મંગળવાર, 31 માર્ચ, 2020

એક વિચક્ષણ રાજનેતા,પ્રખર દેશભક્ત,શિક્ષણવિદ અને હિન્દુહિત રક્ષક - ડો.શ્યામાપ્રસાદ મુખરજી

માત્ર ૫૨ વર્ષના અલ્પકાલીન આયુષ્યમાં જાહેરજીવનની મહતમ ઉંચાઈઓ પર પહોંચી,પોતાના પવિત્ર જીવન,મૂલ્યનિષ્ઠ રાજનીતિ,ઉત્કૃષ્ટ રાષ્ટ્રપ્રેમ અને વિચક્ષણ બુદ્ધિક્ષમતા દ્વારા ભારતીય ઇતિહાસમાં જેમણે અમરત્વ પ્રાપ્ત કર્યું છે એવાં ડો.શ્યામાપ્રસાદ મુખરજીનો જન્મ ૬ જુલાઈ ૧૯૦૧ના કલકતામાં થયો હતો.’બંગાળ ટાઈગર’ના નામે સુવિખ્યાત મહાન શિક્ષણશાસ્ત્રી સર આશુતોષ મુખરજીના પુત્ર ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ તેમના જાહેર જીવનનો પ્રારંભ એક શિક્ષણવિદ તથા વકીલના રૂપમાં કર્યો હતો.

કલકતા યુનીવર્સીટીમાં સર્વોચ્ચ સ્થાન સાથે ઉતીર્ણ થયા બાદ તેઓએ કાયદાનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ બેરિસ્ટર બનવા માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા.બ્રિટનમાં જઈ તેમણે ત્યાંની યુનીવર્સીટીઓ અને તેની કાર્યપ્રણાલીઓનો પણ અભ્યાસ કર્યો.ઇંગ્લેન્ડથી પરત આવીને માત્ર ૨૩ વર્ષની ઉંમરમાં તેઓ કલકતા યુનીવર્સીટીના સીન્ડીકેટ સભ્ય પદે ચૂંટાયા હતા.માત્ર ૩૩ વર્ષની ઉંમરમાં તેઓ કલકતા યુનીવર્સીટીના ઉપકુલપતિ બની ગયા અને ૧૯૩૪ થી ૧૯૩૮ સુધી કલકતા યુનીવર્સીટીના ઉપકુલપતિ તરીકે તેમણે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.

એન.સી.ચેટરજી(પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટરજીના પિતા),આસુતોષ લાહિડી,જસ્ટીસ મન્મથનાથ મુખરજી તથા ભારત સેવાશ્રમ સંઘના સંસ્થાપક સ્વામી પ્રણવાનંદ મહારાજની પ્રેરણાથી ડો.શ્યામાપ્રસાદ મુખરજી સક્રિય રાજનીતિમાં જોડાયા.પરંતુ તે સમય બંગાળની રાજનીતિનો બહુ કઠીન સમય હતો.કોંગ્રેસ બંગાળમાં બહુ મજબુત હતી પરંતુ મુસ્લિમલીગના દબાવમાં આવી કોંગ્રેસ હિંદુ અધિકારો બાબતે કંઈ બોલવા પણ તૈયાર નહોતી.

૧૯૩૯માં અખીલ ભારતીય હિંદુ મહાસભાના નેતા વિનાયક દામોદર સાવરકર(વીર સાવરકર) બંગાળ આવ્યા હતા.તે સમયે ડો.મુખરજી ફજલુલ હકના નેતૃત્વમાં ચાલી રહેલી ‘કૃષક પ્રજા પાર્ટી’ના સમર્થક હતા.ત્યારબાદ બંગાળમાં મુસ્લિમલીગ અને કૃષક પ્રજા પાર્ટીની ગઠબંધન સરકાર રચાઈ હતી.ગઠબંધન સરકાર બન્યા બાદ બંગાળમાં મુસ્લિમોના હિત માટેના અને હિંદુઓ વિરુદ્ધના એક પછી એક કડક કાયદાઓ અમલમાં લાવવાનો દૌર શરુ થયો હતો.આ બધાંથી વ્યથિત થઇ હિંદુહિતની રક્ષા માટે ડો.મુખરજી હિંદુ મહાસભામાં જોડાયા અને બંગાળની સક્રિય રાજનીતિમાં પ્રવેશ કર્યો.હિંદુ મહાસભામાં જોડાયા બાદ પ્રથમ વર્ષમાં જ તેઓએ સમગ્ર બંગાળનો પ્રવાસ કર્યો અને હિન્દુઓને તેમનાં મતભેદો ભૂલી એક થવા આહ્વાન કર્યું.તેમનાં ઉર્જાવાન નેતૃત્વને કારણે બંગાળની હિંદુ મહાસભામાં નવા પ્રાણ ફૂંકાયા અને પાર્ટી એકજુથ બની.

૧૯૪૦માં ડો.મુખરજીને હિંદુ મહાસભાના રાષ્ટ્રીય કાર્યવાહક અધ્યક્ષ બનાવામાં આવ્યા હતા.તે દરમિયાન તેઓએ દેશવ્યાપી પ્રવાસ દ્વારા જન-જન સુધી પહોંચવાનું શરુ કર્યું.આ પ્રક્રિયામાં તેઓ ખુબ ઝડપથી રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરી આવ્યા હતા.તેઓ સમગ્ર દેશનાં હિંદુઓ માટે પ્રેરણા અને આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા.પોતાની સંગઠનાત્મક કુશળતા,ઉદેશ્ય પ્રત્યેની પ્રતિબધ્ધતા તથા વકૃત્વશક્તિને લીધે તેઓ ભારતમાં ખુબ લોકપ્રિય બની ગયા હતા.૧૯૪૦ના વર્ષમાં તેઓએ લાહોરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે ‘‘ભારત ઉપર ઘેરાયેલાં અસમાનતા અને ગુલામીના વાદળો વચ્ચે હું આ સંગઠનને આશાના એક કિરણ તરીકે જોઈ રહ્યો છું.’’


ડો.મુખરજીએ બંગાળની મુસ્લિમલીગ સરકારની ભયાનક નીતિઓ વિરુદ્ધની લડાઈને આગળ વધારતા તેમનાં વાંધાજનક વિધેયકોનો વિધાનસભા સદનમાં અને સદનની બહાર જોરદાર વિરોધ કર્યો અને સફળતા મેળવી.
ડો.મુખરજીએ બંગાળમાં તેમની રાજનૈતિક કુનેહથી કૃષક પ્રજા પાર્ટી કે જે મુસ્લિમલીગની સહયોગી પાર્ટી હતી તેને મુસ્લિમલીગથી અલગ કરી અને હિંદુ મહાસભા અને કોંગ્રેસના ગઠબંધનમાં ફ્જલુલહકના નેતૃત્વમાં નવી સરકાર બનાવી અને તેઓએ તે સરકારના કેબીનેટમંત્રી તરીકે સમગ્ર બંગાળમાં ખુબ લોકચાહના મેળવી હતી.
૧૯૪૨માં બંગાળના મદીનાપુરમાં ભયાનક વાવાઝોડું-તોફાન આવ્યું હતું તે સમયે આફતગ્રસ્ત લોકોને બ્રિટીશ સરકારે તો કંઈ મદદ ના કરી પરંતુ ડો.મુખરજી તથા તેમનાં મંત્રીમંડળને પણ મદદરૂપ થતાં અટકાવ્યા હતા.તેનાંથી વ્યથિત થઇ ડો.મુખરજીએ ૧૬,નવેમ્બર ૧૯૪૨ના રોજ બંગાળના ગવર્નરને પોતાનું રાજીનામું આપ્યું અને તેઓ પૂરપીડીતોની વચ્ચે સેવાકાર્યમાં લાગી ગયા.
આ દરમિયાન અંગ્રજોએ ધર્મના આધારે ભારતના ભાગલા કરવાના ક્રિપ્સ પ્રસ્તાવને પુનઃ અમલમાં લાવવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ કરી દીધો હતો.મુસ્લિમ લીગે પણ આ પ્રસ્તાવને આધારે મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાની માંગ તેજ કરી હતી.કોંગ્રેસ પાર્ટીની પણ આ મામલે મુકસંમતિ હતી.મુસ્લિમલીગ સંપૂર્ણ પંજાબ અને બંગાળ પાકિસ્તાનમાં ભેળવવા માંગતી હતી.તેનાં માટે મુસ્લિમલીગે બંગાળમાંથી હિન્દુઓને બહાર ધકેલવાના બદઈરાદાથી હિંદુ બહુમતીવાળા વિસ્તારોમાં દંગા,મારપીટ અને લુંટફાટ ચાલુ કરાવી દીધી હતી.તે વખતે ડો.મુખરજી દ્વારા રચિત હિન્દુસ્તાન નેશનલ ગાર્ડ નામના સંગઠનના સ્વયંસેવકો અને જાગૃત હિંદુઓએ ડો.મુખરજીના નેતૃત્વમાં મુસ્લિમલીગના આતતાયીઓનો મજબુત સામનો કર્યો અને બંગાળને હિન્દુમુક્ત બનવવાની મુસ્લિમલીગની યોજનાને અસફળ બનાવી.ડો.મુખરજીએ મુસ્લિમલીગની કુટનીતિની ગંભીરતા સમજીને તાત્કાલિક નિર્ણય લીધો કે બંગાળના હિંદુ બહુમતી ધરવતા પશ્ચિમ ભાગને મુસ્લિમ બહુમતી ધરાવતા પૂર્વીય ભાગથી અલગ કરી દેવામાં આવે. તે જ રીતે પંજાબમાં પણ કર્યું.કારણ કે તેમનું દ્રઢપણે માનવું હતું કે વિભાજન બાદ જો આ બંને પ્રદેશ પૂર્ણરૂપે પાકિસ્તાનમાં ગયા તો ભવિષ્યમાં ત્યાંના હિન્દુઓનું અસ્તિત્વ સંપૂર્ણ ખતમ થઇ જશે.ડો.મુખરજીના પ્રયાસોથી આ મુદ્દો જનઆંદોલન બની ગયો અને બ્રિટીશ સરકારે બંગાળ અને પંજાબનું આ પ્રમાણે વિભાજન કરવું પડ્યું.જો તે વખતે ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ પૂરી તાકાત અને નિષ્ઠાથી સંઘર્ષ ના કર્યો હોત તો આજનું પશ્ચિમ બંગાળ અને પંજાબ ભારતના નકશામાં ના હોત.

રવિવાર, 29 માર્ચ, 2020

૧૯૪૭માં રચાયેલી ભારતની પ્રથમ સરકાર વિષે જાણો.

આપણો દેશ ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે આઝાદ થયો.આઝાદી બાદ ભારતમાં વચગાળાની સરકારનું ગઠન કરવામાં આવ્યું હતું.આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંત્રીને તો સૌ કોઈ જાણે છે.પરંતુ પ્રથમ મંત્રીમંડળમાં કોણ કોણ હતું ? આ સરકાર કેટલો સમય ચાલી ? વચગાળાની સરકાર શા માટે બનાવી ? વગેરે બાબતો જાણવા ઈચ્છતા હો તો આખો લેખ વાંચવો રહ્યો.

અંગ્રેજોએ ભારત છોડતાં પહેલા જ ૧૯૪૬માં બહુ ઓછા અધિકારીઓ સાથેની એક સરકારનું ગઠન કરી દીધું હતું.અંગ્રેજોના ગયા પછી જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં ભારતની વચગાળાની સરકારનું ગઠન કરવામાં આવ્યું હતું.આ સરકારે ભારતનો પાયો મજબુત બનાવવાનું કામ કરવાનું હતું. એકરીતે આ સરકાર બધી પાર્ટીઓની સરકાર હતી.આ સરકારની કેબિનેટમાં કોંગ્રેસ પક્ષ સિવાયનાં પણ અન્ય પક્ષોના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.


પ્રથમ કેબીનેટ:
૦૧, જવાહરલાલ નેહરુ – પ્રધાનમંત્રી
૦૨, સરદાર વલ્લભભાઈ પટેલ – ગૃહ તેમજ સુચના પ્રસારણ મંત્રી
૦૩, અબ્દુલ કલામ આઝાદ – શિક્ષણમંત્રી
૦૪, ડો.રાજેન્દ્ર પ્રસાદ – કૃષિમંત્રી
૦૫, સરદાર બલદેવસિંહ – રક્ષામંત્રી
૦૬, જોન મથાઈ – રેલમંત્રી
૦૭, આર.કે.શણમુખમ – નાણામંત્રી
૦૮, ડો.બી.આર.આંબેડકર – કાયદામંત્રી
૦૯, જગજીવન રામ – શ્રમમંત્રી
૧૦, સી.એચ.ભાભા – વાણીજ્યમંત્રી
૧૧, રાજકુમારી અમૃત કૌર – આરોગ્યમંત્રી
૧૨, રફી અહમદ કીડવાઈ – સંચારમંત્રી
૧૩, ડો.શ્યામાપ્રસાદ મુખરજી – ઉદ્યોગમંત્રી
૧૪, વી.એન.ગાડગીલ – ઉર્જા અને ખાણમંત્રી


પ્રથમ સરકારના મુખ્ય કાર્યો :

દેશ આઝાદ થયો ત્યારે દેશ સામે અનેક પડકારો હતા.અંગ્રેજો માનતા હતા કે આધુનિક લોકતંત્રને અપનાવી શકે તેટલી યોગ્યતા ભારતના લોકો ધરાવતા નથી અને થોડાં સમયમાં જ બધું ભાંગી પડશે.પરંતુ એમ ના થયું.પ્રથમ સરકારે જે મુખ્ય કાર્યો કર્યા તે આ પ્રમાણે છે.

૦૧, દેશનાં એકીકરણ વખતે દેશના ૫૬૫ રજવાડાંઓને એક કરવાનું કામ બહુ જટિલ અને પડકારરૂપ હતું.ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ મોટાભાગના રજવાડાંઓને સમજાવવામાં સફળ રહ્યાં. પરંતુ હૈદરાબાદ અને જુનાગઢનો પ્રશ્ન જટિલ હતો.અંતે સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહ અને બહાદુરીને લીધે આ બંને રાજ્યો પણ ભારતમાં સામેલ થઇ ગયા.
૦૨, આઝાદી વખતે દેશનું વિભાજન થઇ ચુક્યું હતું.દેશમાં બહુ મોટી સંખ્યામાં પાકિસ્તાનથી લોકો ભારત આવી રહ્યા હતા. તેઓના વસવાટ માટેનું કાર્ય કરવામાં આવ્યું.ઘણાં શહેરોને વસાવવામાં આવ્યા.
૦૩, દેશનું સંવિધાન બનાવવાનું કાર્ય ઝડપભેર આગળ વધારવામાં આવ્યું.
૦૪, દેશભરમાં ચાલી રહેલા કોમી તોફાનોને શાંત પાડવાનું કાર્ય કરવામાં આવ્યું.
૦૫, દેશમાં ચાલી રહેલા ઉદ્યોગ-ધંધાઓનો સર્વે કરાવવામાં આવ્યો.
૦૬, લોકશાહી પ્રત્યે લોકોની શ્રધ્ધા વધે તે માટે જનજાગરણ અભિયાન ચલાવવામાં આવ્યું.
૦૭, ૧૯૫૨માં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજવા માટેનું વાતાવરણ બનવવામાં આવ્યું.

પ્રથમ સરકારના ખોટાં નિર્ણયો :

દેશની પ્રથમ સરકારે અમુક સારાં નિર્ણયો લીધા તો ઘણાં ખોટા નિર્ણયો પણ લેવાયા. જેની રાષ્ટ્રીયકક્ષાએ અનેક વખત આલોચના પણ થઇ છે અને જેનાં દુષ્પરિણામ દેશે વર્ષો સુધી ભોગવ્યા છે.

૦૧, ભારતની કાશ્મીર નીતિ – કાશ્મીરના એકીકરણની જવાબદારી વડાપ્રધાન નેહરુએ પોતે સંભાળી હતી પરંતુ શેખ અબ્દુલ્લા પરિવાર પ્રત્યેના પોતાના પ્રેમ-લાગણી અને મતબેંકના રાજકારણને કારણે કાશ્મીરનીતિમાં જાણી જોઇને અનેક ગંભીર ભૂલો કરવામાં આવી હતી.કાશ્મીર સમસ્યાને સંયુક્ત રાષ્ટ્રમાં લઇ જવી,કાશ્મીર માટે અલગ કાયદો વગેરે જેવી તેમની ભૂલોને હમણાં સુધી દેશ ભોગવતો રહ્યો.

૦૨,વિદેશનીતિ બાબતે પણ પ્રથમ સરકારની આલોચના આજ સુધી થતી રહી છે.

૦૩,અંગ્રેજોના ગયા પછી પણ અંગ્રેજી કાર્યપ્રણાલી જાળવી રાખવાની બાબતની પણ આલોચના થતી રહી છે.

૦૪,મતબેંક તથા તુષ્ટિકરણની રાજનીતિને લીધે શરૂઆતથી જ બહુમતી હિંદુ સમાજના હિતોની અવગણના.

પ્રથમ સરકાર અને વિવાદો :

પ્રથમ સરકારના ગઠનનું જટિલ કાર્ય ગાંધીજીની દેખરેખ નીચે થયું હતું.જેમાં બધાં પ્રકારના,બધાં વર્ગના લોકોને સ્થાન આપવાનો પ્રયત્ન થયો હતો.આ સરકારમાં વિદેશી જ્ઞાનથી પરિપૂર્ણ નેહરુજી હતા તો વહીવટી કુશળ અને પ્રખર દેશહિત ચિંતક સરદાર પટેલ પણ હતા.કાયદા સાથે અર્થનીતિના પણ નિષ્ણાંત એવાં ડો.આંબેડકર હતા તો વિચક્ષણ બુદ્ધિક્ષમતા ધરાવતાં પ્રખર રાષ્ટ્રવાદી શિક્ષણવિદ ડો.શ્યામાપ્રસાદ મુખરજી જેવા નેતા પણ મંત્રીમંડળમાં સામેલ હતા.તેમ છતાં પ્રથમ સરકારમાં શરૂઆતથી જ અનેક પ્રકારનાં વિવાદોએ પણ જન્મ લીધો હતો.

૦૧,શરૂઆતથી જ અનેક નીતિવિષયક બાબતોમાં નેહરુ અને સરદાર પટેલ વચ્ચે મતભેદો થયાં.અનેક વખત બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી.ગાંધીજીની મધ્યસ્થી દ્વારા સરખું કરવાના પ્રયાસો થતાં.

૦૨,નેહરુ સરકારની કાશ્મીર અંગેની નીતિઓ તેમજ તુષ્ટિકરણની રાજનીતિ સામે સવાલ ઉઠાવી દેશહિત માટે ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું.ત્યારબાદ કાશ્મીરની પરમીટપ્રથાના વિરોધ પ્રદર્શન દરમિયાન તેમનું રહસ્મય સંજોગોમાં મૃત્યુ થયું હતું.

૦૩,બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરે પણ અનેક મુદ્દાઓ પર નેહરુ સરકારની બેધારી નીતિઓનો વિરોધ કર્યો હતો.

આમ,અનેક વિવાદો વચ્ચે ભારતની વચગાળાની સરકારનો કાર્યકાળ પૂરો થયો અને ૧૯૫૨માં સામાન્ય ચૂંટણીઓનું આયોજન થયું.

શનિવાર, 28 માર્ચ, 2020

અવિભાજીત ભારતના પ્રથમ વડાપ્રધાન નેતાજી સુભાષચન્દ્ર બોઝના નેતૃત્વમાં રચાયેલી આઝાદ હિન્દ સરકાર - ૨૧ ઓક્ટોબર ૧૯૪૩

આઝાદ હિન્દ સરકારની ૭૫મી વર્ષગાંઠ નિમિતે ૨૧,ઓક્ટોબર ૨૦૧૮ના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાલકિલ્લા પર તિરંગો લહેરાવી ‘આઝાદ હિન્દ સરકાર’ના સ્મરણાંજલી કાર્યક્રમની ઉજવણી કરી હતી.ઘણાં ઓછાં લોકોને ખ્યાલ હશે કે આઝાદી પહેલાં હિન્દુસ્તાનની પ્રથમ કામચલાઉ સરકારનું ગઠન ૨૧,ઓક્ટોબર,૧૯૪૩ના રોજ સિંગાપુર ખાતે કરવામાં આવેલું હતું. જેનાં પ્રથમ વડાપ્રધાન તરીકે શ્રી સુભાષચન્દ્ર બોઝે શપથ લીધા હતાં. જર્મની, જાપાન, ફિલીપાઈન્સ, કોરિયા, ચીન, ઇટાલી, માન્ચુકો તથા આયર્લેન્ડ જેવાં દેશોએ આઝાદ હિન્દ સરકારને માન્યતા પણ આપી દીધી હતી.આઝાદ હિન્દ સરકારે પોતાની એક બેંક પણ ઉભી કરી હતી.જેનું નામ હતું આઝાદ હિન્દ બેંક.તેનાં દ્વારા ૧૦ રૂપિયા થી લઇને એક લાખ રૂપિયા સુધીની ચલણી નોટ પણ બનાવવામાં આવી હતી.આઝાદ હિન્દ સરકારે પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પડી હતી. 
આઝાદ હિન્દ સરકારની પોતાની આર્મી પણ હતી જેનું નામ હતું આઈ.એન.એ.(ઇન્ડીયન નેશનલ આર્મી) જેમાં ૮૫,૦૦૦થી વધુ સૈનિકો હતાં.આ ફૌજ બનાવવામાં જાપાને ખુબ સહયોગ કર્યો હતો.જાપાને બંદી બનાવેલા લોકો તેમજ બર્મા,મલાયામાં રહેતા ભારતીય સ્વયંસેવકો તથા ભારત બહાર રહેતા રાષ્ટ્રપ્રેમી લોકો આ ફૌજમાં જોડાયા હતા.આ સૈન્યની મહિલા પાંખ પણ હતી જેનાં કેપ્ટન લક્ષ્મી સ્વામીનાથન હતાં.ઇન્ડીયન નેશનલ આર્મીએ બર્માની સીમા પર અંગ્રેજો સામે જોરદાર લડાઈ લડી હતી.અંદાજે ૨૬૦૦૦ જેટલાં સૈનિકોએ દેશની આઝાદી માટે શહીદ થયાં હતાં.
સૌ પ્રથમ આઝાદ હિન્દ ફૌજે ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓને બ્રિટીશ ગુલામીમાંથી મુક્ત કર્યા અને ૩૦ ડીસેમ્બર,૧૯૪૩ના રોજ ત્યાં તિરંગો ધ્વજ લહેરાવ્યો હતો.ત્યારબાદ આઝાદ હિન્દ ફૌજે મણીપુર પર હુમલો કરી મણીપુરને બ્રિટીશ શાસનમાંથી આઝાદી અપાવી અને ૧૪ એપ્રિલ ૧૯૪૪ના રોજ આઈ.એન.એ.ના કર્નલ સૌકતઅલીએ મણીપુરના મૈરાંગમાં તિરંગો ફરકાવ્યો હતો.આ સફળતા બાદ આઝાદ હિન્દ સૈન્યનો જુસ્સો આસમાને હતો અને ‘ચલો દિલ્હી’ના નારા સાથે ફૌજ આગેકુચ કરી રહી હતી.ત્યારે નાગાલેન્ડના કોહિમા ખાતેની લડાઈમાં અંગ્રેજો સામે હાર થઇ અને સાડા ત્રણ મહિના બાદ ફરી મણીપુર પર બ્રિટીશરોએ કબજો કર્યો હતો.
નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજાશ્રી ચંદ્રકુમાર બોઝે તેમના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,જો મૈરાંગની લડાઈમાં કેટલાંક કોંગ્રેસી નેતાઓએ બ્રિટીશ સરકારને સાથ આપ્યો ન હોત તો આઝાદ હિન્દ ફૌજ દિલ્હી સુધી પહોંચી ગઈ હોત.
સિંગાપુર સરકારનાં વિભાગ ‘નેશનલ આર્કાઇવઝ ઓફ સિંગાપુર’ દ્વારા તેમની વેબસાઈટ પર ‘હિસ્ટોરિકલ જર્ની ઓફ ઇન્ડીયન નેશનલ આર્મી’ નામથી એક વિભાગ બનાવ્યો છે.જેમાં તે સમયના ફોટોગ્રાફ્સ,ટાઇમલાઈન તેમજ અન્ય તમામ માહિતીઓ પણ ઉપલબ્ધ છે. https://www.nas.gov.sg/archivesonline/online_exhibit/indian_national_army/index.htm
નેતાજી સુભાષચન્દ્ર બોઝ – ‘તુમ મુજે ખૂન દો,મેં તુમ્હે આઝાદી દુંગા’
સુભાષચન્દ્ર બોઝનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો.તેઓ બાળપણથી જ વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા.૧૯૧૮માં તેઓએ પ્રથમ શ્રેણી સાથે દર્શનશાસ્ત્રમાં બી.એ.પૂર્ણ કર્યું હતું.તેમના પિતાની ઈચ્છા મુજબ તેઓ ૧૯૨૦માં આઈ.સી.એસ.ની પરીક્ષામાં ચોથા નંબર સાથે ઉતીર્ણ થયાં હતાં.પરંતુ અંગ્રેજોને આધીન રહી કામ કરવું તેઓને મંજુર નહોતું.૨૨ એપ્રિલ ૧૯૨૧ના રોજ તેમણે આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.૧૯૩૦ના દશકાના અંત સુધીમાં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મુખ્ય નેતા બની ગયા હતા.
સુભાષચન્દ્ર બોઝ દેશના એ મહાનાયકોમાંના એક છે જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું.તેમનાં સંઘર્ષ તથા અપ્રતિમ દેશપ્રેમના કારણે જ મહત્મા ગાંધીએ તેમને ‘દેશભક્તોથી પણ ચડિયાતા દેશભક્ત’ના વિશેષણથી નવાજ્યા હતા.
૧૯૩૦ થી ૧૯૪૧ દરમિયાન તેમની આઝાદીની ચળવળોને કારણે ૧૧ વખત તેઓને જેલની સજા થઇ.સૌ પ્રથમ ૧૬,જુલાઈ ૧૯૨૧ના તેઓને ૬ મહિનાના કારાવાસની સજા થઇ હતી.૧૯૪૧માં એક કેસના સંદર્ભમાં તેમણે કલકતાની અદાલતમાં રજુ થવાનું હતું ત્યારે તેઓ અંગ્રેજોની નજરમાંથી છટકી જર્મની જતાં રહ્યા હતા.જર્મનીમાં તેમણે હિટલર સાથે પણ મુલાકાત કરી હતી.બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં સુભાષચન્દ્ર બોઝે સોવિયતસંઘ,જર્મની,જાપાન સહીત ઘણાં દેશોની મુલાકાત કરી હતી.તેમની આ યાત્રાઓનો હેતુ આ બધા દેશો સાથેનું ગઠબંધન વધુ મજબુત કરવાનો હતો.
દેશને આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા આ વીર યોધ્ધાનું ૧૮,ઓગષ્ટ ૧૯૪૫ના રોજ તાઇવાન ખાતે એક વિમાન દુર્ઘટનામાં તેમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું.

શુક્રવાર, 27 માર્ચ, 2020

જવાહરલાલ નેહરુ નહોતાં ઈચ્છતા કે આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં સરદાર વલ્લભભાઈ પટેલનો સમાવેશ થાય.

આ લેખનું ટાઈટલ વાંચીને કેટલાંકને આંચકો જરૂર લાગશે.પરંતુ આ વાત સાચી એટલે માનવી પડે કે, તાજેતરમાં જ સરદાર પટેલના છેલ્લાં શ્વાસો સુધી તેમની સાથે રહ્યાં અને તેમના વિશ્વાસુ રાજકીય અંગત સચીવ તરીકે તમામ નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેવા સ્વર્ગસ્થ વી.પી.મેનનનાં પ્રપૌત્રી નારાયણી બાસુએ એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે ‘વી.પી.મેનન –ધ અનસંગ આર્કિટેક્ટ ઓફ ઇન્ડિયા’.આ પુસ્તકમાં નારાયણી બસુએ પુરાવાઓ સાથે લખ્યું છે કે,૧૯૪૭માં ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં નેહરુ દ્વારા પ્રથમ કેબીનેટમંત્રીઓની જે સૂચિત યાદી બનવવામાં આવી હતી તેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ નહોતું.

નારાયણી બાસુ ના જણાવ્યાં મુજબ ‘’જયારે વી.પી.મેનનને આ વાતની જાણ થઇ ત્યારે તેઓ લોર્ડ માઉન્ટબેટન પાસે ગયા અને પોતાનો વિરોધ વ્યક્ત કરતાં તેઓએ કહ્યું હતું કે આ સરદારસાહેબને અન્યાય છે.જો આવું થશે તો કોંગ્રેસના ભાગલા થતાં પણ વાર નહીં લાગે.'' 

''આ વાત સાંભળી માઉન્ટબેટન તુરંતજ ગાંધીજી પાસે ગયા અને અંતે ગાંધીજીના કહેવાથી પ્રથમ કેબીનેટ લીસ્ટમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું હતું.’’

નારાયણી બાસુએ ઉપરોક્ત વાતને સમર્થન આપતા અનેક આધારભૂત પુરાવાઓ પણ પુસ્તકમાં રજુ કર્યા છે.જેમાં બ્રિટીશ અર્થશાસ્ત્રી અને તંત્રી એચ.વી.હડસન અને માઉન્ટબેટનના પત્ર વ્યવહારો તથા તેમના દ્વારા ૧૯૬૯માં લિખિત પુસ્તક ‘ધ ગ્રેટ ડીવાઈડ:બ્રિટન,ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન’નો આધાર પણ રજુ કર્યો છે જેમાં ઉપરોક્ત વાતને સમર્થન આપવામાં આવ્યું છે.

ભારતની બંધારણસભાના સભ્ય,વિખ્યાત વકીલ,લેખક,કેળવણીકાર અને ચિંતક શ્રી કનૈયાલાલ મુનશી લિખિત પુસ્તક ‘પીલ્ગ્રીમેજ ટુ ફ્રીડમ’ માં પણ નેહરુના સરદાર પટેલ પ્રત્યેના અણગમાનો અનેક વખત ઉલ્લેખ થયો છે.આ પુસ્તકમાં જણાવ્યાં મુજબ ‘‘નેહરુએ સરદાર પટેલની અંતિમયાત્રામાં કોઈપણ મંત્રીઓ મુંબઈ ના જાય તેવો આદેશ બહાર પડ્યો હતો,એટલું જ નહિ પરંતુ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદને પણ નેહરુએ સરદાર વલ્લભભાઈ પટેલની અંતિમયાત્રામાં સામેલ ન થવા વિનંતી કરી હતી.’’

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને તેમના વંશજો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના વારસદારોને અનેક વખત અન્યાય થયો છે.આઝાદી પછીના છેક ૪૧માં વર્ષે બિનકોંગ્રેસી સરકારે સરદાર વલ્લભભાઈ પટેલને મરણોતર ભારતરત્ન એવોર્ડ આપ્યો જયારે વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ પોતે જાતે જ પોતાનું નામ ભારતરત્ન માટે રાષ્ટ્રપતિને મોકલ્યું અને ૧૫ જુલાઈ ૧૯૫૫ના દિવસે તેમને ભારતરત્નથી નવાજવામાં આવ્યા.તેવી જ રીતે ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીને અને ૧૯૯૧માં રાજીવ ગાંધીને પણ ભારતરત્નનો ખિતાબ આપી દેવામાં આવ્યો હતો.

પોતાની આગવી સુઝબુઝ,રાજકીય કુનેહ અને અદભુત સંગઠનશક્તિ વડે જેમણે ૫૬૫ રજવાડાંઓને ભારતમાં સામેલ થવા રાજી કર્યા તેવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને અને તેમના પરિવારને નેહરુ અને તેમના વંશજોએ કરેલા સતત અન્યાય અને અપમાનના આવા તો અનેક પુરાવાઓ છે.