બુધવાર, 10 ઑક્ટોબર, 2018

દેશની શાંતિ,એકતા અને પ્રગતિ માટે ખતરારૂપ એવા ફેક ન્યુઝ અને જુઠાણાઓની ભરમારથી સાવધાન


પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થતાં જ હવે દેશમાં ચૂંટણીઓની મોસમ શરુ થઇ ગઈ છે.૨૦૧૯ લોકસભાની ચૂંટણીઓ પૂરી થાય ત્યાં સુધી હવે ખોટાં સમાચારો-અફવાઓ અને જુઠાણાઓની બજાર ગરમ રહેશે.ઈન્ટરનેટ ટેકનોલોજીને લીધે હવે કોઈપણ ખબર ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયાભરમાં ફેલાવી શકાય છે.ભારતમાં પણ ઈન્ટરનેટનો વપરાશ ખુબજ સહજ અને સસ્તો થઇ ગયો છે.૩જી અને ૪જી ટેકનોલોજીના આવવાથી સ્પીડ પણ વધી છે અને સેલફોન સસ્તા થવાથી હવે તો ગામડે ગામડે સ્માર્ટફોન પહોંચી ગયા છે.ગામડાંના લોકો પણ હવે ફેસબુક,વોટ્સેપ,ન્યુઝ વેબસાઈટ અને યુ ટ્યુબનો ભરપુર ઉપયોગ કરતા થયા છે.એક સાથે લાખો લોકો સાથે જોડાવા માટેનો ખુબ સહેલો રસ્તો હાથ લાગી ગયો એવું સમજાતા રાજકીય પક્ષો પણ તેની માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ પ્લેટફોર્મનો મહતમ ઉપયોગ કરી રહ્યાં છે.આટલે સુધી કોઈને પણ કોઈ પ્રકારનો વાંધો હોય ના શકે, પરંતુ જ્યારથી આ પ્લેટફોર્મના દુરપયોગ કરવાની શરૂઆત થઇ ત્યારથી સોશિયલ મીડિયા હવે બધા માટે માથાનો દુખાવો બની ગયું છે.

આજકાલ સોશિયલ મીડિયામાં ફેક ન્યુઝ અને જુઠાણાઓની ભરમાર ચાલી રહી છે.સતાપક્ષ સામે અસંતોષ ઉભો કરવા માટે વિરોધપક્ષો દ્વારા જાતજાતના ખોટાં સમાચારો ઉભા કરી તેનો ફેલાવો કરવામાં આવે છે.આ ખોટાં ન્યુઝ એવી રીતે રજુ કરવામાં આવે કે ગામડાંના તથા શહેરનાં સીધાસાદા લોકો તેને સાચાં માની બેસે છે.આ બધું કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે.જુઠાણાના મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ માટે પ્રોફેશનલ્સ લોકોને ઉંચો પગાર ચુકવવામાં આવે છે.તાજેતરમાં જ ઓક્સફોર્ડ યુનીવર્સીટીના નિષ્ણાંતોએ રજુ કરેલા સંશોધનપત્ર મુજબ ‘ભારતમાં સોશિયલ મીડિયા દ્વારા ફેક ન્યુઝ ફેલાવવાનો કારોબાર દુનિયાનાં બીજા દેશો કરતા સૌથી વધુ ફૂલ્યો ફાલ્યો છે.ભારત એ ૨૦૦ મિલિયનથી પણ વધુ વોટ્સેપ યુઝર્સ ધરાવતો દેશ છે.તેથી રાજકીયપક્ષો દ્વારા તેને જ ટારગેટ કરવામાં આવે છે.’

તાજેતરમાંજ આપણે ફેક ન્યુઝના ઘણાં ખરાબ પરિણામોનો અનુભવ કરી ચુક્યા છીએ.દેશભરનાં દલિતોમાં આક્રોશ ઉભો કરવા અને હિંસા ફેલાવવાના બદઈરાદે થોડાં સમય પહેલાંજ સોશિયલ મીડિયામાં જુઠા સમાચારો વહેતા કરવામાં આવ્યા કે એટ્રોસિટીનો કાયદો રદ કરવામાં આવ્યો છે.હકીકતે સુપ્રીમકોર્ટે તો આ કાયદાનો દુરપયોગ થતાં અટકાવવા થોડાં સુધારાઓ સૂચવ્યા હતા.પરંતુ આવા ફેક ન્યુઝને લીધે દલિત સંગઠનોએ ભારત બંધનું એલાન પણ આપ્યું અને દેશભરમાં હિંસાના અનેક બનાવો બન્યા ત્યારબાદ જયારે સાચી હકીકત સામે આવી ત્યારે બધું થાળે પડ્યું. પરંતુ ત્યાં સુધીમાં દેશનું કરોડો રૂપિયાનું નુકશાન થયું અને અનેક લોકોની જાનહાની થઈ ચુકી હતી.
ઉપરોક્ત બનાવ બાદ ફેસબુક અને વોટ્સેપમાં એવાં સમચારો વહેતા થયા કે ૧૦મી એપ્રિલે સવર્ણો અને ઓબીસી સમાજ દ્વારા ભારતબંધનું એલાન.પરંતુ વાસ્તવિકતામાં કોઈ સંગઠન દ્વારા ભારત બંધનું એલાન અપાયું જ નહોતું.તાજેતરમાં દેશના અનેક ભાગોમાં મોબ લીન્ચિંગની ઘટનાઓ બની તેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો.આ ઘટનાઓ પાછળ પણ ફેક ન્યુઝ જ જવાબદાર છે.દિલીપકુમારનું મૃત્યુ,નોટબંધી વખતે જાનહાની,રાફેલ વિમાનમાં ભ્રષ્ટાચાર વગેરે જેવા તો કેટલાયે ફેક ન્યુઝ વારંવાર ફરતા જોવા મળે છે.

પોતાના રાજકીય રોટલાં શેકવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઇ દેશનાં ભલાભોળા લોકોને ખોટાં સમાચારો દ્વારા ઉશ્કેરવા,હિંસા ફેલાવવી,દેશની શાંતિ ડહોળવી,દેશના સંશાધનોને નુકશાન પહોંચાડવું એ શું યોગ્ય છે ? લોકશાહીનાં મુલ્યો જાળવી તંદુરસ્ત હરીફાઈ કરવી તે રાજકારણમાં આવકાર્ય છે.સતાપક્ષની ક્યાંય ક્ષતિ હોય,કોઈ ભૂલ હોય તો ચોક્કસપણે ઉજાગર કરી શકાય પરંતુ બીજાને હલકાં ચીતરવા માટે કે માત્ર પોતાની સતાભૂખ સંતોષવા માટે કોઈપણ આધાર કે તથ્યો વગર ગમે તેવાં જુઠાણા ફેલાવવા તે હલકી રાજનીતિની પરાકાષ્ઠા છે.જયારે પોતાના સાચા તર્ક દ્વારા સામેના ને પહોંચી શકાય તેમ ન હોય ત્યારે અહંકારી અને સતા ભૂખ્યા લોકો જુઠનો સહારો લેતાં હોય છે.આવા જુઠ ફેલાવવામાં રાજકીયપક્ષોની સાથે અનેક નામાંકિત પત્રકારો અને મીડિયા જગતના કેટલાંક લોકો પણ જોડાયેલા હોય ત્યારે એ પ્રશ્ન થાય કે આપણે દેશને કઈ દિશામાં લઇ જવા માંગીએ છીએ ?એક તરફ સમગ્ર વિશ્વ આશાની નજરે ભારત સામે મીટ માંડીને બેઠું છે.સમગ્ર વિશ્વ ભારતને વિશ્વગુરુ તરીકે સ્વીકારવા તૈયાર છે, ત્યારે જુઠાણાઓની ભરમાર દ્વારા દેશની પ્રગતિમાં બાધારૂપ બનવું,દેશમાં અરાજકતા ફેલાવી વિશ્વ સમક્ષ દેશની શાખ બગડે તેવા પ્રયત્નો કરવા,દેશની સરકાર ઉપર કોઈપણ આધાર પુરાવા વગર ગમે તેવા આક્ષેપો કરવા, આ પણ દેશદ્રોહના કૃત્યો જ ગણાય.તમે દેશનાં વિકાસ માટે ઉપયોગી ન થઇ શકો કે વિકાસકાર્યોમાં સહભાગી ન બનો ત્યાં સુધી વાંધો નથી પરંતુ ખોટાં સમાચારો ફેલાવી દેશના વિકાસમાં બાધા ઉભી કરવાનો કોઈને અધિકાર નથી.

આપણે પણ આવા ફેક ન્યુઝની માયાજાળથી બચીને આવા સમાચારોને ઓળખી તેને આગળ વધતાં અટકાવીએ તે એક સાચા ભારતીય તરીકે આપણા સૌની ફરજ છે.તમામ જ્ઞાતિ-જાતી,ધર્મ,ભાષા કે પ્રાંતના લોકો એકબીજા સાથે હળીમળીને ભાઈચારાથી રહે તે દેશની પ્રગતિ માટે અત્યંત આવશ્યક છે અને દેશની પ્રગતિમાં જ આપણી પ્રગતિ છે ત્યારે જાણ્યે-અજાણ્યે પણ આપણે આવા ફેક ન્યુઝ કે અફવાઓ ફેલાવનારાઓના માધ્યમ ન બનીએ તે જ સાચી દેશસેવા છે.ભારત માતા કી જય - વંદેમાતરમ્

ટિપ્પણીઓ નથી: