રાજીવ ગાંધીના સમયે પણ વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર
કૌભાંડ થયેલું.
દેશની સુરક્ષા માટે દેશનું લશ્કર આધુનિક સાધનો-હથિયારોથી સજ્જ હોવું જ
જોઈએ.દુનિયાનાં બીજા દેશોની ગતિવિધિઓને ધ્યાનમાં રાખી, સમયે સમયે લેટેસ્ટ હથિયારો
તેમજ આધુનિક લશ્કરી સામગ્રીનો ઉમેરો થતો રહે તે દેશની સુરક્ષા તેમજ જવાનોની
હિંમતમાં વધારો કરવા માટે અત્યંત જરૂરી છે.આ વાતનો ક્યારેય કોઈ વિરોધ હોય ન
શકે.દેશ આઝાદ થયો ત્યારથી સમયે સમયે સરકારો દ્વારા હથિયારોની ખરીદી થતી રહી છે.પરંતુ
દુઃખની વાત એ છે કે ભ્રષ્ટાચારી સતાધીશો દેશની સુરક્ષા માટેના સંરક્ષણ સોદાઓમાં પણ
કટકી કરવાનું ચુકતા નથી.સંરક્ષણ સોદાઓ બહુ મોટી રકમમાં થતાં હોય છે અને તેની
જટિલતા અને ગુપ્તતાને લીધે સામાન્ય પ્રજાને તેની કોઈ જાણકારી પણ હોતી નથી તેથી આવા
સોદામાં કટકી કરવી અત્યાર સુધી બહુ સહેલી હતી.
આઝાદીથી લઇ અત્યાર સુધી બહાર આવેલા લગભગ દરેક સંરક્ષણ સોદાઓના
કૌભાંડોમાં નહેરુ અને ગાંધી પરિવારનું જ નામ સામે આવ્યું છે.લશ્કર માટે વિદેશી જીપ
ખરીદવા માટે ૧૯૪૮માં જવાહરલાલ નેહરુની પ્રથમ સરકારમાં ૮૦લાખ રૂપિયાનું જીપ કૌભાંડ
થયું.તે જ રીતે ગાંધી પરિવારના ટ્રેડમાર્ક સમાન કરોડો રૂપિયાનું બોફોર્સ કૌભાંડ.
ટેટ્રા ટ્રક કૌભાંડ,સબમરીન કૌભાંડ,હેલીકોપ્ટર કૌભાંડ જેવા તો અનેક સંરક્ષણ કૌભાંડો
આટલાં વર્ષોમાં સામે આવ્યા છે.જેનું પગેરું કોઈ ને કોઈ રીતે ગાંધી પરિવાર સુધી
પહોંચે છે.
તાજેતરમાં ક્રીશ્ચેન મિશેલ નામના એક વચેટિયા દલાલને ભારત લાવવામાં
આવ્યો છે ત્યારે અગસ્તા વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર કૌભાંડનું ભૂત ફરીથી ધુણ્યું છે.૨૦૧૦માં
ઇટાલીની હેલીકોપ્ટર બનાવનારી કંપની અગસ્તા વેસ્ટલેન્ડ પાસેથી ૩૬૦૦ કરોડ રૂપિયામાં
૧૨ વીવીઆઈપી હેલીકોપ્ટર ખરીદવાનો સોદો ભારત સરકારે કર્યો પરંતુ ઇટાલીની અદાલતમાં
ભાંડો ફૂટી ગયો કે આ સોદામાં કુલ ૩૬૦ કરોડની લાંચ નક્કી થયેલ છે જેમાંના ૧૨૫ કરોડ
તો ભારતમાં ચૂકવી દીધા હતા.ઇટાલીના મિલાન શહેરની કોર્ટમાં ચાલેલા આ કેસના
ચુકાદામાં પેઈજ નંબર ૧૯૩ અને ૨૦૪ પર કુલ ૪
વખત સીગ્નોરા ગાંધી એટલે કે મિસીસ ગાંધીનું નામ લખેલું છે અને કોર્ટે સ્પષ્ટ
ઉલ્લેખ કર્યો છે કે મિસીસ ગાંધીના કોઈ એક રાજકીય સચિવે વચેટિયા પાસેથી ૧૨૫ કરોડની
લાંચ લીધી હતી.
અગસ્તા વેસ્ટલેન્ડની આ બધી બાબતો તો હવે જગજાહેર થઇ છે. પરંતુ બહુ ઓછા
લોકોને યાદ હશે કે વેસ્ટલેન્ડ અને ગાંધી પરિવારનો નાતો ખુબ જુનો છે.રાજીવ ગાંધી
જયારે વડાપ્રધાન હતા ત્યારે ૧૯૮૫માં બ્રિટનની વેસ્ટલેન્ડ કંપનીના ૨૧ હેલીકોપ્ટર
ખરીદવાનું કૌભાંડ થયેલું.નિષ્ણાંતોની સલાહ અવગણીને તે વખતે રાજીવ ગાંધી દ્વારા ૬.૫
કરોડ પાઉન્ડમાં ૨૧ હેલીકોપ્ટર ખરીદવામાં આવ્યા.૧૯૮૬માં આ હેલીકોપ્ટર્સનું ભારતમાં
આગમન થયું પરંતુ તેની ડિઝાઈનમાં કોઈ મોટી ટેકનીકલ ખામી રહી ગયા હોવાનું બહાર
આવ્યું અને બે હેલીકોપ્ટરના અકસ્માત બાદ સરકારે વેસ્ટલેન્ડના હેલીકોપ્ટર પર
પ્રતિબંધ લગાવી દીધો.અંતે તે હેલીકોપ્ટર્સનો ભંગાર ખુબ સસ્તી કિંમતે વેંચી લાખ ના
બાર હજાર કરવાની નોબત આવી.૧૯૯૯માં બ્રિટનની આ વેસ્ટલેન્ડ કંપની ઇટાલીની
ફીનમેક્કાનિકા સાથે ભળી ગઈ અને તેનુ નામ અગસ્તા વેસ્ટલેન્ડ થયું.૨૦૧૦માં ફરી
કોંગ્રેસ સરકારે આ અગસ્તા વેસ્ટલેન્ડ સાથે ૩૬૦૦ કરોડ રૂપિયામાં ૧૨ વીવીઆઈપી
હેલીકોપ્ટર ખરીદવાનો સોદો કર્યો.
સવાલ એ થાય કે આ જ કંપની સાથેના ભૂતકાળના આવા ખરાબ અનુભવ બાદ પણ
કોંગ્રેસ સરકારે ફરીથી આ જ કંપનીને શા માટે ઓર્ડર આપ્યો ? દેશના લાખો લોકોએ દેશના
વિકાસકાર્યો માટે આપેલા ટેક્સના રૂપિયાનો આવો દુરપયોગ ક્યાં સુધી ? લોકો પોતાના
પરસેવાની કમાણીમાંથી ઈમાનદારીપૂર્વક ટેક્સ ભરે અને તે જ રૂપિયાથી કૌભાંડી સતાધીશો
પોતાની તિજોરી ભરે ? વર્ષો સુધી આવા તો અનેક સોદાઓમાં ગાંધી પરિવારે અબજો રૂપિયા
ઘરભેગા કર્યા છે તેના એક પછી એક પુરાવાઓ હવે સામે આવતા જાય છે.અદાલત દ્વારા તો
તેને જે સજા મળવાની હશે તે મળશે પરંતુ આ દેશના લાખો ગરીબ,પીડિત અને વંચિત લોકો
તેમને કદી માફ નહીં કરે.
કોઈપણ દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે જરૂરી છે એક પ્રમાણિક અને
ઈમાનદાર સરકાર.સતાપક્ષ અને વિરોધપક્ષ વચ્ચે જનસેવાની અને પ્રમાણિકતાની હરીફાઈ થવી
જોઈએ.રાજકારણીઓ પણ કંઇક મેળવવા માટે નહીં પરંતુ દેશ માટે કંઈક કરી છૂટવા માટે
સમર્પણભાવથી દેશના ગરીબ,પીડિત અને શોષિત લોકોના ઉત્થાન માટે કામ કરશે,ભ્રષ્ટાચારીઓનો
જયારે સમાજ દ્વારા સામુહિક બહિષ્કાર અને તિરસ્કાર થશે અને આખા દેશમાં જયારે
પ્રમાણિકતાનું પર્વ ઉજવાશે ત્યારે સાચા અર્થમાં આ દેશમાં સોનાનો સુરજ ઉગશે.આશા અમર
છે.વંદેમાતરમ,ભારત માતા કી જય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો