મંગળવાર, 20 જુલાઈ, 2010

શેર બજારમાં સર્કિટ એટલે શું ? અપર સર્કીટ - લોઅર સર્કીટ અને તેનાં નિયમો.

શેર બજારમાં કામ કરતાં તમામ લોકો અવાર નવાર અપરસર્કિટ તથા લોઅરસર્કિટ વિશે વાતો કરતાં હોય છે.આજે આપણે આ બંને પ્રકારની સર્કિટ વિશે વિગતવાર જાણકારી મેળવશુ.
સર્કિટ એટલે શું ?


સર્કિટ એ રોકાણકારો નાં હિત ને ધ્યાનમાં રાખીને શેર બજાર નાં નિયંત્રક સેબી દ્વારા કરવામાં આવેલી એક એવી વ્યવસ્થા છે જેના હેઠળ કોઇપણ સૂચકઆંક (ઇન્ડેક્સ) કે શેરનાં ભાવમાં કોઇ એક વર્કિંગ સેશનમાં થતો અનિયંત્રિત એકતરફી વધારો કે ઘટાડા ને રોકી શકાય છે. જેમ કે કોઇ શેરમાં 5 ટકાની સર્કિટ હોય અને ગઈકાલે તે શેર 100 રૂપિયા નાં ભાવ પર બંધ થયો હતો, તો આજે તેમાં 95થી 105 રૂપિયાનાં ભાવ વચ્ચે જ સોદા કરી શકાય છે.

સર્કિટ કેવી રીતે નક્કી થાય ?
સર્કિટ નક્કી કરવા માટે કોઇ પણ શેરની કિંમતોમાં ઉતાર-ચઢાવ, સરેરાશ દૈનિક કારોબાર અને શેરની મજબૂતીના ઇતિહાસની મદદ લેવામાં આવે છે. સર્કિટમાં ચાર સ્તર હોય છે - 2, 5, 10 અને 20 ટકા. જુદા જુદા શેરોના ઇતિહાસની મદદથી શેરો માટે સર્કિટ નક્કી કરવામાં આવે છે.




સર્કીટ નાં પ્રકારો

સર્કિટ બે પ્રકારની હોય છે. અપર સર્કિટ અને લોઅર સર્કિટ. અપર સર્કિટ લાગ્યા બાદ શેર માત્ર વેચી શકાય છે, ખરીદી શકાતા નથી. એવી જ રીતે લોઅર સર્કિટ લાગ્યા બાદ તેને માત્ર ખરીદી શકાય છે, વેચી શકાતા નથી.

સેન્સેક્સ અને નિફ્ટીમાં સર્કિટ લાગવાનાં નિયમો

વાયદા કારોબારમાં સમાવેશ થતા શેરો ઉપરાંત અન્ય તમામ શેરો પર સર્કિટ લાગે છે. વાયદા કારોબારવાળા શેરોમાં એક દિવસમાં કેટલોય ઉછાળો કે ઘટાડો આવી શકે છે. તેમનો કારોબાર બંધ થતો નથી.

સૂચકાંકો(ઇન્ડેક્સ)માં બંને પ્રકારની સર્કિટ 3 તબક્કામાં લાગે છે. પ્રથમ તબક્કામાં 10, બીજામાં 15 અને ત્રીજા તબક્કામાં 20 ટકા સર્કિટ લાગે છે. એક વાર જ્યારે કોઇ એક ઇન્ડેક્સ (સેન્સેક્સ કે નિફ્ટી)માં સર્કિટ લાગે છે. તો બીજા ઇન્ડેક્સમાં કારોબાર આપોઆપ અટકી જાય છે. સર્કિટ લાગવાની સાથે એક જ સમયે હાજર અને વાયદા બજાર બંનેમાં એક સાથે કારોબાર બંધ થઇ જાય છે.

જો બજારમાં 1 વાગ્યા પહેલા 10 ટકા ઘટાડો આવે છે, તો એક કલાક માટે કારોબાર અટકી જાય છે. જો ઘટાડો 1 વાગે અથવા ત્યાર બાદ પણ 2.30 વાગ્યા પહેલા નોંઘાય છે તો કારોબાર અડધા કલાક માટે રોકવામાં આવે છે. જો 10 ટકાનો ઘટાડો 2.30 વાગે કે ત્યાર પછી નોંધાય છે, તો કારોબાર બંધ થતો નથી. એટલે કે કારોબાર 3.30 વાગ્યા સુધી ચાલતો રહે છે.

જો માર્કેટમાં 1 વાગ્યા પહેલા 15 ટકાનો ઘટાડો નોંધાય છે, તો કારોબાર બે કલાક માટે બંધ રહે છે. આ ઘટાડો 1 વાગ્યા બાદ પણ 2 વાગ્યા પહેલા થાય તો કારોબાર 1 કલાક માટે રોકાઇ જાય છે. 15 ટકાનો ઘટાડો 2 વાગે અથવા તે પછી થાય તો કારોબાર સમગ્ર દિવસ માટે બંદ કરી દેવામાં આવે છે. જો માર્કેટ 20 ટકા ઘટે છે તો ત્યાર પછી આખો દિવસ બજાર બંધ રહે છે.



શુક્રવાર, 1 જાન્યુઆરી, 2010

સટ્ટામય સમાજઃશેર નો સટ્ટૉ,અનાજ નો સટ્ટો,કઠોળનો સટ્ટો,તેલ નો સટ્ટો,ક્રીકેટ નો સટ્ટો,સોના-ચાંદી નો સટ્ટો,જ્યાં જુઓ ત્યાં સટ્ટો જ સટ્ટો.

સટ્ટા ની ઉધઈ દેશ ને ખોખલો બનાવી દે તે પહેલાં જાગો.
'સટ્ટો'એટલે કે 'જુગાર',આમ, તો આદીકાળથી પ્રચલીત છે.મહાભારતનાં સમયમાં પણ 'જુગાર'નું અસ્તિત્વ હતું અને તેનું શું પરીણામ આવ્યું તે વાત થી તો આપણે સૌ પરિચિત જ છીએ.આપણાં પ્રાચીન ગ્રંથો માં,શાસ્ત્રો માં તેમજ દરેક ધર્મોમાં પણ કહેલું છે કે જુગાર એ મનુષ્યનાં અધઃપતન નો માર્ગ છે.તેમ છતાં દુઃખની વાત એ છે કે ભારતમાં હાલમાં જેટલો ફેલાવો 'જુગાર' કે 'સટ્ટા' નો છે તેટલો ફેલાવો ભારતનાં ઈતીહાસમાં આજ સુધી કયારેય નહોતો.આપણે આજે દરેક ક્ષેત્રો માં પ્રગતિ કરી રહ્યાં છીએ તેમ સાથે સાથે આપણે 'જુગાર' કે 'સટ્ટા'ની બાબતે પણ દુનીયામાં નં ૧ બનવા તરફ આગળ વધી રહ્યાં છીએ અને દુઃખ ની વાત તો એ છે કે ભારતની કેન્દ્ર સરકાર પણ ભારતમાં જુગાર ને વધુ ને વધુ પ્રોત્સાહન આપવા માટે ઉત્સુક છે.ભારત સરકારે વધુ ને વધુ ટેક્સ કમાવવાની લાલચે શેરનાં સટ્ટા,અનાજ નાં સટ્ટા,કઠોળ નાં સટ્ટા,તેલ નાં સટ્ટા,સોના-ચાંદી નાં સટ્ટા,કપાસ નાં સટ્ટા,ધાતુ નાં સટ્ટા વગેરે જેવાં સટ્ટાઓ ને કાયદેસરની માન્યતા આપેલ છે.એટલે કે ગંજીપા નો જુગાર રમતાં પકડાવામાં સજા થાય છે પરંતુ તેનાં કરતાં પણ વધારે ખતરનાક અને ખુબ જ મોટાપાયાનો જુગાર તમે એ.સી ચેમ્બરમાં બેઠાં બેઠાં કાયદેસર રીતે રમી શકો છો.હવે,ભવિષ્યમાં ક્રીકેટનાં સટ્ટા ને પણ કાયદેસરની માન્યતા મળે તો નવાઈ નહીં પામતાં અને આમ પણ ક્રીકેટનાં સટ્ટા માં ભારત હાલમાં દુનીયામાં નં ૧ નું સ્થાન ધરાવે છે.ભારતનાં બુકીઓ દુનીયાભર માં (અ)કિર્તી ધરાવે છે.અને હા આ બધી વાતો સરકાર ને,પોલીસ ને અને પ્રજા ને બધા ને ખબર છે છતાં બધાં લોકો હાથમાં બંગડીઓ પહેરીને ખુલ્લેઆમ ચાલતો આ તમાશો જુએ છે અને લાગતાં વળગતાં પોલીસ અધીકારીઓ અને નેતાઓનાં ખીસ્સા ગરમ થઈ જાય છે એટલે તે લોકો ને આ પ્રકારનાં સટ્ટા બંધ કરાવવા ને બદલે તેનાં વિકાસમાં જ રસ છે.
વાસ્તવ માં 'સટ્ટો'એ આજ નાં સમયનું સૌથી ઘાતક સામાજીક દુષણ છે.એક સર્વે મુજબ આજે કોલેજ માં ભણતાં દર વીસ સ્ટુડન્ટસે એક સ્ટુડન્ટ કોઈ ને કોઈ પ્રકારનો 'સટ્ટો' રમે છે અને ભારતનાં દર પચાસ ઘરમાંથી એક ઘરનું કોઈ એક વ્યક્તિ 'સટ્ટા'ની પ્રવ્રુતિ સાથે સંકળાયેલ છે અને હા આમાંથી મહીલાઓ પણ બાકાત નથી.આપણો આખો સમાજ જાણે કે સટ્ટામાં ઓતપ્રોત થઈ ગયો છે એટલે કે 'સટ્ટામય સમાજ'.સાથે સૌથી દુઃખની વાત તો એ છે કે 'સટ્ટો' રમાડ્તાં બુકીઓની અને દલાલો ની સમાજમાં વાહ વાહ થાય છે,બહુમાન થાય છે તેમજ રાજકીય પક્ષો તેમને નેતા બનાવે છે.આનાંથી મોટી કરુણતાં બીજી કઈ હોય શકે? આજે આ 'સ્ટ્ટા'ની ઉધઈ આપણાં દેશ-સમાજ અને પરીવારો ને અંદરથી ખોખલાં કરી રહી છે.સટ્ટા માં ડુબેલાં દેશ-સમાજ કે પરીવારોનું અંતે પતન થાય છે સાથે સાથે તેની વિપરીત અસરો પુરા દેશ તેમજ તમામ દેશવાસીઓએ પણ ભોગવવી પડે છે.જેમકે 'મોંઘવારી',આ આપણને કોમોડીટીનાં સટ્ટાએ આપેલી એક ભેંટ છે.ભારતમાં છેલ્લાં એક વર્ષમાં જીવન જરુરી ખાધ્ય પદાર્થો નાં ભાવમાં ૭૦ થી ૮૦ ટકાનો વધારો થયો છે.જેનું એક અને માત્ર એક જ કારણ કોમોડીટી નો સટ્ટો જ છે.સૌથી પીડાદાયક વાત તો એ છે કે સરકારે ખરે-ખર મોંઘવારી ઘટાડવા માટેનાં પગલાંઓ લેવાં જોઈએ તેને બદલે સરકારનાં જવાબદાર મંત્રીઓ દ્વારાં સટ્ટા ને પ્રોત્સાહન મળે તેવાં નિવેદનો આપવામાં આવે છે.દેશનાં નેતાઓને પોતાનાં ખીસ્સા ભરવામાં જ રસ છે પરંતુ ભયાનક મોંઘવારીને લીધે દેશવાસીઓનાં ખીસ્સા ખાલી થઈ રહ્યાં છે,ભુખમરો-ગરીબી વધી રહી છે તેનો ઉકેલ શોધવામાં કોઈને રસ નથી.આપણે નિર્માલ્ય-માયકાંગલા ની જેમ બસ બધું જોયાં જ રાખીએ છીએ અને સહન જ કર્યે રાખીએ છીએ.દરેક પક્ષ,દરેક સમાજ,દરેક વર્ગ નાં લોકોએ હવે સાથે મળીને તમામ પ્રકારનાં સટ્ટાઓ બંધ કરાવવાની ઝુંબેશ ચાલુ કરવાનો સમય હવે પાકી ગયો છે.આપણે હવે અત્યારે નહીં જાગીએ તો પછી બહું મોડું થઈ ગયું હશે.એક સામુહીક પ્રયાસ દ્વારાં જ આપણે આપણાં દેશ અને સમાજ ને બચાવી શકીશું અને એક સમ્રુધ્ધ અને સંસ્કારી ભારત વર્ષનું નિર્માણ કરી શકીશું.

ગુરુવાર, 12 નવેમ્બર, 2009

ધંધા માટે મુડી મેળવવી હવે સહેલી છે.

જો તમારી પાસે નવો વિચાર,આવડત અને તનતોડ મહેનત કરવાની તૈયારી હોય તો 'વેન્ચર કેપીટાલીસ્ટો' મુડી લગાવવા તૈયાર છે.
એક જમાનો એવો હતો કે લોકો પાસે નવીનતમ પ્રકારનો ધંધાનો વિચાર હોય,આવડત હોય અને મહેનત કરવાની તૈયારી પણ હોય પરંતુ પુરતી મુડીનાં અભાવે કાં તો એ વિચાર પડ્તો મુકવો પડતો અથવા તો તે ધંધાનો જોઈએ તેટલો વિકાસ ના કરી શકતાં.ઉધોગ સાહસિકોને ધંધા માટે લોન મેળવવામાં નાકે દમ આવી જતો તેવી પરિસ્થિતિ હતી.પરંતુ હવે યુગ બદલાયો છે.હવે ધંધા માટે મુડી ઉભી કરવા માટે બેંકોની મૌતાજી કરવાની જરુર નથી.જો તમારી પાસે ધંધાનો કોઈ નવીનતમ વિચાર હોય અને સાથે સાથે તમારાં માં આવડ્ત અને મહેનત કરવાની લગન હોય તો હવે તમે ધંધા માટે સહેલાઈ થી મુડી મેળવી તમારા ધંધાને વિશ્વકક્ષાએ લઈ જઈ શકશો.તમે ધારો તેટલો તેનો વિકાસ કરી શકશો.મુડીનો અભાવ હવે તમારાં માટે બાધારુપ નહીં બને.ભારતમાં વેન્ચર કેપીટાલીસ્ટોની ફૌજ તમારાં ધંધામાં મુડી રોકી તમારાં ભાગીદાર બનવા માટે તૈયાર ઉભી છે.
'વેન્ચર કેપીટલ' એટલે શું?
વેન્ચર કેપીટલનો સાવ સરળ અર્થ કાઢીએ તો વેન્ચર કેપીટલ એટલે કોઈ નવા વ્યવસાય કે સાહસ માં રોકાણ કરવું.જ્યારે કોઈ ઉધોગ સાહસિક પોતાનો ધંધો શરુ કરે અને તેને મુડી ની જરુર હોય તો તે એવાં રોકાણકારની શોધ કરે કે જે ભવિષ્યનાં મોટાં લાભની આશાએ તેનાં સાહસમાં રોકાણ કરવા તૈયાર થઈ જાય.મુડી મેળવવાનાં આ પ્રકાર ને વેન્ચર કેપીટલ કહે છે.
વેન્ચર કેપીટાલીસ્ટ એટલે શું?
તાજેતર માં જ આપણે સમાચારો માં વાંચ્યું કે ઈન્ફોસીસ કંપનીનાં સ્થાપક નારાયણ મુર્તી એ ઈન્ફોસીસ નાં આઠ લાખ શેર્સ વેંચીને ૧૭૪.૩૦ કરોડ રુપીયાની મુડી ઉભી કરી અને તે હવે આ મુડી વડે 'કેટામારન' નામની પોતાની એક વેન્ચર કેપીટલ કંપની ઉભી કરે છે.એટલે કે નારાયણ મુર્તી હવે 'વેન્ચર કેપીટાલીસ્ટ' બની ગયા.નારાયણ મુર્તી ની જેમ જ ભારતનાં બીજાં ઘણાં મોટાં ઉધોગ ગ્રુહો એ પણ પોતાની વેન્ચર કેપીટલ કંપની શરુ કરી છે.તેઓ હવે ભારતમાં ઉધોગ સાહસિક્તાને પ્રોત્સાહન આપવા તેમજ પોતાનાં રોકાણો પર ભવિષ્યમાં તગડું વળતર મેળવવાની આશા એ નવાં ઉધોગ સાહસો માં મુડી રોકાણ કરશે.ભારતમાં વેન્ચર કેપીટાલીસ્ટો નો એક નવો વર્ગ ઉભો થયો છે કે જેઓ પોતાની મુડી લગાડી બીજાની મહેનતે પોતે રુપીયા કમાશે.વેન્ચર કેપીટલ ફંડ એ ઉધોગ સાહસિક અને વેન્ચર કેપીટાલીસ્ટ બંને માટે એક સરખું ફાયદા રુપ છે.કારણ કે ઉધોગ સાહસિક ને ધંધાનાં વિકાસ માટે મુડી ની જરુરીયાત છે જ્યારે વેન્ચર કેપીટાલીસ્ટ ને ભવિષ્યમાં ઉંચું વળતર મળે તેવી જગ્યા એ પોતાની મુડીનું રોકાણ કરવું છે.એટ્લે બંને પક્ષની જરુરીયાતો વેન્ચર કેપીટલ ની વ્યવસ્થાથી સંતોષાય છે.
વેન્ચર કેપીટલ કેવી રીતે મેળવશો?
વેન્ચર કેપીટલ મેળવવા માટે ઉધોગકારે થોડી જટીલ પ્રક્રીયામાંથી પસાર થવું પડે છે.સૌ પ્રથમ તો તમારે તમારો સંપુર્ણ બીઝ્નેશ પ્લાન તૈયાર કરવૉ પડે છે.જેમાં તમે જે ધંધો કરવા માંગો છો અથવા તો કરો છો તેનાં વિશેની સંપુર્ણ વિગતો એટલે કે ધંધાનું સ્વરુપ,વિકાસની તકો,હરીફાઈ,હરીફોની વિગતો,તમારી આવડત,તમારી મુડી,બીઝનેશ પ્રોજેક્શન,સંભવીત નફો,મુડીની જરુરીયાત વગેરે બાબતો નો સમાવેશ બીઝનેશ પ્લાન માં થાય છે.બીઝનેશ પ્લાન તૈયાર થઈ ગયા બાદ જુદી જુદી વેન્ચર કેપીટલ કંપનીઓ ને તે બીઝનેશ પ્લાન મોકલાવો જે કંપની ને તમારાં બીઝનેશ માં રસ પડશે તે વેન્ચર કેપીટલ કંપની તમને રુબરુ મળવા માટે બોલાવશે અને તમારી પાસે થી વધારે વિગતો મેળવશે તેમજ તમારી કાબેલીયત ચકાસશે અને ધંધાનાં સારાં ખરાબ પાસાઓની તમારી સાથે વિગતવાર ચર્ચા કરશે.જરુર પડશે તો તે ક્ષેત્રનાં નિષ્ણાંતોની પણ તે સલાહ લેશે.આમ,બધું જો સમુ સુતરું ઉતરે તો તેઓ તમને વેન્ચર કેપીટલ ફંડ આપી તેનાં પ્રમાણમાં તમારી કંપનીનાં શેરનૉ હિસ્સો મેળવશે.
આ બાબતે વધારે માહીતી આપ 'ઇન્ડીયન વેન્ચર કેપીટલ એશોશીયેશન' ની વેબ સાઈટ www.indiavca.org પર થી મેળવી શકશો.

બુધવાર, 7 ઑક્ટોબર, 2009

આપણાં રોકાણોનો 'પીરામીડ' કેવો હોવો જોઈએ?

આપણાં રોકાણોનો 'પીરામીડ' કેવો હોવો જોઈએ?
'પીરામીડ'વિશે તો આપણે સૌ જાણીએ છીએ.ઈજીપ્તની ધરતી પર સદીઓથી અડીખમ,અડગ ઉભેલાં પીરામીડ એ આદર્શ સ્થાપત્યનો ઉતમ નમુનો છે.સદીઓથી ઊભેલાં પીરામીડો એ કેટ કેટલાંએ તોફાનો,ધરતીકંપ,હોનારતો,યુધ્ધો વગેરે જોયા હશે પરંતુ તે બધાંની વચ્ચે પણ પીરામીડ અડગ અને અડીખમ આજે પણ ઉભાં છે.તેનું કારણ એ છે કે પીરામીડ નું સ્ટ્ર્કચર એ રીતે તૈયાર કરવામાં આવેલું છે કે તેને દુનીયાનાં કોઈપણ તોફાનો હચમચાવી શકે જ નહીં.આપણાં રોકાણૉનાં સંદર્ભમાં જોઈએ તો આપણાં રોકાણોનો પીરામીડ પણ આવો જ હોય તો કેવું સારું?એટ્લે કે આપણાં રોકાણોનું સ્ટ્ર્કચર પણ એવું હોવું જોઈએ કે ગમે તેટલાં આર્થીક તોફાનો આવે જેમ કે વૈશ્વિક મંદી,આર્થીક કૌભાંડૉ,ડિમેટ સ્કેમ,હર્ષદ મહેતા સ્કેમ,કેતન પારેખ સ્કેમ કે સત્યમ સ્કેમ જેવાં કોઈપણ તોફાનો આવે તો પણ આપણાં રોકાણોનો પીરામીડ પણ ઈજીપ્ત નાં પીરામીડ ની જેમ જ અડીખમ અને અડગ ઉભો રહે.આ માટે વિશ્વનાં નિષ્ણાંત રોકાણ સલાહકારોએ રોકાણ માટેનાં એક આદર્શ પીરામીડ ની ભલામણ કરેલી છે જો આપણે પણ આપણાં રોકાણો આ મુજબ કરીએ તો આપણાં જીવનમાં આપણે તેમજ આપણાં પરીવારે ક્યારેય નાણાંકીય કટોકટીનો સામનો કરવો ના પડે.
રોકાણો નો 'પીરામીડ'
પહેલું રોકાણઃ ટર્મ ઈન્શ્યુરન્સ પોલીસી
આપણે કમાતાં થઈએ અને કુલ ઘરખર્ચ બાદ કરતાં જો આપણે થોડી ઘણી બચત કરી શકીએ તે મુજબની જો આપણી આવક હોય તો સૌ પ્રથમ કોઈપણ લાઈફ ઈન્શ્યુરન્સ કંપનીનો એક ટર્મ પ્લાન પોતાનાં જીવન પર લેવો જોઈએ.ટર્મ પ્લાન પ્રમાણમાં ખુબજ સસ્તાં હોય છે તેથી જેમ બને તેમ મોટી રકમનો વિમો લેવામાં આવે તો વધું સારું.આમ ટર્મ પ્લાન એ આપણાં રોકાણો નાં પીરામીડ નાં ચણતરની દિશા માં પહેલું પાયારુપી પગથીંયું છે.ટર્મ પ્લાન લેવાંથી સૌ પ્રથમ આપણે આપણાં પરીવારને સંપુર્ણ સુરક્ષા આપી દઈએ છીએ જેથી ભવીષ્યમાં આપણે ન પણ હોઈએ તો પણ આપણો પરીવાર નાણાંકીય કટૉ કટી માં સપડાતો નથી.
બીજું રોકાણઃ હોલ લાઈફ ઈન્શ્યુરન્સ પોલીસી
ટર્મ પ્લાનમાં રોકાણ કર્યાં પછી જો આપણી આવકમાં વધારો થાય અને કુલ ઘરખર્ચ તેમજ ટર્મ પ્લાનનું પ્રીમીયમ બાદ કરતાં પણ જો રકમ બચાવી શકાય તો બીજું રોકાણ આપણે કોઈપણ લાઈફ ઈન્શ્યુરન્સ કંપનીનાં હોલ લાઈફ પ્લાનમાં કરવું જોઈએ.હોલ લાઈફ પ્લાનમાં રોકાણ કરવાથી તમે તમારા કુટુંબ માટે જીંદગીભર ની નાણાંકીય સુરક્ષા તો મેળવો જ છો સાથે સાથે તમારાં માટે પણ તમે પાછળની જીંદગી ખુબ સારી રીતે વિતાવી શકો તે માટેનું નિશ્ચિત આયોજન અત્યારથી કરી લ્યો છો.
ત્રીજું રોકાણઃબેંક FD,સોનું,PPF,નાની બચત વગેરે
ઉપરનાં બે તબક્કા પસાર કર્યા પછી જો આપણી આવકમાં વધારો થયો હોય અને આપણે કુલ ઘરખર્ચ બાદ કરતાં પણ જો વધારે રકમ બચતી હોય તો હવે બેંક FD,સોનું,PPF,નાની બચત વગેરે જેવાં ઓછાં વળતર આપનારાં પણ સંપુર્ણ સલામત એવાં નાણાંકીય રોકાણનાં સાધનોમાં બચત કરી શકાય છે.પરંતુ જેમ આપણે વિમાનું પ્રીમીયમ નીયમીત રીતે ભરીએ છીએ તેમ જ આવાં સાધનોમાં પણ નીયમીત રીતે રોકાણ કરતું રહેવું જોઈએ.
ચોથું રોકાણઃમ્યુચલ ફંડ(શેરબજાર આધારીત)
ઉપર મુજબનું નીયમીત રોકાણોનું આયોજન કર્યાં પછી પણ જો હજુ રકમ બચતી હોય તો શેરબજાર આધારીત મ્યુચલ ફંડમાં રોકાણ કરી થોંડું જોખમ લઈ શકાય.સીધું જ શેરમાં રોકાણ કરવાં કરતાં મ્યુચલ ફંડ દ્વારાં શેર માં રોકાણ કરવું વધારે હિતાવહ છે કારણ કે મ્યુચલ ફંડ કંપની નાં ફંડ મેનેજર્ર્સ જુદી જુદી કંપનીઓનાં શેર્ર્સ વિશે રાત દિવસ અભ્યાસ કરતાં હોય છે તેઓ તેનાં નિષ્ણાંત હોય છે તેથી આપણે કોઈની ટિપ્સમાં ભરમાઈન્ર કે છાપાંમાં વાંચીને શેર ખરીદવા કરતાં મ્યુચલ ફંડ દ્વારાં શેરમાં રોકાણ કરવું નાનાં રોકાણકારો માટે વધારે હિતાવહ છે તેમજ રોકાણો સામે વધારે ઉંચું વળતર મળવાની પણ સંભાવનાં છે પરંતુ આ રોકાણ જો લાંબાગાળા માટેનું હોય તો જ તેમાંથી મોટાં વળતરની અપેક્ષા રાખી શકાય.
પાંચમું રોકાણઃશેર (ઈક્વીટી)
ઉપર મુજબનાં રોકાણનાં તબક્કા પાર કર્યાં પછી તમે શેરબજારમાં સીધું રોકાણ કરી શકો છો અને વધારે જોખમ લઈ મોટાં વળતરની અપેક્ષા રાખી શકાય છે.આ તબક્કે શેર બજારમાં રોકાણ કરવાથી તમને શેર બજારનાં ઉતાર ચઢાવ કે જોખમો ની બહુ ચિંતા નહીં રહે કારણકે તમે હવે રોકાણનાં એવાં તબક્કે પહોંચી ગયા છો કે તમે તેમજ તમારો પરીવાર સંપુર્ણ નાણાંકીય સુરક્ષા ધરાવતો હશે.તેથી આ તબક્કે તમે લાંબાગાળા માટે શેર માં રોકાંણ કરી ખુબ જ મોટું વળતર પણ મેળવી શકો છો.કોઈપણ કંપનીનાં શેર લેતાં પહેલાં તે કંપની વિશે ખુબ ઉંડો અભ્યાસ કરવો બહુ જરુરી છે ત્યાર બાદ શેર માં રોકાણ કરવું જોઈએ અને તે પણ લાંબાગાળા માટૅનું જ રોકાણ હોવું જોઈએ કારણકે ટુંકાગાળા માટે શેરની લે-વેંચ કરવી એ જુગારીઓનું કામ છે રોકાણકારો નું નહીં.
છઠું રોકાણઃજમીન,આર્ટ,કોમોડીટી વગેરે
હજુ તમારી આવક વધતી જ જાય છે અને ઉપર મુજબ નાં તમામ રોકાણ સાધનો માં મોટી રકમનું નિયમીત રોકાણ કર્યાં પછી પણ જો તમારી પાસે વધારે રુપીયા બચતાં હોય તો તમે જમીન,આર્ટ,કોમોડીટી વગેરે જેવાં ખુબ જ જોખમી પરંતુ સાથે સાથે ખુબ જ મોટો નફો પણ રળી આપવાની સંભાવાનાં ધરાવતાં આવાં સાધનો માં રોકાણ કરી શકો છો.

જો આપણે જીવનમાં શીસ્તબધ્ધ રીતે ઉપર મુજબ તબક્કા વાર રોકાણ કરીએ તો આપણો રોકાણોનો પીરામીડ પણ ઈજીપ્ત નાં પીરામીડ જેવો મજબુત અને અડીખમ બની રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.---- હેપ્પી ઈન્વેસ્ટીંગ.

ગુરુવાર, 23 જુલાઈ, 2009

બજેટ ૨૦૦૯-૧૦ - પર્સનલ ઈન્કમટેક્ષ ને લગતાં સુધારાઓ અને તેની અસરો

બજેટ -૦૯,આમ તો ભારત નાં તમામ ક્ષેત્રો માટે નિરાશાજનક રહ્યું છે.ઈન્કમટેક્ષને લગતાં સુધારાઓની બાબતમાં પણ લોકોને નાણાંમંત્રી પાસેથી ઘણીબધી અપેક્ષાઓ હતી.પરંતુ તે અપેક્ષાઓ આ બજેટ્માં સંતોષાઈ નથી.તેમ છતાં બજેટ-૦૯ માં વ્યક્તિગત આવકવેરાની બાબતમાં થોડા સુધારાઓ કરવામાં આવ્યાં છે.આજે આપણે તે સુધારાઓ અને તેની આપણાં પર્સનલ ઈન્કમટેક્ષ પર થતી અસરો વિશે ચર્ચા કરીશું.

# પર્સનલ ઈન્કમટેક્ષ માં થયેલાં સુધારાઓ
૧, ઈન્કમટેક્ષની મુક્તિ મર્યાદામાં વધારો
૨ ,ઈન્કમટેક્ષનાં ૧૦% સરચાર્જની નાબુદી
૩, સેક્શન ૮૦ DD મુજબની મુક્તિ મર્યાદામાં વધારો
૪, સેક્શન ૮૦ E નાં વ્યાપમાં વધારો
૫, ઈન્કમટેક્ષનાં ફોર્મમાં સરળતા

#૧- ઈન્કમટેક્ષની મુક્તિ મર્યાદામાં વધારો
આ બજેટમાં વ્યક્તિગત ઈન્કમટેક્ષમાં વાર્ષીક આવક પર આપવામાં આવતી મુક્તિ મર્યાદામાં નજીવો વધારો કરવામાં આવ્યો છે.વરિષ્ઠ નાગરીકો માટે છુટની મર્યાદા ૨,૨૫,૦૦૦ થી વધારીને ૨,૪૦,૦૦૦ કરવામાં આવી છે.એટ્લે કે વરીષ્ઠ નાગરીકોને તેમની કુલ વાર્ષીક આવક ૨,૪૦,૦૦૦ સુધીની હોય ત્યાં સુધી તેનાં પર ઈન્કમટેક્ષ લાગશે નહીં.આમ,વરિષ્ઠ નાગરીકોની ઈન્કમટેક્ષ મુક્તિ મર્યાદામાં રુ.૧૫,૦૦૦ નો વધારો કરવામાં આવ્યો છે.એ સિવાય તમામ પુરુષો અને મહીલાઓની ઈન્કમટેક્ષ મુક્તિ મર્યાદામાં રુ.૧૦,૦૦૦નો વધારો કરવામાં આવ્યો છે.જે પુરુષો માટે ૧,૫૦,૦૦૦ થી વધારીને રુ.૧,૬૦,૦૦૦ અને મહીલાઓ માટે રુ.૧,૮૦,૦૦૦ થી વધારીને ૧,૯૦,૦૦૦ કરવામાં આવી છે.
# તેની અસરઃ
વ્યક્તિને પોતાની વાર્ષીક આવકનાં પ્રમાણમાં જે તે સ્લેબ મુજબ ગણતરી કરતાં ઈન્કમટેક્ષની રકમમાં નજીવો ફાયદો થશે.
#૨- ઈન્કમટેક્ષ પરનાં ૧૦% સરચાર્જની નાબુદી
વાર્ષીક દસ લાખ કરતાં વધારે આવક ધરાવનારને જે તે સ્લેબ મુજબ લાગતાં ઈન્કમટેક્ષ સિવાય તેનાં પર વધારાનો ૧૦% સરચાર્જ ભરવાનો થતો હતો.બજેટ ૦૯-૧૦ માં આ ૧૦% સરચાર્જની નાબુદી કરવામાં આવી છે.
#તેની અસર
૧૦% સરચાર્જની નાબુદીને લીધે દસ લાખ કરતાં વધારે આવક ધરાવનારને ઈન્કમટેક્ષમાં મોટી રાહત મળશે.દા.ત.કોઈની વાર્ષીક આવક રુ.૧૫ લાખ હોય તો તેણે રુ.૩,૫૫,૦૦૦ ટેક્ષ ભરવાનો થાય અને રુ. ૩૫,૫૦૦ સરચાર્જ (૩% એજ્યુકેશન સેસ સિવાય) ભરવાનો થતો હતો પરંતુ ૧૦% સરચાર્જની નાબુદી થતાં હવે થી તેને ઈન્કમટેક્ષમાં વાર્ષીક રુ.૩૫,૫૦૦ નો ફાયદો થશે.
# ૩- સેકશન ૮૦ DD મુજબની મુક્તિ મર્યાદામાં વધારો
જો કોઈ વ્યક્તિનાં કુટુંબમાં અપંગ વ્યક્તિ તેને આધારીત જીવતો હોય તો ઈન્કમટેક્ષ નાં સેકશન ૮૦ DD મુજબ તેને તેની આવકમાંથી રુ.૭૫,૦૦૦ સુધીની રકમ બાદ મળતી હતી આ મર્યાદા બજેટ ૦૯-૧૦ માં વધારીને રુ.૧,૦૦,૦૦૦ સુધીની કરવામાં આવી છે.
# તેની અસર
કુટુંબમાં અપંગ વ્યક્તિ પોતાનાં આધારીત હોય તેવી વ્યક્તિની વાર્ષીક આવક ની ઈન્કમટેક્ષનાં જે તે સ્લેબ મુજબ ગણતરી કરતાં વધુ માં વધુ તેને રુ.૭,૫૦૦ સુધીની વધારાની રાહત આ જોગવાઈને લીધે મળવા પાત્ર છે.
#૪- સેકશન ૮૦ E નાં વ્યાપમાં વધારો
એજ્યુકેશન માટે લીધેલ લોન માટે ભરવામાં આવેલ વ્યાજની રકમને સેક્શન ૮૦ ઈ મુજબ ઈન્કમટેક્ષમાંથી મુક્તિ મળે છે.આ મુક્તિ અત્યાર સુધી ફક્ત ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનનાં અમુક અભ્યાસક્રમો જેમ કે એન્જીનીયરીંગ,મેડીસીન અને મેનેજમેન્ટ અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં વિજ્ઞાન,ગણિત અને અંક ગણિતનાં અભ્યાસક્રમો માંજ લાગુ પડતી હતી.પરંતુ હવે થી આ બજેટમાં તેનો વ્યાપ વધારીને હવે થી દરેક પ્રકારનાં અભ્યાસક્રમો માટે લીધેલી લોનનાં ભરપાઈ થયેલાં વ્યાજ માટે આ મુક્તિ મર્યાદા લાગુ પડ્શે.
# તેની અસર
જો તમે ભણતર માટે લોન લીધેલી હશે અને અત્યાર સુધી તેમાં આ મુક્તિ મર્યાદા લાગુ પડ્તી નહીં હોય તો હવે થી તમે આ મુક્તિ મર્યાદાનો લાભ લઈ ઈન્કમટેક્ષમાંથી રાહત મેળવી શકો છો.
#૫- ઈન્કમટેક્ષ રીટર્ન નાં ફોર્મમાં વધારે સરળતા - સરલ - ૨
આ બજેટમાં ઈન્કમટેક્ષ રીટર્નનાં ફોર્મ હજી વધુ સરળ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
#તેની અસર
આ જોગવાઈને લીધે ઈન્કમટેક્ષનાં રીટર્ન ભરવાનું તમામ વર્ગનાં લોકો માટે વધુ સરળ બનશે અને વધુ ને વધુ લોકો પાન નંબર કઢાવીને ઈન્કમટેક્ષ ભરતાં થશે તેવી આશા સેવાઈ રહી છે.

બુધવાર, 15 જુલાઈ, 2009

બજેટ-૦૯ દેશનાં નાનાં રોકાણકારોની આશાઓ પર ઠંડુ પાણી રેડાયું

દિવા સ્વપ્ન સમાન બજેટમાં કોઈ નક્કર સુધારાઓ નહીં.મોંઘવારી કાબુમાં લેવા માટે કોઈ આયોજન નહીં.શેરબજાર માટે કપરો સમય.
પ્રણવ મુખરજીનાં બજેટ-૦૯ એ દેશનાં નાનાં રોકાણકારોની આશાઓ પર રીતસરનું ઠંડુ પાણી રેડ્યું છે.આજે જ્યારે સમગ્ર દેશ કોંગ્રેસ સરકારની આર્થીક નીતિઓ તેમજ વૈશ્વીક મંદીની અસરોને લીધે તમામ ક્ષેત્રે મંદીનો સામનો કરી રહ્યો હોય તેમજ દેશમાં મોંઘવારીએ માઝા મુકી હોય તેવાં સંજોગોમાં દેશની જનતાને આ બજેટ પર ખુબ મોટી આશાઓ હતી પરંતુ દુઃખ ની વાત એ છે કે નાણાંમંત્રીએ આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે કોઈ નક્કર પગલાંઓ લેવાને બદલે એક દિવા સ્વપ્ન સમાન બીલકુલ સામાન્ય સુધારાઓ સાથેનું એક દિશાહીન બજેટ રજુ કર્યું હતું.ભારતનાં શેરબજારમાં લાંબી મંદી બાદ ફરીથી એક હલચલ શરુ થઈ હતી તેવાં સંજોગોમાં આ બજેટ આગામી શેરબજારની દિશા અને દશા નક્કી કરશે તેવી આશા દેશનાં રોકાણકારો સેવતાં હતા.સીક્યુરીટી ટ્રાન્ઝેક્શન ટેક્સ કે જે નાનાં રોકાણકારો માટે ભારે બોજા સમાન છે પરંતુ આ ટેક્સ નાબુદ કરવાની કોઈ જાહેરાત આ બજેટમાં કરવામાં આવી નથી તેને બદલે કોમોડીટીનાં સટ્ટાઓ કે જેને લીધે જીવન જરુર ખાધ પદાર્થોનાં ભાવો આસમાને ચડ્યાં છે તેને વધુ પ્રોત્સાહન આપતાં કોમોડીટી ટ્રાન્ઝેકશન ટેક્સ નાબુદ કરવામાં આવ્યો છે જેનો મોટો ફાયદો દેશનાં નાનાં રોકાણકારો ને નહીં પરંતુ કોમોડીટીમાં મોટા સટ્ટાઓ ખેલતી કંપનીઓ ને જ થશે.આવકવેરા નાં દરોમાં પણ મોટા ફેરફારોની આશાઓ હતી પરંતુ તેને બદલે સામાન્ય વર્ગ તેમજ સ્ત્રીઓ ની આવકમર્યાદા માં ફક્ત રુ ૧૦,૦૦૦ અને વરિષ્ઠ નાગરીકો માટે ફક્ત રુ.૧૫,૦૦૦ નો વધારો કરી આમ આદમીનાં દિલ બહેલાવવાનો વ્યર્થ પ્રયત્ન કરવામાં આવ્યો છે.અ સિવાય પેટ્રોલથી ચાલતાં ટ્ર્કો પરની એક્સાઈઝ ડ્યુટી માં ૧૦% ની રાહત આપવામાં આવી છે.પરંતુ મને લાગે છે કે પ્રણવ મુખરજી સાહેબ એ ભુલી ગયાં લાગે છે કે ભારતમાં મોટા ભાગની ટ્ર્કો પેટ્રોલ થી નહીં પરંતુ ડિઝલથી ચાલે છે તેથી આ જોગવાઈ પણ અર્થહીન છે.આ બજેટમાં પરોક્ષ વેરામાં કરાયેલાળ ફેરફારો નાં પરીણામે સરકારને રુ.૨૦૦૦ કરોડની વધારાની આવક થશે જે સામાન્ય પ્રજા માટે આર્થીક બોજા સમાન બની રહેશે.નાણાંમંત્રીએ ખાધ પદાર્થો,દવા,પેપર,કલાકૃતી,પ્રેશર કુકર,વોટર ફિલ્ટર,પ્યુરીફાયર અને વોટર પંપને બાદ કરતાં બાકીની તમામ વસ્તુઓ પરની એક્સાઈઝ ડ્યુટી ૪% થી વધારીને ૮% કરી છે જેને પરીણામે દેશમાં મોંઘવારીનું પ્રમાણ હજુ વધશે તેમાં કોઈ બે મત નથી.
દેશનાં ઉત્પાદન ક્ષેત્રની હાલત અત્યારે ખુબ જ ગંભીર છે.તેમજ દેશની કુલ નિકાસમાં ૪૦% જેટલો ઘટાડો નોંધાયો છે તેવાં સંજોગોમાં નાણાંમંત્રીએ જહાજ તેમજ રેલ્વે દ્વારાં થતી માલની હેરાફેરી પર સર્વીસ ટેક્સ લગાડ્યો છે જે ખરેખર દાઝ્યા પર ડામ દેવા સમાન છે.ભારતનાં કોર્પોરેટ જગત માટે પણ FBT હટાવવા સિવાય બીજી કોઈ મહત્વની જાહેરાતો કરવામાં આવી નથી તેમજ વકીલો અને ચાર્ટડ એકાઉન્ટન્ટો ની સેવાઓને પણ સર્વીસ ટેક્સમાં આવરી લેવામાં આવી છે જેને પરીણામે ઉધોગ ગૃહો અને વેપારીઓનાં ખર્ચમાં પણ વધારો થશે.કરવેરામાં તેમજ એક્સાઈઝ ડ્યુટીમાં વધારો થવાને પગલે ભારતનું ઉત્પાદન ક્ષેત્ર ચીનની હરીફાઈ કરવામાં નિષ્ફળ જશે પરીણામે દેશમાં મંદીનું પ્રમાણ વધશે તેમજ બેરોજગારી માં પણ વધારો થશે.
આમ,બજેટ ૨૦૦૯-૧૦ એ દેશનાં દરેક ક્ષેત્રો માટે નિરાશાજનક રહ્યું તેને પરીણામે આગામી સમય દેશનાં શેરબજાર માટે વધુ કપરો રહેશે.

શનિવાર, 4 જુલાઈ, 2009

રોકાણકારો સાવધાનઃપેન્ની સ્ટોક ફરીથી વધી રહ્યા છે

અગાઉ સસ્પેન્ડ થયેલી કંપનીઓ ફરીથી રીલીસ્ટીંગ કરાવી લીસ્ટીંગનાં પહેલાં દીવસે જ ખોટી રીતે ભાવ ઉછાળી મોટો નફો રળવાનું કારસ્તાન કરી રહ્યાં છે.
ઘણાં લાંબા સમય બાદ ભારતનાં શેર બજારમાં ફરીથી હલચલ જોવા મળે છે.રોકાણકારો ફરીથી શેરબજાર તરફ પાછાં વળ્યાં છે.એક રીતે કહીએ તો ફરીથી તેજીની શરુઆત થઈ હોય તેવું લાગે છે.આવાં તેજીનાં ગાળાનો ગેરલાભ લેવા માટે અમુક ચોક્કસ જુથો દર વખતની જેમ આ વખતે પણ સક્રીય બન્યાં છે.આ વખતે રોકાણકારોને છેતરવા માટે તેઓએ રીલીસ્ટીંગ અને પેન્ની સ્ટોકનો સહારો લીધો છે.ભુતકાળમાં સ્ટોક એક્સચેંજનાં ધારા ધોરણોનું પાલન નહી કરતાં શેરબજારમાં થી ડીલીસ્ટેડ થયેલી કંપનીઓ ફરીથી સ્ટોક એક્સચેંજમાં રીલીસ્ટીંગ કરાવવા માટે લાઇનમાં ઉભી છે.છેલ્લાં છ મહીનામાં ૧૬ જેટલી આવી કંપનીઓ બોમ્બે સ્ટૉક એક્સચેંજમાં રીલીસ્ટેડ થઈ છે.લીસ્ટીંગનાં પહેલાં દીવસે જ શેર નાં ભાવોમાં કોઈપણ પ્રકારનું સરકીટ ફીલ્ટર હોતું નથી તેથી આ તકનો લાભ લઈ ઓપરેટરો પહેલાં જ દીવસે આવાં શેરનાં ભાવોમાં ક્રુત્રીમ રીતે ૨૦૦૦ થી ૩૦૦૦ ગણો ઉછાળો લઈ આવી મોટો સટ્ટો ખેલી નાંખતા હોય છે.પરીણામે રોકાણકાર વર્ગને રડવાનો વખત આવે છે.
છ વર્ષ પછી ૨૫ મી મે નાં રોજ ફરીથી રીલીસ્ટેડ થયેલી રાજસ્થાનની કંપની પેસીફીક ઈન્ડસ્ટ્રીઝ નાં ભાવમાં રીલીસ્ટીંગનાં દિવસે ૨૭૫૭ ટકાનૉ ભાવ વધારો થાય છે અને એ પણ ફક્ત ૧૩૨ શેરનાં વોલ્યુમમાં જ! એવી જ રીતે અમદાવાદની ૮ વર્ષ પછી રીલીસ્ટેડ થયેલી કેમીકલ કંપની શ્રી ક્લોકેમ નાં શેરનાં ભાવમાં પણ રીલીસ્ટીંગનાં પ્રથમ દિવસે જ ૨૪૦૦ ટકાનો ઉછાળો ફક્ત ૧૦૦ શેરનાં વોલ્યુમમાં જ જોવા મળ્યો હતો.આવી જ રીતે બીજી કંપનીઓ નાં ભાવોમાં પણ અસાધારણ ભાવ વધારો જોવામાં આવ્યો છે અને આ અસાધારણ ભાવ વધારા પરથી સ્પષ્ટ રીતે સમજી શકાય કે આ શેરોમાં કંઈક ગેરરીતી થઈ રહી છે.આવી બીજી કંપનીઓ જોઈએતો મધુર ઈન્ડ્સ્ટ્રીઝ,બીન્ની,ક્વોન્ટમ ડિજીટલ,પીથમપુર સ્ટીલ,કેજીએન,સીલ્ફ ટેક્નોલોજીસ,સુજાના ટાવર્સ,એસ્.કુમાર નેશનવાઈડ,લોક હાઉસીંગ,કન્ટ્રી કલબ,સ્ટર્લીંગ ગ્રીનવુડ્ઝ વગેરે.ઉપરની આ બધી કંપનીઓ નાં ભાવોમાં ૧૦૦૦ ટકા થી લઈને ૩૦૦૦ ટકાનો અસાધારણ ભાવ વધારો જોવામાં આવ્યો છે.રોકાણકાર વર્ગ માટે આવાં સટ્ટાકીય શેરો થી દુર જ રહેવું વધારે હીતાવહ છે.એક નાં બે કરવાની લાલચમાં લાખનાં બાર હજાર થાય તેવી સ્થિતિ બની શકે છે.તેથી જ પરસેવાની કમાણીનું રોકાણ કરતાં પહેલાં સમજી વીચારીને જ નિર્ણય કરવો આપણાં બધાં માટે હીતાવહ છે.

બુધવાર, 17 જૂન, 2009

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સાવધાનીપુર્વક કરવામાં જ સમજદારી છે.

આજકાલ પ્લાસ્ટીક મનીનું ચલણ ખુબ જ વધતું જતું જોવા મળે છે.દરેક લોકોનાં ખીસ્સામાં ઓછા માં ઓછા બે ત્રણ જુદી જુદી કંપનીઓનાં ક્રેડિટ કાર્ડ તેમજ ડેબીટ કાર્ડ જોવાં મળે છે અને યુવાનોમાં તો ક્રેડિટ કાર્ડ રાખવાની રીતસરની એક ફેશન થઈ ગઈ છે.ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જો પુરેપુરી સમજદારી અને સાવધાનીપુર્વક કરવામાં આવે તો તે ખુબ જ ઉપયોગી સાબીત થઈ શકે પરંતુ જો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં ના આવે તો તે ખુબજ જોખમી સાબીત થઈ શકે છે.ક્રેડિટ કાર્ડનાં સમજદારીપુર્વકનાં ઉપયોગ માટે નીચેનાં અમુક મુદ્દાઓ વાચકોને ખુબ જ ઉપયોગી થશે.

#મીનીમમ એમાઉન્ટ ડ્યુ ચુકવવાને બદલે ફુલ આઉટસ્ટેન્ડીંગ બેલેન્સની જ ચુકવણી કરો
ક્રેડિટ કાર્ડ દ્વારાં પેમેન્ટ કર્યા બાદ તમારી બીલીંગ સાઈકલ મુજબ અમુક દિવસો પછી તમને તમારાં મોબાઈલ પર મેસેજ આવશે.દા.ત. તમે જો રુ.૪૦૦૦ ની ખરીદી કરી હોય તો એવો મેસેજ આવશે કે તમારું આઉટસ્ટેન્ડીંગ બેલેન્સ રુ.૪૦૦૦ છે પરંતુ જો તમારે પુરે પુરાં રુપીયા ભરવા ન હોય તો ફક્ત ૫૦૦રુ મીનીમમ ડ્યુ એમાઉન્ટ તરીકે ભરી દઈને તમારી આઉટસ્ટેન્ડીંગ બેલેન્સ કેરી ફોરવર્ડ કરી શકો છો.તો આવાં સમયે મીનીમમ ડ્યુ એમાઉન્ટ ભરવાને બદલે ફુલ આઉટસ્ટેન્ડીંગ બેલેન્સ ચુકવી દેવી વધારે હીતાવહ છે.કારણકે બાકી રહેતાં રુપીયા પર ક્રેડિટ કાર્ડ કંપની વાર્ષીક ૨૪ ટકા થી ૪૨ ટકા સુધીનું વ્યાજ વસુલ કરે છે.એટલે આમ જોઈએ તો ક્રેડિટ કાર્ડ કંપનીની આજ સાચી કમાણી છે.તેમજ જો મીનીમમ ડ્યુ એમાઉન્ટ રકમ જ ભરવામાં આવી હોય તો ત્યાર પછી ની દરેક ખરીદીની રકમ પર પણ તે જ દિવસથી વ્યાજ લાગવાનું ચાલુ થઈ જાય છે.આવું ભારેખમ વ્યાજ ભરવા કરતાં તો ક્રેડિટ કાર્ડની આઉટસ્ટેન્ડીંગ બેલેન્સની પુરે પુરી ચુકવણી પર્સનલ લોન લઈને કરી દેવી વધારે હીતાવહ છે કારણ કે પર્સનલ લોન ફક્ત ૧૨ થી ૧૮ ટકા નાં વાર્ષીક વ્યાજનાં દરે મળે છે.
#બેલેન્સ ટ્રાન્સફર ના કરાવવું
બેલેન્સ ટ્રાન્સફર એટલે એક ક્રેડિટ કાર્ડની બાકીની રકમની ચુકવણી બીજાં ક્રેડિટ કાર્ડ દ્વારા કરવી.આમ કરવાથી દેણું ચુકતે નથી થતું પરંતુ દેશી ભાષામાં કહીએ તો લેણદાર બદલાય છે.બાકી રકમ પરનું વ્યાજતો એટલું જ ચુકવવું પડે છે.આથી બેલેન્સ ટ્રાન્સફર કરવાને બદલે ક્રેડિટ કાર્ડની બાકી રકમની તાત્કાલીક ચુકવણી કરી દેવી સારી.
#કેશ ઉપાડ ના કરવો
ક્રેડિટ કાર્ડ દ્વારાં ATM માંથી અમુક રોકડ રકમ ઉપાડવાની સવલત મળે છે.બને ત્યાં સુધી આવો કેશ ઉપાડ ના કરવો કારણ કે કેશ ઉપાડ પર તે જ દિવસથી માસીક ૪ થી ૬ ટકા જેટલું ઉંચુ વ્યાજ ચાલુ થઈ જાય છે.
#બાકી નાણાંની ચુકવણી સમયસર કરી દેવી.
ક્રેડિટ કાર્ડ વપરાશકારોએ આ નીયમને સોનેરી અક્ષ્રરે કોતરી લેવાની જરુર છે.ક્રેડિટ કાર્ડની બીલીંગ સાઈકલ મુજબ બાકી નાણાં છેલ્લી તારીખનાં બે દિવસ પહેલાં જ ચુકવી દેવાંથી કોઈપણ પ્રકારની ફી કે વ્યાજ ભરવામાંથી મુક્તિ મળે છે અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તો જ ખરા અર્થમાં સાર્થક થયો ગણાશે.
#'લાઈફ ટાઈમ ફ્રી' કાર્ડ જ લેવું
ક્રેડિટ કાર્ડ કંપનીઓ વાર્ષીક ફી લેતી હોય છે.અમુક કંપનીઓ પહેલાં વર્ષની ફી માફી આપે છે પરંતુ બીજાં વર્ષથી તગડી ફી વસુલ કરે છે.તેનાં બદલે 'લાઈફ ટાઈમ ફ્રી' કાર્ડ જ લેવૂ વધારે હીતાવહ છે.કેમ કે ઘણી વખત પછીનાં વર્ષોમાં ખુબજ ઉંચી ફી વસુલ કરવામાં આવતી હોય છે.તેનાં બદલે જો આજીવન ચાર્જ ફ્રી કાર્ડ હોય તો પછીથી આ પ્રકારનો કોઈ ચાર્જ કંપની વસુલ ના કરી શકે.
#'પછેડી હોય તેટલી જ સોડ તાણવી'
આપણી જુની કહેવત છે કે 'પછેડી હોય તેટલી જ સોડ તાણવી' એટલે કે આપણી જેટલી ત્રેવડ હોય તેટલો જ ખર્ચ કરવો જોઈએ.આ કહેવત ક્રેડિટ કાર્ડ બાબતે બીલકુલ બંધ બેસતી છે.વાસ્તવિકતામાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ખુબ જ ગણતરી પુર્વક કરવો જોઈએ.એટલે કે આપણી જેટલી આવક હોય તે મુજબ જ પહેલેથી દર મહીનાનું બજેટ તૈયાર કરીને તે જ પ્રમાણમાં ખર્ચાઓ કરવા જોઈએ.ક્રેડિટ કાર્ડમાં પૈસા પહેલાં આપવા પડતાં નથી તેથી લોકો આવકનાં પ્રમાણમાં વધારે ખર્ચા કરી બેસે છે અને પછી બીન જરુરી વ્યાજ ભરી ક્રેડિટ કાર્ડ કંપનીઓને નફો કરાવતાં હોય છે.આથી જો શાંતીપુર્વક,કોઈ ટેન્શન વગર જીવન જીવવું હોય તો બને ત્યાં સુધી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ટાળવો.

ગુરુવાર, 21 મે, 2009

શેર ખરીદતા પહેલાં કંપની વિશે પુરતી જાણકારી મેળવી લેવી

શેર ખરીદો અને તમારી મનગમતી કંપનીનાં માલીક બનો

તમે કોઈ કંપનીનાં માલીક બનવાનું સપનું જોયું છે?વાસ્તવિક્તામાં કંપનીની સ્થાપના કરવી અને પછી તેને સારી રીતે ચલાવવી એ ખુબ જ જટીલ કાર્ય છે.પરંતુ તમારે જો આવી કોઈ કંપનીનું માલીક બનવું હોય તો સૌથી સરળ રસ્તો એ છે કે તમને મનગમતી અને સફળ કંપનીનાં શેરની ખરીદી કરવાથી તમે તે કંપનીનાં માલીક બની શકો છો.
જ્યારે કોઈ કંપનીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે તે કંપનીને જુદી-જુદી સ્થાવર મીલ્કતો ખરીદવા માટે રુપીયાની જરુર પડે છે.જેમકે પ્લાન્ટ,મશીનરી,ઓફીસ,વગેરે વગેરે.કંપની નાં સ્થાપકો પોતાનાં હિસ્સા પ્રમાણેની રકમનું તેમાં રોકાણ કરે છે અને તેણે રોકેલાં રુપીયાનાં પ્રમાણમાં તેઓ બજારમાં શેર બહાર પાડી શકે છે.એટલે કે IPO બહાર પાડે છે.જેનાં દ્વારાં લોકો તેમાં રોકાણ કરે છે અને તે રોકાણનાં પ્રમાણમાં તેને કંપનીનાં અમુક શેર મળે છે.આ શેરનું પછીથી શેરબજારમાં ટ્રેડીંગ થઈ શકે છે.જ્યારે તમે કોઈ કંપનીનાં શેર ખરીદો છો ત્યારે તમે તે કંપનીમાં કરેલાં તમારાં રોકાણનાં પ્રમાણ મુજબની માલીકી મેળવો છો.એટલે કે કોઈ કંપની એ ૧૦૦ શેર ઈશ્યુ કર્યાં હોય અને તમારી પાસે તેનો ૧ શેર હોય તો તમે તે કંપનીમાં ૧% ની માલીકી ધરાવો છો તેવું કહી શકાય.અહીં મજાની વાતતો એ છે કે તમારી પાસે કોઈપણ કંપનીનો ૧ શેર પણ હોય તો પણ તમે તે કંપનીનાં માલીક છો તેમ કહી શકાય,આમ જોઈએ તો અઝીમ પ્રેમજી એ વીપ્રો કંપનીનાં માલીક છે કારણ કે તેની પાસે વીપ્રોનાં મોટાભાગનાં શેર છે પરંતુ જો તમારી પાસે વીપ્રો નો ૧ શેર પણ હોય તો તમે પણ વીપ્રોનાં માલીક છો એવું કહી શકાય અને સાથે સાથે તમને કંપનીની વાર્ષીક સામાન્ય સભામાં તમારો મત આપવાનો અધીકાર પણ મળે છે.
કોઈપણ કંપનીનાં શેર ખરીદવાથી તેનાં માલીક તો બની જવાય છે પરંતુ આપણે સાચાં અર્થમાં કંપનીનાં માલીક હોઈએ તે રીતે વિચારીને આપણાં રોકાણ અંગેનાં નિર્ણયો લઈએ તે ખુબ જ જરુરી છે.લાંબાગાળાનાં રોકાણકારો માટે આ હકીકત ખુબ જ નફાકારક સાબીત થઈ છે.ઉદાહરણ તરીકે જોઈએ તો તમારી પાસે રીલાયન્સ નાં શેર છે અને હવે શેર બજારમાં ઘટાડો આવે છે અને રીલાયન્સનાં ભાવો ઘટે છે તો આવાં સમયે મુકેશ અંબાણી શું કરશે?શું તે તેનાં શેર વેંચી અને વધારે નીચો ભાવ થાય ત્યારે ફરીથી ખરીદવાનું વિચારશે?ના,તે તેનાં શેર વેંચશે નહીં પરંતુ નીચા ભાવે મળતાં શેરની હજુ વધારે ખરીદી કરશે કારણકે માલીક તરીકે તે જાણે છે કે કંપની ખુબ સારું કામ કરી રહી છે.કંપનીનું ભવીષ્ય ખુબ જ સારું છે તેથી લાંબાગાળે શેરનાં ભાવો વધવાનાં જ છે તો અત્યારે સસ્તાં ભાવે મળતાં શેર શા માટે નાં ખરીદવાં?પરંતુ આ જ પરિસ્થિતીમાં તમે શું વિચારશો?લગભગ આપણે બધાં જ આવાં સમયે ગભરાઈ જઈને,શેરનો ભાવ ઘટતો હોવાથી હાલમાં શેર વેંચી અને હજુ વધારે સસ્તાં થાય ત્યારે ખરીદવાનું વિચારીએ છીએ પરંતુ આ વિચાર લાંબાગાળાનાં રોકાણકારો માટે યોગ્ય નથી.આવાં સમયે આપણે કંપનીનાં માલીકની જેમ વિચારવું જરુરી છે અને કંપનીની મુળભુત તકાતને ઓળખી ને શેર રાખી મુકવા જોઈએ અને સસ્તાં ભાવે હજુ વધારે શેર ખરીદવા જોઈએ.જ્યારે તમે કંપનીનાં માલીકની જેમ વિચારો છો ત્યારે જ તમે કંપનીનાં લાંબાગાળાનાં વિકાસનો ફાયદો ઉઠાવી શકો છો અને મોટો નફો કમાઈ શકો છો.પરંતુ જો તમે શેર બજારનાં વધારાં - ઘટાડાંને આધારે શેરની લે-વેંચ કરતાં હશો તો તમે ક્યારેય મોટો નફો નહીં મળવી શકો.
એક રસપ્રદ ઉદાહરણ જોઈએ તો આજથી વર્ષો પહેલાં જ્યારે ટાટા સ્ટીલે તેનો શેર ઈશ્યુ બહાર પાડ્યો હતો ત્યારે પારસી રોકાણકારો એ લાંબાગાળાનાં આયોજન રુપે તેમાં ઘણું મોટું મુડી રોકાણ કર્યું હતું.તે વખતે ટાટા સ્ટીલ એક નાની કંપની હતી પરંતુ આજે ટાટા સ્ટીલ ભારતની સૌથી સારી કંપનીઓમાંની એક છે અને તે પારસી રોકાણકારોનાં વારસદારો આજે કરોડપતિ બની ગયાં છે.
આમ, કોઈપણ કંપનીનાં શેર ખરીદતાં પહેલાં તે કંપનીનાં ધંધા વિશે,તે ધંધાનાં ભવિષ્ય વિશે વિચારવું જોઈએ તેમજ તે કંપનીનાં પ્રમોટરો કોણ છે તે વિશે પુરે પુરી જાણકારી મેળવીને અંતે તમે તે કંપનીનાં માલીક બનવાનું વિચારીને લાંબાગાળા માટેનું રોકાણ કરશો તો તમારું નાનું રોકાણ પણ કરોડોનું બની શકે છે.હેપ્પી ઈન્વેસ્ટીંગ.

શનિવાર, 11 એપ્રિલ, 2009

ડિબેન્ચર વિશે સરળ સમજણ / ડિબેન્ચર નાં વિવિધ પ્રકારો

ડિબેન્ચર એટલે શું?
ડિબેન્ચર એ ફીકસ્ડ ડિપોઝીટ જેવું જ દેવાનું એક સાધન છે.તે સામાન્ય રીતે કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવે છે.ડિબેન્ચરમાં રોકાણ કરવાથી કંપની નક્કી કરેલાં સમયગાળા દરમિયાન નિયત વ્યાજ આપે છે અને ડિબેન્ચર ની અવધી પુરી થાય એટલે મુદલ રકમ પરત મળે છે.
ડિબેન્ચર VS. FD
ડિબેન્ચર અને FD વચ્ચેનો મુખ્ય તફાવત તરલતા (લીક્વીડીટી) છે.શેર ની જેમ જ ડિબેન્ચરનું માર્કેટ માં ટ્રેડીંગ થઈ શકે છે તેથી જ્યારે જરુરીયાત હોય ત્યારે ડિબેન્ચર નું માર્કેટમાં વેચાણ કરી રોકડામાં રુપાંતર કરી શકાય છે એટલે કહી શકાય કે ડિબેન્ચર ખુબ જ તરલતા ધરાવતું રોકાણ સાધન છે.તેનાંથી વિરુધ્ધ FD એ અમુક નિયત સમયગાળાનું રોકાણ છે એટલે કે નિયત અવધી પુરી થાય પછી જ FD વટાવી શકાય છે આમ,FD ની તરલતા ખુબજ ઓછી છે.
સલામત (Secure) ડિબેન્ચર અને અસલામત (Non-Secure) ડિબેન્ચરઃ
#સલામત ડિબેન્ચરઃ

આ પ્રકારનાં ડિબેન્ચર માં જે મુડી રોકાણ કરેલું હોય તેની સામે કંપની પોતાની મિલ્કતનો તેટલો હિસ્સો જામીનગીરી રુપે આપે છે.એટલે કે જો તે કંપની બંધ થઈ જાય અથવા તો ફડચા માં જાય તો તેની મિલ્કતનાં વેચાણમાંથી મળતી રકમ નો સૌ પ્રથમ હીસ્સો સલામત ડિબેન્ચર ધારકો ને આપવામાં આવે છે.ત્યાર બાદનો બાકી વધતો હીસ્સો સલામત લેણદારો ને ત્યાર પછી અસલામત લેણદારો ને અને શેરધારકો ને ચુકવવામાં આવે છે.કંપની FD કરતાં સલામત ડિબેન્ચર વધારે સલામત છે કારણ કે કંપની FD સામે કંપની ની મીલ્કત ની જામીનગીરી આપવામાં આવતી નથી આથી જો કંપની ફડચામાં જાય તો સૌથી પહેલું ચુકવણું સલામત ડિબેન્ચર ધારકોને કરવામાં આવે છે ત્યાર બાદ કંપની FD ધારકો ને ચુકવાય છે.અહીં એક વાત ખાસ નોંધનીય છે કે બેંક FD પણ સંપુર્ણ સલામત રોકાણ નથી.
#અસલામત ડિબેન્ચરઃ
અસલામત ડિબેન્ચરમાં કંપની દ્વારાં તેની મીલ્કતની જામીનગીરી રુપે રક્ષણ અપાતું નથી તેથી કંપની જો ફડચામાં જાય અથવાતો બંધ થાય તો તેની મીલ્કતનાં વેચાણ માંથી પ્રાપ્ત થતી રકમનૉ પહેલો હીસ્સો સલામત ડિબેન્ચર ધારકો ને ચુકવાય છે ત્યાર બાદ સલામત લેણદારો ને અને પછી વધતો હીસ્સો અસલામત ડિબેન્ચર ધારકો તેમજ શેરધારકો ને ચુકવાય છે.
ડિબેન્ચરનાં પ્રકારો
#પરિવર્તનશીલ(Convertible) ડિબેન્ચર:
આ પ્રકારનાં ડિબેન્ચરમાં ડિબેન્ચરને શેરમાં રુપાંતર કરવા માટેનો વિકલ્પ આપવામાં આવે છે.કંપની દ્વારાં અગાઉ થી નિયત થયેલી તારીખ પર તેમજ અગાઉ થી નક્કી થયેલ ભાવે ડિબેન્ચરનું શેરમાં રુપાંતર કરી શકાય છે.આ પ્રકારનાં ડિબેન્ચરનો મુખ્ય ફાયદો એ છે કે જો કંપની સારી પ્રગતી કરે અને જો તેનાં શેરનાં ભાવો માં વધારો આવે તો પણ ડિબેન્ચર ધારકો અગાઉ થી નક્કી થયેલાં ભાવે ડિબેન્ચરનું શેરમાં રુપાંતર કરી ધુમ નફો કમાઈ શકે છે.
#અપરિવર્તનશીલ (NonConvertible)ડિબેન્ચરઃ
આ પ્રકારનાં ડિબેન્ચર પરંપરાગત FD જેવું વલણ ધરાવે છે એટલે કે આ પ્રકારનાં ડિબેન્ચરનું શેરમાં રુપાંતર થઈ શકતું નથી પરંતુ પાકતી મુદતે મુદલ રકમ પરત મળે છે.
#અંશતઃપરિવર્તનશીલ(Partly Convertible)ડિબેન્ચરઃ
આ પ્રકાર એ પરિવર્તનશીલ અને અપરિવર્તનશીલ ડિબેન્ચરનું મીશ્ર સ્વરુપ છે.રોકાણ નાં અમુક ભાગનું શેર માં પરિવર્તન થઈ શકે છે અને બાકી નો ભાગ પાકતી મુદતે પરત મળે છે.
ક્રેડીટ રેટીંગઃ
દેવાં સાધનોની ગુણવતા ચકાસણીનું કામ ક્રેડીટ રેટીંગ એજન્સીઓ કરે છે.ભારતમાં ક્રીશીલ,ઈકરા,કેર જેવી ક્રેડીટ રેટીંગ એજન્સીઓ કાર્યરત છે.વ્યાજ તેમજ મુદલની પરત ચુકવણી નો આધાર કંપની નાં પ્રદર્શન પર છે તેમજ જોખમ નો આધાર કંપની ની કામગીરી પર રહે છે.ક્રેડીટ રેટીંગ એજન્સીઓ કંપની નો પુરે પુરો અભ્યાસ કર્યા પછી તેને રેટીંગ ની ફાળવણી કરે છે જેનાં આધારે કંપની ની ગુણવતા માપી શકાય છે.આમ, ડિબેન્ચરમાં રોકાણ કરતાં પહેલાં કંપનીનાં રેટીંગ નો સંપુર્ણ અભ્યાસ કરવો હિતાવહ છે.
'પુટ' અને 'કોલ' નો વિકલ્પઃ
ડિબેન્ચર માં 'પુટ' અને 'કોલ' નો વિકલ્પ આપવામાં આવે છે.'પુટ' નો વિકલ્પ લેવાંથી તમે જ્યારે ઈચ્છો ત્યારે ડિબેન્ચર સરેન્ડર કરી તમારી રકમ પરત મળવી શકો છો.જ્યારે 'કોલ' નો વિકલ્પ લેવાંથી કંપની જ્યારે ઈચ્છે ત્યારે તમારાં ડિબેન્ચર સરેન્ડર કરાવી તમારી રકમ પરત કરી શકે છે.'પુટ'નો વિકલ્પ રોકાણકારો માટે ફાયદારુપ છે.જ્યારે બજારમાં વ્યાજનાં દરો ઉંચા હોય ત્યારે તમે ડિબેન્ચર શરણે કરી તમારી મુડી નું ઉંચું વ્યાજ આપતાં સાધાનોમાં રોકાણ કરી શકો છો.જ્યારે 'કોલ' નાં વિકલ્પમાં કંપની ને ફાયદો રહે છે.બજારમાં ઓછાં વ્યાજે ધિરાણ મળતું હોય ત્યારે ડિબેન્ચર સરેન્ડર કરાવી કંપની ઓછાં વ્યાજનું ધિરાણ મેળવી શકે છે.
ડિબેન્ચરનું શેરબજારમાં લીસ્ટીંગઃ
શેરની જેમજ ડિબેન્ચરનું પણ શેરબજારમાં લીસ્ટીંગ થાય છે.આ પ્રકારનાં ડિબેન્ચરમાં તમે ડિબેન્ચર પાકવાની રાહ જોયા વગર સમય મર્યાદા કરતાં પહેલાં પણ બજારમાં વેંચી રકમ પરત મેળવી શકો છો.
વ્યાજનાં દરોઃ
ડિબેન્ચરમાં રોકાણ સામે મળતાં વ્યાજનાં દર ને કુપન રેટ કહે છે.સામાન્ય રીતે આ વ્યાજનાં દરો બજારમાં પ્રવર્તમાન દરો જેટલાં જ હોય છે.તેમ છતાં રોકાણકારો નેઆકર્ષવા માટે અમુક કંપનીઓ ઉંચા વ્યાજનાં દર ઓફર કરતી હોય છે.ખાસ કરી ને પરિવર્તનશીલ ડિબેન્ચરમાં ડિબેન્ચરને શેરમાં રુપાંતર કરવાનો વિકલ્પ હોવાથી તેનાં વ્યાજનાં દર પ્રમાણમાં ઓછાં હોય છે.
મુદતઃ
સામાન્ય રીતે ડિબેન્ચરની અવધી ૩ થી ૭ વર્ષની હોય છે.
ઈન્કમટેક્ષઃ
ડિબેન્ચર એ દેવાંનું સાધન છે.ડિબેન્ચર પર મળેલાં વ્યાજ ને બેંક FD ની જેમ જ તમારી વધારાંની આવક તરીકે ગણવામાં આવે છે અને તેનાં પર ઈન્કમટેક્ષ લાગુ પડે છે.ડિબેન્ચર એ કેપીટલ એસેટ છે એટલે તમે જો ડિબેન્ચરનું એક વર્ષ પહેલાં વેચાણ કરો તો તેનાં પર શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ લાગુ પડે છે તેજ રીતે એક વર્ષ પછીનાં સમયગાળાં માં વેચાણ કરો તો તેનાં પર ૧૦% લેખે લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ લાગુ પડે છે.