નોટબંધી બાદ વધુ મજબુતીથી આગળ વધતું ભારતીય અર્થતંત્ર
શેરબજાર ઓલટાઇમ હાઈ , નિકાસમાં વૃદ્ધિ,
ફુગાવામાં ઘટાડો , જીડીપીમાં વધારો
૮ નવેમ્બર ૨૦૧૬ના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય અર્થતંત્રની લાંબાગાળાની મજબૂતાઈ માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો.તે નિર્ણય મુજબ રુ.૫૦૦ અને રુ.૧૦૦૦ ની નોટ ને કાયમી માટે ચલણમાંથી રદ કરવામાં આવી.જેને આપણે બીજા શબ્દોમાં વિમુદ્રીકરણ કહીએ છીએ.વડાપ્રધાનશ્રીના આ નિર્ણય બાદ વિરોધપક્ષોએ દેશભરમાં નોટબંધી નો વિરોધ કરી, કાગારોળ મચાવી હતી તેમજ કોંગ્રેસ પ્રેરિત અનેક અર્થશાસ્ત્રીઓએ પણ વિમુદ્રીકરણને લીધે ભારતીય અર્થતંત્રમાં મંદી આવશે,મોંઘવારી વધશે,કારોબાર ઠપ્પ થઇ જશે વિગેરે જેવી આગાહીઓ કરી હતી.ટી.વી.ચેનલ્સમાં પણ નોટબંધીની તકલીફોને લઇ ખુબ ચર્ચાઓ ચાલી.પરંતુ વિમુદ્રીકરણનાં ૭ મહિના પછી આજે આપણે તેની અસરો અંગે તાજેતરની આંકડાકીય માહિતીઓ સાથે સમીક્ષા કરીએ તો સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે વિમુદ્રીકરણ બાદ ભારતીય અર્થતંત્ર વધુ ને વધુ મજબુતીથી આગળ વધી રહ્યું છે.શ્રી નરેન્દ્ર મોદીનાં શાશનમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતે તમામ આર્થીક સુચકાંકોમાં સુધારો કર્યો છે.જેનાં લીધે રાજકોષીય ખાધ,ચુકવણીનાં સંતુલનની ખાધ અને મોંઘવારીમાં ઘટાડો થયો છે.સાથે સાથે જીડીપી વૃદ્ધીદર,વિદેશી હુંડીયામણ અને વિદેશી મૂડી રોકાણમાં વધારો થયો છે અને ભારતે વિકાસમાં હરણફાળ ભરી છે.
શેરબજાર અને મ્યુચલ ફંડ :
- ભારતીય શેરબજાર નાં મુખ્ય સુચકાંકો તેના અગાઉના તમામ વિક્રમો તોડી ૧૪ જુલાઈ શુક્રવારના રોજ તેની ઓલટાઈમ હાઈની સપાટી પર પહોચ્યા હતા.સેન્સેક્સ ૩૨૧૦૯ અને નિફ્ટી ૯૯૧૩ ની વિક્રમી સપાટી પર પહોંચ્યા હતા.ચાલુ નાણાંકીય વર્ષનાં પ્રારંભથી એટલે કે ગત એપ્રીલ માસથી અત્યાર સુધીમાં સેન્સેક્સમાં ૨૪૨૦ પોઈન્ટ એટલેકે કુલ ૮ ટકાનો વધારો નોંધાયો છે તેમજ ચાલુ કેલેન્ડર વર્ષનાં પ્રારંભથી અત્યાર સુધીમાં ૧૯ ટકાનો વધારો નોંધાયો છે.
- એનએસડીએલ નાં ઉપલબ્ધ ડેટા મુજબ ચાલુ નાણાંકીય વર્ષનાં પ્રારંભથી અત્યાર સુધીનાં સમયગાળા દરમીયાન એફઆઈઆઈ દ્વારા ભારતમાં અંદાજે ૨.૨ અબજ ડોલરનું એટલેકે ૧૪,૬૨૫ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.
- આ સમયગાળા દરમીયાન મ્યુચલ ફંડ્સ દ્વારા ૫.૧ અબજ એટલેકે ૩૩,૧૯૬ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.
- ૨૦૧૭નાં પ્રથમ ૬ મહિનામાં ફંડ હાઉસોએ ૨૮ એનએફઓ દ્વારા કુલ રૂપિયા ૭૪૬૯ કરોડ ઉભા કર્યા છે જે દેશનાં નાનાં રોકાણકારોનું ૨૦૦૮ બાદનું સૌથી મોટું મૂડી રોકાણ છે.
- જુન માસ દરમીયાન મ્યુચલ ફંડમાં નવાં ૧૦ લાખ રોકાણકારોનો ઉમેરો થતાં મ્યુચલ ફંડ્સનો પોર્ટફોલિયો વધીને ૫૭.૮૨ મીલીયનની ઓલટાઇમ હાઈની સપાટીએ પહોચ્યો છે.સેબી પાસેથી ઉપલબ્ધ માહિતી મુજબ કુલ ફોલીયોની સંખ્યા ૩.૪૨ કરોડથી પણ ઉપર પહોંચી ગઈ છે.
- આગામી પાંચ વર્ષમાં નિફ્ટી ૩૦,૦૦૦ પર પહોંચશે : મોર્ગન સ્ટેન્લી
- નિફ્ટી ચાલુ વર્ષે ૧૦,૦૦૦ વટાવશે , બે વર્ષમાં ૧૨,૦૦૦ થશે : CLSA
ફુગાવો
- જથ્થાબંધ ભાવ આધારિત જુન મહિનાનો ફુગાવો ઘટીને ૦.૯૦ ટકા સાથે ૧૪ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે.મે મહિનામાં આ આંક ૨.૧૭ ટકા હતો.
- રીટેલ ફુગાવો જે મે મહિનામાં ૨.૨૦ ટકા હતો તે જુન મહિનામાં ઘટીને ૧.૫૪ ટકા રહ્યો છે.રીટેલ ફુગાવો જે જુન ૨૦૧૩માં ૯.૯ ટકા,જુન ૨૦૧૪મ ૭.૪૬ ટકા, જુન ૨૦૧૫માં ૫.૪ ટકા, જુન ૨૦૧૬માં ૫.૭૭ ટકા હતો તે જુન ૨૦૧૭ માં ઘટીને ૧.૫૪ ટકા પર પહોંચી ગયો છે જે મોદી સરકારની મોંઘવારી સામેની લડાઈમાં બહુ મોટી સિદ્ધી કહી શકાય
- જુન મહિનામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ૨.૨૭ ટકા રહ્યો છે. જે મે મહિનામાં ૨.૫૧ ટકાના સ્તરે હતો.
- શાકભાજીનો ફુગાવો જુન મહિનામાં માઈનસ ૨૧.૧૬ ટકા નોંધવામાં આવ્યો છે.બટાકાના ભાવમાં સૌથી વધુ ૪૭.૩૨ ટકાનો ઘટાડો થયો છે.કઠોળ અને દાળનાં ભાવમાં ૨૫.૪૭ ટકાનો ઘટાડો તેમજ ડુંગળીનાં ભાવમાં ૯.૪૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
- ૧લી જુલાઈથી લાગુ થયેલા જીએસટીની અસર પણ ફુગાવા પર સામાન્ય રહેવાની શક્યતાને જોતા જે.પી.મોર્ગને કેલેન્ડર વર્ષ ૨૦૧૮નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં રીટેલ ફુગાવો ૪ ટકા આસપાસ રહેવાની ધારણા કરી છે.જે રીઝર્વ બેંક નાં ટારગેટ કરતાં પણ ઓછો છે.
આયાત - નિકાસ
- જુન મહિનામાં ભારતની નિકાસ ૪.૩૯ ટકા વધીને ૨૩.૫૬ બિલિયન ડોલર રહી હતી.રસાયણ,એન્જીનીયરીંગ અને મરીન પેદાશોની નિકાસમાં વધારો જોવા મળ્યો છે.
- એન્જીનીયરીંગ પ્રોડક્ટ્સ ની નિકાસમાં ૧૪.૭૮ ટકા ,પેટ્રોલીયમ પ્રોડક્ટ્સની નિકાસમાં ૩.૬ ટકા , કેમિકલ્સની નિકાસમાં ૧૩.૨ ટકા , ચોખાની નિકાસમાં ૨૭.૨૯ ટકા તેમજ મરીન પેદાશોની નિકાસમાં ૨૪.૨૭ ટકાનો વધારો જોવા મળ્યો હતો.
- જુન મહિનામાં આયાતમાં પણ ૧૯ ટકાનો વધારો જોવા મળ્યો છે.જુનમાં ૩૬.૫૨ બિલિયન ડોલરની આયાત કરવામાં આવી હતી.
FDI - સીધું વિદેશી રોકાણ (Foregin Direct Investment).
- છેલ્લાં ત્રણ વર્ષમાં જુદાજુદા ૨૧ સેક્ટર્સ માટેનાં સીધાં વિદેશી રોકાણોના નીતિ નિયમોમાં ૮૭ જેટલાં સુધારાઓ કરી તેમાં સરળતા લાવવામાં આવી છે. તેમજ અમુક ક્ષેત્રોમાં વિદેશી રોકાણની મર્યાદા ૧૦૦ ટકા કરવામાં આવી છે.જેને લીધે વૈશ્વિક રોકાણકારો તેમજ કોર્પોરેટ્સ જગત માટે આજે ભારત રોકાણ માટેનું વિશ્વનું સૌથી આકર્ષક કેન્દ્ર બન્યું છે.ભારતમાં સીધું વિદેશી રોકાણ ૨૦૧૬-૧૭માં તેની રેકોર્ડ સપાટી ૬૧.૭૨ બિલિયન યુ.એસ.ડોલર પર પહોચ્યું છે.જે માર્ચ ૨૦૧૬ માં ૫૫.૬ બિલિયન ડોલર હતું અને ૨૦૧૩ માં ફક્ત ૩૪.૪૮ બિલિયન ડોલર હતું.
જીડીપી - કુલ ઘરેલું ઉત્પાદન (Gross Domestic Production)
- ભારતનો જીડીપી ૨૦૧૪-૧૫ માં ૬.૫૦ હતો તે ૨૦૧૬-૧૭માં વધીને ૭.૨ પર પહોચ્યો છે.જે ૨૦૧૭-૧૮ માં ૮ ટકા રહેવાની ધારણા છે.
- જીએસટી લાગુ પડ્યા બાદ દોઢ થી બે વર્ષમાંજ ભારતનાં જીડીપી માં ૪.૫ ટકાનો વધારો થશે : ફેડરલ રીઝર્વ બેંક
આમ,ઉપરનાં આંકડાઓ જોતા ખ્યાલ આવે છે કે નોટબંધીના કડક નિર્ણય અને અમલ બાદ પણ ભારતીય અર્થતંત્ર વધારે મજબુતીથી અને મક્કમતાથી આગળ વધી રહ્યું છે.તેના પરથી એક વાત સાબિત થાય છે કે અર્થતંત્રમાં આમૂલ પરિવર્તન લાવવું હોય તો ક્યારેક કડક નિર્ણયો લેવા જ પડે.શરૂઆતમાં લોકો ટીકા કરે પરંતુ નિર્ણય પ્રમાણિક હોય,ઈરાદો સાફ હોય અને દેશહિત જ સર્વોપરી હોય તો અંતે સફળતા મળે જ છે.
4 ટિપ્પણીઓ:
Nice work. Sir.
Well done
GREAT RESEARCH & GREAT ARTICLE. SOLID WRITINGS
Excellent
ટિપ્પણી પોસ્ટ કરો