ગુરુવાર, 23 જુલાઈ, 2009

બજેટ ૨૦૦૯-૧૦ - પર્સનલ ઈન્કમટેક્ષ ને લગતાં સુધારાઓ અને તેની અસરો

બજેટ -૦૯,આમ તો ભારત નાં તમામ ક્ષેત્રો માટે નિરાશાજનક રહ્યું છે.ઈન્કમટેક્ષને લગતાં સુધારાઓની બાબતમાં પણ લોકોને નાણાંમંત્રી પાસેથી ઘણીબધી અપેક્ષાઓ હતી.પરંતુ તે અપેક્ષાઓ આ બજેટ્માં સંતોષાઈ નથી.તેમ છતાં બજેટ-૦૯ માં વ્યક્તિગત આવકવેરાની બાબતમાં થોડા સુધારાઓ કરવામાં આવ્યાં છે.આજે આપણે તે સુધારાઓ અને તેની આપણાં પર્સનલ ઈન્કમટેક્ષ પર થતી અસરો વિશે ચર્ચા કરીશું.

# પર્સનલ ઈન્કમટેક્ષ માં થયેલાં સુધારાઓ
૧, ઈન્કમટેક્ષની મુક્તિ મર્યાદામાં વધારો
૨ ,ઈન્કમટેક્ષનાં ૧૦% સરચાર્જની નાબુદી
૩, સેક્શન ૮૦ DD મુજબની મુક્તિ મર્યાદામાં વધારો
૪, સેક્શન ૮૦ E નાં વ્યાપમાં વધારો
૫, ઈન્કમટેક્ષનાં ફોર્મમાં સરળતા

#૧- ઈન્કમટેક્ષની મુક્તિ મર્યાદામાં વધારો
આ બજેટમાં વ્યક્તિગત ઈન્કમટેક્ષમાં વાર્ષીક આવક પર આપવામાં આવતી મુક્તિ મર્યાદામાં નજીવો વધારો કરવામાં આવ્યો છે.વરિષ્ઠ નાગરીકો માટે છુટની મર્યાદા ૨,૨૫,૦૦૦ થી વધારીને ૨,૪૦,૦૦૦ કરવામાં આવી છે.એટ્લે કે વરીષ્ઠ નાગરીકોને તેમની કુલ વાર્ષીક આવક ૨,૪૦,૦૦૦ સુધીની હોય ત્યાં સુધી તેનાં પર ઈન્કમટેક્ષ લાગશે નહીં.આમ,વરિષ્ઠ નાગરીકોની ઈન્કમટેક્ષ મુક્તિ મર્યાદામાં રુ.૧૫,૦૦૦ નો વધારો કરવામાં આવ્યો છે.એ સિવાય તમામ પુરુષો અને મહીલાઓની ઈન્કમટેક્ષ મુક્તિ મર્યાદામાં રુ.૧૦,૦૦૦નો વધારો કરવામાં આવ્યો છે.જે પુરુષો માટે ૧,૫૦,૦૦૦ થી વધારીને રુ.૧,૬૦,૦૦૦ અને મહીલાઓ માટે રુ.૧,૮૦,૦૦૦ થી વધારીને ૧,૯૦,૦૦૦ કરવામાં આવી છે.
# તેની અસરઃ
વ્યક્તિને પોતાની વાર્ષીક આવકનાં પ્રમાણમાં જે તે સ્લેબ મુજબ ગણતરી કરતાં ઈન્કમટેક્ષની રકમમાં નજીવો ફાયદો થશે.
#૨- ઈન્કમટેક્ષ પરનાં ૧૦% સરચાર્જની નાબુદી
વાર્ષીક દસ લાખ કરતાં વધારે આવક ધરાવનારને જે તે સ્લેબ મુજબ લાગતાં ઈન્કમટેક્ષ સિવાય તેનાં પર વધારાનો ૧૦% સરચાર્જ ભરવાનો થતો હતો.બજેટ ૦૯-૧૦ માં આ ૧૦% સરચાર્જની નાબુદી કરવામાં આવી છે.
#તેની અસર
૧૦% સરચાર્જની નાબુદીને લીધે દસ લાખ કરતાં વધારે આવક ધરાવનારને ઈન્કમટેક્ષમાં મોટી રાહત મળશે.દા.ત.કોઈની વાર્ષીક આવક રુ.૧૫ લાખ હોય તો તેણે રુ.૩,૫૫,૦૦૦ ટેક્ષ ભરવાનો થાય અને રુ. ૩૫,૫૦૦ સરચાર્જ (૩% એજ્યુકેશન સેસ સિવાય) ભરવાનો થતો હતો પરંતુ ૧૦% સરચાર્જની નાબુદી થતાં હવે થી તેને ઈન્કમટેક્ષમાં વાર્ષીક રુ.૩૫,૫૦૦ નો ફાયદો થશે.
# ૩- સેકશન ૮૦ DD મુજબની મુક્તિ મર્યાદામાં વધારો
જો કોઈ વ્યક્તિનાં કુટુંબમાં અપંગ વ્યક્તિ તેને આધારીત જીવતો હોય તો ઈન્કમટેક્ષ નાં સેકશન ૮૦ DD મુજબ તેને તેની આવકમાંથી રુ.૭૫,૦૦૦ સુધીની રકમ બાદ મળતી હતી આ મર્યાદા બજેટ ૦૯-૧૦ માં વધારીને રુ.૧,૦૦,૦૦૦ સુધીની કરવામાં આવી છે.
# તેની અસર
કુટુંબમાં અપંગ વ્યક્તિ પોતાનાં આધારીત હોય તેવી વ્યક્તિની વાર્ષીક આવક ની ઈન્કમટેક્ષનાં જે તે સ્લેબ મુજબ ગણતરી કરતાં વધુ માં વધુ તેને રુ.૭,૫૦૦ સુધીની વધારાની રાહત આ જોગવાઈને લીધે મળવા પાત્ર છે.
#૪- સેકશન ૮૦ E નાં વ્યાપમાં વધારો
એજ્યુકેશન માટે લીધેલ લોન માટે ભરવામાં આવેલ વ્યાજની રકમને સેક્શન ૮૦ ઈ મુજબ ઈન્કમટેક્ષમાંથી મુક્તિ મળે છે.આ મુક્તિ અત્યાર સુધી ફક્ત ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનનાં અમુક અભ્યાસક્રમો જેમ કે એન્જીનીયરીંગ,મેડીસીન અને મેનેજમેન્ટ અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં વિજ્ઞાન,ગણિત અને અંક ગણિતનાં અભ્યાસક્રમો માંજ લાગુ પડતી હતી.પરંતુ હવે થી આ બજેટમાં તેનો વ્યાપ વધારીને હવે થી દરેક પ્રકારનાં અભ્યાસક્રમો માટે લીધેલી લોનનાં ભરપાઈ થયેલાં વ્યાજ માટે આ મુક્તિ મર્યાદા લાગુ પડ્શે.
# તેની અસર
જો તમે ભણતર માટે લોન લીધેલી હશે અને અત્યાર સુધી તેમાં આ મુક્તિ મર્યાદા લાગુ પડ્તી નહીં હોય તો હવે થી તમે આ મુક્તિ મર્યાદાનો લાભ લઈ ઈન્કમટેક્ષમાંથી રાહત મેળવી શકો છો.
#૫- ઈન્કમટેક્ષ રીટર્ન નાં ફોર્મમાં વધારે સરળતા - સરલ - ૨
આ બજેટમાં ઈન્કમટેક્ષ રીટર્નનાં ફોર્મ હજી વધુ સરળ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
#તેની અસર
આ જોગવાઈને લીધે ઈન્કમટેક્ષનાં રીટર્ન ભરવાનું તમામ વર્ગનાં લોકો માટે વધુ સરળ બનશે અને વધુ ને વધુ લોકો પાન નંબર કઢાવીને ઈન્કમટેક્ષ ભરતાં થશે તેવી આશા સેવાઈ રહી છે.

1 ટિપ્પણી:

Bhushan Vaishnav કહ્યું...

Hi Prashant, First time i have came across your blog , Thats interesting.