૨૫ જુન ૧૯૭૫ની રાત્રીએ ઇન્દિરા ગાંધીએ કટોકટી ઘોષિત કરી આખા દેશને
કારાગૃહમાં પરિવર્તિત કરી દીધો હતો.કટોકટીકાળમાં થયેલી ધરપકડો,અમાનુષી
અત્યાચારો,આપખુદશાહી વગેરે બાબતો વિશે ઘણું લખાયું છે.આજે આપણે વાત કરવી છે કટોકટી
સમય દરમિયાન મીડિયાજગત પર થયેલા અત્યાચારોની,દમનની.
૨૬મી જુન ૧૯૭૫ના દિવસે ઇન્દિરા ગાંધીએ મીડિયા પર નિયંત્રણ મુકવા
કેબીનેટની બેઠક બોલાવી હતી.જેમાં ‘પ્રી-સેન્સરશીપ’ લાગુ કરવાના પ્રસ્તાવને મંજુરી
આપવામાં આવી હતી અને ભારત સુરક્ષા અધિનિયમ ૧૯૭૧ની કલમ ૪૮ હેઠળની જોગવાઈનો દુરપયોગ
કરી દેશભરમાં પ્રી-સેન્સરશીપ લાગુ કરી દેવામાં આવી.જે મુજબ કોઈપણ સમાચાર,નોંધ કે
રીપોર્ટ અધિકૃત અધિકારીની તપાસણી તેમજ પરવાનગી વગર પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ
મુકવામાં આવ્યો.કાયદાનો ભાગ ન હોય તે પ્રકારની કડક ગાઈડલાઈન્સ નક્કી કરવામાં આવી.
જેથી મીડિયાજગતને સંપૂર્ણ બાનમાં લઇ શકાય.ઇન્દિરા ગાંધી સ્પષ્ટપણે માનતાં હતાં કે
જો અખબારો પર નિયંત્રણ મુકવામાં નહીં આવે તો કટોકટીના નિર્ધારિત પરિણામો મેળવી
શકાશે નહીં.જો જનતાને અખબારો દ્વારા વાસ્તવિક સ્થિતિની માહિતી મળતી રહેશે તો
દેશમાં પ્રચંડ જનાંદોલન શરુ થશે અને પોતાનું આજીવન સતા પર રહેવાનું સપનું અધૂરું
રહી જશે.સરકાર સામે પ્રજા વિરોધનો સુર અખબારોમાં પ્રકાશિત ન થાય તથા સરકાર સામે
પ્રજાઆક્રોશ વધે નહીં તેથી સેન્સરશીપને તાત્કાલિક લાગુ કરી દેવામાં આવી.
કટોકટીની ઘોષણા પછી તરત જ રાત્રે દિલ્હીના અખબારોનો વિદ્યુતપ્રવાહ બંધ
કરી દેવામાં આવ્યો હતો અને ઇન્દિરા ગાંધીના પ્રખર આલોચક એવાં અંગ્રેજી દૈનિક
‘મધરલેન્ડ’ના મુખ્ય તંત્રી કે.આર.મલકાનીની રાત્રે જ ધરપકડ કરી લેવામાં આવી
હતી.સમગ્ર દેશમાં જે અખબારો સરકાર વિરોધી હતા તે બંધ કરાવી દેવામાં આવ્યા
હતા.પોલીસ અને સરકારી અધિકારીઓએ અખબારો અને સમાચાર એજન્સીઓની ઓફીસ પર કબજો જમાવી
દીધો હતો.મોટા ભાગના અખબારોની કચેરીઓમાં વગર વોરંટે ઘુસી પોલીસ અધિકારીઓએ સીલ મારી
દીધા હતા.વિરોધ કરનારા પ્રકાશકો-તંત્રીઓની મીસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
કટોકટી પૂર્વે દેશમાં ચાર સમાચાર એજન્સીઓ હતી.જેમાં પીટીઆઈ(પ્રેસ
ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા),યુએનઆઈ(યુનાઇટેડ ન્યુઝ ઓફ ઇન્ડિયા),હિન્દુસ્તાન સમાચાર અને
સમાચાર ભારતી નો સમાવેશ થાય છે.પ્રેસ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે આ ચાર
એજન્સીઓ પર અધિકાર જમાવવાનું સરકારે નક્કી કર્યું.પરિણામે ૧૩ ડીસેમ્બર ૧૯૭૫ના રોજ
મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ ચાર સમાચાર એજન્સીઓનાં જોડાણ માટેનું વિધેયક
પસાર કરવામાં આવ્યું.આ જોડાણ થતાં તેને નવું નામ આપવામાં આવ્યું
‘સમાચાર’.આમ,’સમાચાર’નું નિર્માણ થતાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમામ અખબારોનો
કંટ્રોલ સરકાર હસ્તક આવી ગયો.
અખબારી સ્વાતંત્ર્ય ઉપર તરાપ મારવા અને તેના પર પોતાનો સંપૂર્ણ કબજો
જમાવવાના હેતુથી ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૬ના રોજ ‘આપતીજનક સામગ્રી પ્રકાશન નિષેધ અધિનિયમ
૧૯૭૬’ પારિત કરવામાં આવ્યો હતો.આ અધિનિયમ દ્વારા સરકારે અખબારોની આઝાદી પોતાના
હસ્તક લઇ લીધી હતી.આ અધિનિયમની સૌથી ભયંકર વાસ્તવિકતા એ હતી કે તેને સંવિધાનની
નવમી અનુસૂચિમાં સામેલ કરવામાં આવ્યો હતો. જેને પરિણામે આ અધિનિયમને કોઈપણ
અદાલતમાં પડકારી શકાય નહીં.
ગુજરાતમાં તે સમયે બાબુભાઈ જશભાઈ પટેલની મોરચા સરકાર હતી તેથી ગુજરાત
સરકારે સેન્સરશીપને બહાલી આપી નહીં અને માહિતી નિયામકની સેન્સર અધિકારી તરીકે
નિમણુંક પણ કરી નહીં. પરિણામે, કેન્દ્ર સરકારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ઓફ
ઇન્ડીયાના સ્થાનિક અધિકારીની સેન્સર અધિકારી તરીકે નિમણુંક કરી હતી.ગુજરાત
વિધાનસભામાં પણ સેન્સરશીપનો વિરોધ થયો હતો.ગુજરાત વિધાનસભાના ચોમાસુસત્રમાં
ધારાસભ્ય અશોકભાઈ ભટ્ટ અને અરવિંદભાઈ મણીયાર દ્વારા વિશેષાધિકાર ભંગની દરખાસ્ત રજુ
કરવામાં આવી હતી.ગુજરાતમાં હિતેન્દ્રભાઈ દેસાઈના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરો
કોઈપણ ભોગે જનતા સરકાર તોડવા મથી રહ્યા હતા.તડજોડની રાજનીતિ દ્વારા તેમાં તેઓ સફળ
રહ્યાં અને અંતે ૧૨મી માર્ચે ગુજરાત વિધાનસભામાં મોરચા સરકાર બહુમતી પુરવાર
કરવામાં નિષ્ફળ રહી અને ૧૩મી માર્ચે સાંજે ગુજરાતની મોરચા સરકારે રાજીનામું
આપ્યું.તે જ રાત્રીના ગુજરાતમાં ધરપકડોનો દૌર શરુ થયો અને સેન્સરશીપનો કડક અમલ પણ
શરુ થયો.
ગુજરાતનાં અનેક અખબારો – સામયિકોએ કટોકટીકાળમાં ઇન્દિરા સરકારના તાબે
થવાને બદલે હિંમતભેર લડવાનું નક્કી કર્યું અને સેન્સરશીપ,જડતી,જપ્તી કે ધરપકડોની
પરવા કર્યા વિના સરકારના કાળા કાયદા સામે મક્કમતાથી લડી લેવાનું નક્કી કર્યું.’સાધના’,’ભૂમિપુત્ર’,’સંદેશ’,’જનસતા’,’ફૂલછાબ’,’જન્મભૂમી’
વગેરે અખબારોએ અનેક કોર્ટકેસ,ધરપકડો,જપ્તી,દંડ,સજા વગરે જેવી અનેક તકલીફો વેઠીને
પણ મક્કમતાથી પોતાનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખ્યું હતું.’સંદેશ’ના એક તંત્રીલેખ પર
સેન્સરની કાતર લાગી ત્યારપછી તંત્રીલેખની જગ્યા ખાલી રાખી માત્ર ગાંધીજીનો ફોટો
મુક્યો અને ‘સબકો સન્મતિ દે ભગવાન’ તેવું લખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
અખબારો પરની સેન્સરશીપને લીધે લોકો સુધી સાચી વાત પહોંચવાનું બંધ થયું
હતું તેથી તે સમયે દેશભરમાં ભૂગર્ભપત્રિકાઓ શરુ થઇ હતી જેમાં સરકારની
જોહુકમી,અત્યાચારો,કટોકટી વિરુદ્ધના કાવ્યો,લેખો વગેરે પ્રસિદ્ધ થતાં અને તેના
દ્વારા જનાંદોલન પ્રબળ બનાવવાના પ્રયત્નો થતાં રહ્યાં.રાષ્ટ્રસેવા કાજે સમર્પિત
એવાં કેટલાંક લોકો પ્રજાજાગૃતિ માટે આ પ્રકારની ભૂગર્ભપત્રિકાઓ ચાલુ કરી હતી.જેમાં
તે વખતનાં ગુજરાતના પત્રકારોનું યોગદાન મુખ્ય રહેતું.’જનતા છાપું’,’સત્યાગ્રહ
સમાચાર’,’સંઘર્ષ સમાચાર’,’દાંડિયો’,’જનજાગૃતિ’,’નિર્ભય’,’જનતા સમાચાર’ વગેરે જેવી
ગુજરાતી પત્રિકાઓ મુખ્ય હતી.
આ ઉપરાંત દેશભરનાં સાચા સમાચારો લોકો સુધી પહોંચે અને સરકારની જોહુકમી
સામે વિરોધ પ્રગટ કરી શકાય તે માટે ભૂગર્ભ વાર્તાપત્રો પણ બહાર પાડવામાં આવતા
હતા.આજે જે પ્રકારનાં કોમ્યુનીકેશન અને માહિતી એકત્ર કરવા માટે આધુનિક સંશાધનો
ઉપલબ્ધ છે તેવી સગવડો ત્યારે નહોતી તેમ છતાં ટપાલ કે તાર દ્વારા છુપી રીતે
કોડવર્ડથી જુદાજુદા પ્રદેશો વચ્ચે સમાચારોની આપ લે થતી અને તે સમાચારો વાર્તાપત્રોમાં
સ્વહસ્તે લખાતાં,સાઇકલોસ્ટાઇલ મશીનમાં તેની નકલો કાઢવામાં આવતી અને તેને છુપી રીતે
જુદાજુદા વિસ્તારોમાં પહોંચાડવામાં આવતી.
આપણાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ કટોકટીકાળમાં છુપાવેશે
ભૂગર્ભમાં રહી આ બધી પ્રવૃતીઓ કરતાં હતા.કટોકટીકાળના તેમના અનુભવો સાથેનું એક પુસ્તક
પણ તેમણે લખ્યું છે ‘સંઘર્ષમાં ગુજરાત’.આ ઉપરાંત શ્રી વિષ્ણુભાઈ પંડ્યા સહીત અનેક
પત્રકારો-આગેવાનોએ પણ તે વખતનાં તેમના સ્વાનુભાવોને પુસ્તક રૂપે પ્રગટ કર્યા છે.જેમાં
આ વિષય પર વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
આમ,જેને લોકતંત્રની ચોથી જાગીર કહેવાય છે તેવા મિડીયાજગત પર સેન્સરશીપ
લાદી તેનાં અવાજને કચડી ઇન્દિરા ગાંધી દ્વારા લોકતંત્રની સરેઆમ હત્યા કરવામાં આવી
હતી.કટોકટીકાળના આ કપરા ૨૧ મહિના આ દેશની લોકશાહીના ઇતિહાસનાં ‘કાળા અધ્યાય’ તરીકે
હંમેશા યાદ રહેશે.