મંગળવાર, 5 એપ્રિલ, 2011

પબ્લીક પ્રોવિડંડ ફંડ (PPF)> નિવૄતિ નાં આયોજન સાથે ટેક્ષ ની બચત

પબ્લીક પ્રોવિડંડ ફંડ (PPF) એ લાંબાગાળે મોટી મુડી ઉભી કરવાનું એક ઉતમ સાધન છે.જીંદગીનાં અમુક ધ્યેયો એવાં હોય છે કે જેનાં માટેનાં રોકાણોમાં કોઈ જોખમ ઉઠાવી ના શકાય.આવાં ધ્યેયો પુરાં કરવા માટે PPF એક સંપુર્ણ સલામત રોકાણની સગવડ પુરી પાડે છે.નિવૃતિ પછી ની જીંદગી માટે નાની ઉંમરથી જ સુયોગ્ય નાંણાંકીય આયોજન કરવું એ પણ એક એવું ધ્યેય છે કે જેમાં કોઈ જોખમ ઉઠાવી નાં શકાય.PPF એ આવાં લાંબાગાળાનાં ધ્યેયો પુરા કરવા માટે રોકાણનું એક ઉતમ સાધન છે જેમાં રોકાણ દ્વારાં રોકાણકાર એક ઉજ્જવળ નાણાંકીય ભવિષ્ય પ્રાપ્ત કરી શકે છે. 
# લાંબાગાળા નું રોકાણ #

PPF એકાઉન્ટ ૧૫ વર્ષ ની મુદત માટે ખોલાવી શકાય છે.આમ,લાંબાગાળાનું રોકાણ થવાથી કંમ્પાઉંન્ડીંગ વળતર નો ફાયદો મળે છે અને તેથી જ પાકતી મુદતે મોટી મુડી મેળવી શકાય છે.બીજું એક ખાસ નોંધવા જેવી બાબત એ કે PPF એકાઉન્ટની પાકતી મુદત નાંણાંકીય વર્ષને આધારે નક્કી થાય છે.દા.ત. ૨૭-૮-૨૦૦૮ નાં ચાલુ થયેલ એકાઉન્ટની મુદત ૨૭-૮-૨૦૨૩ નાં બદલે ૧-૪-૨૦૨૪ નં પુરી થાય છે.

# મુદતમાં વધરો #

પાકતી મુદતે એટલે કે ૧૫ માં વર્ષે જો તમારે ફંડની જરુર નાં હોય અથવા તો રોકાણ માટે તમને બીજો કોઈ સારો વિકલ્પ નાં મળતો હોય તો તમે PPF એકાઉન્ટ્ની મુદત વધારી શકો છો.આ વધારો ૫ વર્ષનો રાખી શકાય છે અને ગમે તેટલી વખત પાંચ - પાંચ વર્ષનો વધારો કરી શકાય છે.

# સંપુર્ણ સલામતી #

PPF એ ભારત સરકાર દ્વારાં સંચાલીત બચત યોજના છે જે રોકાણ કરાયેલ મુદલ રકમ તેમજ તેનાં પરનાં વ્યાજની રકમની સલામતીની સંપુર્ણ ખાત્રી આપે છે.જેથી લાંબાગાળાનાં નાંણાંકીય આયોજનો વિના વિઘ્ને  પાર પાડી શકાય છે.

# ડબલ ટેક્સ બેનીફીટ #

PPF નો વધુ એક આકર્ષક લાભ ડબલ ટેક્સ બેનીફીટ નો છે.એક તો તમે કરેલાં રોકાણ જેટલી રકમ તમને ઈન્કમ ટેક્સ ની કલમ ૮૦ સી હેઠળ ટેક્સ માંથી બાદ મળે છે તેમજ તેનાં પર કમાયેલાં વ્યાજની રકમ પર પણ કોઈપણ પ્રકારનો ટેક્સ લાગતો નથી.આમ,PPF માં કરેલું રોકાણ સંપુર્ણ ટેક્સ ફ્રી બને છે.

# ઉચ્ચતમ વ્યાજ દર #

PPF માં પુરી મુદત સુધીનો કોઈ એક નિશ્ચીત વ્યાજ દર હોતો નથી. પરંતુ ભારત સરકાર દ્વારાં દર વર્ષે જે તે વર્ષ માટેનો વ્યાજદર જાહેર કરવામાં આવે છે.જો કે અત્યાર સુધીમાં વ્યાજ દરમાં એવાં કોઈ મોટા ફેરફારો જોવામાં આવ્યાં નથી.PPF  પર હાલનો વ્યાજ દર ૮% નો છે.ફરીથી યાદ કરીએ,PPF પર મળતું વ્યાજ પણ ટેક્સ ફ્રી છે.એટલે જો તમે ૩૦% નાં સર્વોચ્ચ ટેક્સ બ્રેકેટમાં પણ આવતાં હો તો પણ આ ૮% નો વ્યાજદર એ બંક FD પર મળતાં ૧૧.૪૩% નાં વ્યાજદરની સમકક્ષ છે.

# ન્યુનતમ રોકાણ #

PPF માં દર વર્ષે ઓછા માં ઓછા રુ ૫૦૦ નું રોકાણ પણ કરી શકાય છે.સાવ ઓછાં રોકાણની સગવડ્તાને લીધે મધ્યમ તેમજ  ગરીબ વર્ગનાં લોકો પણ તેમાં બચત કરી સલામત રોકાણ સામે લાંબાગાળે સારું વળતર મેળવી તેમનાં ભવિષ્યનાં સપનાંઓ પુરાં કરી શકે છે.

# મહતમ રોકાણ #

PPF માં દર વર્ષે વધુ માં વધુ રુ.૭૦,૦૦૦ સુધીનું જ રોકાણ થઈ શકે છે.પરંતુ આ રુપીયા એકીસાથે રોકવા જરુરી નથી.પરંતુ કુલ રુ.૭૦,૦૦૦ સુધીની મર્યાદા માં વર્ષ દરમિયાન ગમે તેટલી વખત રુપીયા જમા કરાવી શકાય છે.

# નિયમિત રોકાણ #

PPF માં ફક્ત એક જ વખત,એક સામટી મોટી રકમ્નું રોકાણ કરી ને રોકાણ બંધ કરી શકાતું નથી.PPF એ ફરજીયાત બચતનું સાધન છે.તેમાં ઓછા માં ઓછાં ૧૫ વર્ષ સુધી નિયમિત રીતે દરવર્ષે મીનીમમ રુ.૫૦૦ નું ફરજીયાત રોકાણ કરવું પડે છે.જેનાંથી નાંણાંકીય શિસ્તતા જળવાય છે જે સામાન્ય રીતેઆપણાં માટે મુશ્કેલ છે.

# ઉપાડ ની સગવડતા #

આમ,તો PPF નો હેતુ લાંબાગાળાનાં નાણાંકીય આયોજન માટેનો છે પરંતુ અધવચ્ચે અચાનક કોઈ તાત્કાલીક જરુરીયાત ઉભી થઈ જાય તો PPF માં ઉપાડની સગવડતા પણ છે.PPF માં થી ૭માં વર્ષથી નીચે મુજબ ઉપાડ કરી શકે છે.

>છેલ્લેથી ૪થા વર્ષની બેલેન્સનાં ૫૦% રકમ,

અથવા,

> છેલ્લેથી પહેલાં વર્ષની બેલેન્સનાં ૫૦% રકમ,

આ બંને માંથી જે રકમ ઓછી હોય તે ઉપાડી શકાય છે.

# લોનની સગવડ્તા #

જો સાતમાં વર્ષ પહેલાં કોઈ તાત્કાલીક નાંણાંકીય જરુરીયાત ઉભી થાય તો ત્રીજા થી છઠ્ઠા વર્ષ સુધીમાં ગમે ત્યારે તમારાં PPF એકાઉન્ટમાંથી લોન ઉપાડી શકાય છે.લોન ઉપાડવાનાં વર્ષથી પાછળનાં છેલ્લેથી બીજા વર્ષની બેલેન્સ રકમનાં ૨૫% રકમ લોન પેટે ઉપાડી શકાય છે.આ રકમ પર PPF માં મળતાં જે તે વર્ષનાં વ્યાજદર કરતાં ૨% વધારે વ્યાજદર ગણવામાં આવે છે.તે રકમ બે વર્ષનાં સમયગાળામાં ભરપાઈ કરવાની હોય છે.એક વખત લોન ભરપાઈ કર્યા પછી  ત્રીજા થી છઠ્ઠા વર્ષનાં ગાળામાં જરુર હોયતો બીજી વખત પણ લોન ઉપાડી શકાય છે.

# નોમીનેશન # 

તમારાં PPF એકાઉન્ટમાં તમે તમારાં નોમિની તરીકે કોઈને પણ રાખી શકો છો.મુદત દરમિયાન જો તમારું મૃત્યુ થાય તો નોમિની ટ્ર્સ્ટીશીપ ની જવાબદારી અદા કરશે.

# ડિફોલ્ટ #

PPF નાં એકાઉન્ટમાં દર વર્ષે નિયમિત રીતે ફરજીયાત રીતે ઓછા માં ઓછાં રુ.૫૦૦ અને વધુ માં વધુ રુ.૭૦,૦૦૦ ભરી શકાય છે.જો તમે કોઈ વર્ષ ઓછા માં ઓછાં રુ.૫૦૦ પણ PPF એકાઉન્ટમાં જમા ના કરાવો તો તે એકાઉન્ટ ડિફોલ્ટ એકાઉન્ટ ગણાશે.આવાં ડિફોલ્ટ એકાઉન્ટને ફરીથી નિયમિત કરવાં માટે જેટલાં વર્ષથી બચત જમા નથી કરી તેટલાં વર્ષનાં ૫૦૦ રુપીયા વતા ૧૦૦ રુ.લેખે દર વર્ષની પેનલ્ટી ભરવાથી PPF એકાઉન્ટ ફરીથી નિયમિત રીતે ચાલુ થઈશકે છે.

# એક વ્યક્તિ એક જ PPF એકાઉન્ટ ખોલાવી શકે છે.

# PPF એકાઉન્ટ સંયુક્ત નામે ખોલાવી શકાતું નથી તે ફક્ત વ્યક્તિગત નામનું જ ખોલાવી શકાય છે.

# જો કોઈ વર્ષે રુ.૭૦,૦૦૦ થી વધારે રુપીયા જમા કરવામાં આવશે તો વધારાનાં રુપીયા કોઈપણ વ્યાજ ઉમેર્યાં વગર પરત કરવામાં આવશે.

# નોકરીયાત વર્ગ માટે PF (પેન્શન ફંડ) ની સાથે સાથે PPF એ એક વધારાનું રોકાણનું સાધન થઈ શકશે અને આ રીતે બંનેમાં રોકાણ કરીને ટેક્સમાંથી બાદ મેળવી શકશે.

# ધંધાદારી વર્ગ કે જે પગારદાર નથી તેવાં લોકોનું રોકાણ PF (પેન્શન ફંડ) માં હોતું નથી તેથી ધંધાદારી વર્ગ માટે PPF માં કરેલું રોકાણ તેનાં નિવૃતિ પછીનાં જીવન માટે ખુબ જ ઉપયોગી સાબીત થઈ શક્શે.

# PPF એકાઉન્ટનાં રુપીયા અદાલતનાં હુકમ અથવા તો કોઈપણ સરકારી જાહેરનામાં દ્વારાં જપ્ત થઈ શકતાં નથી.તેનો મતલબ કે તમારી કોઈપણ જવાબદારી કે દેણાં પુરાં કરવાં માટે તમારી બધી મિલ્કત જપ્ત થઈ શકે પરંતુ PPF એકાઉન્ટનાં રુપીયા કોઈપણનાં ઓર્ડર થી જપ્ત થઈ શકતાં નથી તે રુપીયા ફક્ત તમને જ મળી શક્શે.

# PPF એકાઉન્ટ ક્યાં ખોલાવી શકાય?

> સ્ટૅટ બેંક ઓફ ઈન્ડીયા ની કોઈપણ બ્રાંચમાં

> હેડ પોસ્ટ ઓફીસ કે સબ પોસ્ટ ઓફીસમાં

> ટેક્સ કલેકશનનું કામ કરતી કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકની બ્રાંચમાં PPF એકાઉન્ટ ખોલાવી શકાય છે.

# ઓનલાઈન PPF એકાઉન્ટ #

શેરબજાર અને મ્યુચલફંડ ની જેમ જ PPF એકાઉન્ટમાં પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ શકે છે.કેટલીક બેંકો ઓનલાઈન PPF ની સગવડતા આપે છે જેમાં ઈન્ટરનેટ દ્વારાં તમે તમારાં PPF એકાઉન્ટમાં રુપીયા જમા કરાવી શકો છો.ICICI બેંકે સૌથી પહેલાં દેશમાં આ સેવાની શરુઆત કરી હતી.ICICI બેંકમાં એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો ઈન્ટરનેટ દ્વારાં તેનાં PPF એકાઉન્ટમાં રુપીયા જમા કરાવી શકે છે.SBI બેંક પણ ઓનલાઈન PPF એકાઉન્ટની સગવડતા પુરી પાડે છે.

આમ,PPF એકાઉન્ટ એક ઉતમ પ્રકારનું બચતનું સાધન છે.જેમાં અનેક ફાયદાઓ જોડાંયેલાં છે.પરીવારનાં દરેક વ્યક્તિદીઠ એક એક PPF એકાઉન્ટ ખોલાવી તેમાં નિયમિત બચત કરીને પરીવારનું નાંણાંકીય ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાય છે.

ટિપ્પણીઓ નથી: