બુધવાર, 25 ડિસેમ્બર, 2019

નાગરિકતા સંશોધન વિધેયક : વોટબેંક નહીં પરંતુ રાષ્ટ્રધર્મ અને માનવધર્મ સર્વોપરી છે.


તાજેતરમાં જ સંસદમાં નાગરિકતા સંશોધન વિધેયક પસાર થયું અને સંસદની બહાર તેનાં પર રાજનીતિ શરુ થઇ.આપણાં દેશની કરુણતા એ છે કે સતાપક્ષના દરેક નિર્ણયોને વિરોધપક્ષો માત્ર વોટબેંકનાં ચશ્માથી જ જુએ છે,ચૂંટણીમાં ફાયદા-ગેરફાયદાના ગણિતમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પોતાનો રાષ્ટ્રધર્મ અને મનુષ્યધર્મ પણ ભૂલી ગયા હોય તેવું હવે સ્પષ્ટ દેખાઈ આવે છે.નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ એ માનવતાનો વિરોધ છે,કરુણાનો વિરોધ છે,દયાભાવનો વિરોધ છે અને ‘વસુંધેવ કુટુંબકમ’ની વિભાવનાનો વિરોધ છે.નાગરિકતા સંશોધન વિધેયકનો નિર્ણય તો દેશના ફાયદા-ગેરફાયદાથી પણ ઉપર ઉઠીને મનુષ્યધર્મ બજાવવા માટેનો એક સંવેદના સભર નિર્ણય છે.આ નિર્ણય દ્વારા ખરેખર ભારતે તેનો રાષ્ટ્રધર્મ અને મનુષ્યધર્મ નિભાવ્યો છે.

આપણાં પૂર્વજોએ કહ્યું છે કે ‘સર્વેપી સુખિનઃ સન્તુ’,’હવઈ સબ્બ મંગલમ’ કે ‘સરબત દા ભલા’.અને એટલા માટે જ જયારે આપણાં પાડોશી મુસ્લિમદેશોમાં અલ્પસંખ્યકો પર અમાનુષી અત્યાચારો થતાં હોય,બહેન-દીકરીની ઈજ્જત લુંટાતી હોય ત્યારે રાજકીય લાભ-ગેરલાભ બાજુએ મુકીને માનવતાની રુએ ભારતની ફરજ છે કે આવાં લોકોને આશ્રય આપે અને માનવ ગરિમાનું રક્ષણ કરે. ભારત એ માત્ર કોઈ એક ભૌગોલિક ભૂભાગ નથી.ભારતની ભૂગોળ તો બદલાતી રહી છે. ભારત એક પ્રાચીન સંસ્કૃતિ છે. હિંદુત્વ,હિન્દુસ્તાન આ બધા ભારતના સમાનાર્થી શબ્દો છે.સૌને સાથે લઈને ચાલવું તથા સમગ્ર વિશ્વનું કલ્યાણ એ જ ભારતનો સ્વભાવ છે.

નાગરિકતા સંશોધન વિધેયક દ્વારા નાગરિકતા કાયદો, ૧૯૫૫ માં સુધારો કરવામાં આવ્યો છે.આ વિધેયકને ૧૯ જુલાઈ ૨૦૧૬ના લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું અને ૧૨ ઓગષ્ટ ૨૦૧૬ ના રોજ તેને સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવ્યું હતું.આ સમિતિએ ૭ જાન્યુઆરી ૨૦૧૯ ના દિવસે તેનો રીપોર્ટ સોંપ્યો અને બીજે જ દિવસે એટલે કે, ૮ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ આ વિધેયક લોકસભામાં પાસ થયું પરંતુ તે વખતે રાજ્યસભામાં આ વિધેયક રજુ થયું નહોતું તેથી ફરીથી તેને સંસદના બંને ગૃહમાં રજુ કરવામાં આવ્યું અને બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે.

આ મુદ્દે સંસદમાં ચર્ચાઓ કરવાને બદલે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો દ્વારા દેશનાં મુસ્લિમોને તથા પૂર્વોતર રાજ્યોના લોકોને ગેરમાર્ગે દોરી  દેશમાં અંધાધુંધી ફેલાવી પોતાના રાજકીય રોટલાં શેકવા માટેના હીન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જે નિંદનીય છે.વાસ્તવમાં આ વિધેયક કોઈની પણ નાગરિકતા છીનવી લેવા માટે નથી પરંતુ નાગરિકતા આપવા માટેનું વિધેયક છે.દેશમાં રહેતા કોઈપણ ધર્મ,સમાજ કે પ્રદેશના લોકોની નાગરિકતા છીનવી લેવાની કોઈ જ વાત આ વિધેયકમાં નથી માત્ર ને માત્ર પાડોશી મુસ્લિમ બહુસંખ્યક દેશ અફઘાનિસ્તાન,બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલાં અને ધાર્મિક આધાર પર પીડિત-શોષિત હિંદુ,શીખ,બૌદ્ધ,જૈન,પારસી અને ઈસાઈ ધર્મોના શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી રહે અને તેઓ ભારતમાં સન્માનપૂર્વક સલામત જીવનનિર્વાહ કરી શકે તે માટેના નિયમો સહેલા બનાવ્યા છે.

ભારત અને પાકિસ્તાનનાં ભાગલા વખતે ધર્મના આધાર પર પાકિસ્તાનની રચના થઇ ત્યારથીજ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતાં બિનમુસ્લિમ સમુદાયો પર અત્યાચારો ચાલુ થઇ ગયા હતા.ધાર્મિક આધાર પર હત્યાઓ,જબરદસ્તી ધર્મ પરિવર્તન,મહિલાઓ પર અત્યાચાર આવી ઘટનાઓ આ દેશોમાં સામાન્ય બની ગઈ હતી.૧૯૪૭માં પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યા ૨૩% હતી જે ૨૦૧૧માં ઘટીને માત્ર ૩.૭% થઇ ગઈ છે.હ્યુમન રાઈટ્સ વોચના એશિયા ડીવીઝનના ડીરેક્ટર બ્રેડ એડમ્સના કહેવા મુજબ પાકિસ્તાનમાં દરવર્ષે લગભગ ૧૦૦૦ જેટલી ગરીબ હિંદુ મહિલાઓનાં જબરદસ્તી ધર્મપરિવર્તન થાય છે.UNHRC ના રીપોર્ટ મુજબ પાકિસ્તાનમાં ૪૨૮ મંદિરોમાંથી હવે માત્ર ૨૦ મંદિરોમાં જ પૂજા થાય છે.બાંગ્લાદેશમાં પણ મહિલાઓ પર બળાત્કાર,ધર્મપરિવર્તન,હત્યાઓ જેવાં હજારો કિસ્સાઓ બન્યા છે.અલ્પસંખ્યકોની વસ્તી બાંગ્લાદેશમાં ૨૨% હતી જે ઘટીને માત્ર ૭.૮% થઇ ગઈ છે.અફઘાનિસ્તાનમાં ૧૯૯૨ સુધી અંદાજે ૨ લાખ હિંદુઓ અને શીખ હતા જે હવે ફક્ત ૫૦૦ જેટલાં રહ્યાં છે.બાંગ્લાદેશ,પાકિસ્તાન અને અફઘાનિસ્તાન નો રાજધર્મ મુસ્લિમ છે ત્યાં મુસ્લિમોને ધાર્મિક આધાર પર કોઈ તકલીફ નથી પરંતુ બીનમુસ્લિમો કે જે અલ્પસંખ્યક છે તેઓ પર ધાર્મિક આધાર પર અત્યાચાર ચરમસીમાએ છે.આવી સ્થિતિમાં આ દેશોમાં રહેતા અલ્પસંખ્યકો ક્યાં જાય ? આ લોકોને આશરો આપવાની શું આપણી ફરજ નથી ?

૨ એપ્રિલ ૧૯૫૦ના જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી લીયાકતઅલી ખાન વચ્ચે દિલ્હીમાં કરાર થયો હતો તે મુજબ બંને દેશોના અલ્પસંખ્યકોની સુરક્ષા જળવાય તેમજ સાંપ્રદાયિક સદભાવ અને શાંતિનો માહોલ બની રહે તે માટે બંને દેશોએ પ્રતિબધ્ધતાપૂર્વક કાયદો-વ્યવસ્થા ઉભી કરવી અને તેમનું રક્ષણ કરવું તેવું નક્કી થયું હતું.ભારતે આ કરારનું સંપૂર્ણ પાલન કર્યું તેનાં પરિણામે ૧૯૫૧માં ભારતમાં ૯.૮% મુસ્લિમો હતા જયારે આજે લગભગ ૧૪.૨૩ % વસ્તી મુસ્લિમોની છે.ભારતમાં હિન્દુઓની સંખ્યા ૧૯૯૧માં ૮૪% હતી જે આજે ઘટીને ૭૯% થઇ ગઈ છે.સચ્ચર કમિટીના રીપોર્ટ મુજબ બીજા દેશોની તુલનામાં ભારતના મુસ્લિમો વધુ સુખી અને સમૃદ્ધ છે.ભારતમાં મુસ્લિમો અલ્પસંખ્યક છે પરંતુ ધાર્મિક આધાર પર ક્યાંય કોઈ પ્રકારના અત્યાચારો મુસ્લિમો પર થયા નથી.તેનાંથી એકવાત સ્પષ્ટ છે કે ભારતમાં તમામ અલ્પસંખ્યકો સંપૂર્ણ સલામતી સાથે શાંતિપૂર્વક પોતાનું જીવન જીવે છે.પરંતુ પાકિસ્તાને આ લિયાકત કરારનું પાલન કર્યું નથી પરિણામે ત્યાં રહેતાં બિનમુસ્લિમ અલ્પસંખ્યકોએ અનેક યાતનાઓ-પીડાઓ ભોગવવી પડી છે.આ અલ્પસંખ્યકો પાસે ભારતમાં રહેવા સિવાય કોઈ ચારો નથી,કોઈ વિકલ્પ નથી.હિન્દુસ્તાન જ તેમનું આશ્રયસ્થાન બની શકે તેમ છે અને માનવતાની દ્રષ્ટીએ તે આપણી ફરજ પણ છે,આપણો ધર્મ પણ છે.૨૬ સપ્ટેમ્બર ૧૯૪૭ના દિવસે પ્રાર્થના સભામાં મહાત્મા ગાંધીજીએ જાહેરમાં ઘોષણા કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં રહેતા હિંદુ અને શીખ જો ત્યાં નિવાસ કરવા માંગતા ન હોય તો ગમે ત્યારે ભારત આવી શકે છે.તેમને નોકરી આપવી તથા તેઓ સારી રીતે ભારતમાં જીવનનિર્વાહ કરી શકે તે માટે મદદ કરવી તે ભારત સરકારનું કર્તવ્ય છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે પુ.બાપુનું સપનું પૂરું કર્યું છે અને ફરી એક વખત સાબીત કર્યું છે કે ભારતીય જનતા પાર્ટી માટે વોટબેંક નહીં પરંતુ રાષ્ટ્રધર્મ અને માનવધર્મ સર્વોપરી છે.

ટિપ્પણીઓ નથી: