શુક્રવાર, 27 માર્ચ, 2020

જવાહરલાલ નેહરુ નહોતાં ઈચ્છતા કે આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં સરદાર વલ્લભભાઈ પટેલનો સમાવેશ થાય.

આ લેખનું ટાઈટલ વાંચીને કેટલાંકને આંચકો જરૂર લાગશે.પરંતુ આ વાત સાચી એટલે માનવી પડે કે, તાજેતરમાં જ સરદાર પટેલના છેલ્લાં શ્વાસો સુધી તેમની સાથે રહ્યાં અને તેમના વિશ્વાસુ રાજકીય અંગત સચીવ તરીકે તમામ નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેવા સ્વર્ગસ્થ વી.પી.મેનનનાં પ્રપૌત્રી નારાયણી બાસુએ એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે ‘વી.પી.મેનન –ધ અનસંગ આર્કિટેક્ટ ઓફ ઇન્ડિયા’.આ પુસ્તકમાં નારાયણી બસુએ પુરાવાઓ સાથે લખ્યું છે કે,૧૯૪૭માં ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં નેહરુ દ્વારા પ્રથમ કેબીનેટમંત્રીઓની જે સૂચિત યાદી બનવવામાં આવી હતી તેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ નહોતું.

નારાયણી બાસુ ના જણાવ્યાં મુજબ ‘’જયારે વી.પી.મેનનને આ વાતની જાણ થઇ ત્યારે તેઓ લોર્ડ માઉન્ટબેટન પાસે ગયા અને પોતાનો વિરોધ વ્યક્ત કરતાં તેઓએ કહ્યું હતું કે આ સરદારસાહેબને અન્યાય છે.જો આવું થશે તો કોંગ્રેસના ભાગલા થતાં પણ વાર નહીં લાગે.'' 

''આ વાત સાંભળી માઉન્ટબેટન તુરંતજ ગાંધીજી પાસે ગયા અને અંતે ગાંધીજીના કહેવાથી પ્રથમ કેબીનેટ લીસ્ટમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું હતું.’’

નારાયણી બાસુએ ઉપરોક્ત વાતને સમર્થન આપતા અનેક આધારભૂત પુરાવાઓ પણ પુસ્તકમાં રજુ કર્યા છે.જેમાં બ્રિટીશ અર્થશાસ્ત્રી અને તંત્રી એચ.વી.હડસન અને માઉન્ટબેટનના પત્ર વ્યવહારો તથા તેમના દ્વારા ૧૯૬૯માં લિખિત પુસ્તક ‘ધ ગ્રેટ ડીવાઈડ:બ્રિટન,ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન’નો આધાર પણ રજુ કર્યો છે જેમાં ઉપરોક્ત વાતને સમર્થન આપવામાં આવ્યું છે.

ભારતની બંધારણસભાના સભ્ય,વિખ્યાત વકીલ,લેખક,કેળવણીકાર અને ચિંતક શ્રી કનૈયાલાલ મુનશી લિખિત પુસ્તક ‘પીલ્ગ્રીમેજ ટુ ફ્રીડમ’ માં પણ નેહરુના સરદાર પટેલ પ્રત્યેના અણગમાનો અનેક વખત ઉલ્લેખ થયો છે.આ પુસ્તકમાં જણાવ્યાં મુજબ ‘‘નેહરુએ સરદાર પટેલની અંતિમયાત્રામાં કોઈપણ મંત્રીઓ મુંબઈ ના જાય તેવો આદેશ બહાર પડ્યો હતો,એટલું જ નહિ પરંતુ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદને પણ નેહરુએ સરદાર વલ્લભભાઈ પટેલની અંતિમયાત્રામાં સામેલ ન થવા વિનંતી કરી હતી.’’

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને તેમના વંશજો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના વારસદારોને અનેક વખત અન્યાય થયો છે.આઝાદી પછીના છેક ૪૧માં વર્ષે બિનકોંગ્રેસી સરકારે સરદાર વલ્લભભાઈ પટેલને મરણોતર ભારતરત્ન એવોર્ડ આપ્યો જયારે વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ પોતે જાતે જ પોતાનું નામ ભારતરત્ન માટે રાષ્ટ્રપતિને મોકલ્યું અને ૧૫ જુલાઈ ૧૯૫૫ના દિવસે તેમને ભારતરત્નથી નવાજવામાં આવ્યા.તેવી જ રીતે ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીને અને ૧૯૯૧માં રાજીવ ગાંધીને પણ ભારતરત્નનો ખિતાબ આપી દેવામાં આવ્યો હતો.

પોતાની આગવી સુઝબુઝ,રાજકીય કુનેહ અને અદભુત સંગઠનશક્તિ વડે જેમણે ૫૬૫ રજવાડાંઓને ભારતમાં સામેલ થવા રાજી કર્યા તેવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને અને તેમના પરિવારને નેહરુ અને તેમના વંશજોએ કરેલા સતત અન્યાય અને અપમાનના આવા તો અનેક પુરાવાઓ છે.

ટિપ્પણીઓ નથી: