ગુરુવાર, 2 એપ્રિલ, 2020

સત્તા નહીં – રાષ્ટ્રહિત સર્વોપરી : દેશની પ્રથમ સરકારના ઉદ્યોગમંત્રી ડો.શ્યામાપ્રસાદ મુખરજીનું અધવચ્ચે જ રાજીનામું.

દેશના પ્રથમ ઉદ્યોગમંત્રી તરીકે ડો.શ્યામાપ્રસાદ મુખરજી ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યાં હતા. પરંતુ નીતિવિષયક બાબતો અને ખાસ કરીને પાકિસ્તાન મામલે શરૂઆતથી જ તેમનાં અને પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ વચ્ચેના મતભેદો સપાટી પર આવી ગયા હતા.પાકિસ્તાનમાંથી આવેલા હિંદુ શરણાર્થીઓ બાબતે તેઓ બહુ ચિંતિત હતા.એક તરફ પાકિસ્તાનીઓ દ્વારા પૂર્વી બંગાળનાં શાંતિપ્રિય હિન્દુઓનો નરસંહાર ચાલુ હતો અને બીજી તરફ પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ત્યાં છુટી ગયેલી જમીન જેટલી જ જમીન ભારતમાં આપવી તેમજ પુનર્વસન માટે આર્થિક મદદ પણ આપવાની ડો.મુખરજીની માંગણીનો નેહરુ અસ્વીકાર કરી રહ્યા હતા.આ બાબતે નેહરુ અને ડો.મુખરજી વચ્ચે ઉગ્ર ચર્ચાઓ પણ થઇ હતી.અંતે બંને વચ્ચેના વૈચારિક મતભેદો ચરમસીમા પર પહોંચી ગયા હતા.

૧૯૫૦ના ફેબ્રુઆરી મહિનામાં પૂર્વી પાકિસ્તાનની સરકારે પાકિસ્તાનમાંથી હિન્દુઓનું નામોનિશાન ભૂંસી નાખવા માટે હિંદુ વિરોધી અભિયાન ચલાવ્યું હતું.હિંદુઓ પર થયેલાં અમાનુષી અત્યાચારોને લીધે ત્યાંના હિન્દુઓ મોટી સંખ્યામાં ભારત આવ્યા અને પશ્ચિમ બંગાળ,ત્રિપુરા,આસામ તથા ભારતના અન્ય હિસ્સામાં આવીને વસવાટ કર્યો.આ સમસ્યાના સમાધાન માટે નેહરુએ પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી લિયાકત અલી સાથે એક કરાર કરવાનું નક્કી કર્યું અને તેનાં માટેની કોશિષો શરુ કરી.ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ તેનો શરૂઆતથી જ વિરોધ કર્યો હતો.ડો.મુખરજીનું કહેવું હતું કે,’’હિંદુ વિરોધી આ અભિયાનની આયોજક જ આ લિયાકત સરકાર છે.એવામાં ચોરી કરનારાઓ સાથે જ ચોરી રોકાવવા માટેની સંધી કરવાની તમારી કોશિષ નરી મૂર્ખતા છે.’’

ડો.મુખરજીએ નેહરુની વોટબેંક અને તુષ્ટિકરણની રાજનીતિ સામે દેશહિત અને હિંદુહિતની રક્ષા માટે અવાજ ઉઠાવ્યો,લિયાકત સંધિનો તર્કબદ્ધ દલીલો સાથે વિરોધ કર્યો પણ નેહરુએ તેની વાતને સાંભળી નહીં. અંતે ડો.મુખરજીએ મંત્રીમંડળમાંથી ૮ એપ્રિલ,૧૯૫૦ના રોજ રાજીનામું આપ્યું.જો તેઓ ઈચ્છતા તો હજુ બીજા બે વર્ષ સુધી પ્રધાન રહી શક્યાં હોત પરંતુ તેમના માટે સત્તા નહીં,રાષ્ટ્રહિત અને હિન્દુહિત સર્વોપરી હતું તેથી પોતાનાં સિદ્ધાંતો ખાતર સતાનો પણ ત્યાગ કરતાં તેઓ સહેજ પણ અચકાયા નહીં.

કેબિનેટમાંથી રાજીનામું આપતી વખતે ડો.મુખરજીએ કહ્યું હતું કે.’’સરકાર સાથેના અમારા વૈચારિક મતભેદોમાં મૂળભૂત રીતે બહુ મોટો તફાવત છે.તેથી જે સરકારની નીતિઓ સાથે આપણે મનથી સહમત ના હોઈએ તે સરકારમાં જોડાયેલા રહેવું તે પોતાની જાતને છેતરવાથી વિશેષ કંઈ નથી.’’

રાજીનામાં બાદ સરકારની બહાર રહી ડો.મુખરજીએ નેહરુની દેશવિરોધી અને હિંદુવિરોધી નીતિઓ વિરુદ્ધ દેશના વિપક્ષને એક કરવાનું કામ કર્યું,જનજાગરણ કાર્યક્રમો કર્યા. તેનાં પરિણામે નેહરુ-લિયાકત સંધિના મૂળ મુસદ્દામાં ભારતની વિધાનસભાઓ અને વિવિધ સેવાઓમાં મુસ્લિમોને આરક્ષણ આપવાનું જે પ્રાવધાન હતું તેને નાબુદ કરાવવામાં સફળતા મળી હતી.

રાજીનામું આપ્યા બાદ ૧૯ એપ્રિલ,૧૯૫૦ના રોજ સંસદમાં પોતાનાં રાજીનામાં અંગે જે વક્તવ્ય આપ્યું તે ભારત-પાકિસ્તાનના સંબધો બાબતે એક ગરીમાયુક્ત અને ભાવનાત્મક દસ્તાવેજ બની ગયો છે.નેહરુ-લિયાકત સંધિ એ મૂળભૂત સમસ્યાનું સમાધાન શા માટે નથી તે માટેનાં આ વક્તવ્યમાં આપેલાં કારણો આજે પણ એટલાંજ યથાર્થ અને સચોટ જણાય છે.

ટિપ્પણીઓ નથી: