શ્યુરન્સ(વિમો)------પાકતી મુદતે મળતી રકમ ટેક્ષ ફ્રી છે.
પેન્શન પ્લાન----------પેન્શનની આવક ટેક્ષ પાત્ર છે.