શુક્રવાર, 1 એપ્રિલ, 2022

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ : કુછ બાત હૈ કી હસ્તી મિટતી નહીં હમારી

 યુનાન,મિશ્ર ઔર રોમ સબ મિટ ગયે જહાં સે,અબ તક મગર હે બાકી નામો-નીંશા હમારા,

સદીયો સે રહા હે દુશ્મન દૌરે જહાં હમારા, મગર કુછ બાત હે કી હસ્તી મિટતી નહીં હમારી.

કવિશ્રી ઇકબાલની આ પંક્તિઓ હિન્દુસ્તાનના ભવ્ય સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે. ઇતિહાસવિદો અને સંશોધકોના અભ્યાસ મુજબ હિંદુ આર્ય સંસ્કૃતિ એ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે.જે આજે પણ જીવંત છે અને જીવંત રહેશે. હજારો વર્ષોમાં હિન્દુસ્તાન ઉપર અનેક વખત આક્રમણો થયા. વર્ષો સુધી અનેક વિદેશીઓએ શાશન કર્યું તથા જુદાં જુદાં ધર્મનાં અનેક શાશનકર્તાઓએ રાજ કર્યું હોવા છતાં પણ ભારત તેનાં સાંસ્કૃતિક અને ધાર્મિક વારસા સાથે આજે પણ અડીખમ ઉભું છે. 'કુછ બાત હે કી હસ્તી મીટતી નહીં હમારીતેની પાછળનું રહસ્ય શું છે ? તો તેનો જવાબ છે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’.

આપણી સંસ્કૃતિ એ જ આપણાં અસ્તિત્વનો મુખ્ય આધાર છે અને તેથી જ આપણાં રાષ્ટ્રવાદને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદકહેવામાં આવ્યો છે. ભારત દેશ સંસ્કૃતિ પ્રધાન દેશ છે. આપણી સંસ્કૃતિ એક વિશ્વના ભાવ સાથે જોડાયેલી છે. જે રીતે આત્મા વગરનું શરીર નકામું થઇ જાય છે તે જ રીતે સંસ્કૃતિ વગરનો દેશ નિષ્પ્રાણ થઇ જાય છે.પશુ-પક્ષી,જીવ-જંતુ,વૃક્ષો,નદી,પહાડ,સૂર્ય-ચંદ્ર એમ પ્રકૃતિના તમામ ઘટકો સાથેના સહઅસ્તિત્વનો સ્વીકાર તેમનાં પૂજન અને રક્ષણ તથા બધા પ્રત્યે ઉદારતા,સંવેદનશીલતા,માનવતા અને સહિષ્ણુતા એ આપણો સાંસ્કૃતિક વારસો છે. ભારતમાં બૌદ્ધ,ઈસાઈ,મુસ્લિમ,પારસી,જૈન વગેરે જેવા અનેક ધર્મના લોકો રહે છે. બધાની જ્ઞાતિ-જાતી તથા ધર્મ અલગ અલગ છે પરંતુ બધાની સંસ્કૃતિ એક જ છે.

આ પ્રકારની સંસ્કૃતિનું નિર્માણ એ હજારો-લાખો વર્ષોની તપશ્ચર્યાનું પરિણામ છે. હિંદુત્વ એ ભારતની મૂળ સંસ્કૃતિ છે. વિદેશી વિચારોથી પ્રભાવિત સંકુચિત માનસિકતા ધરાવતા કેટલાંક તત્વો હિંદુત્વને ધર્મના દાયરામાં સીમિત બનાવવાનો વર્ષોથી પ્રયાસ કરી રહ્યાં છે.વાસ્તવમાં હિંદુત્વનો વિચાર સર્વગ્રાહી વિચાર છે. હિંદુત્વ સમગ્ર વિશ્વને સાચો માર્ગ બત્તાવવા સક્ષમ છે. હિંદુત્વ એ જ ભારત અને ભારત એ જ હિંદુત્વ અને હિંદુત્વ એ જ ભારતનો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદછે.

૧૮૫૭ પછી અંગ્રેજોને સમજાયું કે ભારતની રાષ્ટ્રભાવનાનો આધાર રાજનૈતિક નથી પરંતુ તેનો આધાર સાંસ્કૃતિક છે. ૧૮૫૭ની લડાઈમાં ભારતીયોએ પંથ,સંપ્રદાય,ધર્મ તથા જાતિથી ઉપર ઉઠીને માતૃભૂમિની રક્ષા માટે બ્રિટીશ શાશનને પડકાર ફેંક્યો હતો.અંગ્રેજો ત્યારથી સમજી ગયા હતા કે ભારતની સાંસ્કૃતિક એકતા અને પ્રખર રાષ્ટ્રવાદને લીધે તેના પર સીધી રીતે વિજય મેળવવો અસંભવ છે. તેથી અંગ્રેજોએ તેની નીતિઓ બદલી ભારતની સાંસ્કૃતિક એકતાને ખંડિત કરવાના રસ્તાઓ અપનાવ્યા. બ્રિટીશનીતિઓનો ધ્યાનથી અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે હિન્દુત્વની સીમિત વ્યાખ્યા એ અંગ્રેજોની કુટનીતિની દેન છે. ભારતીય જનમાનસના ધર્મના આધારે ભાગલા પાડ્યા બાદ અંગ્રેજોએ ભારતની શિક્ષા પ્રણાલી અને અભ્યાસક્રમમાં પણ બહુ મોટા ફેરફારો કર્યા તેમજ પારંપારીક ભારતીય ભાષા,કળા-કૌશલ્ય,રીત રીવાજો,ખોરાક પદ્ધતિ તથા ઉદ્યોગોને પણ નાબુદ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા. ભારતીયોના મનોબળને દરેક રીતે તોડવાના પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેમાં તેમને સંપૂર્ણ સફળતા ક્યારેય મળી નહીં.

દમનકારી બ્રિટીશ શાશનની સામે ક્રાંતિકારી આંદોલન પણ સક્રિય થયું હતું પરંતુ તેમાં પણ કોઈ જ્ઞાતિ-જાતી કે ધર્મનો ભેદભાવ નહોતો.પરાધીન ભારતના જનમાનસમાં નવચેતનાનો સંચાર કરવા તેમજ રાષ્ટ્રીય પુર્નજાગરણ માટે રાજા રામમોહન રાય,સ્વામી વિવેકાનંદ,લોકમાન્ય તિલક,મહર્ષિ અરવિંદ જેવા મહાનુભાવોએ અથાગ પ્રયત્નો કર્યા.આ બધાનું લક્ષ્ય હતું માતૃભૂમિની સ્વતંત્રતા અને તેમનું રાષ્ટ્રગાન હતું વંદેમાતરમ. આ જ મંત્ર સાથે દેશના સૈંકડો યુવાનોએ સ્વરાજ્ય માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું.

ભારતમાં સીમાઓના આધારે રાજનૈતિક રાષ્ટ્રીયતાનો વિચાર આઝાદી મળ્યા પછીનો છે.આઝાદી પહેલાં દેશમાં ૨૦૦ વર્ષ સુધી અંગ્રેજોનું શાશન રહ્યું પરંતુ આખા દેશ પર તેમનો રાજનૈતિક એકાધિકાર નહોતો.વિદેશનીતિ,સરંક્ષણ,મુદ્રા વગેરે જેવી બાબતો તેમની પાસે હતી પરંતુ શાશન તેમના સિવાય ૬૦૦ જેટલાં રજવાડાંઓ,જમીનદારો તથા ગીરાસદારો પાસે હતું. અલગ અલગ રાજ્યો હોવા છતાં આ તમામ શાશકોએ ભારતનો એક રાષ્ટ્ર તરીકે સ્વીકાર કર્યો.સીમાઓથી આ રાજ્યો અલગ હતા પરંતુ સંસ્કૃતિથી બધા એક હતા.જેને આપણે અખંડ ભારત તરીકે પણ ઓળખીએ છીએ.

રાષ્ટ્ર પ્રત્યે અપ્રતિમ સમર્પણ એ ભારતીય સંસ્કૃતિની અનોખી દેન છે.ભારતનું નિયમન તેની સંસ્કૃતિ કરે છે,રાજનીતિ ક્યારેય રાષ્ટ્રનો આધાર બની શકી નથી.રાષ્ટ્ર એક સાંસ્કૃતિક એકમ છે અને રાષ્ટ્રીયતા તેનો પ્રાણ છે. ભારતમાં શાશન વ્યવસ્થા હંમેશા સંસ્કૃતિના જતન માટેનું ઉપકરણ બની રહી છે.જયારે જયારે શાશનકર્તાઓએ સંસ્કૃતિ વિરોધી ભૂમિકા અપનાવી છે ત્યારે જનતાએ તે શાશનકર્તાઓને બદલવામાં જરાપણ વિલંબ નથી કર્યો.

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ એ આપણી રાષ્ટ્રીયતાનો પાયો છે.વિવિધતામાં એકતા તેનો આધાર છે.અલગ ધર્મ,અલગ જ્ઞાતિ,અલગ પ્રાંત,અલગ ભાષા,અલગ ખોરાક હોવા છતાં આપણી એક સંસ્કૃતિ,એક વિચાર,એક મુલ્યો,એક માન્યતા,એક ભારત એ જ આપણો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે.આઝાદીના સાડા સાત દશકા પછી આજે પણ આપણે આ ભાવના ટકાવી રાખવાની આવશ્યકતા છે કારણકે પોતાની સતાભૂખ સંતોષવા માટે કેટલાંક રાજકીયપક્ષો અંગ્રેજોની નીતિ અપનાવી આપણને પ્રાંતના નામે,ધર્મનાં નામે,જ્ઞાતિ-જાતીના નામે અલગ પાડી આપણાં સાંસ્કૃતિક વારસાને નષ્ટ કરી ફરીથી દેશ ને ટુકડાઓમાં વહેંચી રાજ કરવા માંગે છે.ત્યારે ફરીથી આપણાં દેશના ટુકડા ન થાય તે માટે આપણાં સાંસ્કૃતિક વારસાને યાદ કરી રાષ્ટ્રના પુનઃનિર્માણ માટે કાર્યરત રાષ્ટ્રવાદી શક્તિઓને સાથ આપી અખંડ ભારતના નિર્માણમાં સહયોગી બનીએ તે જ અભ્યર્થના. ભારત માતા કી જય વંદેમાતરમ.