શુક્રવાર, 10 એપ્રિલ, 2020

વિદેશમાં રહી ભારતની આઝાદી માટે અહલેક જગાવનાર સૌરાષ્ટ્રના વીર સપુત ક્રાંતિવીર સરદારસિંહ રાણા.


ગુજરાતના બે સરદારોએ દેશની આઝાદી માટે અતિ મહત્વનું યોગદાન આપ્યું હતું.એક સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા સરદારસિંહ રાણા.સરદાર વલ્લભભાઈ પટેલે ભારતમાં રહી અહિંસાના હથિયારથી અંગ્રેજોને હરાવી દેશનાં એકીકરણનું કાર્ય કર્યું. જ્યારે સરદારસિંહ રાણાએ વિદેશમાં રહી સશસ્ત્ર ક્રાંતિ દ્વારા અંગ્રજોને ડરાવી તેમનું મનોબળ તોડવાનું કાર્ય કર્યું હતું.

સરદારસિંહ રાણાનો જન્મ ૧૦ એપ્રિલ ૧૮૭૦ના રોજ સુરેન્દ્રનગર જીલ્લાના કંથારિયા ગામે થયો હતો.કંથારિયાની સામાન્ય શાળામાં ભણ્યાં બાદ તેઓ રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કુલમાં ભણવા ગયા.જ્યાં ગાંધીજી તેમનાં સહપાઠી હતાં.ગાંધીજી તેમને ‘સદુભા’ કહીને સંબોધન કરતા હતા.સરદારસિંહ નાનપણથી જ ભણવામાં ખુબ હોંશિયાર હતા તેથી લીંબડી ઠાકોર જશવંતસિંહજીએ તેમને અભ્યાસ માટે ઘણી સહાય કરી હતી.રાજકોટમાં માધ્યમિક શિક્ષણ મેળવી તેઓ ઉચ્ચશિક્ષણ અર્થે મુંબઈની એલ્ફીસ્ટન કોલેજમાં અને ત્યારબાદ પુનાની ફર્ગ્યુસન કોલેજમાં ભણ્યાં હતાં.આ દરમિયાન તેઓનો સંપર્ક લોકમાન્ય ટીળક તથા સુરેન્દ્રનાથ બેનરજી સાથે થયો.ત્યારથી જ તેઓ દેશભક્તિના રંગે રંગાયા હતા.સરદારસિંહ રાણાના લગ્ન ભીંગડાના સોનલબા સાથે થયા હતા.તેમનાં બે પુત્રો હતા રણજીતસિંહ અને નટવરસિંહ.


સરદારસિંહને વધુ અભ્યાસ માટે લંડન જવું હતું પરંતુ આર્થિક સગવડતા નહોતી તેથી તેમણે તેમનાં માસીયાઈ ભાઈ અને લાઠીના રાજવી સુરસિંહ તખ્તસિંહ ગોહિલ (કવિ કલાપી)ને વાત કરી.કવિ કલાપી સાથે તેમને ભાઈ કરતા પણ વધારે મિત્રતાના સંબધો હતાં.વિદ્યાર્થીકાળથી જ તેમનાં વચ્ચે ઘનિષ્ઠ પત્ર વ્યવહાર થતો.કવિ કલાપી પોતાનાં મનની દરેક વાત સરદારસિંહને લખીને જણાવતાં.કવિ કલાપી તથા તેમનાં કહેવાથી લીંબડીના ઠાકોર તથા હડાળાના કાઠી દરબાર વાજસુર વાળાની આર્થીક મદદથી તેઓ લંડન પહોંચી ગયા અને બેરિસ્ટરની ડીગ્રી પ્રાપ્ત કરી.

લંડન અભ્યાસ દરમિયાન તેઓ હીરા-ઝવેરાતના ધંધામાં કમીશન એજન્ટ તરીકે કામ કરતા અને પોતાનો અભ્યાસનો ખર્ચ જાતે જ ઉપાડતા.લંડનમાં તેઓ કચ્છના માંડવીના વતની અને ક્રાંતિકારીઓના પ્રેરણાસ્ત્રોત એવા શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવ્યા. ત્યારબાદ મેડમ ભીખાઈજી કામા અને શ્યામજી કૃષ્ણ વર્મા સાથે મળીને તેઓએ લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’ ની સ્થાપના કરી હતી.આ ‘ઇન્ડિયા હાઉસ’ ભારતની સશસ્ત્ર ક્રાંતિકારી ચળવળનું મહત્વનું કેન્દ્ર બની ગયું હતી.

હીરા-ઝવેરાતના તેમનાં કામકાજને લીધે બેરિસ્ટર બન્યાં પછી સરદારસિંહ રાણા લંડનમાં આર્થિક રીતે પણ ઘણાં સમૃદ્ધ બન્યાં હતા.તેથી અત્યાર સુધી બીજાની મદદથી ભણેલાં સરદારસિંહે સમાજનું અને દેશનું ઋણ અદા કરવા પોતાના રૂપિયાથી સ્કોલરશીપ આપવાનું ચાલુ કર્યું હતું.તેમણે ‘મહારાણા પ્રતાપ’ તથા ’શિવાજી મહારાજ’ નામથી બે-બે હજાર રૂપિયાની ત્રણ સ્કોલરશીપ યોજના ચાલુ કરી હતી.આ યોજના હેઠળ ઘણાં ભારતીય છાત્રોએ ત્યાં શિક્ષણ મેળવ્યું હતું.તેમાં વિનાયક દામોદરરાવ સાવરકર(વીર સાવરકર) પણ સામેલ હતા.

શ્યામજી કૃષ્ણ વર્મા,સરદારસિંહ રાણા તથા મેડમ ભીખાઈજી કામાના નેતૃત્વમાં મદનલાલ ઢીંગરા,વીર સાવરકર,સેનાપતિ બાપટ, વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જેવાં ક્રાંતિકારીઓની ગુપ્ત બેઠકો તેમનાં લંડન સ્થિત ‘ઇન્ડિયા હાઉસ’માં થતી.આ બેઠકમાં અંગ્રેજ સરકારને ઢંઢોળવા માટે ભારતના ઘોરવિરોધી એવાં લંડનના કર્ઝન વાયલીને ગોળીએ વીંધવાની યોજના સાવરકરજીએ તૈયાર કરી.આ કામ પાર પાડવાનું બીડું મદનલાલ ઢીંગરાએ ઝડપ્યું અને સરદારસિંહ રાણાએ તેને પિસ્તોલ લાવી આપી હતી.કર્ઝન વાયલીની હત્યા બાદ મદનલાલ ઢીંગરાને ફાંસીએ ચડાવી દેવામાં આવ્યાં,સાવરકરની પણ ધરપકડ થઇ. પરંતુ સરદારસિંહ ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યાં.

તેઓ ફ્રાંસના પેરિસમાં જઈને રહેવા લાગ્યા.આ ઘટના બાદ અંગ્રેજોએ તેમને દેશનિકાલ જાહેર કરી તેમની કંથારિયા ખાતેની જમીન પણ જપ્ત કરી લીધી હતી અને તેમનાં ભારત પ્રવેશ પર અંગ્રેજોએ કાયમી પ્રતીબંધ લગાવી દીધો હતો.તેથી તેમનાં પત્ની સોનબાએ તેમને પત્ર દ્વારા સંદેશો મોકલાવ્યો કે તેમણે ત્યાં બીજાં લગ્ન કરી લેવા જોઈએ જેથી બાકીનું જીવન જીવવામાં સરળતા રહે.ત્યારબાદ સરદારસિંહે જર્મન મહિલા રેસી સાથે લગ્ન પણ કર્યા હતા.

ભારતનો સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ જર્મનીમાં સરદારસિંહ રાણા તથા મેડમ ભીખાઈજી કામાએ ફરકાવ્યો હતો.૧૯૦૭માં જર્મનીના સ્ટુટગાર્ડ શહેરમાં યોજાનાર ઇન્ટરનેશનલ સોશિયલીસ્ટ કોન્ફરન્સમાં ભાગ લેનાર દરેકે પોતાના દેશનો ધ્વજ લઇને હાજર રહેવાનું હતું.ભારતમાં તો અંગ્રેજોનું શાસન હતું તેથી ભારતનો કોઈ ધ્વજ નહોતો.તેથી સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી કામાએ ભારતનો ધ્વજ બનાવ્યો અને સૌ પ્રથમ વખત વિશ્વ ફલક પર ૨૨ ઓગષ્ટ ૧૯૦૭ના રોજ આ કોન્ફરન્સમાં ભારતનો ધ્વજ ફરકાવ્યો અને અંગ્રેજોના દમનકારી શાસન વિષે પ્રવચન આપ્યું હતું.

બનારસ હિંદુ યુનીવર્સીટીની સ્થાપના માટે દાન એકઠું કરવા માટે મદનમોહન માલવિયાજી પેરીસ ગયા ત્યારે સરદારસિંહે ૨૮ લાખ જેટલી મોટી રકમ એકત્રિત કરી આપી હતી.જેમાં ૫ લાખ રૂપિયાનું યોગદાન તેમનું પોતાનું હતું.

અંગ્રેજી,ફ્રેંચ તથા જર્મન ભાષાનાં જાણકાર એવાં સરદારસિંહ રાણા લડાયક મિજાજ અને પ્રગાઢ બુદ્ધિચાતુર્ય ધરાવતાં ક્રાંતિવીર હતાં.ભારતની આઝાદીની ચળવળમાં બોમ્બ અને પિસ્તોલના યુગની શરૂઆત તેમણે કરાવી હતી.સેનાપતિ બાપટ અને ઇન્દુલાલ યાજ્ઞિકને બોમ્બ બનવવાની તાલીમ માટે તેમણે રશિયા મોકલ્યા હતા.

વીર સાવરકરના ઐતિહાસિક પુસ્તક ‘વોર ઓફ ઈન્ડીપેન્ડન્સ – ૧૮૫૭’ને છપાવવાનું તથા તેને ચોરીછુપીથી ભારત પહોચાડવાનું કાર્ય પણ સરદારસિંહે પાર પાડ્યું હતું.લાલા લાજપતરાય સરદારર્સીહના પેરીસ ખાતેના નિવાસસ્થાને પાંચ વર્ષ રોકાયા હતા અને તે દરમિયાન જ લાલા લજપતરાયે ‘અનહેપ્પી ઇન્ડિયા’ નામનું પુસ્તક લખ્યું હતું.રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનની સ્થાપનામાં પણ સરદારસિંહનું અમુલ્ય યોગદાન હતું.

અંગ્રેજોની કેદમાંથી છુટવા વીર સાવરકરે ફ્રાંસના માર્સેલ્સ બંદર નજીક સ્ટીમરમાંથી દરિયામાં છલાંગ લગાવી હતી ત્યારે અંગેજોએ ફરી તેની ફ્રાંસમાંથી ધરપકડ કરી હતી.વીર સાવરકરને છોડાવવા માટે સરદારસિંહ ત્યાંની આંતરરાષ્ટ્રીય અદાલતમાં કેસ લડ્યાં હતાં.

સુભાષચંદ્ર બોઝના જર્મની ખાતેના નિવાસ દરમિયાન તેમનાં જર્મન રેડિયો પરનાં ઐતિહાસિક રેડિયો પ્રવચન તથા સુભાષબાબુની હિટલર સાથેની મુલાકાત ગોઠવવામાં પણ સરદારસિંહ રાણાની મુખ્યભૂમિકા હતી.

૧૯૫૫માં સરદારસિંહ રાણા પેરીસથી ભારત પરત આવ્યાં અને ૨૫મી મેં,૧૯૫૭માં સૌરાષ્ટ્રના વેરાવળ ખાતેના સરકીટ હાઉસમાં હ્રદયરોગના હુમલાથી તેમનું નિધન થયું.સરદારસિંહ રાણાના જીવન વિષે ફોટોગ્રાફ સાથેની વધુ વિગતવાર માહિતી મેળવવા માટે વિઝીટ કરો www.sardarsinhrana.com



સોમવાર, 6 એપ્રિલ, 2020

૬ એપ્રિલ, ભાજપાનો સ્થાપના દિવસ : ૨ થી ૩૦૩ બેઠકો સુધીની ભાજપાની વિકાસયાત્રાની એક ઝલક


૨૦૧૯ લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભારતની રાજનીતિમાં નવો ઈતિહાસ રચ્યો હતો. કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત બીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું દેશના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું.૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટીને મળેલું પ્રચંડ જનસમર્થન એ વાતની સાબિતી છે કે દેશની જનતાને ભાજપા પર પૂર્ણ ભરોસો છે.

૨૧ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ ડો.શ્યામાપ્રસાદ મુખરજીના નેતૃત્વમાં અખીલ ભારતીય જનસંઘનામથી રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા રાજકીય પક્ષની રચના થયેલી.દેશભરમાં જનસંઘ એક મજબુત વિપક્ષ તરીકે ઉભરી રહ્યો હતો.૨૬ જુન ૧૯૭૫ના રોજ ઇન્દિરા ગાંધીએ પોતાની સતા ટકાવવા દેશમાં કટોકટી લાદી દીધી હતી.કટોકટીના ૨૧ મહિના બાદ ૧૯૭૭માં સામાન્ય ચૂંટણીની ઘોષણા થઇ ત્યારે ઇન્દિરા ગાંધીની તાનાશાહી અને અત્યાચારોથી દેશને મુક્ત કરાવવા માટે દેશના તમામ વિરોધીદળોએ એકજુથ થઇ લડવાનું નક્કી કર્યું અને જનતા મોરચાની રચના કરી.દેશહિત માટે ભારતીય જનસંઘે પણ જનતા મોરચામાં વિલીન થવાનો નિર્ણય લીધો.

૧૯૭૭ની લોકસભા ચૂંટણીમાં જનતા મોરચાનો ૩૪૫ બેઠકો પર વિજય થયો. જેમાં જનસંઘના ૯૪ ઉમેદવારો વિજયી થયાં હતા.મોરારજીભાઈ દેસાઈના નેતૃત્વમાં સરકાર બની.જેમાં અટલબિહારી બાજપાઈને વિદેશમંત્રી તથા લાલકૃષ્ણ અડવાણીને સુચના-પ્રસારણમંત્રીનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.આ દરમિયાન ૧૯૭૯માં જનતા મોરચાના ચૌધરી ચરણસિંહ,રાજનારાયણ અને જગજીવનરામે જનસંઘના નેતાઓ કે જેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પણ સ્વયંસેવક હતા તે બાબતનો વિરોધ કરી બેવડી સદસ્યતાનો મુદ્દો ઉઠાવી જો સરકારમાં રહેવું હોય તો સંઘની સદસ્યતા છોડવી પડશે તેવી જાહેરાત કરી.જનસંઘના નેતાઓએ આ માંગણી ઠુકરાવી રાષ્ટ્રવાદી વિચારધારાને પ્રાધાન્ય આપી જનતા મોરચાની સરકારમાંથી રાજીનામું આપ્યું અને સત્તાનો ત્યાગ કર્યો.

૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ અટલબિહારી બાજપાઈની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીની રચના થઇ અને ચૂંટણી ચિન્હ તરીકે કમળનું નિશાન નક્કી થયું.મુંબઈના પ્રથમ અધિવેશનના ઐતિહાસિક ભાષણમાં અટલજીએ કહ્યું હતું કે,’અંધેરા છટેગા,સુરજ નિકલેગા ઔર કમલ ખીલેગા’.

૧૯૮૪માં ભાજપાએ પ્રથમ વખત લોકસભા ચૂંટણીમાં ભાગ લીધો અને ૨ બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો.જેમાં ગુજરાતની મહેસાણા બેઠક પરથી એ.કે.પટેલ અને આંધ્રપ્રદેશની હનામકોડા બેઠક પરથી ચંદુપાટિયા રેડ્ડી ચૂંટાયા હતા.ત્યારે કોંગ્રેસ દ્વારા કુંટુબ નિયોજનના નારા – ‘હમ દો-હમારે દોનો ઉલ્લેખ કરી સાંસદમાં ભાજપાની મજાક ઉડાડી હતી.પાંચ વર્ષ પછી ૧૯૮૯ની ચૂંટણીમાં ભાજપાનો ૮૬ બેઠકો પર વિજય થયો હતો,૧૯૯૧માં ફરીથી ચૂંટણીઓ આવી તેમાં ભાજપાની બેઠકો વધીને ૧૨૦ સુધી પહોંચી ગઈ.

૧૯૯૦માં લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં રામમંદિરના સમર્થનમાં સોમનાથથી અયોધ્યા અને મુરલીમનોહર જોશીના નેતૃત્વમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એક્તાયાત્રા કાઢી હતી.જેનાં આયોજનની સંપૂર્ણ જવાબદારી નરેન્દ્રભાઈ મોદીએ સાંભળી હતી અને પોતાના જીવના જોખમે કાશ્મીરના લાલચોકમાં તિરંગો ફરકાવી આતંકવાદીઓને લલકાર્યા હતા.

૧૯૯૬માં પ્રથમ વખત ભાજપાને અટલબિહારી બાજપાઈના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બનાવવાનો મોકો મળ્યો પરંતુ બહુમત સિદ્ધ ના થવાને લીધે ફક્ત ૧૩ જ દિવસમાં રાજીનામું આપવું પડ્યું હતું.ત્યારબાદ ૧૯૯૮માં ફરીથી ચૂંટણીઓ થઇ ત્યારે પણ અટલજીના નેતૃત્વમાં ભાજપા સરકાર બની પરંતુ બહુમત ના હોવાને કારણે ૧૩ મહિનામાં સરકાર તૂટી ગઈ.૧૯૯૯માં ભાજપાની આગેવાનીમાં એનડીએ(નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ને પૂર્ણ બહુમતી મળી અને પુનઃ એકવાર અટલજી પ્રધાનમંત્રી બન્યા.તેમનાં શાસનમાં પોખરણ પરમાણું પરીક્ષણ થયું અને પાકિસ્તાન સામે કારગીલનું યુદ્ધ પણ જીત્યું હતું.૨૦૦૪થી ૨૦૧૪ સુધી ફરી કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર સતામાં આવી.

આ દરમિયાન ગુજરાતમાં એક કરિશ્માયુક્ત ઓજસ્વી જનનેતાનો ઉદય થઇ ચુક્યો હતો.ગુજરાતમાં ૧૯૯૫થી ભાજપાની સરકાર હતી.૨૦૦૧માં કેશુભાઈ પછી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.તેમની પ્રશાસકીય સુઝબુઝ,પ્રમાણિક શાસન વ્યવસ્થા અને વિકાસની રાજનીતિએ દેશભરનાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.તેમનાં શાસનકાળમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી હતી.૨૦૧૪ આવતાં સુધીમાં તો તેમની લોકચાહના દેશભરમાં ફેલાઈ ચુકી હતી અને દેશના લોકો તેને પ્રધાનમંત્રીના ચહેરા તરીકે જોવા લાગ્યા હતા.કોંગ્રેસના છેલ્લાં દસ વર્ષના ભ્રષ્ટાચારી શાસન સામે જનતા ઈમાનદાર અને રાષ્ટ્રપ્રેમી શાસક તરીકે નરેન્દ્રભાઈ મોદીને સ્વીકારી ચુકી હતી.

શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપાએ એકલે હાથે ૨૮૨ બેઠકો પર વિજય પ્રાપ્ત કરી પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવી.

૧૯૮૦થી લઇ આજસુધીમાં ૧૧ કરોડ સદસ્યો સાથે ભાજપા દુનિયાની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આજે વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે.સૌના સાથ સૌના વિકાસની નીતિ સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈના નેતૃત્વમાં આ સમય દરમિયાન સરકાર અને સંગઠન એમ બંને મોરચે ભાજપાએ વિકાસના નવા વિક્રમો સ્થાપિત કર્યા અને દેશનાં ૧૭ જેટલાં રાજ્યોમાં ભાજપાની સરકાર બનાવી દેશનાં ૬૦ટકા ભૂભાગ પર ભાજપાનો ભગવો લહેરાવ્યો.

આ પાંચ વર્ષના સમયગાળામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં સર્વાંગીણ વિકાસ માટે મહત્વના નિર્ણયો લીધા,પ્રમાણિક શાસન આપ્યું અને દેશના છેવાડાના માનવીને પણ લાગ્યું કે આ સરકાર મારા માટે કામ કરે છે.જનધન એકાઉન્ટ,ઉજ્જવલા યોજના,મુદ્રા યોજના જેવી અનેકવિધ યોજનાઓ દ્વારા ગરીબો અને મધ્યમવર્ગના લોકો માટે ઉન્નતિના દ્વાર ખોલ્યાં.જેનાં પરિણામે ૨૦૧૯ની ચુંટણીઓમાં પણ ૩૦૩ બેઠકો સાથે ફરી એકવાર દેશમાં ભાજપાની પૂર્ણ બહુમતવાળી સરકાર બની.

૧૯૮૦ થી ૨૦૧૯ સુધીની ભાજપાની આ વિકાસયાત્રામાં કરોડો કાર્યકર્તાઓનો પુરુષાર્થ મહત્વનો રહ્યો છે.ભાજપાના કાર્યકરો વ્યક્તિ સે બડા દલ ઔર દલ સે બડા દેશના મંત્ર સાથે ભારત માતાને પરમવૈભવના શિખર પર પુનઃ આરૂઢ કરવા માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરવા માટે પ્રતિબદ્ધ હોય છે.વિશ્વની કોઈપણ રાજકીય પાર્ટી પાસે આવા કરોડો સમર્પિત કાર્યકર્તાઓની ફૌજ નથી.

રાષ્ટ્રપ્રથમની વિચારધારા,મજબુત,પ્રમાણિક અને કુશળ નેતૃત્વ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની ફૌજ એ જ ભાજપાની સફળતાનું રહસ્ય છે.

શનિવાર, 4 એપ્રિલ, 2020

‘એક રાષ્ટ્ર – એક ચૂંટણી’ - આઝાદ ભારતની પ્રથમ લોકસભા ચૂંટણીની એક ઝલક.

સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણી ઓક્ટોબર ૧૯૫૧ થી ફેબ્રુઆરી ૧૯૫૨ સુધીમાં કુલ ૫ મહિનાના સમયગાળામાં સંપન્ન થઇ હતી.આ પ્રથમ ચૂંટણીમાં ૪૮૯ લોકસભા બેઠકો હતી.આ ચૂંટણીઓ બાદ ૧૯૫૨માં આઝાદ ભારતની પ્રથમ લોકસભાનું ગઠન થયું હતું.જેમાં ૩૬૪ બેઠકો  સાથે કોંગ્રેસને બહુમતી મળી હતી અને જવાહરલાલ નેહરુને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.આચાર્ય નરેન્દ્ર દેવ,જયપ્રકાશ નારાયણ અને ડો.રામ મનોહર લોહિયાના નેતૃત્વવાળી સોશીયલીસ્ટ પાર્ટીને ૧૨ બેઠકો,આચાર્ય જે.બી.કૃપલાનીના નેતૃત્વવાળી કિસાન મજદૂર પ્રજા પાર્ટીને ૯ બેઠકો, હિંદુ મહાસભાને ૪ બેઠકો, ડો.શ્યામાપ્રસાદ મુખરજીના નેતૃત્વમાં ભારતીય જનસંઘને ૩ બેઠકો, રિવોલ્યુશનરી સોશિયલીસ્ટ પાર્ટીને ૩ તથા શીડ્યુલકાસ્ટ ફેડેરેશનને ૨ બેઠકો મળી હતી.

એક રાષ્ટ્ર એક ચૂંટણી : 

આજે જયારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી વન નેશન-વન ઈલેકશનની વાત કરે છે ત્યારે કોંગ્રેસીઓ તેનો વિરોધ કરે છે.પરંતુ ખુબ ઓછાં સંશાધનો હોવાં છતાં ૧૯૫૨માં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એકીસાથે જ યોજવામાં આવી હતી.આ પ્રથમ સામાન્ય ચૂંટણીઓ લોકસભાની ૪૮૯ અને ૨૬ રાજ્યોની વિધાનસભાઓની કુલ ૩૨૮૩ બેઠકો માટે યોજાઈ હતી.જેમાં ભારતના ૧૭,૩૨,૧૨,૩૪૩ નોંધાયેલા મતદાતાઓ હતા તેમાંથી ૧૦ કરોડ ૫૯ લાખ લોકોએ મતદાન કર્યું હતું.

શ્રી જી.વી.માવલંકર પ્રથમ લોકસભાના અધ્યક્ષ બન્યા હતા.પ્રથમ લોકસભામાં કુલ ૬૭૭ સત્રો થયા, જે મુજબ અંદાજે ૩,૭૮૪ કલાકનું કામકાજ થયું હતું.આ લોકસભાનો કાર્યકાળ ૧૭ એપ્રીલ ૧૯૫૨ થી ૪ એપ્રીલ ૧૯૫૭ સુધીનો રહ્યો હતો.પ્રથમ ચૂંટણી વખતે દેશનો સાક્ષરતાદર માત્ર ૧૫ ટકા હતો.તેથી આ વાતને ધ્યાનમાં રાખીને મતપત્રક પર નામ કે ચૂંટણી ચિન્હ છાપવામાં નહોતું આવ્યું પરંતુ દરેક પાર્ટી માટે અલગ-અલગ મતપેટી રાખવામાં આવી હતી.જેનાં પર જે-તે પાર્ટીનાં ચૂંટણી ચિન્હો લગાવવામાં આવ્યા હતા.જેને જે પાર્ટીને મત આપવો હોય તે પાર્ટીનાં ડબ્બામાં પોતાનું મતપત્રક નાંખે તે મુજબ કુલ ૨ કરોડ ૧૨ લાખ મતપેટીઓ બનાવવામાં આવી હતી.ત્યારે કોંગ્રેસનું ચૂંટણી ચિન્હ બળદની જોડીહતું જયારે ભારતીય જનસંઘનું ચિન્હ દીવડોહતું.પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ સુકુમાર સેન (આઈ.સી.એસ.)ની મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે નિમણુંક કરવામાં આવી હતી.૫૬૦૦૦ કર્મચારીઓ,૨.૮૦ લાખ સ્વયંસેવકો તથા ૨૪ લાખ પોલીસ કર્મચારીઓની મદદથી તેમણે આ એક રાષ્ટ્ર એક ચૂંટણીની કામગીરી પાર પાડી હતી.

કોંગ્રેસ પર ગેરરીતીના આક્ષેપો

દેશની પ્રથમ લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં કામચલાઉ સરકારનું ગઠન થયું હતું. જેમાં સતા કોંગ્રેસને સોંપવામાં આવી હતી અને વડાપ્રધાન તરીકે જવાહરલાલ નેહરુ હતા.ગાંધીજી અને સરદાર પટેલના નિધન બાદ કોંગ્રેસમાં નેહરુની આપખુદશાહીને રોકવા કે ટોકવાવાળું કોઈ રહ્યું નહીં. તે સમયે પણ નેહરુ અને કોંગ્રેસ સામે ચૂંટણીમાં ગેરરીતી કરવાના અનેક આક્ષેપો થયેલાં.પ્રથમ ચૂંટણી વખતે સતા પોતાની પાસે હોવાથી નેહરુએ અધિકારીઓની મિલીભગતથી અનેક ગેરરીતિઓ આચરી હતી.અમુક ગ્રામ્ય તથા પહાડી વિસ્તારોમાં તો મત આપનાર ને એક-એક કંબલ અને પિસ્તોલનું લાયસન્સ આપવામાં આવેલાં.તે વખતે આજના સમય જેવી ટેકનોલોજી નહોતી,મીડિયા પણ ખુબ મર્યાદિત સંશાધનો સાથે કામ કરતુ અને મોટાં ભાગના લોકો અભણ હતા તેથી લોકોમાં પણ જાગૃતતાનો અભાવ હતો તેથી તે સમયની ગેરરીતિઓ બહુ સામે આવી નહોતી. પરંતુ ચૂંટણી પછી લોકસભાના સત્રોમાં વિરોધપક્ષો દ્વારા કોંગ્રેસની ગેરરીતિઓ અંગેના પુરાવાઓ પણ રજુ કરવામાં આવ્યા હતા અને ચૂંટણીના પરિણામોને પડકારવામાં પણ આવ્યાં હતા.
જોકે પોતાની સતાના જોરે નેહરુ યેનકેન પ્રકારે આ બધી વાતોને દબાવી દેવામાં સફળ રહયા હતા.

ભારતીય જનસંઘની સ્થાપના અને કાશ્મીરના સંપૂર્ણ એકીકરણ માટે ડો.શ્યામાપ્રસાદ મુખરજીની શહીદી.

કાશ્મીર પ્રશ્ન એ નેહરુની અંગ્રેજ માનસિકતા અને શેખ અબ્દુલ્લા પ્રત્યેના રહસ્યમય પ્રેમનું દુષ્પરિણામ હતું.સરદાર વલ્લભભાઈ પટેલ,ડો.બાબાસાહેબ આંબેડકર અને ડો.શ્યામાપ્રસાદ મુખરજી કાશ્મીરને ખાસ દરજ્જો મળે તેનાં સખ્ત વિરોધી હતા.બધાનાં વિરોધ છતાં તુષ્ટિકરણની રાજનીતિ અને શેખ અબ્દુલ્લાને ખુશ રાખવા કાશ્મીરને અલગ ધ્વજ,અલગ બંધારણ,અલગ વડાપ્રધાન અને કાશ્મીરમાં પ્રવેશ માટે પરમીટપ્રથાની મંજુરી સાથે ખાસ દરજ્જો આપવામાં આવ્યો હતો.

જવાહરલાલ નેહરુની રાષ્ટ્રવિરોધી અને હિંદુ વિરોધી નીતિઓના વિરોધમાં ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ ઉદ્યોગમંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું.પરંતુ તેઓ નેહરુ સરકારની કાશ્મીર અંગેની કુનીતિઓનો સંસદની અંદર અને બહાર વિરોધ કરતાં રહ્યા.થોડાં સમય સુધી તેઓ પાર્ટી વગરના નેતા તરીકે કાર્યરત હતા.આ દરમિયાન તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક પૂજ્ય શ્રી માધવરાવ સદાશિવરાવ ગોલવલકર (ગુરુજી)ને મળ્યા.પુ.ગુરુજીએ તેમને રાષ્ટ્રીય એકતા તથા ભારતની અખંડીતતાની રક્ષા માટે નવી રાજકીય પાર્ટી બનાવવાનો આગ્રહ કર્યો અને તેનાં માટે સંઘના કેટલાંક વિશ્વાસુ અને ચુનંદા કાર્યકર્તાઓ આ કાર્ય માટે આપવાનું વચન આપ્યું.પં.દીનદયાળ ઉપાધ્યાય,બલરાજ મધોક,ભાઈ મહાવીર,એટલબિહારી બાજપાઈ,નાનાજી દેશમુખ,કુશાભાઉ ઠાકરે,સુંદરસિંહ ભંડારી,જગદીશપ્રસાદ માથુર સહીતના કાર્યકર્તાઓને પુ.ગુરુજીએ આ કામ માટે સંઘના કાર્યમાંથી મુક્ત કર્યા

ડો.મુખરજીએ આ બધાં કાર્યકર્તાઓ સાથે અનેક ચિંતન બેઠકો કરી અને ઘણાં વિચારવિમર્શ બાદ ૨૧ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ દિલ્હી ખાતે ‘ભારતીય જનસંઘ’નામની રાજકીય પાર્ટીની ઘોષણા કરવામાં આવી અને તેનાં પ્રથમ અધ્યક્ષની જવાબદારી ડો.શ્યામાપ્રસાદ મુખરજીને સોંપવામાં આવી.

દિલ્હીમાં પ્રથમ કાર્યકર્તા સંમેલનને સંબોધતા ડો.મુખરજીએ કહ્યું હતું કે,’’આપણે પૂર્ણ વિશ્વાસ,આશા અને હિંમત સાથે આપણું કાર્ય કરીશું.આપણાં કાર્યકર્તાઓ સદાય યાદ રાખે કે ફક્ત સેવા અને બલિદાનના માધ્યમથી જ જનસમૂહનો વિશ્વાસ જીતી શકાય છે.ભારતનાં પુનર્નિર્માણનું મહાન કાર્ય આપણી રાહ જોઈ રહ્યું છે.આપણો પક્ષ કોઈપણ ભેદભાવ વગર દરેક જ્ઞાતિ-જાતી,ધર્મ-સમુદાયના લોકોને આવકારે છે.વિધાતા આપણને કોઈપણ પ્રકારની લોભ-લાલચમાં પડ્યાં વગર સાચા માર્ગ પર આગળ વધવાની શક્તિ આપે અને ભારતને ફરીથી મહાન તથા સશક્ત રાષ્ટ્ર બનનાવાનાં કાર્યમાં સહાય કરે તે જ પ્રાર્થના.’’

ડો.મુખરજી સઘન પ્રવાસ દ્વારા લોકોને મળી રહ્યાં હતાં અને સંગઠનનું કાર્ય જોરશોરથી આગળ વધારી રહ્યાં હતા.દેશભરમાં વધી રહેલી તેમની લોકપ્રિયતાથી અકળાઈને એકવાર સંસદમાં જવાહરલાલ નેહરુએ ડો.મુખરજીને કહ્યું કે,’’હું જનસંઘને કચડી નાંખીશ.’’ ત્યારે તેનાં પ્રત્યુતરમાં ડો.મુખરજીએ કહ્યું હતું કે,’’ તમે જનસંઘને કુચડવાની વાત કરો છો ત્યારે મારે તમને કહેવું છે કે હું તમારી આ કચડી નાંખવાની માનસિકતાને જ હંમેશા માટે કચડીને ફેંકી દઈશ’’.

આ દરમિયાન જમ્મુ-કાશ્મીરને અલગ દરજ્જો અને પ્રવેશ માટે પરમીટપ્રથા લાગુ થઇ ગઈ હતી.તે મુજબ કોઈપણ ભારતીયને આઝાદ ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યમાં પ્રવેશ લેવો હોય તો કેન્દ્રીય રક્ષા મંત્રાલયમાંથી પરમીટ લેવી ફરજીયાત હતી.તેનાં વિરોધ અને કાશ્મીરના ભારતમાં પૂર્ણ વિલયની માંગ સાથે પં.પ્રેમનાથ ડોગરાની અધ્યક્ષતામાં કાશ્મીરની ‘પ્રજા પરિષ’દ સંસ્થાએ આંદોલનો ચાલુ કર્યાં હતાં.તેમનાં પર શેખ અબ્દુલ્લા સરકાર દ્વારા અમાનુષી અત્યાચારો કરવામાં આવી રહ્યાં હતાં.પરંતુ નેહરુજીએ આ ઘટનાઓ પ્રત્યે પોતાનાં આંખ-કાન બંધ કરી દીધા હતા.

પ્રેમનાથ ડોગરાના આહ્વાન પર ડો.મુખરજીએ ‘એક દેશમેં દો વિધાન,દો પ્રધાન ઔર દો નિશાન નહીં ચલેંગે’ના નારા સાથે સવિનય પરમીટ પ્રથાનો ભંગ કરી,પરમીટ વગર જમ્મુ જવાનું જાહેર કર્યું. ૮મી મેં ૧૯૫૩ના રોજ તેમણે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી તેમની યાત્રા ચાલુ કરી.શરૂઆતમાં તેમની પંજાબમાં જ ધરપકડ કરી લેવી તેવી સુચના આવી પરંતુ ફરીથી એવી સુચના આવી કે તેમને પરમીટ વગર કાશ્મીરમાં પ્રવેશ કરવા દેવો અને ત્યારબાદ કાશ્મીરમાં પ્રવેશતાની સાથે જ તેમની ધરપકડ કરવી.આ ઘટનાથી સ્પષ્ટ ખ્યાલ આવે કે તેમને ચતુરાઈથી જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરવા દીધો અને ત્યારબાદ ત્યાંની સરકાર દ્વારા ધરપકડ કરાઈ જેથી આ મામલો ભારતના ઉચ્ચ ન્યાયાલયનાં અધિકાર ક્ષેત્રથી બહાર જતો રહે.જો તેમની ધરપકડ પંજાબમાં કરી હોત તો તેઓ આસાનીથી જામીન મેળવી છૂટી શક્યા હોત.

ધરપકડ બાદ ડો.શ્યામાપ્રસાદ મુખરજીને એક જીપમાં નિર્જન જગ્યાએ એક નાની એવી ઝૂંપડી જેવા ઘરમાં રાખવામાં આવ્યાં.ત્યાં તેમની તબિયત ખરાબ થઇ છતાં કોઈ યોગ્ય સારવાર પણ ના આપી. પૂર્વ કેન્દ્રીયમંત્રી અને સાંસદ હોવા છતાં ડો.મુખરજીને સારવાર માટે વીઆઈપી વોર્ડને બદલે સગવડ વગરના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.અંતે ૨૩મી જુન ૧૯૫૩ના રોજ સંદિગ્ધ હાલતમાં તેમનું મૃત્યુ થયું.

ડો.મુખરજીના દિવંગત દીકરી સબીતા બેનરજીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે,તેમને તે સમયે દવાખાનામાં રહેલી નર્સ રાજદુલારી ટીક્કુએ જણાવ્યું હતું કે, મૃત્યુ પહેલાં ડો.મુખરજીને કોઈએક એવું ઇન્જેક્શન ડોક્ટર દ્વારા આપવામાં આવ્યું હતું જેનાંથી તેઓ એવું બોલી રહ્યા હતા કે તેમને આખા શરીરમાં આગ જેવી બળતરા થઇ રહી છે.

આ બધી વિગતો પરથી એક વાત સ્પષ્ટ જણાય આવે છે કે ડો.મુખરજીનું મૃત્યુ કોઈ કુદરતી મૃત્યુ નહોતું.પરંતુ એક આયોજનબદ્ધ કાવતરું હતું.

ગુરુવાર, 2 એપ્રિલ, 2020

સત્તા નહીં – રાષ્ટ્રહિત સર્વોપરી : દેશની પ્રથમ સરકારના ઉદ્યોગમંત્રી ડો.શ્યામાપ્રસાદ મુખરજીનું અધવચ્ચે જ રાજીનામું.

દેશના પ્રથમ ઉદ્યોગમંત્રી તરીકે ડો.શ્યામાપ્રસાદ મુખરજી ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યાં હતા. પરંતુ નીતિવિષયક બાબતો અને ખાસ કરીને પાકિસ્તાન મામલે શરૂઆતથી જ તેમનાં અને પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ વચ્ચેના મતભેદો સપાટી પર આવી ગયા હતા.પાકિસ્તાનમાંથી આવેલા હિંદુ શરણાર્થીઓ બાબતે તેઓ બહુ ચિંતિત હતા.એક તરફ પાકિસ્તાનીઓ દ્વારા પૂર્વી બંગાળનાં શાંતિપ્રિય હિન્દુઓનો નરસંહાર ચાલુ હતો અને બીજી તરફ પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ત્યાં છુટી ગયેલી જમીન જેટલી જ જમીન ભારતમાં આપવી તેમજ પુનર્વસન માટે આર્થિક મદદ પણ આપવાની ડો.મુખરજીની માંગણીનો નેહરુ અસ્વીકાર કરી રહ્યા હતા.આ બાબતે નેહરુ અને ડો.મુખરજી વચ્ચે ઉગ્ર ચર્ચાઓ પણ થઇ હતી.અંતે બંને વચ્ચેના વૈચારિક મતભેદો ચરમસીમા પર પહોંચી ગયા હતા.

૧૯૫૦ના ફેબ્રુઆરી મહિનામાં પૂર્વી પાકિસ્તાનની સરકારે પાકિસ્તાનમાંથી હિન્દુઓનું નામોનિશાન ભૂંસી નાખવા માટે હિંદુ વિરોધી અભિયાન ચલાવ્યું હતું.હિંદુઓ પર થયેલાં અમાનુષી અત્યાચારોને લીધે ત્યાંના હિન્દુઓ મોટી સંખ્યામાં ભારત આવ્યા અને પશ્ચિમ બંગાળ,ત્રિપુરા,આસામ તથા ભારતના અન્ય હિસ્સામાં આવીને વસવાટ કર્યો.આ સમસ્યાના સમાધાન માટે નેહરુએ પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી લિયાકત અલી સાથે એક કરાર કરવાનું નક્કી કર્યું અને તેનાં માટેની કોશિષો શરુ કરી.ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ તેનો શરૂઆતથી જ વિરોધ કર્યો હતો.ડો.મુખરજીનું કહેવું હતું કે,’’હિંદુ વિરોધી આ અભિયાનની આયોજક જ આ લિયાકત સરકાર છે.એવામાં ચોરી કરનારાઓ સાથે જ ચોરી રોકાવવા માટેની સંધી કરવાની તમારી કોશિષ નરી મૂર્ખતા છે.’’

ડો.મુખરજીએ નેહરુની વોટબેંક અને તુષ્ટિકરણની રાજનીતિ સામે દેશહિત અને હિંદુહિતની રક્ષા માટે અવાજ ઉઠાવ્યો,લિયાકત સંધિનો તર્કબદ્ધ દલીલો સાથે વિરોધ કર્યો પણ નેહરુએ તેની વાતને સાંભળી નહીં. અંતે ડો.મુખરજીએ મંત્રીમંડળમાંથી ૮ એપ્રિલ,૧૯૫૦ના રોજ રાજીનામું આપ્યું.જો તેઓ ઈચ્છતા તો હજુ બીજા બે વર્ષ સુધી પ્રધાન રહી શક્યાં હોત પરંતુ તેમના માટે સત્તા નહીં,રાષ્ટ્રહિત અને હિન્દુહિત સર્વોપરી હતું તેથી પોતાનાં સિદ્ધાંતો ખાતર સતાનો પણ ત્યાગ કરતાં તેઓ સહેજ પણ અચકાયા નહીં.

કેબિનેટમાંથી રાજીનામું આપતી વખતે ડો.મુખરજીએ કહ્યું હતું કે.’’સરકાર સાથેના અમારા વૈચારિક મતભેદોમાં મૂળભૂત રીતે બહુ મોટો તફાવત છે.તેથી જે સરકારની નીતિઓ સાથે આપણે મનથી સહમત ના હોઈએ તે સરકારમાં જોડાયેલા રહેવું તે પોતાની જાતને છેતરવાથી વિશેષ કંઈ નથી.’’

રાજીનામાં બાદ સરકારની બહાર રહી ડો.મુખરજીએ નેહરુની દેશવિરોધી અને હિંદુવિરોધી નીતિઓ વિરુદ્ધ દેશના વિપક્ષને એક કરવાનું કામ કર્યું,જનજાગરણ કાર્યક્રમો કર્યા. તેનાં પરિણામે નેહરુ-લિયાકત સંધિના મૂળ મુસદ્દામાં ભારતની વિધાનસભાઓ અને વિવિધ સેવાઓમાં મુસ્લિમોને આરક્ષણ આપવાનું જે પ્રાવધાન હતું તેને નાબુદ કરાવવામાં સફળતા મળી હતી.

રાજીનામું આપ્યા બાદ ૧૯ એપ્રિલ,૧૯૫૦ના રોજ સંસદમાં પોતાનાં રાજીનામાં અંગે જે વક્તવ્ય આપ્યું તે ભારત-પાકિસ્તાનના સંબધો બાબતે એક ગરીમાયુક્ત અને ભાવનાત્મક દસ્તાવેજ બની ગયો છે.નેહરુ-લિયાકત સંધિ એ મૂળભૂત સમસ્યાનું સમાધાન શા માટે નથી તે માટેનાં આ વક્તવ્યમાં આપેલાં કારણો આજે પણ એટલાંજ યથાર્થ અને સચોટ જણાય છે.

બુધવાર, 1 એપ્રિલ, 2020

આઝાદ ભારતના પ્રથમ ઉદ્યોગમંત્રી તરીકે ડો.શ્યામાપ્રસાદ મુખરજીનું યોગદાન.

આઝાદ ભારતની પ્રથમ જવાહરલાલ નેહરુની સરકારમાં ફક્ત ૨ વર્ષ માટે દેશના ઉદ્યોગમંત્રી તરીકે ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ જે કાર્યો કર્યા તે ખુબ જ સરાહનીય તથા નોંધનીય છે.ભારતના ઓદ્યોગિક વિકાસનો પાયો તૈયાર કરનાર ડો.મુખરજીના આ યોગદાન અંગે બહુ ઓછાં લોકોને ખ્યાલ હશે કારણકે જાણી જોઇને તેમનાં આ પાયારૂપ કાર્યની હંમેશા અવગણના કરવામાં આવી છે.જે કુનેહથી તેઓએ ઔદ્યોગિક વિકાસમાં આડખીલીરૂપ સમસ્યાઓનું સમાધાન કર્યું તેમજ ઔદ્યોગિક નીતિઓ બનાવી તેની પ્રશંસા તે સમયે તેમના વિરોધીઓએ પણ કરવી પડી હતી.કૃષિ પ્રધાન ભારતના ઔદ્યોગિક વિકાસ માટે તેમની પાસે સ્પષ્ટ આયોજન હતું.તેઓ માનતા હતા કે આપણાં દેશે હજુ ફક્ત રાજનૈતિક આઝાદી પ્રાપ્ત કરી છે પરંતુ દેશની રક્ષા તેમજ વિકાસ માટે આવશ્યક ચીજ-વસ્તુઓના ઉત્પાદનમાં સ્વનિર્ભરતા સાથેની દેશની આર્થિક આઝાદી પ્રાપ્ત કરવાની દિશામાં હવે કામ કરવાનું છે.

દેશનાં પ્રથમ ઉદ્યોગમંત્રી તરીકે તેમણે જે કંઈ કાર્ય કર્યું તેની માહિતી,આંકડાઓ તથા વિવરણ ખરેખર રસપ્રદ છે.ખુબ જ ઓછાં સંશાધનો તથા ઓછામાં ઓછાં મૂડીરોકાણ દ્વારા દેશને પગભર કરવો એ બહુ મોટો પડકાર હતો.સંપૂર્ણ રાષ્ટ્રીયકરણના વિચારના તેઓ સમર્થક નહોતાં.તેઓ કહેતાં કે,’’બધાં ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરી તેને સુચારુરૂપે ચલાવવા માટેનાં પૂરતાં સંશાધનો,નિપુણતા તથા પ્રશિક્ષિત લોકોની ખોટ છે ત્યારે યુવાનોને કૌશલયુક્ત બનાવી ખાનગી રોકાણોને પ્રોત્સાહન આપવું જરૂરી છે.’’તેઓ કૃષિક્ષેત્ર તથા ઉદ્યોગક્ષેત્રમાં નવી ટેકનોલોજીના હિમાયતી હતા.૧૯૪૮માં ભારત સરકારે જે ઔદ્યોગિક નીતિની ઘોષણા કરી તેમાં ડો.મુખરજીના વિચારોનું પ્રતિબિંબ દેખાઈ આવે છે.

૧૯૪૮ થી  ૧૯૫૦ના તેમનાં કાર્યકાળ દરમિયાન તેમણે ‘અખીલ ભારતીય હસ્તશિલ્પ બોર્ડ’, ’અખીલ ભારતીય હસ્તચરખા બોર્ડ’ તથા ‘ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ બોર્ડ’ની રચના કરી હતી.આ સંસ્થાઓના માધ્યમથી દેશના સુક્ષ્મ તથા લઘુ ઉદ્યોગોનો વિકાસ કરી દેશનાં અર્થતંત્રને જીવીત કરવાનો તેમનો ધ્યેય હતો.તેમનાં જ કાર્યકાળમાં ‘વસ્ત્ર અનુસંધાન સંસ્થાન’ તથા ‘ઔદ્યોગિક નાણા નિગમ’ની પણ રચના થઇ હતી.સદીઓથી અસંગઠિત રીતે ચાલી રહેલા ભારતીય રેશમ ઉદ્યોગનાં વિકાસ માટે ૧૯૪૯માં ડો.મુખરજીએ ‘કેન્દ્રીય રેશમ બોર્ડ’ની પણ સ્થાપના કરી હતી.

આઝાદ ભારતની આત્મનિર્ભરતા માટેની ચાર મહત્વની પરિયોજનાઓની શરૂઆત કરવાનો શ્રેય પણ પ્રથમ ઉદ્યોગમંત્રી ડો.શ્યામાપ્રસાદ મુખરજીના ફાળે જ જાય છે.૧૯૪૮માં પશ્ચિમ બંગાળના ચિતરંજન ખાતે સ્વચાલિત રેલ્વે એંજીન કારખાનાની શરૂઆત થઇ, જેમાં ૧૯૫૦માં ‘દેશબંધુ’ નામથી દેશનાં પ્રથમ સ્વચાલિત રેલ્વે એંજીનનું નિર્માણ થયું હતું.ડો.મુખરજીએ હિન્દુસ્તાન એયરક્રાફ્ટ ફેક્ટરી ને લીમીટેડ કંપનીમાં તબદીલ કરી તેને પુનર્જીવિત કરી હતી.બાદમાં ડો.મુખરજીના સતત માર્ગદર્શન હેઠળ આ ફેક્ટરીમાં ઇન્ડીયન એરફોર્સ માટે જેટ એરક્રાફ્ટના એસેમ્બલીંગનું કામ થયું,ભારતીય રેલ માટે ‘સ્ટીલ રેલ કોચ’ તથા પરિવહન માટેની બસના ઢાંચા બનાવવાનું કામ પણ થયું.

ભિલાઈ સ્ટીલ પ્લાન્ટની કલ્પના પણ ડો.મુખરજીની હતી.ભિલાઈ સ્ટીલ પ્લાન્ટની સ્થાપના માટેની સંધી તેમના દ્વારા થઇ હતી તેને લીધે જ ૧૯૫૫માં તેની સ્થાપના સંભવ બની હતી.ન્યુઝપ્રિન્ટનું ભારતમાં જ ઉત્પાદન થાય તે માટે ડો.મુખરજીએ મધ્યપ્રદેશમાં ‘રાષ્ટ્રીય ન્યુઝપ્રિન્ટ તથા પેપર મિલ્સ લીમીટેડ’ની સ્થાપના કરી હતી.ડો.મુખરજીની ઈચ્છા હતી કે ખાતરના ઉત્પાદનમાં ભારત સ્વનિર્ભર બને.તેમણે બિહારના ધનબાદ પાસે ખાતરના વિશાળ તથા આધુનિક કારખાનાની પણ સ્થાપના કરી હતી.તે જ રીતે બહુહેતુક પરિયોજના ‘દામોદર ઘાટી નિગમ (ડીવીસી)’ પણ ડો.મુખરજીની દુરંદેશી તથા પ્રશાસકીય કુનેહનું જ પરિણામ છે.આ યોજનાને સફળ બનાવવા માટે તેમણે કેન્દ્ર સરકાર,બિહાર સરકાર અને બંગાળ સરકાર વચ્ચે સહયોગનો સેતુ રચ્યો હતો.’દામોદર ઘાટી નિગમ’ બિહાર તથા બંગાળમાં ફેલાયેલી એક બહુ મોટી પરિયોજના છે.જે સિંચાઈ,જળ વ્યવસ્થાપન તથા ઉર્જાનો બહુ મોટો સ્ત્રોત છે.

વિશાળ ઔદ્યોગિક યોજનાઓની સાથે-સાથે ડો.મુખરજી લઘુ ઉદ્યોગો માટે બહુ સંવેદનશીલ હતા.લઘુ ઉદ્યોગોની સમસ્યાઓના નિરાકરણ તથા તેની આર્થીક મજબુતી માટે તેમણે કઠોર પરિશ્રમ કર્યો હતો.તમિલનાડુ સ્થિત માચીસ ઉત્પાદન કરતા ૨૦૦ જેટલાં લઘુ-કુટીર ઉદ્યોગો માટે સીધો હસ્તક્ષેપ કરી તેમને જરૂરી તમામ સંશાધનો પુરા પાડ્યા હતા તેમજ માચીસ પરનાં ઉત્પાદન શુલ્કમાં પણ મોટી રાહત આપી હતી તથા કાચામાલની પૂર્તિ અને તૈયાર માલના વિતરણને સરળ કરવા માટે આર્થિક સહાયતા માટેની યોજના પણ અમલમાં મૂકી હતી.

આમ,આઝાદી બાદ દેશનો આર્થીક પાયો મજબૂત બનાવવામાં દેશનાં પ્રથમ ઉદ્યોગમંત્રી તરીકે ડો.શ્યામાપ્રસાદ મુખરજીનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે.