મંગળવાર, 14 ઑગસ્ટ, 2018

સ્વરાજથી સુરાજ્ય તરફની યાત્રામાં સહભાગી બની રાષ્ટ્રોત્સવની ઉજવણી કરીએ.

આજે દેશ માટે મરવાની નહીં પરંતુ દેશમાટે જીવવાની જરૂર છે.
સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે ‘‘ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે દેશના યુવાનોએ ઇતિહાસનું અવલોકન કરી, ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ના થાય તેના માટે સજાગ રહી દેશહિતમાં જીવન જીવવું જોઈએ’’. સેંકડો વીર યુવાનો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનો બાદ આપણે હજારો વર્ષોની ગુલામીમાંથી ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે મુક્ત થયા.આજના આ દિવસે આપણે સૌએ વિચારવું રહ્યું કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ ? આપણે ક્યાંક ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન તો નથી કરી રહ્યા ને ? આપણને સૌને ખ્યાલ છે કે આંતરિક એકતા અને રાષ્ટ્રપ્રેમના અભાવે વર્ષો સુધી આપણો દેશ ગુલામ રહ્યો. ‘ભાગલા પાડો ને રાજ કરો’ની નીતિ અપનાવી વર્ષો સુધી જુદી-જુદી વિદેશી પ્રજાઓએ આ દેશ પર શાસન કર્યું અને થઇ શકે તેટલું શોષણ પણ કર્યું.આઝાદી બાદ હવે દેશમાં લોકશાહી છે પરંતુ આપણા દેશની સૌથી મોટી કમનસીબી અને નબળાઈ એ છે કે સમગ્ર રાષ્ટ્ર કે પૂરા સમાજના હિતમાં પણ આપણે સૌ એકમત નથી.વર્ષો સુધી દેશમાં કોંગ્રેસનું શાસન રહ્યું.આપણી કમનસીબી કે આઝાદી પહેલાંની કોંગ્રેસ આઝાદી બાદ માત્ર એક પરિવારની પાર્ટી બની ગઈ અને દેશ જાણે પોતાની જાગીર હોય તે રીતે પેઢી દર પેઢી ઉતરોતર સતા ફક્ત એકજ પરિવાર પુરતી સીમિત બનાવી લોકશાહીને છુપી રાજાશાહીમાં પરિવર્તિત કરી દીધી. યેનકેન પ્રકારે પોતાના પરિવાર પાસે સતા કાયમી કઈ રીતે ટકી રહે તે જ મુખ્ય લક્ષ્ય બની ગયું. સતામોહમાં કોંગ્રેસ દેશવિરોધી તત્વોને સાથ આપતા પણ અચકાઈ નહિ. તેના હૃદયમાં રાષ્ટ્રપ્રેમ કે માનવતા જેવું કશું બચ્યું જ નહિ. ભ્રષ્ટાચારમાં ડૂબેલી કોંગ્રેસ માટે સેવા નહિ પરંતુ સતા જ સર્વોપરી બની ગઈ. પરિણામે દેશના ગરીબોના,ખેડૂતોના,પીડિતોના,વંચિતોના,દલિતોના કે મધ્યમ વર્ગના જે સપનાઓ હતા તે ચકનાચૂર થઇ ગયા અને કોંગ્રેસના આ કાલખંડમાં આઝાદી વખતે કંડારેલી સ્વરાજથી સુરાજ્યની કલ્પના અધુરી રહી ગઈ.દેશને સ્વરાજ તો પ્રાપ્ત થયું પરંતુ આઝાદીના લડવૈયાઓનાં સપનાનું ભારત પ્રાપ્ત ના થઇ શક્યું.
આઝાદ ભારતને સમર્થ ભારત – સક્ષમ ભારત અને સમૃદ્ધ ભારત બનાવવા માટે આપણે આજે દેશ માટે મરવાની નહીં પરંતુ દેશમાટે જીવવાની જરૂર છે.એક તરફ રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી જ્ઞાતિ-જાતી કે ધર્મ-સંપ્રદાયોનો સહેજપણ ભેદભાવ રાખ્યા વગર તમામ સમાજ-વર્ગોના સર્વાંગી ઉત્કર્ષ માટે તથા ભારતને પુનઃ વિશ્વગુરુ બનાવવા માટે રાત-દિવસ સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણીકતાથી કામ કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ અને વિરોધપક્ષો માત્રને માત્ર મોદીને હરાવવા માટે એક થઇ મહેનત કરી રહ્યા છે ત્યારે એક સાચા દેશભક્ત અને ભારતીય તરીકે આપણે નક્કી કરવાનું છે કે આપણે દેશને કઈ દિશામાં લઇ જવો છે ? શું આપણે દેશને ફરી એક વખત ગુલામીની ગર્તામાં ધકેલવો છે ? એક તરફ  દુનિયાનાં બીજા દેશોના યુવાનો નવીનતમ શોધો કરી પોતાના દેશનું ગૌરવ વધારી રહ્યા છે તો બીજી તરફ અમુક લોકો આપણને હજુ જ્ઞાતિવાદ-જાતીવાદના ઝઘડાઓમાં વ્યસ્ત રાખવા માંગે છે.બીજા દેશના યુવાનો ઈન્ટરનેટ અને ટેકનોલોજીના માધ્યમથી વિશ્વને જોડી રહ્યા છે.વિશ્વ સાથે વ્યાપાર કરી પોતાના દેશની આર્થિક પ્રગતિમાં યોગદાન આપી રહ્યા છે તો હજુ અમુક સતાલાલચુ લોકો પોતાની સતા ભૂખ સંતોષવા માટે દેશમાં ધર્મ અને સંપ્રદાયના નામે ભાગલાઓ પડાવી અંદરો અંદર લડાઈ કરાવી દેશને ફરીથી અધોગતિ તરફ ધકેલવાના હીન પ્રયાસો કરી રહ્યા છે. એક તરફ છેલ્લાં ચાર વર્ષમાં ભારતમાં અને ભારતીયોના જુસ્સામાં આવેલાં હકારાત્મક બદલાવને લઈને અમેરિકા સહીત વિશ્વના તમામ દેશો ભારત તરફ સન્માનની દ્રષ્ટિથી જોતા થયા છે.ભારત સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપવા સક્ષમ બની રહ્યું છે ત્યારે દેશની જ કેટલીક રાજકીય પાર્ટીઓ વિઘટનકારી તત્વો સાથે મળી દેશમાં અફવાઓ ફેલાવી અંધાધૂંધીનો માહોલ બનાવી દેશની વૈશ્વિક છબી બગડવાના દુષ્કૃત્યો કરી રહ્યા છે.
આજે જયારે આપણે ૨૧મી સદીમાં જીવી રહ્યા છીએ ત્યારે કયો ભારતીય એવો હશે કે જે ભારતને બદલવા નહીં માંગતો હોય ? કયો ભારતીય એવો હશે જે દેશના વિકાસમાં ભાગીદાર બનવા નહીં ઈચ્છતો હોય ? વિકાસ,પ્રગતિ અને પરિવર્તનની ઈચ્છા દરેક દેશવાસીઓની હોય જ પરંતુ સૌ પ્રથમ તેના માટે જાગૃત બની દેશ માટે કયું નેતૃત્વ લાભદાયી છે ? કયું નેતૃત્વ પ્રમાણિક છે ? કયું નેતૃત્વ દેશ માટે સમર્પિત ભાવથી નિસ્વાર્થભાવે કાર્ય કરી રહ્યું છે ? તે ઓળખી લેવાની જરૂર છે.આવા પ્રમાણિક, નિસ્વાર્થ, સમર્પિત, સક્ષમ, વિચક્ષણ અને પ્રચંડ હકારાત્મક ઉર્જા સાથે કાર્યરત નેતૃત્વને સાથ આપવો,સમર્થન આપવું તે પણ એક પ્રકારે દેશ પ્રત્યેનું આપણું એક યોગદાન જ છે.  
સૌ દેશવાસીઓના મનની અંદર દેશની પ્રગતી માટેની એક આશા છે,એક ઉંમંગ છે,એક ઈચ્છા છે,એક સંકલ્પ છે.તો આવો આજના સ્વાતંત્ર્યદિને આપણે સૌ દેશવાસીઓ કઠોર પરિશ્રમ કરવા મંડી પડીએ.આપણે જ્યાં પણ હોઈએ,જે ક્ષેત્રમાં હોઈએ, દરેક ક્ષણે દેશનો વિચાર કરીએ,આપણાં દરેક કાર્યમાં  રાષ્ટ્રપ્રથમનો ભાવ જોડીએ,રાષ્ટ્રને તોડવાવાળી ટોળીઓને ઓળખીએ.આ સમય આરામ લેવાનો નથી.આપણા કાર્ય અને સાચી સમજણ પર જ ભારતના ભવિષ્યનો આધાર છે.આજના શુભ દિવસે આપણે દેશને જ્ઞાતિવાદ-જાતીવાદથી આઝાદી અપાવીએ,ભ્રષ્ટાચાર,ગરીબી અને વંશવાદથી આઝાદી અપાવીએ,તુષ્ટિકરણની રાજનીતિથી આઝાદી અપાવીએ અને દેશનાં સર્વાંગી વિકાસ માટે મન,કર્મ અને વચનથી હકારાત્મકતા સાથે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાઈ ને દેશની સ્વરાજથી સુરાજ્ય તરફની યાત્રામાં સહભાગી બની રાષ્ટ્રોત્સવની સાચી ઉજવણી કરીએ.
‘તેરી ગઠરીમેં લાગા ચોર,મુસાફિર જાગ જરા’

શુક્રવાર, 25 મે, 2018

ભારતીય બેન્કીંગ સીસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું: ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ બીલ

બેન્કોને બુચ મારનારાઓ હવે સીધાદોર, ૨૧૦૦ કંપનીઓએ આ કાયદાને લીધે તેના
બાકી લેણા પેટે કુલ ૮૩ હજાર કરોડ રૂપિયા બેન્કમાં ભર્યા.


ભારતીય રીઝર્વ બેન્ક અને નાણા મંત્રાલયે ભારતની બેન્કીંગ વ્યવસ્થાને મજબૂત
બનાવવા માટે કવાયત હાથ ધરી છે. કોંગ્રેસના ૧૦ વર્ષના શાસન દરમ્યાન કોંગ્રેસે તેના
તમામ નજીકના ઉદ્યોગપતિઓને નિયમો નેવે મુકીને બેન્કો દ્વારા લોન અપાવી.
જનતાની મહેનતના, બેન્કોમાં જમા પૈસાની ખુલ્લેઆમ લ્હાણી કરી અને એવું પ્લાનીંગ
કર્યુ કે બેન્કોની બેલેન્સ સીટમાં તે દેખાય પણ નહી. માર્ચ-૨૦૦૮માં બેન્કો દ્વારા
અપાયેલ કુલ એડવાન્સ ૧૮.૦૬ લાખ કરોડ રૂપિયા હતું જે કોંગ્રેસ શાસનના ત્યાર
પછીના ૬ વર્ષમાં ત્રણ ગણું વધીને માર્ચ-૨૦૧૪માં ૫૨.૧૫ લાખ કરોડ રૂપિયા પર
પહોચી ગયું અને ચાલાકીપૂર્વક આમાની ફક્ત ૩૬ ટકા ભારિત અસ્ક્યામતોને
એન.પી.એ. તરીકે દર્શાવી. કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે ઉંડી તપાસ કરાવવામાં
આવતા આ આંકડો ૮૨ ટકા પર પહોચી ગયો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દ્રઢ
ઇચ્છાશક્તિને લીધે હાલ ભારતીય અર્થતંત્રમાં પણ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યુ છે
જેના ભાગરૂપે ભારતીય બેન્કીંગ સીસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે મોદી સરકાર
દ્વારા ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ બીલ લાવવામાં આવ્યું.

ભારતમાં વ્યક્તિગત નાદારી, નાદાર કંપનીઓ તથા લોન લઇ સમયસર હપ્તા ન
ભરનારાઓ સામે પગલા લેવા માટે અનેક પ્રકારના જુદા જુદા કાયદાઓ હતા અને તેનું
જુદુ જુદુ અર્થઘટન થતું હોવાથી આવા લોકો આવી છટકબારીઓનો લાભ લઇ છટકી
જવામાં સફળ થતા હતા અને તેને પરિણામે ભારતની ક્રેડિટ સીસ્ટમ પર બહુ મોટો
બોજો આવતો હતો તેમજ લોનની રિકવરી કરવી એ બેન્કો માટે માથાનો દુખાવો બની
ગયેલ. બેન્કોને મજબૂત બનાવવા તેમજ ભારતની ક્રેડિટ સીસ્ટમને ધારદાર બનાવવાના
હેતુથી મોદી સરકારે ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ બીલ નવેમ્બર-૨૦૧૫માં રજુ
કર્યું. પાર્લામેન્ટની જોઇન્ટ કમિટિ અને જાહેર જનતાના સલાહ-સૂચનો બાદ અંતે
૨૦૧૬માં આ બીલ પાર્લામેન્ટના બંને સદનમાં પસાર થયું.

ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ બીલ – ૨૦૧૬ એ ભારતના આર્થિક
સુધારાઓ માટેનું એક ઐતિહાસિક કદમ કહી શકાય. ભારતીય અર્થતંત્રને લાંબા ગાળાની
મજબૂતાઇ આપવા માટે આ બીલ નિર્ણાયક સાબિત થશે. તાજેતરમાં જ કેન્દ્રીય
મંત્રીમંડળે આ બીલમાં થયેલા નવા સુધારાને પણ મંજુરી આપી દીધી છે. આ બીલમાં
અત્યાર સુધીનો આ બીજો મોટો સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ નાદાર થયેલી
કંપનીઓના પ્રમોટર્સ હવેથી તે કંપનીઓની મિલકતોની હરાજીમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ
રીતે ભાગ નહી લઇ શકે તેનો મતલબ એ થયો કે અત્યાર સુધી આ બુચ મારનારાઓ
પહેલા બેન્કમાં પ્રોપર્ટી ગિરવે મુકી બહુ મોટી રકમની લોન લઇ લેતા, ત્યારબાદ હપ્તા
ચૂકવવાનું બંધ કરી હાથ ઉંચો કરી દેતા હતા. બેન્કો દ્વારા તેમની મિલકતોની હરાજી
કરવામાં આવતી ત્યારે પણ બેન્ક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી પોતાની જ મિલકતો
હરાજીમાં ખૂબ નીચા ભાવે ખરીદી લેતા હતા. ભૂતકાળમાં આ પ્રકારના કૌભાંડો બહુ
મોટા પાયે થતા હતા અને પરિણામે ભારતની રાષ્ટ્રીયકૃત બેન્કો દિવસે ને દિવસે વધુ
નબળી પડતી જતી હતી. બેન્કોની ખોટ પુરવા માટે સરકારે વારંવાર બેન્કોને હજારો કરોડ
રૂપિયા આપવા પડતા હતા. આમ, રાજકારણીઓ બેન્કોના અધિકારીઓ અને
ઉદ્યોગપતિઓની મીલીભગતથી પ્રજાનો પૈસો બરબાદ કરવામાં આવતો હતો પરંતુ
ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ બીલને લીધે હવેથી કોંગ્રેસથી મીલીભગતથી થયેલા
આવા કાળા કરતૂતો ભૂતકાળ બનશે. તાજેતરમાં જ મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ
દ્વારા અપાયેલી માહિતી મુજબ ભારતની ૨૧૦૦ જેટલી કંપનીઓએ તેના બેન્કના
બાકી લેણા કુલ ૮૩ હજાર કરોડ રૂપિયા તાત્કાલિક ધોરણે બેન્કોને ચૂકવી દીધા છે. તેથી
જ કહી શકાય કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં આપણો દેશ બદલાઇ
રહ્યો છે આગળ વધી રહ્યો છે.

શનિવાર, 14 એપ્રિલ, 2018

વિદ્વાન અર્થશાસ્ત્રી : ડો.બાબાસાહેબ આંબેડકર


ડો.બાબાસાહેબનું ભારતીય અર્થતંત્ર પરનું વિશ્લેષણ આજના સમયે પણ એટલુંજ પ્રસ્તુત છે.

વિચક્ષણ બુધ્ધિક્ષમતા સાથે બહુપરિમાણીય ક્રિયાશીલ વ્યક્તિત્વ ધરાવતા હોય તેવા લોકો દેશ અને દુનિયાનાં ઇતિહાસમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે.જેમાં ડો.બાબાસાહેબ આંબેડકરનો સમાવેશ થાય છે.તેઓ વિરલ પ્રતિભાના ધણી હતા.ડો.બાબાસાહેબને સામાન્ય રીતે આપણે ફક્ત ‘બંધારણના ઘડવૈયા’, ‘મહાન અધિવક્તા’, ‘સ્વાતંત્ર્ય સેનાની’,કે ‘અનુસુચિત જાતિના મહાન નેતા’ તરીકે જ ઓળખીએ છીએ.પરંતુ તેમના જીવન-કવન અને લેખનનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે તેઓ એક ‘મહાન અર્થશાસ્ત્રી’ પણ હતા.તેઓએ લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસ માંથી ડોકટરેટની પદવી પ્રાપ્ત કરી હતી.તેઓએ બી.એ.(બોમ્બે યુની.),એમ.એ.(કોલંબિયા યુની.),એમ.એસ.સી.(લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસ),પી.એચ.ડી.(કોલંબિયા યુની.),ડી.એસસી.(લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસ),એલ.એલ.ડી.(કોલંબિયા યુની.),ડીલીટ(ઓસ્માનિયા યુની.) અને બેરિસ્ટર એટ લો ની ડીગ્રી ગ્રેયઝ ઇન,લંડન થી પ્રાપ્ત કરી હતી.તેઓએ તે સમયના વિશ્વના  વિખ્યાત અર્થશાસ્ત્રીઓ પાસેથી અર્થતંત્રનું જ્ઞાન મેળવ્યું હતું.૧૯૩૦ના સમયગાળા દરમિયાન તેઓ મુંબઈની સીડનહામ કોલેજમાં ઇકોનોમિકસના પ્રોફેસર પણ રહી ચુક્યા છે.ડો.બાબાસાહેબનું ભારતીય અર્થતંત્ર પરનું વિશ્લેષણ આજના સમયે પણ એટલુંજ પ્રસ્તુત છે.

ભારતીય ચલણી નાણાનાં અવમુલ્યનની સમસ્યા,
બ્રિટીશ શાશન હેઠળની ભારતીય સરકાર તે સમયે ચલણના અવમુલ્યનની સમસ્યાનો સામનો કરી રહી હતી ત્યારે ૧૯૨૩માં ડો.બાબાસાહેબે ‘ ધ પ્રોબ્લેમ ઓફ રૂપી – ઈટઝ ઓરીજીન એન્ડ સોલ્યુશન’ નામના તેમના મહાનિબંધમાં તેઓએ લખ્યું હતું કે ભારતના ગોલ્ડ એક્સચેન્જના ધોરણોમાં સ્થિરતાનો અભાવ છે.આ ધોરણો ભારત જેવા વિકસતા અર્થતંત્ર માટે ઉપયુક્ત નથી.તેનાંથી ફુગાવો અને ભાવવધારાને પ્રોત્સાહન મળશે.તેઓએ આંકડાકીય માહિતી અને સચોટ કારણો સાથે સાબીત કરી બતાવ્યું હતું કે શા માટે ભારતીય રૂપિયાનું અવમુલ્યન થયું જેનાં પરિણામે ખરીદશક્તિમાં ઘટાડો થયો.તેઓએ રાજકોષીય ખાધ પર અંકુશ અને ભાવ સ્થિરતા પર વધુ ધ્યાન આપવા જણાવ્યું હતું.તેઓનો આ મહાનિબંધ આગળ જતા રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના નિર્માણ માટે પણ પથદર્શક બન્યો હતો.

ટેક્સેશન પોલીસી,
ડો.આંબેડકરે ૧૯૩૬માં ‘સ્વતંત્ર મજદૂર પાર્ટી’ના મેનીફેસ્ટોમાં ટેક્સેશન વિશેના તેમના વિચારો રજુ કર્યા હતા.તેમના મતે ત્યારની જમીન મહેસુલની પદ્ધતિ અને કરપ્રણાલી ગરીબ,ખેડૂતો અને મજદૂર વર્ગ માટે બોજારૂપ હતી.તેઓની દલીલ હતીકે તે સમયની કર પદ્ધતિ ભેદભાવયુક્ત અને અસમાન હતી.તેઓનાં સૂચનો નીચે મુજબના હતા.

  • ગરીબો પર ઓછો અને શ્રીમંતો પર વધુ ટેક્સ હોવો જોઈએ. 
  •  નિશ્ચિત રકમની આવક પર ટેક્સ માફી હોવી જોઈએ.
  • સમાજના તમામ વર્ગો માટે સમાંતર કરમાળખું હોવું જોઈએ.
  • લોકોનું જીવનધોરણનું સ્તર વધુ નીચે ના આવે તે પ્રકારનું કરમાળખું હોવું જોઈએ.
  • જમીન મહેસુલ કર પદ્ધતિ સરળ હોવી જોઈએ તેમજ ખેતીની જમીન પર તેને લાગુ કરવી જોઈએ નહિ.

આશ્ચર્યની વાતતો એ છે કે ડો.આંબેડકરે ૧૯૨૩માં ફ્રી ઈકોનોમી,ગ્લોબલાઈઝેશન,લીબરલાઈઝેશન અને પ્રાઈવેટાઈઝેશનની તરફેણ કરી હતી.તેઓએ લખ્યું છે કે ઔદ્યોગીકરણ એ દેશના ઝડપી આર્થીક વિકાસનો પાયો છે.તેના લીધે મોટા પ્રમાણમાં રોજગારી ઉપલબ્ધ બને છે અને તેનાં દ્વારા મોટા પ્રમાણમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે.પરિણામે આયાત ઘટે છે,દેશનું ઘરેલું ઉત્પાદન વધે છે અને દેશનો આર્થિક વિકાસ ઝડપી બને છે.દેશનાં આર્થિકવિકાસ માટે સ્ત્રીઓની સહભાગિતા અનિવાર્ય છે.સ્ત્રીઓને સમાન દરજ્જો,ઉચ્ચ શિક્ષણ તથા ધંધા રોજગાર કરવા માટેની સ્વતંત્રતાના તેઓ હિમાયતી હતા.આ ઉપરાંત તેઓએ દેશના આર્થીકવિકાસ માટે વસ્તી નિયંત્રણ,દરેક વર્ગો સાથે સમાન વહેવાર,સમાન તકો,જ્ઞાતિપ્રથા નાબુદી તથા ખેતી અને ખેડૂતોના આર્થિકવિકાસને મહત્વ આપ્યું હતું.તેઓ કહેતા કે બંધન વગરનો મૂડીવાદ એ આગળ જતા શોષણયુક્ત સમાજને જન્મ આપશે.આર્થિક અને સામાજિક અસમાનતા એ આગળ જતા સરદર્દ બનશે.તેઓ શોષણમુક્ત આર્થિક વ્યવસ્થાના હિમાયતી હતા.ડો.આંબેડકરે આર્થિકવિષયો પર અનેક મહાનીબંધો,પુસ્તકો તથા લેખો લખ્યા છે.ભારતના તથા વિશ્વના ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓ આજે પણ તેમના આર્થિકચિંતનનો આધારે નીતિઓ બનાવે છે.આમ,ડો.બાબાસાહેબ આંબેડકર કોઈ એક સમાજ,વર્ગ,ધર્મ કે દેશનાં નહિ પરંતુ સમગ્ર વિશ્વને દિશા આપનાર મહામાનવ હતા.આવા વિરાટ વ્યક્તિત્વની જન્મજયંતિએ તેઓને સાદર પ્રણામ.

બુધવાર, 28 માર્ચ, 2018

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હાલ ભારતીય અર્થતંત્રમાં પણ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે.

કેન્દ્ર સરકારની પારદર્શક શાસનવ્યવસ્થા તેમજ દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિને લીધે કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન ફૂલ્યા-ફાલ્યા હોય તેવા અનેક કૌભાંડોનો પર્દાફાશ થઇ રહ્યો છે.


ભારતીય જનતા પાર્ટીની સરકાર એક પછી એક કડક કાયદાઓ લાવી,નીતિઓને તેમજ બેંકિંગ સિસ્ટમને મજબુત બનાવી ભવિષ્યમાં આવાં એકપણ કૌભાંડ ના થાય તેનાં માટે મક્કમતાથી આગળ વધી રહી છે.


છેલ્લાં ચાર વર્ષમાં બેન્કોએ આપેલી લોનમાંથી એકપણ લોન NPA થઇ નથી.
 

ભ્રષ્ટાચાર,તુષ્ટિકરણની રાજનીતિ,પરિવારવાદ,નીતિ વિષયક બાબતોમાં અનિર્ણાયકતા,દેશ વિરોધી નીતિરીતિઓ,કૌભાંડોની વણઝાર વગેરે જેવી બાબતોને લીધે દેશની જનતાએ એક સમયે ૪૦૦ સીટો જીતેલી કોંગ્રેસને ફક્ત ૪૪ એ પહોંચાડી દીધી.કોંગ્રેસના ૨૦૦૪ થી ૨૦૧૪ ના દસ વર્ષના શાસન દરમિયાન દર બે-ત્રણ મહીને એક કૌભાંડ બહાર આવતું હતું. કોંગ્રેસ વખતના આર્થિક કૌભાંડો પર એક નજર નાંખીએ તો હર્ષદ મહેતા કૌભાંડ,કેતન પારેખ કૌભાંડ,રામાલિંગા રાજુનું સત્યમ કૌભાંડ,સહારા ઇન્ડિયા કૌભાંડ,શારદા ચીટ ફંડ કૌભાંડ,NSEL કૌભાંડ વગેરે.કેન્દ્રમાં કોંગ્રેસ શાસનનો અંત આવ્યો તેને પણ ચાર વર્ષ થયા છતાં કોંગ્રસના સમયમાં આચરેલા કૌભાંડો હજુપણ તેમનો પીછો છોડતા ના હોય તેમ એક પછી એક સામે આવતા જાય છે.

તાજેતરમાંજ બેંકિંગક્ષેત્રના મસમોટાં કૌભાંડો સામે આવ્યા.આ કૌભાંડો ભાજપા સરકારના કાર્યકાળ દરમિયાન ખુલ્લાં પડ્યા છે ત્યારે વિપક્ષો જુઠાણાઓ ફેલાવી એવી ભ્રાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ કૌભાંડો ભાજપા સરકારની મદદથી થયા છે.કેન્દ્રની ભાજપા સરકારનાં ચાર વર્ષના કાર્યકાળમાં ભ્રષ્ટાચારનો એકપણ આરોપ કોઈ લગાવી શક્યું નથી.આજે જયારે વર્ષો પછી દેશને એક પ્રમાણીક અને ઈમાનદાર સરકાર મળી છે ત્યારે બહુ સ્વાભાવિક છે કે વિપક્ષોને આ વાત આંખના કણાની જેમ ખુંચે.તેથી જ આવા બેબુનિયાદ આક્ષેપો તેઓ ભાજપા પર કરી રહ્યાં છે.૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપની સરકાર બની ત્યારથી આજ સુધીમાં ભાજપા સરકારની પારદર્શક શાસનવ્યવસ્થા તેમજ દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિને લીધે કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન ફૂલ્યા-ફાલ્યા હોય તેવા અનેક કૌભાંડોનો પર્દાફાશ થઇ રહ્યો છે ત્યારે એમ કહી શકાય કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હાલ ભારતીય અર્થતંત્રમાં પણ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે.

કેન્દ્રીય કાયદામંત્રીશ્રી રવિશંકરપ્રસાદે તાજેતરમાંજ એક પ્રેસવાર્તામાં બહુમોટો ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે ‘’NPA (નોન પરફોર્મિંગ અસેટસ) સંકટ એ દેશને કોંગ્રસની ભેંટ છે.૧૦ વર્ષના શાસન દરમિયાન કોંગ્રેસે તેના તમામ નજીકના ઉદ્યોગપતિઓને બેંકો દ્વ્રારા લોન અપાવી.જનતાની મહેનતના, બેન્કોમાં જમા પૈસાની લ્હાણી કરી અને એવું પ્લાનિંગ કર્યું કે બેન્કોની બેલેન્સશીટમાં તેને દેખાડ્યું પણ નહિ.માર્ચ ૨૦૦૮માં બેંકો દ્વારા અપાયેલું કુલ એડવાન્સ ૧૮.૦૬ લાખ કરોડ રૂપિયા હતું. જે યુપીએ શાસનના ત્યાર પછીના છ વર્ષમાં તે ત્રણ ગણું વધીને માર્ચ ૨૦૧૪માં ૫૨.૧૫ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું.માર્ચ ૨૦૧૪માં ફક્ત ૩૬% ભારિત અસ્કયામતોને NPA  તરીકે દર્શાવી અને જયારે જુન ૨૦૧૭માં આ જ ભારિત અસ્ક્યામાંતોનો ખુલાસો થતાં તે ૮૨% પર પહોંચી ગઈ.મોટા પ્રમાણમાં છુપાવી રાખેલી NPA(નોન પરફોર્મિંગ અસેટસ)ને મોદી સરકારે શોધીને કોંગ્રસના ૧૦ વર્ષોના કારનામા પ્રજા સમક્ષ ખુલ્લાં પાડ્યા છે.છેલ્લાં ચાર વર્ષમાં બેન્કોએ આપેલી લોનમાંથી એકપણ લોન NPA થઇ નથી.વાસ્તવમાં એનપીએ સંકટ એ યુપીએ સરકારનું મસમોટું કૌભાંડ છે અને એનડીએ સરકારને મળેલી સૌથી મોટી જવાબદારી(liability) છે.’’

નીરવ મોદી અને મેહુલ ચોકસી કૌભાંડની શરૂઆત પણ ૨૦૧૧માં કોંગ્રેસ શાસન દરમિયાન જ થયેલી.તેમને ફાયદો કરાવવા માટે કોંગ્રસના પી.ચિદમ્બરમે તેના શાસનનાં છેલ્લાં દિવસ સુધીની તક પણ જતી કરી નહોતી.૧૬મી મેં ૨૦૧૪ના દિવસે લોકસભાની ચૂંટણીઓના પરિણામો જાહેર થવાના હતા તે દિવસે પી.ચિદમ્બરમે ગોલ્ડ ઈમ્પોર્ટ માટેની ૮૦:૨૦ની સ્કીમમાં સુધારો કરતો ઓર્ડર ઈશ્યુ કર્યો અને પ્રીમિયર ટ્રેડીંગ હાઉસ અને સ્ટાર ટ્રેડીંગ હાઉસોને આ સ્કીમ હેઠળ ગોલ્ડ ઈમ્પોર્ટ કરવાની છૂટ અપાઈ.કેગના નિરીક્ષણ મુજબ તેનાંથી ૧૩ ટ્રેડીંગ હાઉસોને રૂપિયા ૪૫ અબજ જેવો લાભ થયો.આ ૧૩ કંપનીઓમાં નીરવ મોદી અને મેહુલ ચોકસીની કંપનીઓ પણ સામેલ છે.શાસનનાં છેલ્લાં દિવસે તમને આવો અગત્યનો નિર્ણય ઉતાવળે કરવાની શી જરૂર પડી ? આમ પણ પરિણામના દિવસ સુધી આચારસંહિતા લાગુ હોય છે તેમ છતાં શા માટે આવો ઓર્ડર ઈશ્યુ કરાવ્યો ? કોના ફાયદા માટે આવું કરવું પડ્યું ? એવી તે શી ઉતાવળ હતી ? તમે આવો અગત્યનો નિર્ણય નવી સરકાર પર શા માટે ના છોડ્યો ?હાલ,ભાજપની સરકાર દ્વારા આ કેસમાં સંડોવાયેલા ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પીએનબી બેંકના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ છે.મુંબઈની વિશેષ કોર્ટે નીરવ મોદી અને મેહુલ ચોકસી વિરુધ્ધ બિન જામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યા છે અને આ બંનેની કુલ રૂપિયા ત્રણ હજાર કરોડથી વધુની સંપતિ પણ જપ્ત કરવામાં આવી છે.આ ઉપરાંત આ બંને સામે રેડકોર્નર નોટીસ જારી કરવા ઇડીએ ઇન્ટરપોલનો પણ સંપર્ક કર્યો છે.આમ,ભાજપા સરકાર ગુનેગારોને પકડવા માટે મક્કમતાથી આગળ વધી રહી છે.

આ જ રીતે વિજય માલ્યા અને કોંગ્રેસની દોસ્તી પણ જગજાહેર છે. વિજય માલ્યાને ૨૦૦૯માં કોંગ્રેસ કૃપાથી ૧૫ જેટલી બેન્કોએ ૯ હજાર કરોડની લોન આપી હતી.આ કૌભાંડ પણ કેન્દ્રમાં ભાજપા સરકાર આવી પછી બહાર આવ્યું.તેની ભારત ખાતેની તમામ સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે.હાલ તેના વિરુધ્ધ લંડનમાં કેસ ચાલી રહ્યો છે.ભારત સરકાર વતી સીપીએસ દલીલો કરી રહ્યું છે.લંડનની વેસ્ટમીન્સ્ટર કોર્ટના જજે પણ ટકોર કરી છે કે ભારતની બેન્કોએ તમામ નિયમો નેવે મુકીને માલ્યાને લોન આપી છે.આ છે કોંગ્રેસના કાળા કરતુતોનો વધુ એક નમુનો.

કોંગ્રેસના કાર્તી ચિદમ્બરમની માની લોન્ડરિંગ અને લાંચ લેવાના કેસમાં ધરપકડ થઇ છે.૨૦૧૨માં કોંગ્રસના શાસનમાંજ બેન્કોનાં હજારો કરોડ લઇ વિદેશ ભાગી ગયેલ જતીન મહેતા સામે કોંગ્રેસે કોઈ પગલાં લીધા નહોતા.કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ત્યારબાદ તેની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.કોંગ્રેસના સમયમાંજ જેને લોન આપી હતી તેવા રોટોમેકના વિક્રમ કોઠારી અને તેના પુત્રની ૩૬૯૫ કરોડના વિલફુલ ડિફોલ્ટર કેસમાં સીબીઆઈએ ધરપકડ કરી છે અને હાલ જેલમાં છે.આ જ રીતે કોંગ્રેસ શાસનમાં લોન લેનાર આર.પી.ઈન્ફોસીસ્ટમના ડીરેકટરોની પણ ૫૧૫ કરોડની બેંક સાથેની છેતરપીંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે.કેન્દ્ર સરકાર દ્વારા ૪૦૦ કંપનીઓની યાદી તૈયાર કરાઈ છે અને બેન્કોના પૈસાનું ફૂલેકું ફેરવનાર ૯૧ ડિફોલ્ટરોને દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.ડિફોલ્ટરો કાયદાનો ફાયદો લઇને છટકી ના જાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ ૨૦૧૬’ નો નવો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે.આ ઉપરાંત દેશની જનતાના પૈસા સુરક્ષિત કરવા માટે હાલ એફઆરડીઆઈ બીલ પણ ચર્ચામાં છે.

આમ,ભારતીય જનતા પાર્ટીની સરકાર એક પછી એક કડક કાયદાઓ લાવી,નીતિઓને તેમજ બેંકિંગ સિસ્ટમને મજબુત બનાવી ભવિષ્યમાં આવાં એકપણ કૌભાંડ ના થાય તેનાં માટે મક્કમતાથી આગળ વધી રહી છે.