અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ ચાલુ થયું તેનાં
થોડાં દિવસો પહેલાં અમેરિકાના અબજોપતિ ઉદ્યોગ સાહસિક એલોન મસ્ક દ્વારા પોતાનાં સોશિયલ
મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મુકવામાં આવી હતી.જેનું મથાળું હતું ‘ધ
બેલેન્સ ઓફ પાવર ઈઝ ચેન્જીંગ’ અને તેમાં તેણે આઈ.એમ.એફ.નો સંદર્ભ આપીને આંકડાકીય
માહિતી આપી છે.જે મુજબ ૨૦૨૬ના વર્ષમાં વૈશ્વિક જીડીપી ગ્રોથમાં ચીનનો હિસ્સો ૨૬.૬
ટકા અને ભારતનો હિસ્સો 17 ટકા રહેશે.ત્યારબાદ ત્રીજા ક્રમે અમેરિકાનો હિસ્સો ૯.૯
ટકા દર્શાવ્યો છે.આ આંકડાઓ મુજબ જોઈએ તો ૪૬.૪ ટકામાં વિશ્વના બધાં દેશો આવી જાય
અને ૪૩.૬ ટકા હિસ્સો માત્ર બે દેશોનો ચીન અને ભારત અને એટલાં માટેજ એલોન મસ્કે
લખ્યું છે કે ‘ધ બેલેન્સ ઓફ પાવર ઈઝ ચેન્જીંગ’.આઈ.એમ.એફ.નાં જ આંકડા પ્રમાણે
વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સો ૧૯૮૦માં માત્ર ૨.૭૭ ટકા હતો,જે ૨૦૨૪માં વધીને
૮.૩૩ ટકા થયો અને હવે ૨૦૨૬માં આ હિસ્સો વધીને 17 ટકા થશે.આ માત્ર આંકડાઓ નથી પરંતુ
છેલ્લાં ૧૧ વર્ષમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલાં દેશના
વિકાસનો પુરાવો છે.
વિશ્વનાં આર્થિક વિશ્લેષકો,વર્લ્ડ
બેંક,આઈ.એમ.એફ. તેમજ જુદી-જુદી રેટિંગ એજન્સીઓએ પણ વરતારો આપ્યો છે કે આગામી
સમયમાં ચીનનો આર્થિક વિકાસ નબળો પડવાનો છે.ડેમોગ્રાફિક ક્રાઈસીસ, રીયલ એસ્ટેટ સંકટ, જીઓપોલીટીકલ તણાવ, ટેકનોલોજી
પ્રતિબંધ, આંતરિક વપરાશમાં ઘટાડો વેગેરે જેવાં અનેક કારણોને લીધે ચીન વૈશ્વિક GDP ગ્રોથમાં ભારત કરતાં પાછળ રહી શકે છે.
વિશ્વવ્યવસ્થામાં આજે એક મોટા પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે. ૨૦મી સદીમાં
દુનિયા અમેરિકાના પ્રભાવની અને ૨૧મી સદીના પ્રારંભમાં ચીનના ઉદયની સાક્ષી બની.
પરંતુ ૨૦૨૦ પછીના દાયકામાં વૈશ્વિક સત્તાસંતુલનમાં ભારત એક નવા કેન્દ્રબિંદુ તરીકે
ઉભો થઈ રહ્યો છે. પોલીસી પેરાલીસીસના યુગમાંથી હવે
આપણે પોલીસી ડ્રીવન ડેવલોપમેન્ટના યુગમાં પ્રવેશ કરી ચુક્યા છીએ. ભારતીય
અર્થતંત્ર માટે સૌથી સારા સમાચાર એ છે કે, વિશ્વમાં ચાલી
રહેલાં યુદ્ધોને લીધે આપણાં પડોશી દેશો સહીત વિશ્વનાં અનેક દેશોના અર્થતંત્રોની
હાલત કફોડી થઇ રહી છે. જયારે પ્રોગ્રેસીવ અને પ્રોએક્ટીવ
ગવર્નમેન્ટ દ્વારા સમયસર થયેલાં આર્થીક સુધારાઓને લીધે ભારતીય
અર્થતંત્ર અડીખમ ઉભું રહી શકશે.આજે ભારત ડીફેન્સ, ડેમોગ્રાફિ, ડીજીટાઈઝેશન, અને
ડીપ્લોમસી એમ ચાર ‘ડી’ ને લીધે વિશ્વના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અને
સમગ્ર વિશ્વ પોતાની સમસ્યાના ઉકેલ માટે પણ ભારતને જ પોતાનો શ્રેષ્ઠ મદદગાર માને
છે.
- ડીફેન્સ : ભારત છેલ્લા દાયકામાં
રક્ષાક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે. “આત્મનિર્ભર
ભારત” અને “મેક ઇન ઇન્ડિયા” અભિયાનના
ભાગરૂપે રક્ષા ઉત્પાદન, ટેક્નોલોજી
વિકાસ અને નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. 2014માં ભારતની રક્ષા
નિકાસ 686 કરોડ
હતી.જયારે 2024–25માં રક્ષા
નિકાસ 21,000 કરોડથી
વધુ થઇ હતી..બ્રહ્મોસ મિસાઈલ,રડાર સિસ્ટમ,પેટ્રોલ બોટ,ડ્રોન,મિસાઈલ સિસ્ટમ,એરડીફેન્સ
સીસ્ટમ જેવાં આધુનિક રક્ષા સાધનો ભારત હવે 100થી વધુ દેશોમાં નિકાસ કરે છે.ભારતે
પોતાનું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈ.એન.એસ.વિક્રાંત પણ બનાવી લીધું
છે.વિશ્વના બહુ ઓછા દેશો આ ક્ષમતા ધરાવે છે. વિશ્વની સૌથી ઝડપી
ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસ મિસાઈલ ભારતે બનાવી છે અને ફિલિપાઈન્સ સાથે લગભગ 375 મિલિયન ડોલરનો નિકાસ
કરાર પણ થઇ ચુક્યો છે અને હવે મલેશિયાએ પણ ખરીદવાનું નક્કી કરી લીધું છે. ભારત આજે
રક્ષા અને સુરક્ષા ક્ષેત્રમાં એક મોટા પરિવર્તનના તબક્કામાં છે.સ્વદેશી
ટેક્નોલોજી, વધતું રોકાણ, ખાનગી
ક્ષેત્રની ભાગીદારી અને વધતી રક્ષા નિકાસના કારણે ભારત ધીમે ધીમે રક્ષા આયાતકાર દેશમાંથી રક્ષા ઉત્પાદક અને નિકાસકાર
દેશ બની રહ્યો છે. 2029 સુધીમાં રૂપિયા 3 લાખ કરોડનું રક્ષા ઉત્પાદન અને 50,000 કરોડની રક્ષા નિકાસ
સાથે વૈશ્વિક રક્ષા ઉત્પાદન કેન્દ્ર બનવું એ ભારતનું લાંબા ગાળાનું લક્ષ્ય
છે.
- ડેમોગ્રાફી : ભારતની
સૌથી મોટી શક્તિ યુવા વસ્તી છે. દુનિયાના ઘણા મોટા દેશો જેમ કે યુરોપ, જાપાન અને ચીનમાં
વૃદ્ધોની સંખ્યા વધારે છે. જ્યારે ભારત પાસે વિશાળ યુવા વર્કફોર્સ છે. આ
પરિસ્થિતિ ભારતને આગામી દાયકાઓમાં આર્થિક અને વ્યૂહાત્મક રીતે વિશાળ લાભ આપી
શકે છે.આજે ભારતની વસ્તી લગભગ 1.47 અબજ છે અને
તેમાં લગભગ 65% વસ્તી 40 વર્ષથી
ઓછી ઉંમરની છે.યુવા
વર્કફોર્સ વધુ હોવાનો મતલબ વધુ ઉત્પાદન-વધુ આવક.જેની સીધી અસર દેશની
અર્થવ્યવસ્થા પર થાય છે. મેન્યુફેક્ચરિંગ માટે વધુ યુવા વર્કફોર્સ જરૂરી હોય
છે.ચીનમાં વસ્તી વૃદ્ધ થઈ રહી છે,
જેના કારણે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે.તેની સામે
ભારતમાં મોટી યુવા વર્કફોર્સને લીધે વેતનદરો પણ સ્પર્ધાત્મક છે.આ કારણે ઘણી
કંપનીઓ ઉત્પાદન માટે ભારત તરફ વળી રહી છે.સાથે સાથે યુવા વર્કફોર્સ પોતે
ઉપભોક્તા પણ છે એટલે જ ભારત વિશ્વનું સૌથી મોટું બજાર છે.ભારતના યુવાનો
ટેકનોલોજીના ઉપયોગમાં પણ સૌથી આગળ છે.અંગ્રેજી ભાષા બોલી શકે તેવું વિશ્વમાં
સૌથી મોટું યુવાધન પણ ભારત પાસે છે.
- ડીજીટાઈઝેશન : છેલ્લા
દશકામાં ભારતે ડિજિટલ ક્ષેત્રમાં એક અસાધારણ પ્રગતિ અને પરિવર્તન જોયું છે.
સરકારના ડિજીટલ ઇન્ડિયા અભિયાન, ડિજિટલ પબ્લિક
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીના બહોળા ઉપયોગના કારણે ભારત આજે વિશ્વનું
સૌથી મોટું ડિજિટલ અર્થતંત્ર બની ગયું છે.ડિજિટાઈઝેશન એ માત્ર ટેક્નોલોજીનો
વિકાસ નથી, તે શાસન, અર્થતંત્ર અને સમાજના
આધુનિકીકરણનો આધાર બની ગયું
છે અને વિકાસનું ચાલકબળ બની ગયું છે.ભારત આજે વિશ્વના ડિજિટલ પેમેન્ટ
ક્ષેત્રમાં સૌથી આગળ છે.વિશ્વના લગભગ 40% ડિજિટલ
ટ્રાન્ઝેક્શન ભારતમાં થાય છે.દર મહિને લાખો કરોડ
રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શન
થાય છે જેમાં નાના વેપારીઓ પણ મહતમ ઉપયોગ કરે છે. ડિજિટાઈઝેશનના કારણે
સરકારની ઘણીબધી સેવાઓ ઓનલાઈન થઈ ગઈ છે. ડાયરેક્ટ
બેનીફીટ ટ્રાન્સફર દ્વારા સરકારની સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં જમા થાય
છે.તેનાં લીધે ભ્રષ્ટાચાર ઘટ્યો,પારદર્શિતા વધી અને સરકારના કરોડો રૂપિયાની
બચત થઈ. ડિજિટલ પેમેન્ટ્સ, સ્ટાર્ટઅપ
ઇકોસિસ્ટમ, સરકારની
ડિજિટલ સેવાઓ અને ગ્રામ્ય કનેક્ટિવિટીના કારણે ભારત ઝડપથી એક આધુનિક ડિજિટલ
અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે. આ ડિજિટલ પરિવર્તન ભારતને માત્ર આર્થિક
રીતે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ટેક્નોલોજીકલ શક્તિ તરીકે સ્થાપિત કરવાની
દિશામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
- ડીપ્લોમસી : ૨૧મી
સદીના વૈશ્વિક રાજકારણમાં ભારતની ડિપ્લોમસી એટલેકે વિદેશ નીતિ એક મહત્વપૂર્ણ
શક્તિ તરીકે ઉભરી રહી છે. છેલ્લા દાયકામાં ભારતે એવી સંતુલિત અને વ્યૂહાત્મક
વિદેશ નીતિ અપનાવી છે જેના કારણે તે વિશ્વમાં એક વિશ્વસનીય, સંતુલિત
અને જવાબદાર શક્તિ તરીકે
ઓળખાવા લાગ્યું છે.ભારતની ડિપ્લોમસીનો મુખ્ય આધાર છે – ‘સ્ટ્રેટેજીક ઓટોનોમી’
એટલે કે પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર નિર્ણય લેવાની
ક્ષમતા. કોઈ એક દેશ તરફ જુક્વાને બદલે ભારતે સંતુલિત નીતિ અપનાવી એક સાથે
અનેક શક્તિ કેન્દ્રો સાથે સંબંધ રાખવાનો અભિગમ અપનાવ્યો છે. જેમકે અમેરિકા
સાથે વ્યૂહાત્મક ભાગીદારી, રશિયા સાથે રક્ષા સહકાર, યુરોપિયન દેશો સાથે વેપાર
અને ટેક્નોલોજી સહકાર, ગ્લોબલ સાઉથ દેશો સાથે વિકાસ સહકાર. આમ, આ સંતુલિત
અભિગમ ભારતને વૈશ્વિક રાજકારણમાં એક મધ્યસ્થ શક્તિ બનાવે છે. ઇઝરાયેલ-ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે
હોર્મુઝની ખાડીમાં સેંકડો જહાજો ફસાયા છે ત્યારે ઈરાનના રાજદૂત મહમદ ફથાલીએ
જણાવ્યું હતું કે, ભારત અમારો મિત્ર છે અને ભારતના જહાજોને સુરક્ષિત રીતે
હોર્મુઝમાંથી પસાર થવાનો રસ્તો ચોક્કસ આપીશું.પરિણામે ભારતના બે ઓઈલ-ગેસ
જહાજો સુરક્ષિત રીતે ભારત પહોંચી પણ ગયા છે.જેને ભારતની મોટી કુટનૈતિક જીત
કહી શકાય.તેવી જ રીતે છેલ્લાં એક મહિનામાં અમેરિકા, કેનેડા, ઇટલી, જર્મની, ચીન,
ઓસ્ટ્રેલીયા, યુકે સહિતનાં દેશોએ પેટ્રોલના ભાવમાં તોતિંગ ભાવ વધારો કરવો
પડ્યો છે. પરંતુ ભારતે તેના પેટ્રોલના ભાવમાં કોઈપણ વધારો કર્યો નથી.હાલમાં જ
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડયુટીમાં ૧૦ રૂપિયાનો ઘટાડો
કરીને વૈશ્વિક ક્રુડ ઓઈલના ભાવ વધારાનો બોજ દેશની સામાન્ય જનતા પર પડવા દીધો
નથી.આમ,વૈશ્વિક અસંતુલન અને યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ સફળ
વિદેશનીતિ અને વિચક્ષણ નેતૃત્વને કારણે ભારત પોતાના હિતોને સુરક્ષિત રાખી
શક્યું છે.
ભારતે 2023માં G20 ની અધ્યક્ષતા
કરી અને નવી દિલ્હી સમિટનું સફળ આયોજન કર્યું. ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા અને
સુરક્ષામાં પણ ‘ક્વાડ’ ના સભ્ય તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ભારત માત્ર
વ્યૂહાત્મક ડિપ્લોમસી જ નહીં પરંતુ માનવતાવાદી સહકારમાં પણ આગળ છે.કુદરતી આપત્તિ
સમયે સહાય, વિકાસશીલ દેશોને ટેક્નિકલ સહાય, COVID સમયગાળામાં અનેક દેશોને રસી પૂરી પાડવી, વગેરે જેવા અનેક
માનવતાવાદી કાર્યો દ્વારા ભારતનો સ્વીકાર એક વૈશ્વિક શક્તિશાળી મદદગાર તરીકે થઇ
રહ્યો છે. ભારત પર્યાવરણ અને ઊર્જા ક્ષેત્રમાં પણ વૈશ્વિક નેતૃત્વ
દર્શાવી રહ્યું છે. ભારત દ્વારા શરૂ કરાયેલ ‘ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ’ માં હવે 100થી વધુ દેશોએ જોડાઈને ભારતનું નેતૃત્વ સ્વીકાર્યું છે. વૈશ્વિક વેપારક્ષેત્રે
પણ ભારત પોતાના હિતોને સુરક્ષિત રાખીને વ્યાપાર સંબંધો મજબૂત કરી રહ્યું છે.
અમેરિકા, યુરોપ, યુએઈ, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ વગેરે જેવાં દેશો સાથે ભારતે
ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે. જેના લીધે ભારત કોઈના દબાવમાં કે
પ્રભાવમાં આવ્યા વગર પોતાના અર્થતંત્રના વિકાસને તેજ ગતિ આપી શકશે. ભારતની ડિપ્લોમસી આજે તેની વૈશ્વિક શક્તિનો
મહત્વપૂર્ણ આધાર બની ગઈ છે.
આપણાં સૌ માટે
આનંદની વાત એ છે કે આજનાં યુદ્ધગ્રસ્ત વિશ્વમાં ભારત એક વિશ્વસનીય મધ્યસ્થ અને
શક્તિશાળી અર્થતંત્ર તરીકે ઉભરી રહ્યું છે અને એટલે જ એલોન મસ્કે લખ્યું હશે કે ‘ધ બેલેન્સ ઓફ પાવર ઈઝ ચેન્જીંગ’
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો