શેર ખરીદો અને તમારી મનગમતી કંપનીનાં માલીક બનો
તમે કોઈ કંપનીનાં માલીક બનવાનું સપનું જોયું છે?વાસ્તવિક્તામાં કંપનીની સ્થાપના કરવી અને પછી તેને સારી રીતે ચલાવવી એ ખુબ જ જટીલ કાર્ય છે.પરંતુ તમારે જો આવી કોઈ કંપનીનું માલીક બનવું હોય તો સૌથી સરળ રસ્તો એ છે કે તમને મનગમતી અને સફળ કંપનીનાં શેરની ખરીદી કરવાથી તમે તે કંપનીનાં માલીક બની શકો છો.
જ્યારે કોઈ કંપનીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે તે કંપનીને જુદી-જુદી સ્થાવર મીલ્કતો ખરીદવા માટે રુપીયાની જરુર પડે છે.જેમકે પ્લાન્ટ,મશીનરી,ઓફીસ,વગેરે વગેરે.કંપની નાં સ્થાપકો પોતાનાં હિસ્સા પ્રમાણેની રકમનું તેમાં રોકાણ કરે છે અને તેણે રોકેલાં રુપીયાનાં પ્રમાણમાં તેઓ બજારમાં શેર બહાર પાડી શકે છે.એટલે કે IPO બહાર પાડે છે.જેનાં દ્વારાં લોકો તેમાં રોકાણ કરે છે અને તે રોકાણનાં પ્રમાણમાં તેને કંપનીનાં અમુક શેર મળે છે.આ શેરનું પછીથી શેરબજારમાં ટ્રેડીંગ થઈ શકે છે.જ્યારે તમે કોઈ કંપનીનાં શેર ખરીદો છો ત્યારે તમે તે કંપનીમાં કરેલાં તમારાં રોકાણનાં પ્રમાણ મુજબની માલીકી મેળવો છો.એટલે કે કોઈ કંપની એ ૧૦૦ શેર ઈશ્યુ કર્યાં હોય અને તમારી પાસે તેનો ૧ શેર હોય તો તમે તે કંપનીમાં ૧% ની માલીકી ધરાવો છો તેવું કહી શકાય.અહીં મજાની વાતતો એ છે કે તમારી પાસે કોઈપણ કંપનીનો ૧ શેર પણ હોય તો પણ તમે તે કંપનીનાં માલીક છો તેમ કહી શકાય,આમ જોઈએ તો અઝીમ પ્રેમજી એ વીપ્રો કંપનીનાં માલીક છે કારણ કે તેની પાસે વીપ્રોનાં મોટાભાગનાં શેર છે પરંતુ જો તમારી પાસે વીપ્રો નો ૧ શેર પણ હોય તો તમે પણ વીપ્રોનાં માલીક છો એવું કહી શકાય અને સાથે સાથે તમને કંપનીની વાર્ષીક સામાન્ય સભામાં તમારો મત આપવાનો અધીકાર પણ મળે છે.
કોઈપણ કંપનીનાં શેર ખરીદવાથી તેનાં માલીક તો બની જવાય છે પરંતુ આપણે સાચાં અર્થમાં કંપનીનાં માલીક હોઈએ તે રીતે વિચારીને આપણાં રોકાણ અંગેનાં નિર્ણયો લઈએ તે ખુબ જ જરુરી છે.લાંબાગાળાનાં રોકાણકારો માટે આ હકીકત ખુબ જ નફાકારક સાબીત થઈ છે.ઉદાહરણ તરીકે જોઈએ તો તમારી પાસે રીલાયન્સ નાં શેર છે અને હવે શેર બજારમાં ઘટાડો આવે છે અને રીલાયન્સનાં ભાવો ઘટે છે તો આવાં સમયે મુકેશ અંબાણી શું કરશે?શું તે તેનાં શેર વેંચી અને વધારે નીચો ભાવ થાય ત્યારે ફરીથી ખરીદવાનું વિચારશે?ના,તે તેનાં શેર વેંચશે નહીં પરંતુ નીચા ભાવે મળતાં શેરની હજુ વધારે ખરીદી કરશે કારણકે માલીક તરીકે તે જાણે છે કે કંપની ખુબ સારું કામ કરી રહી છે.કંપનીનું ભવીષ્ય ખુબ જ સારું છે તેથી લાંબાગાળે શેરનાં ભાવો વધવાનાં જ છે તો અત્યારે સસ્તાં ભાવે મળતાં શેર શા માટે નાં ખરીદવાં?પરંતુ આ જ પરિસ્થિતીમાં તમે શું વિચારશો?લગભગ આપણે બધાં જ આવાં સમયે ગભરાઈ જઈને,શેરનો ભાવ ઘટતો હોવાથી હાલમાં શેર વેંચી અને હજુ વધારે સસ્તાં થાય ત્યારે ખરીદવાનું વિચારીએ છીએ પરંતુ આ વિચાર લાંબાગાળાનાં રોકાણકારો માટે યોગ્ય નથી.આવાં સમયે આપણે કંપનીનાં માલીકની જેમ વિચારવું જરુરી છે અને કંપનીની મુળભુત તકાતને ઓળખી ને શેર રાખી મુકવા જોઈએ અને સસ્તાં ભાવે હજુ વધારે શેર ખરીદવા જોઈએ.જ્યારે તમે કંપનીનાં માલીકની જેમ વિચારો છો ત્યારે જ તમે કંપનીનાં લાંબાગાળાનાં વિકાસનો ફાયદો ઉઠાવી શકો છો અને મોટો નફો કમાઈ શકો છો.પરંતુ જો તમે શેર બજારનાં વધારાં - ઘટાડાંને આધારે શેરની લે-વેંચ કરતાં હશો તો તમે ક્યારેય મોટો નફો નહીં મળવી શકો.
એક રસપ્રદ ઉદાહરણ જોઈએ તો આજથી વર્ષો પહેલાં જ્યારે ટાટા સ્ટીલે તેનો શેર ઈશ્યુ બહાર પાડ્યો હતો ત્યારે પારસી રોકાણકારો એ લાંબાગાળાનાં આયોજન રુપે તેમાં ઘણું મોટું મુડી રોકાણ કર્યું હતું.તે વખતે ટાટા સ્ટીલ એક નાની કંપની હતી પરંતુ આજે ટાટા સ્ટીલ ભારતની સૌથી સારી કંપનીઓમાંની એક છે અને તે પારસી રોકાણકારોનાં વારસદારો આજે કરોડપતિ બની ગયાં છે.
આમ, કોઈપણ કંપનીનાં શેર ખરીદતાં પહેલાં તે કંપનીનાં ધંધા વિશે,તે ધંધાનાં ભવિષ્ય વિશે વિચારવું જોઈએ તેમજ તે કંપનીનાં પ્રમોટરો કોણ છે તે વિશે પુરે પુરી જાણકારી મેળવીને અંતે તમે તે કંપનીનાં માલીક બનવાનું વિચારીને લાંબાગાળા માટેનું રોકાણ કરશો તો તમારું નાનું રોકાણ પણ કરોડોનું બની શકે છે.હેપ્પી ઈન્વેસ્ટીંગ.